હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…. 9


ગીરના જંગલોની વચ્ચેથી, અનેક વહેળાઓને પોતાનામાં સમાવતી, સર્પાકારે, ક્યાંક ગહન તો ક્યાંક આછરતી વહેતી હીરણ નદી ગીરના જીવનનું એક જીવંત પાત્ર છે. ઉનાળામાં તેના પટની પાસે બેસીને નેસના મિત્રો સાથે કરેલી અનેક અલકમલકની વાતો અને ચોમાસામાં તેમાં નહાવાનો લીધેલો આનંદ એ બધુંય એક અનોખો અનુભવ છે. કવિદાદની પ્રસ્તુત રચના આ હીરણ નદીને અપાયેલી કદાચ સૌથી ઉચિત બિરદાવલી હોઈ શકે. મને યાદ છે લીલાપાણી નેસમાં કાનાને કંઠે ગવાયેલી આ બિરદાવલી શોધવાની મસમોટી ઈચ્છા ત્યારે તો પૂરી નહોતી થઈ, એ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની ગીરમય નવલકથા ‘અકૂપાર’માં મળી આવી. જેણે આ રચના હીરણને કાંઠે બેસીને કોઈક નિર્લેપ મનુષ્યના કંઠે લલકારીને ગવાતી નથી સાંભળી એણે એક અનેરો આનંદ ગુમાવ્યો છે.

અંતે જેમ અકૂપારમાં વિક્રમ કહે છે તેમ, “આંય ખિલ્યો હશે તો બાપ, કવિદાદ. એક નદીને ભાળતાવેંત જેને આવું કવિત જડ્યું તયેં ઈનો રૂદિયો કેટલો રાજી થ્યો હશે ! ઈ તો આંય, આ ગયરમાં આ જીગ્યાએ નાચ્યો હશે.” હીરણનો પ્રસ્તુત ફોટો ૨૦૦૭ ના ચોમાસા પછીની ગયરની મુલાકાત વખતનો છે.

ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી,
આવે ઊછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી,
કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોરાળી
હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી

આંકડિયાવાળી હેલળિયાળી વેલ્યુંવાળી વખવાળી,
અવળા આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી,
તેને દઈ તાળી જાતા ભાળી, લાખ હિલ્લોળી નખરાળી
હિરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી

આંબા આંબલીયું, ઉંબ ઉંબરિયું, ખેર ખીજડિયું બોરડિયું,
કેહુડા કળિયું વા વખરિયું હેમની કળિયું આવળિયું
પ્રથવી ઊતરિયું સરગી પરિયું વળિયુંવાળી જળધારી,
હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી

રાણ્યુ કદંબા, લઈ અવડંબા, ધૂડ ધડંબા જળબંબા
કરી કેશ કલબા બીખરી લંબા જય જગદંબા શ્રી અંબા
દાદલ દિલરંગી, છંદ ત્રિભંગી, બની ઉમંગી બિરદાળી
હીરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી.

– કવિ દાદ


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી….

  • Nirav barot

    ખરેખર અમે સર્વે ગુગલ ના આભારી છીએ કે તેમણે આવુ સાહિત્ય સાચવી રાખ્યું છે. કોટીકોટી વંદન

  • Dinesh Pandya

    આજના (૧૫-૧૧-૨૦૧૦) ગુજરાતી મીડ-ડેમાં સમાચાર છે કે બોલિવુડના નામી સિતારાઓ ગયરમાં – ખાસ કરીને હીરણની આજુબાજુ જમીનો ખરીદવા કોશિષ કરી રહ્યા છે.

    ધ્રુવભટ્ટની “અકૂપાર” ગીરના જંગલની સફર (સફારી) કરાવે છે!

  • vishwadeep barad

    રાણ્યુ કદંબા, લઈ અવડંબા, ધૂડ ધડંબા જળબંબા
    કરી કેશ કલબા બીખરી લંબા જય જગદંબા શ્રી અંબા
    દાદલ દિલરંગી, છંદ ત્રિભંગી, બની ઉમંગી બિરદાળી
    હીરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી.

    દાદ..એટલે દાદ..મજા આવી ગઈ…ગિરનારની સુંદર સરિતાના વહેતા વહેણ!!ના ગિરનો રાજા સિઁહ પોતાનેી પ્યાસ બુજાવતો હોય એ દ્રશ્ય જોયું છે..આભાર.