ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર 2


નાનપણથી જે જે બગીચાઓ મેં જોયા હતા અને જેમાં મારો જીવ પરોવાયો હતો તેમને જો એક એક અંજલિ આપવા બેસું તો મારે માટે એક મોટો આનંદનો વિષય થાય. છેક નાનપણમાં કેટલાંક મોટેરાં જોડે એક બગીચો જોવા અમે ગયા હતા. પણ માલિકે અમને અંદર ફરવાની મનાઈ કરી અમે વિરસ થઈને અમે પાછા આવ્યા. એ મારું સૌથી પહેલું સ્મરણ. તે વખતે હું પાંચેક વરસનો હોઈશ. બગીચાને બીજે છેડે મહેલમાં ઊભેલો માલિક મોઢેથી બોલવાની તસ્દી ન લે, કેવળ હાથના ઈશારાથી અમને કાઢી મૂકે, એ ચિત્ર હજીયે તાજું છે. સફળતા કરતાં નિષ્ફળતા જીવનમાં વધારે ઊંડી ઊતરે છે; બીજું શું ?

ત્યાર પછીનો બગીચો તે અમારો પોતાનો કારવારનો. એમાંનાં લજામણીનાં પાંદડાંનો સ્પર્શ આજે પણ મને યાદ છે. પછીનો બગીચો બેળગૂંદીનો મારી માસીનો. એમાંના ગુલાબના છોડ મને રોજ બે-ચાર, બે-ચાર ફૂલ આપે. ત્યાર પછીનો બગીચો સ્મૃતિમાં ચોંટ્યો છે તે સાંગલીનો. ત્યાં કૂલો ઉપર મેં એટલા બધાં ભાતભાતનાં પતંગિયા જોયાં કે મારી ખાતરી થઈ ગઈ કે ઝાડ ઉપર બેસી બેસી કંટાળે એટલે ફૂલો જ પતંગિયા બની ઊડવા માંડે છે. સાંગલીના બગીચામાં ગુલછડી (નિશિગંધી)નું એક લાંબુ પહોળું પીઠું હતું. રોજ સાંજે નશો કરવા હું ત્યાં જતો. તે વખતે કેળેવેલું નાક આજે પણ એટલું જ સુગંધ-રસિક રહ્યું છે.

યરવાડા જેલમાં પૂ.બાપુજીને કોઈકે નિશિગંધાના છોડનો એક ગુલદસ્ત આપ્યો હતો. મુલાકાત પૂરી કરી બાપુજી પાછા આવ્યા અને મેં એ ફૂલોની ડાળો લોટામાં રાખી લગભગ આઠ દસ દિવસ સુધી જિવાડી. સૂતી વખતે ઓશીકા પાસે એ લોટો રાખવાનું હું ભૂલતો નહીં. બીજો એક બગીચો યાદ આવે છે તે રામદુર્ગનો. મંદિર વ્યંકટેશનું હતું કે કોનું તે યાદ નથી, પણ અમે ત્યાં જ રહેતા હતા. સવારે ઊથીને ફૂલો લૂંટવાનું ક્રૂર કર્મ હું ત્યાં કરતો એટલે આજે એ બગીચાનું સ્મરણ આનંદ આપતું નથી.

આમ કેટલા બધા બગીચાઓ વર્ણવું ? સિલોનમાં કેન્ડીનો અદ્રિતીય પેરેડેનિયા બગીચો, ઊટીનો ગવર્નરનો બગીચો, કલકત્તાનું વાનસ્પત્યમ, વડોદરાનો કમાટીબાગ, જયપૂરનું મ્યુઝિયમ, કાશ્મીરનો ચીનારબાગ, મૈસુરનું વૃંદાવન; આમ જો એક એક ગણવા બેસું તો ૧૦૮ની સંખ્યા સહેજે થાય. આ બધાનું દેવું માથે છે. અત્યારે તો કેવળ એમનું સ્મરણ જ કરી વિરમું છું.)

‘સંસ્કૃતિનો વિસ્તાર’ એ લેખમાં હિંદુસ્તાનના પ્રતિક તરીકે મેં જે ચીત્ર આપ્યું છે.તેમાં એક વિશાળ વટવૃક્ષ તળે એક સાદી રૂપાળી ઝૂંપડીને બારણે વાછરડા સાથે ગાય બાંધેલી છે. અનેક વડવાઈઓના વિસ્તારથી આસપાસનો પ્રદેશ પોતાની છાયા તળે લેનાર પરોપકારી વટવૃક્ષ; ઊનાળામાં ઠંડક અને શિયાળામાં હુંફ આપનાર ઘાસની ઝૂંપડી; અને આજીવન તેમ જ મરણ પશ્વાત પણ સેવા આપનાર કારુણ્યમૂર્તિ ગૌમાતા; આ ત્રણે વસ્તુઓ આશ્રમ સંસ્કૃતિની પ્રતિક છે. આ ચિત્રની અંદર હિંદુસ્તાનની પ્રાકૃતિક પરિસ્થિતિ પણ ચિત્રિત થાય છે, અને હિંદુસ્તાનનું આર્યહદય પણ વ્યક્ત થાય છે.

આપણા લોકોએ ગાયની દયા બહું ખાધી છે; પણ ગાય ઉપર કાવ્યો બહુ લખ્યાં નથી. નાની નાની બાળાઓ સવારે ઊઠીને, નાહીધોઈને ગાય માતાને ચાંલ્લો કરે છે. અને માની કેડ ઊપર બેઠી બેઠી એની પીઠ ઉપર હાથ ફેરવે છે, ચાટવા માટે ગાય આગળ પોતાનો હાથ આગળ ધરે છે, અને ગાયના વાછરડા સાથે એમની પેઠે ગાયની આસપાસ કૂદાકૂદ કરે છે – એ સ્વાભાવિક જીવનકાવ્ય હિંદુસ્તાનમાં સર્વત્ર જોવાને મળે છે; પણ કવિઓ તો ગાયની દયા ખાતા ખાતા જ થાકી ગયા છે.

પર્ણકુટિનાં વર્ણનો ઋષિઓના આશ્રમ પૂરતાં જ છે. બાકી સામાન્ય લોકોને ચતુઃશાલં ગૃહમ અને સૌધવાળા પ્રાસાદો જ જોઈએ છે. ઝૂંપડીનો આનંદ માણવો હોય તો કાઉલે જેવા અંગ્રેજ કવિની ‘Mine be a cot beside a hill ‘ જેવી કવિતા જ વાંચવી જોઈએ. ભર્તૃહરિ પણ આવાં સ્થાનો વર્ણવે છે. પણ તે કૌટુંબિક સમાધાન વ્યક્ત કરવા માટે નહીં પણ વૈરાગ્યની સાધના સાધવા માટે.

વટવૃક્ષોનાં વર્ણનો આપણા સાહિત્યમાં જ્યાં ત્યાં મળવાં જોઈએ. બાણ-ભટ્ટ્ની કાદંબરીમાં અચ્છોદ સરોવરને કિનારે પોપટના માળાવાળું જે મોટું ઝાડ છે તે વડનું એ કે નહીં તે અત્યારે યાદ નથી આવતું, પણ વડની વડ્વાઈઓને પોતાના વાળ કે પગ બાંધી દઈને તપ કરનાર ઋષિઓનાં વર્ણનો વાંચ્યાનું સ્મરણ છે ખરુ.

ગુજરાત વિદ્યાપીઠની મુદ્રા માટે મેં જે વટવૃક્ષનું ચિહ્ન સૂચવ્યું તે આવા જ ભાવથી. એક મહારાષ્ટ્ર કવિ લેખકે હિંદુ ધર્મને વડ્વાઈવાળા વડની ઉપમા આપી છે. વડની શાખામાંથી વડવાઈઓ નીકળી જમીન સુધી પહોંચી ગઈ એટલે એ જાણે નવું જ ઝાડ થઈ જાય છે. આમ એક ઝાડમાંથી એક આખું વૃક્ષકુટુંબ પેદા થઈ જાય છે, અને પછી અસલી વૈદિક મૂળ થડ કયું એ કહેવું પણ મુશ્કેલ જણાય છે. કોક કોક વાર મૂળ થડ આખું કોવાઈ જાય છે, પણ બાકીનું વૃક્ષ તાજું ને તાજું જ રહે છે.

હિંદુસ્તાન આવાં વિશાળ વટવૃક્ષ આખી દુનિયામાં વિખ્યાત છે. પરદેશના લોકો જ્યારે આપણાં દેશમાં આવે છે ત્યારે આ દેશના એક કૌતુક તરીકે આવાં વૂક્ષો જોઈ આવે છે.

મેં પ્રથમ નામ સાંભળ્યું તે અડિયારના વટવૃક્ષનું. મદ્રાસ જતાંવેંત અડિયાર જઈને ત્યાંના એ વટવૃક્ષનું મેં દર્શન કર્યું. શ્રીમતી એંની બેસંટે એ વડની સારી માવજત રાખી છે. વડ તળેની જમીન સાફ રાખીને એની તળે અનેક પ્રાંતના અને અનેક દેશના ધર્મજિજ્ઞાસુઓ ભેગા થઈ ધર્મચર્ચા કરે, અનુભવની આપલે કરે, અને વખતે ઊજાણી પણ કરે, એવી ગોઠવણ પણ રાખી છે. આ વૃક્ષનો વિસ્તાર અને તાજગી બન્ને ધ્યાન ખેંચે છે. એની તળે જતાંવેંત કોઈ ભવ્ય પુરુષનો સંત્સંગ સેવતા હોઈએ એટલી ગંભીરતા અને પ્રસન્નતા મેં અનુભવી. એની ઝાડી ઝાડી વડવાઈઓ જોઈને વિચાર આવ્યો કે વચલું થડ તે એક મોટો કુલપતિ છે, અને આસપાસની આ મોટી વડવાઈઓ એ કુલપતિની વિદ્યાપીઠ ચલાવનારા ઉપાચાર્યો છે. એમની વચ્ચે બેસી માણસ ઈશ્વરની ચર્ચા કરે છે, જ્યારે આ વડવાઈઓ ઈતિહાસની સાક્ષીરૂપ હોવાથી માણસની જ ચર્ચા કરતી હશે. કલ્પના ચાલી અને એણે આ વડ તળે કેટલાંયે વાનસ્પત્ય પ્રવચનો સાંભળ્યાં !

મદ્રાસ પહોંચી શક્યો પહેલાં જ મેં શુક્લતીર્થના કબીરવડ વિષે સાંભળ્યું હતું. એમ પણ સાંભળ્યું હતું કે કવિવર રવિબાબુએ એ કબીરવડ જોઈને પોતાનું દુઃખ જાહેર કર્યું હતુ કે ગુજરાતના લક્ષ્મીપુત્રો પોતાના પ્રાંતના આ ઘરેણાને કેમ સાચવતા નહીં હોય !

હમણાં હમણાં રાષ્ટ્રભાષા પ્રચારને અંગે શ્રી અમૃતલાલ નાણાવટી મને ગુજરાતમાં લઈ ગયા. ત્યાં એમણે ગોઠવ્યું કે મારે અવિધા જઈ ગોપાળરાવ કુલકર્ણીની નિશાળ જોવી. કાર્યક્રમ ગોઠવ્યા પછી રદ કરવો પડ્યો. પણ ગોપાળરાવ શાના માને ? એમણે પોતાના નિરાગ્રહી આગ્રહથી મને હાથપગ બાંધીને અવિધા ખેંચ્યો.

અવિધા જતાંવેંત ખબર પડી કે કબીરવડ અહીંથી બહુ દૂર નથી. નર્મદાના વિશાળ પાત્રમાં એક મોટો સમૃદ્ધ બેટ છે, અને એની અંદર એ પુરાણ પુરુષ તપ કરે છે. એ ખબર પડતાંવેંત હૈયું ઊલટ્યું અને પગ કે આંખો ત્યાં પહોંચે તે પહેલાં અનેક વાર ત્યાં એ દોડી આવ્યું. એ વૃક્ષ કેવું હશે, એનાં પાંદડાં શાનું રટણ કરતાં હશે, પક્ષી – બાળકો એ ડોસાને કેમ પજવતાં હશે અને જો બેટ પર ગાયો હોય તો પોતાનાં શીંગડા ઘસી ઘસી એની છાલ કેમ ઉતારતી હશે, એના જ વિચારો મનમાં આવવા લાગ્યા. સાંજે એકા મુસલમન પોલીસ અમલદાર મળવા આવ્યા. ગામડાના લોકો પોલીસ અમલદાર સાથે હદયશૂન્ય પણા વિવેકા ભર્યો સહકારા કેમ કરે છે એનો મને અનેક ઠેકાણાનો અનુભવ છે. હું પણ મારા પૂર્વજીવનમાં પોલીસા અમલદારોને જોઈને ચિડાઈ જતો અને ભડકણ જાનવરોની જેમા શીંગડા બતાવતો. પણ હવે એ વૃતિ રહી નથી. પોલીસ પ્રત્યે મનમાં ધૃણા નથી ઊપજતી. એ કાંઈ જુદી કોટિ અથવા જુદી ન્યાત નથી. આપણા જ સમાજના લોકો તક મળ્યે એ ખાતામાં પ્રવેશ કરે છે. જેવો સમાજ તેવું તેનું પોલીસખાતું. એટલે એ ભાઈ સાથે મેં સ્વભાવિક માણસાઈથી વાતો શરૂ કરી. એ ભાઈ મૂળે બલૂચિસ્તાનના. હિંદુસ્તાનમાં આવી અહીંની ભાષાઓ શીખી ગયા હ્તાં. એમની વાણીમાંથી સંસ્કારિતા ટપકતી હતી અને વિવેક કેમા સાચવવો એ પણ બરાબર જાણતા હતા. સંભવ છે કે રાજ તરફથી એમને અમારી ઉપર નજર રાખવા માટે મોકલ્યા હોય. પણ મને થયું કે, આપણે માણસ માણસ વચ્ચેનો સ્વાભાવિક સંબંધ કેમ ન કેળવીએ? અમે ઘણી વાતો કરી. રાજપીપળા રાજ્ય વિષે, ત્યાંના જંગલો વિષે, જંગલોના જાનવરો વિષે, અને એ જાનવરો વચ્ચે રહેનારા બે પગા લોકો વિષે એમની પાસેથી મેં ઘણું જાણી લિઘું.

કબીરવડ જવાની શી શી સગવડ – અગવડો છે એ વિષે પૂછવાનું હું કેમ ભૂલું ! એ ભાઈએ જરીરી માહિતી મને પૂરી પાડી. પણ પછી એને થયું કે આપણે પોતે જ આ પાર્ટી જોડે કાલે કબીરવડ કેમ ન જઈએ? મેં મનમાં વિચાર કર્યો કે પોલીસ અમલદાર સાથે હોય તો અમુકા સગવડો સચવાશે, પણ આમજનતાથી મારી સાથે હદય ખોલીને વાત નહીં થાય. પોલીસના દર્શનથી આમજનતાનું હદય-કમળ બિડાઈ જાય છે. પણ અમારે તો ઉતાવળે પ્રવાસ કરવો હતો, કબીરવડના દર્શન ઉપરાંત બીજો કશો સંકલ્પ હતો જ નહીં, એટલે ભાઈ કાસમખાનને અમારી સાથે આવવાની સૂચના મેં સહર્ષ સ્વીકારી લીધી. અમારે મોટરમાં નાના મોટા ખેતરો વટાવી નદીના કિનારા સુધી જવાનું હતું. ત્યાંથી એક હોડીમાં બેસી, પ્રવાહનું વલણ તપાસી નાનામોટા આરાઓ ટાળી વાંકેચૂકે જળરસ્તે કબીરવડ સુધી જવાનું હતું. અમે એમ જ કર્યું, જેમ તેમ તમાકુના ખેતરો વટાવી વડ સુધી પહોંચ્યા. અવિધા છોડ્યું ત્યારથી વડના દૂરથી દર્શન થતું જ હતું, એમ લાગે કે આપણે જંગલ જોઈ રહ્યાં છીએ. એક વડ આટલો પહોળો હશે એવો તો ખ્યાલ પણ ન આવે. જ્યારે પાસે પહોંચ્યા ત્યારે એની ઘટા નીચે અનેક ગાય બળદો બાંધેલા હતાં. આવું દ્રશ્ય નાનપણ વટાવ્યાં પછી મેં જોયું નહોતું. જૂના જમાનામાં પાછો પ્રવેશ કર્યો હોય એટલો આનંદ થયો. વાડમાં બાકોરું ક્યાં છે એ શોધતા શોધતા અમે અંદર ઘૂસ્યા ત્યાં તો ભારતવર્ષનું કોઈ અવિભક્ત કુટુંબ એક આખું ગામ વસાવીને રહ્યું હોય એમ કબીરવડના દર્શન થયાં.

ગુજરાતથી પાછો ફર્યો અને થોડા જ દિવસોમાં ગાંધી સેવા સંઘના વાર્ષિક અધિવેશન માટે માલિકાંદા જવાનું થયું. થોડાક વહેલા ઉપડીને અમે બે દિવસ કલકતામાં રહ્યાં, કલકતાના જોવા લાયક સ્થળો અનેક વખત જોઈ આવ્યો છું, પણ ત્યાંનો બોટોનિકલ ગાર્ડન મેં જોયો ન હતો. ત્યાં પણ એક મોટો વડ છે એની મને ખબર હોત તો ક્યારનોય ત્યાં પહોંચ્યો હોત. આ ફેરે મેં એ બગીચાનું નામ પાડ્યું, વાનસ્પત્યમ. અડિયારના વટવૃક્ષ કરતા અહીંનું વૃક્ષ વધુ મોટું અને ભવ્ય છે. આની સંભાળ પણ ઠીક ઠીક લેવાઈ છે, આને જોઈને મન પ્રસન્ન થાય છે, પણ ભક્તિનો ઉભરો આવતો નથી. ઝાડની ચારે તરફ મોટરનો રસ્તો છે એટલે હવે વધુ વિસ્તારનો અવકાશ રહ્યો નથી.

લંકાના અનુરાધાપુરમાં અશોકના જમાના જેટલું જૂનું એક બોધિવૃક્ષ છે, એ વૃક્ષ જેમ જેમ ઘરડું થતું જાય એમ ત્યાંના લોકોએ એના મૂળમાં માટી નાંખી એને ઉંચુ બનાવી એને નવું યૌવન આપ્યું છે. આવી રીતે એ પીપળને એક ઉપર એક એમ પાંચ પાર (ઓટલા) બાંધીને લંકાના લોકોએ એ અશ્વત્થને શાશ્વત જેવો બનાવ્યો છે. કહે છે કે એક વખત એ બોધિવૃક્ષના પાંદડા ખરી પડવા લાગ્યાં, લોકોને થયું કે હવે આ વૃક્ષ નિર્વાણ પામશે, આખા સિલોનમાં હાહાકાર થયો, દૂર દૂરથી લોકોએ દૂધના ઘડા ભરી આણી એના મૂળિયાનું સિંચન કર્યું. અને એ વૃક્ષ અંતે ચ્યવન ઋષિની જેમ ફરી જુવાન થયું. ત્યારે આપણા આ વટવૃક્ષોનો કાયાકલ્પ કરવાનો કોઈ ઈલાજ નથી?

અડિયાર, કબીરવડ અને કલકત્તાનું વાનસ્પત્યમ એ આ રીતે આપણાં ત્રણ તીર્થસ્થાનો છે.

– કાકા કાલેલકર (રખડવાનો આનંદમાંથી સાભાર)


2 thoughts on “ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર

  • vicky

    વાહ્…ઘણાં દિવસે કાકા કાલેલકરનું લખાણ માણ્યું.
    સ્કૂલમાં “ઉનાળાનો બપોર” જેવું જ ક્ંઈક નામ ધરાવતો એમનો નિબ્ંધ વાેલો ત્યારથી એમની વર્ણનશક્તિ અને ઓબ્સરવેશન પર માને !
    આવા બીજા લેખ પોસ્ટ કરતા રહેશો…ખૂબ આભાર !