કારણ તો બીજુ કાંઈ નહીં – બકુલ ટેલર 5


બે સ્પંદિત હૈયાઓ વચ્ચે પ્રણયાંકુર ફૂટે અને એ પ્રણયના બીજ સ્નેહની વેલ થઈને શ્રદ્ધા અને પરસ્પરના વિશ્વાસને આધારે પાંગરે છે એ દરમ્યાનનો એ પછીનો સૌથી મહત્વનો પડાવ ગણાય છે લગ્ન. પ્રેમ પછી લગ્ન અને પછી સંસારની અનેક અનોખી લાગણીઓ અનુભવવી તથા સંબંધોનું વહન કરવામાં પ્રેમ ક્યાંક અદ્રશ્ય થઈ જતો હોય એમ લાગે છે, આવામાં કવિહ્રદય પોતાની પ્રેયસીને લગ્ન ન કરવા માટેના કારણો સમજાવે છે. એક ખૂબ જ સુંદર અને સચોટ અછાંદસ ઓક્ટોબર ૨૦૧૦ ના નવનીત સમર્પણ સામયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.

* * * *

તેણે કહ્યું
આપણે પરણીશું નહીં,

આમ કારણ તો બીજુ કાંઈ નહીં,
– ને હોય તો એટલું કે હું તને ખૂબ ચાહું છું.

આ જિંદગી બહુ જોખમી છે.
આપણા પ્રેમને તે જખ્મી કરી નાખશે
બેહિસાબ પ્રેમ પાસે પણ હિસાબ માંગશે.

હું તને અડવા જઈશ
ને વચ્ચે કોઈ સ્ત્રીનું શરીર આવી જશે
તને હું ધિક્કારીશ, તારી ઇર્ષ્યા કરીશ, લડીશ
તને પૂછવાના ન હોય, તેવા સવાલો કરીશ
તું પાસે હશે ને હું પડખું ફરી જઈશ

બાકી, કારણ તો બીજુ કાંઈ નહીં
તારો સ્વપ્નમાં આવતો ચહેરો
થાકી, ત્રસ્ત, ચિડાયેલી ગૃહિણીનો બની જશે
તને રોગો થશે, ઉંમરથી શરીર જીર્ણ થશે

હા, એમ થશે
સ્ત્રીને ઉંમર હોય છે
પ્રેમિકાને નથી હોતી
રહેવા દે પ્રિય, આ પરણવું રહેવા દે!

– બકુલ ટેલર


Leave a Reply to pragna Cancel reply

5 thoughts on “કારણ તો બીજુ કાંઈ નહીં – બકુલ ટેલર