ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 2


(આ યાત્રાનો પ્રથમ ભાગ વાંચવા અહીં ક્લિક કરો)

હીથર સ્ટૂપની એક કવિતામાં આવતું મિત્રનું વર્ણન મને ગીર તેની પ્રગાઢ શાંતિ અને સ્થિરતા સાથે એક મિત્ર તરીકે તદ્દન બંધબેસતું લાગે. એ કહે છે, –

Because existence can become
severe in one day,
just sense me and I’ll be there.
In the mind’s eye, I’m not so far away.
If you hold out your hand, in the whispers,
I’ll become the zephyr and besiege you.
If your eye’s upon the stars in the crystalline darkness,
I’ll become the moon and the light shall guide you.
If you rest upon the ground, in the warmth,
I’ll become the grass and embrace you.
If you turn outside, in the wetness,
I’ll become the rain.
An upon your forehead, kiss you.
If you free the air, in the light of day,
I’ll become the sun and smile for you.
Between the miles – if you need me.

Click here to view full album

એકલતામાંથી સ્નેહથી અને ઉલ્લાસથી ભર્યાભાદર્યા ઘરમાં જઈએ ત્યારે કેવી મજા આવે? જાણે આપણી સઘળી ચિંતાઓ કોઈએ લઈ લીધી ન હોય, અને એ ભાર હટતાંજ આપણું અસલ સ્વરૂપ બહાર આવી જાય. હીધર સ્ટૂપ જેમ જાણે કુદરત કહેતી હોય, કે જોવા માટે તો ઘણું છે, સવાલ છે તારી દ્રષ્ટિનો, તારી નજર શું જુએ છે? આપણે જેને દ્રષ્ટિભ્રમ કહીએ છીએ એ ખરેખર દ્રષ્ટિભ્રમ હોતો નથી, મારા મતે એ મનભ્રમ હોય છે, આપણું મન એ વસ્તુને કે વ્યક્તિને જોવા માંગે છે, ઝંખે છે. અને ઉત્કટતાથી ઝંખેલી વાતો હકીકતના વાઘા પહેરીને આપણી સામે આવે એનાથી મંગલપ્રસંગ બીજો કયો હોય? દાસી જીવણે કદાચ આવા આનઁદને જ વર્ણવવા કહ્યું છે, “રોમે રોમે રંગ લાગી રિયો તો‚ નખ શીખ પ્રગટયા નૂર… પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…” મને યાદ આવ્યો શ્રી હેમંત ચૌહાણનો ભક્તિસભર અવાજ, તલગાજરડામાં ૨૦૦૯માં સંતવાણી એવોર્ડ વખતે રાત્રે ત્રણેક વાગ્યે હેમંતભાઈએ ગાવાનું શરૂ કરેલું, અને એ ગીત મેં કેટલાય દિવસ સુધી ગણગણ્યું હતું. આપણા ભજનો, પ્રભાતિયાનું આવું જ છે, ધારો એટલા અર્થો નીકળી શકે. વાત ફરી દ્રષ્ટિની જ આવે. જંગવડમાં બાપુ પાસે બેસીએ ત્યારે કોઈ ચિંતા કે નાહકના ઉદ્વેગો શમી જાય. જગ્યાનો કે પાસેની વ્યક્તિની આભાનો પ્રભાવ ચોક્કસ પડતો હોવો જોઈએ.

જંગલમાં કાયદાઓ અને અંદર વસતા લોકોને બહાર વસાવવા થઈ રહેલા પ્રયત્નો વિશે વાત ચાલી. મૂળૂભાઈ તેના વિરોધી, તો બાપુ ઈશ્વર તે વિચારીને જ કરાવતો હોય એમ સમજાવતા રહ્યાં. બાપુ કહે, “બધી વસ્તુની મરજાદ હોય ન્યાં લગી હારૂ લાગે, તમે ઈની મરજાદ તોડો તો પછી કોય તમારી મરજાદ ન રાખે ને પસી કોય કોયના નય.” જંગલની અંદર વસતા લોકોને સરકાર દ્વારા અંદર નેસમાં આવવા જવા માટે પરવાનગીના પાસ અપાયા છે, એટલે ત્યાં પરવાનગી વગર જવું અશક્ય છે, મૂળૂભાઈ કહે, “મારી ઈ જનમભોમકા, અમે ન્યાં ર્યા, નાનેથી મોટા થ્યાં, આટલા વરહ માલ સરાયવા, ને પસી ભણવા રાજુલા આવીને ર્યા, હવે કો’ક અમને અમારે ગામ, નેહમાં જાતા રોકે, તો કેમ હાલે? બધાંય ગામ છોડીને શે’રમાં કમાવા નથ જાતા? ઈ બધાંયને જે’દી એના ગામમાં જાવાની મનાય કરો તે દી’ અમને કે’જો, અમે નેહમાં નય જાયે.” જો કે મૂળૂભાઈ પાસે તો નેસનો પાસ છે, પણ તેમનો પુણ્યપ્રકોપ એવા અન્ય લોકો માટે હતો જે સંત ફકીર છે, અને તેમને પણ તેમના સ્થાનોએથી ઉવેખીને વનની બહાર રહેવાની ફરજ પડાય છે. ગીર કાંઈ સિંહ કે સૌથી વધુ મગરની વસ્તી માટે જ પ્રખ્યાત નથી, એ તો ઉત્ક્રાંતિવાદની જીવતી જાગતી કડી છે, માનવના વન્યજીવન સાથેના સામંજસ્યભર્યા જીવનની એ અનોખી બારી છે, એ બારીમાંથી જોતાં આપણને આપણી મૂળભૂત પ્રકૃતિ દેખાય, કહો કે આપણું અસ્સલ પ્રતિબિંબ દેખાય, એવામાં કોઈ એ બારી બંધ કરવાનો પ્રયત્ન કરે તો એ ન સાંખી લેવાય એવું એમનું કહેવું હતું.

જો કે મારો દ્રષ્ટિકોણ એવો છે કે ગીર આપણી પાસે સચવાઈ રહેલી અનોખી સંપદા છે, એ કોઈના પ્રયત્ને જળવાઈ નથી, કુદરતની પોતાની મરજીથી એ સજીવ છે, આપણી મરજી ચાલતી હોત તો ગીરની હાલત પણ ડાંગના જંગલો જેવી થાત. અભ્યાસમાં ભણતાં ત્યારે ડાંગમાં ઘનઘોર જંગલો હતાં, અને અભ્યાસ પછી હવે કેટલા રહ્યાં છે એનો હિસાબ કરવો પડે એવી સ્થિતિ રહી છે. આ સજીવસૃષ્ટિને કનડવા જેવી નથી, એ એક કડીબદ્ધ શૃંખલા છે. હા, શિકારીઓ અને અસામાજીક તત્વો કે જંગલને હાનિકર્તા લોકોને તમે રોકો છો, એ ઉત્તમ વાત છે, અને આવી સુરક્ષાપ્રણાલી એ તો દરેક સભ્ય સમાજની આગવી જરૂરત છે, જંગલમાં તેની વધારે જરૂરત હોય એમ પણ બને. પણ તમે જ્યારે માણસને જંગલમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો વિચાર કરો ત્યારે એ પચાવવો થોડોક મુશ્કેલ બને. વનરક્ષકો કે ફોરેસ્ટરો આ વનને જીવથી વધુ ઓળખતા હોય છે, એમાંના કેટલાકને હું સદનસીબે ઓળખું છું. જંગલ પ્રત્યેનો, ફક્ત જંગલ નહીં, એ વિસ્તારની જડ ચેતન સમગ્ર સૃષ્ટિનો તેમને પળેપળ ખ્યાલ હોય છે. વન તેમના શ્વાસમાં ધબકે છે. તેમની સાથે મારી દર વખતે એક જ વાત રહી છે, આપણે સિહ કે ચિત્તા જેવા વન્યપ્રાણીઓની કેટલી સુરક્ષા કરીએ છીએ? ખુલ્લા કૂવામાં પડીને દર વર્ષે મૃત્યુ પામતા સિંહોની સંખ્યા કેટલી હશે? જંગલ બહાર નીકળીને આસપાસના ગામોમાં ભટકતા સિંહો વિશે શું? અરે છેક રાજુલા પાસે આવેલા ભેરાઈ – રામપરા સુધી સિંહોના પરિવારો જોવામાં આવ્યા છે, અને એ પણ અલ્લક દલ્લક નહીં, છ ને સાતની સંખ્યાઓમાં, સિંહ, સિંહણ અને બચ્ચાંઓ સહિત, સતત મહીનાઓ સુધી. એક દલીલ એમ પણ થાય છે કે ગીરમાંથી માલધારીઓને કાઢવામાં આવશે તો ગાય ભેંસ જેવા જાનવરોને અભાવે સિહોની વસ્તી પર પણ અસર પડશે. પણ એ બધી કારણ વગરની ને ન ચર્ચવા જેવી વાતો છે, હું કહું છું માલધારીઓ અને નેસવાસીઓ ગીરનો પ્રાણ છે, એ ફક્ત લોકો નથી, આપણી સચવાઈ રહેલી પેઢીઓ જૂની સંસ્કૃતિ છે. એમને તમે હટાવશો? પણ બાપુ ઉપર આંગળી ચીંધીને કહે, “ઈ બધુંય એની મરજીયે થાય. આપણે અમથા શેં દલીલો કરવી?”

નહાઈને આવ્યા અને પાછી ચા પીવાની વાત બાપુએ કરી, અને અમારે ના પાડવાનો તો સવાલ જ નહોતો, એટલે બચેલા દૂધને પણ અમે પચાવી ગયાં. દૂધના માવાની થાબડી પણ બાપુએ અમને આપી, અને એ પ્રસાદ ખાધા પછી આગળનો કાર્યક્રમ વિચારવામાં અમે લાગી પડ્યા. ચીખલકૂબા રોકાવું, કે તુલસીશ્યામ જવું, કે સતાધાર રોકાવું એ વિશે ખૂબ દલીકો થઈ, આમ હશે તો આમ થશે અને તેમ હશે તો તેમ એવું ઘણુંય થયું. અંતે તુલસીશ્યામ રહેવાનું નક્કી કરી અમે બાપુની વિદાય લીધી, બધાં પગે લાગ્યા ત્યારે બાપુ “ખુશ રહો” એમ માથે હાથ ફેરવીને કહેતા રહ્યાં. ફરી નદી પસાર કરી, ચીખલકૂબાથી ગાડીમાં બેસી, અમે તુલસીશ્યામ તરફ જવા નીકળ્યા.

રસ્તે જતાં મૂળૂભાઈ કહે, અમારો નેસ આ કેડે જ આગળ આવ્યો. ચાલો ચા પીતા આવીએ અને રાજીબેનને મળતા આવીએ. રાજીબેન મૂળૂભાઈના મોટા બેન. તેઓ અને તેમના પતિ આતાભાઈ આ બોરડીનેસમાં રહે, એમના જેવાં જ બીજા પાંચેક ખોરડાં હશે અહીં, અહીં ઘરને ઘર નથી કહેવાતું, ઘરમાં વસતા લોકોના સમૂહને કુટુંબ નથી કહેતા, ખોરડાં કહે છે, અને એટલે જ આ નાનકડા ગામને ગામ નહીં, નેસ કહે છે. મારું ચાલે તો હું શબ્દકોશમાં ‘નેહ’ નું અપભ્રંશ થઈને ‘નેસ’ થયું હશે એમ લખાવું. કારણકે સૌરાષ્ટ્રની મહેમાનતગતીનો સૌથી ઉંચો અનુભવ એટલે ગીરના લોકો. અમે તે રસ્તે ગાડી વાળી અને રસ્તામાં અન્ય એક નેસ જોયો, આગળ વધતાં ગયા અને લીલોતરી વધતી રહી, વિપુલભાઈ તો આ વન – અરણ્ય જોઈને અભિભૂત થઈ ગયાં, તો વિનયભાઈ અને બેલાબહેનની પણ આવી જ સ્થિતિ. અમે, હું ને માયાભાઈ તો જાણે બાળક માતાના ખોળામાં ફરી રમવા આવ્યું હોય એમ આનંદિત થઈ ગયાં ને મૂળૂભાઈમાં વર્ષો પછી ઘરે પાછા ફરતા હોય એવો ઉમંગ દેખાયો.

પંદરેક કિલોમીટર પછી દૂરથી ઝૂંપડું દેખાયું, અને પાસે પહોંચી એક વડની છાયામાં અમે ગાડી પાર્ક કરી. ગાડીમાંથી ઉતરીને હજુ સામાન ભેગો કરતા હતાં કે અમારા ડ્રાઈવર કહે, “ગાડીમાં પંચર છે.” ટાયર સપાટ થઈ રહ્યું હતું, જો કે રસ્તામાં આવું ન થયું એ સારુ થયું એમ વિચાર્યું, પણ પછી થયું, સાંજના સાત થયા છે, અહીં પહોંચવામાં જ અમને બે કલાક ઉપર થઈ ગયાં હતાં, ધાર્યા કરતા ઘણો વધારે સમય. વળી સ્ટેપની ટાયર ભાવનગરથી મહુવા આવતા વચ્ચે પડેલા પંચર દરમ્યાન બદલી લીધેલું, ને પછી ક્યાંય તેમણે પંચર કરાવેલું નહીં. ખરેખરી મૂંઝવણ થઈ. શું કરવું?

વિચારોમાં ને વાતો કરતાં અમે નેસમાં ગયાં. આવામાં બધો પ્રોગ્રામ નસીબ જ કરતું હોય છે એવી મારી વનભ્રમણ દરમ્યાનના અનુભવો ને સજ્જડ માન્યતાએ મને ચિંતામુક્ત રાખ્યો. રાજીબહેન મૂળૂભાઈને જોઈને રાજી રાજી થઈ ગયાં. અમે પણ “સીતારામ” કર્યાં. બે પાંચ મિનિટ થઈ હશે ત્યાં ભેંસના ઝોકની બરાબર સામે સીંદરી ગૂંથેલા ખાટલા પથરાવા લાગ્યા. એના પર ગોદડા ને ઓશીકા આવ્યા. ધોળા દૂધ જેવા સરસ સફેદ અને સ્વચ્છ ગોદડા જોઈને પગ મૂકવાની ઈચ્છા ન થાય, તો ઓશીકાના ભરેલા ખોરીયા જોઈને બેલાબહેન રાજી થઈ ગયાં. વિપુલભાઈનો કેમેરો ફરી ઝળક્યો અને ઓશીકાને કંડારી ગયો. ખાટલાઓ પર અમે લંબાવ્યું. મૂળૂભાઈ પાણી લઈ આવ્યાં, અમે હાથ પગ ધોયા એટલી વારમાં તો રાજીબેને ચા બનાવી દીધી. અમે આવ્યા ત્યારે તેઓ ભેંસ દોહી રહ્યાં હતાં, એટલે તાજા દૂધની ચા પીવા મળી. તેઓ ફરી દોહવાના કામે લાગ્યા. અમે વિચારતા હતાં કે શું કરીશું, ત્યાં વિપુલભાઈ કહે, “આપણે રાત અહીં ન રોકાઈ શકીએ?” મેં કહ્યું, “બીજો કોઈ ઉપાય છે?” જો કે આ શબ્દો મજબૂરીના નહીં, આનંદના અગાધ સાગરમાં તરવા મળવાનું હતું તેના હતાં. બધાંએ ભેગા થઈને સર્વાનુમતે નક્કી કર્યું કે રાત અહીં જ રોકાઈ જઈએ.

રાજીબહેને અમારા બધા માટે જમવાનું બનાવવાનું નક્કી કર્યું, તો અમે બે ટોર્ચ લઈને નદીકિનારે ‘ફ્રેશ’ થવા ગયા. વારાફરથી બધા જઈ આવ્યા ત્યાં સામેથી આતાભાઈ આવતા દેખાયા. માલને ચરાવીને પાછા વાળતા તેઓ જ્યારે નેસમાં પહોંચ્યા ત્યારે રાજીબહેને તેમને અમારા વિશે કહ્યું, એટલે તેઓ ખેતરમાં વપરાય તેવી મોટી બેટરી અને તેમની સાથે કાયમ રહેતો તેમનો દંડીકો લઈ અમારી સુરક્ષાના હેતુથી અમારી પાસે આવ્યાં. હું અને વિનયભાઈ અમારી આસપાસ વિસ્તરેલા જંગલ અને ઘેરાઈ રહેલા અંધકારને જોઈ રહ્યાં હતાં, આગિયા અને તમરાઓ વિશે વાત ચાલતી હતી, આતાભાઈને રામરામ કરીને અમે બધાં ફરી તેમની સાથે નેસ તરફ આવ્યા. નેસમાં આવી ખાટલાઓ પર લંબાવ્યું, બોરડી નેસના આસપાસના બધાં ખોરડાઓના પુરૂષો ત્યાં અમારું સ્વાગત કરવા ઉભા હતાં. મારી ખુશીનો તો પાર ન મળે, અરે અમે તો વણનોતર્યા, ખરેખર અ-તિથિ અતિથિ, બધાંને રામરામ કરી અમે ખાટલે બેઠાં. તેમાંથી એક ભાઈએ પહેરણના ખીસ્સામાંથી ટીમરુના કાપેલા પાન અને તમાકુ કાઢીને બીડી બનાવી, પહેરણના જ એક છેડેથી દોરો તોડ્યો અને બીડીને વીટી દીધો. ખીસ્સામાંથી બાકસ કાઢીને બીડી પેટાવી.

વિપુલભાઈ સળવળ્યા, એ કહે, ફરી એક વખત મને બીડી બનાવીને બતાવોને! પેલા ભાઈએ પહેરણમાંથી પાંદડાનો ટુકડો કાઢ્યો ને ફરી એમાં તમાકુ ભરીને બીડી બનાવી દીધી, વિપુલભાઈ બાકસ માંગે એ પહેલા તો ઓરડાના લીંપેલા પગથાર પર બેસીને શાક સુધારતા બેલાબહેનનો ટહુકો આવ્યો, “બીડી નથી પીવાની હોં સાહેબ!”

વિપુલભાઈ એકદમ આજ્ઞાંકિત પતિ, એટલે કહે, “ઓ.કે” અને પછી બીડી હોઠની વચ્ચે દબાવીને પેટાવી. સદનસીબે અમારી બેઠક તરફ પીઠ કરીને બેઠેલા બેલાબહેનને એ ખબર ન પડી, કે કદાચ ખબર જ હશે! વિનયભાઈ તેમણે બેડીયાથી લીધેલી ચોકલેટો નેસના બધા બાળકોમાં વહેંચવા માંગતા હતાં, જો કે નેસના બાળકોની સરખામણીએ ડેરીમિલ્ક વધારે હતી, એટલે અમે મહિલાઓ અને બાળકોને ચોકલેટ વહેંચવાનું નક્કી કર્યું. હું અને વિનયભાઈ નેસના બધા ખોરડે ફરીને, બધાંને સીતારામ કહીને, ચોકલેટ આપતા આવ્યાં. અંતે આવીને રાજીબેનને પણ એક ડેરીમિલ્ક આપી.

અમે ફરી ડાયરામાં આવીને બેઠક લીધી, વાતો ચાલી રહી હતી સંપત્તિની, ધનની અને તોય કદી ન મળતા સંતોષની. એક ભાઈ કહે, અજબ છે ને, લાખો કરોડો રૂપિયા આપતાંય શાંતિ ન મળે, તમને આંય નેહમાં મજા આવે, એકાદ બે દિ’ રોકાવું હોય તોય ગમે, પણ અમારે આ કાયમનું થ્યું, તમે આંયા બે દિ’ થી વધારે ન રોકાઈ હકો. મેં કહ્યું, “આ વનની હદમાં પ્રવેશ્યા એટલે મોબાઈલ નેટવર્ક આપોઆપ છૂટી ગયા, કેવી મજા?” અને વાત આમ અજોડ પણ ખરી ! એની જોડે બધી રેસ છૂટી ગઈ. લોકો સમયની સાથે ચાલવા મથે છે, બધુંય કરી છૂટે છે, જ્યારે અહીં સમય લોકોની સાથે ચાલવા મથે છે. માયાભાઈ કહે, “રૂપિયા માટે ગમે તે ખોટું કરવા કાયમ તૈયાર, પોતાની વફાદારીને ધંધાનો વિષય બનાવતા અને જે થાળીમાં ખાય છે એ જ થાળીમાં પૈસા માટે થૂંકતા લોકોને જોઈએ તો થાય કે આવા લોકોનો રાફડો આપણી જ આસપાસ છે કે દુનિયામાં બધેય તેમની બહુમતી હશે? એવા લોકોને અહીં લઈ આવવા જોઈએ, જુઓ, તમે જે વસ્તુઓ માટે, જે સુખ સગવડો માટે પૈસા ખર્ચો છો, એ બધાં વગર પણ જીવનમાં કેટલી નિરાંત છે? જીવનનો કેટલો અણમોલ સમય તમે ખોટા કામમાં ખર્ચો છો, એના કરતા મહેનતથી જેટલું મળે એટલું ખાવને ભાઈ, પણ આજના જમાનામાં…” ચાંદનીના ઉજાસમાં બેઠાં બેઠાં અનેક વાતો ચર્ચાઈ, ભેંસ અને ગાયના ભાવથી લઈને દૂધના ફેટ સુધીની. હું અને માયાભાઈ સવારથી એક વાક્ય બ્રહ્મવાક્યની જેમ દર બે કલાકે એકાદ વખત તો બોલતા જ હોઈશું, “આ વખતે પહુડા નથી દેખાતા! દર વખતે તો જોઈને આંખો થાકી જાય.” એ વિશે નેસમાં અમે પૂછ્યું, આતાભાઈ કહે, કિનારાના વિસ્તારોનું ઘાસ સૂકાઈ ગયું એટલે પહુડા અંદર ઉતરી ગયાં, ન્યાં હજી ઘાસ લીલું હશે, વળી સૂકા ઘાસમાં જનાવર ને ઘાસ વચ્ચેનો ભેદ પણ ન ભળાય.”

“ચાલો, વાળુ કરી લઈએ.” રાજીબહેનનો સ્વર આવ્યો, અમે લીંપેલા ઓટલા તરફ ગયા તો ઉન અને રેશમના ભરેલા આસન પથરાઈને અમારી રાહ જોતા તૈયાર હતાં. જમવામાં બટેટાનું શાક, ભાખરી, રોટલો, અથાણું, માખણ, દૂધ અને છાસ. માયાભાઈ મૂળૂભાઈ અને યજમાન સિવાયના બધાં જમવા બેસી ગયાં. એ રોટલાની મિઠાસ, એ શાકની મિઠાસ… વર્ણન કદાચ અતિશયોક્તિસભર લાગે પણ, એવી મજા ક્યાંય આજસુધી મળી નથી. એવો સ્વાદ કોઈ રોટલામાંથી આવ્યો નથી. મને એમ કે મારો મત જ આવો હશે, પણ વિપુલભાઈ, બેલાબેન અને વિનયભાઈનો મત પણ મારી સાથે સજ્જડ મળતો આવે. જમવામાં સાથે તાજુ દોહેલુ હુંફાળુ દૂધ પીને અને જમ્યા પછી છાસ પીને પેટ જબરદસ્ત ભારે થઈ ગયું. બધાંએ જમી લીધું અને હાથ ધોવાઈ ગયા એટલે વિપુલભાઈ કહે, “ચાલો, બહાર આંટો મારતા આવીએ.” ઘડીયાળ રાત્રીના અગીયાર વાગ્યાનો સમય બતાવતી હતી.

[youtube=http://www.youtube.com/watch?v=LT7SaoV7Qxs]

(ત્રીજો અને અંતિમ ભાગ આવતીકાલે.)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ