કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8


( હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીઓ બબૌતાનો બ્લોગ “ઝેનહેબિટ્સ”, ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.)

અંગ્રેજીમાં એક શબ્દ છે, “Equanimity” જેનો અર્થ થાય છે, તથ્યો અથવા વાસ્તવિક પરિસ્થિતિઓ સાથેની ક્ષણિક વિરક્તિમાંથી મળતી લાગણીશીલતા અથવા બૌદ્ધિક સ્થિરતા અને શાંતિની એક સ્થિતિ. બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં તેને બ્રહ્મવિહાર અથવા તો ચાર ઉત્કૃષ્ટ દ્રષ્ટિકોણ તરીકે ઓળખાય છે, પતંજલીના યોગસૂત્રોમાં પણ મૈત્રી, કરુણા અને હર્ષ સાથે ચોથા ગુણ તરીકે ઉપેક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બૌદ્ધ ધર્મમાં નકારાત્મક માનસિક ઉર્જા જેવી કે લોભ, ગુસ્સો અને ગર્વ વગેરેનો નાશ કરવા ઉપરોક્ત ચાર ગુણોનો મહિમા કરાયો છે.

તમે કોઈકની ઉપેક્ષા ક્યારે કરી શકો? સાવ નજીકનું ઉદાહરણ લેવું હોય તો ક્યારેક સહકાર્યકરો કે મિત્રો સાથે થઈ જતી ઉગ્ર ચર્ચા કે દલીલોનું ઉદાહરણ લઈએ, તમે વધુમાં વધુ કેવો નકારાત્મક પ્રતિભાવ સહન કરી શકો? આ તો એક નાનકડી ક્ષુલ્લક વાત થઈ, આપણને રોજે કેટલાય લોકો મળે છે, જરૂરી નથી કે બધાંયના મનમાં આપણા માટે કોઈ હકારાત્મક વિચાર જ હોય, કોઈકના મનમાં ગુસ્સો કે તુચ્છકારનો ભાવ આપણા માટે હોઈ શકે, અને એ મનુષ્યમાત્ર માટે સ્વભાવિક પણ છે. આવા સમયે સૌથી વધુ જરૂરી શસ્ત્ર જે તમારા ભાથામાં હોવું જ જોઈએ એ છે, “ઉપેક્ષા”.

આપણા વિશે, આપણી ક્રિયાઓ વિશે, આપણા જીવન વિશે, અરે આપણા ગમા અણગમા વિશે કોઈ બીજાઓની સામે નકારાત્મક પ્રતિભાવ આપે ત્યારે આપણી પાસે કયા કયા વિકલ્પો હોય છે?

૧. હું એટલી જ નકારાત્મકતાથી પ્રતિભાવ આપું – અને એ રીતે અમારી બે વચ્ચે ઉભી થઈ રહેલી શત્રુતાની દીવાલને મજબૂત કરું, આની કેટલીક કમનસીબ આડ અસરો છે કે હું પણ નકારાત્મક પ્રતિભાવો અને ગુસ્સાથી છલકાઈ જાઊં, અને બીજાઓની સામે જેટલો પેલો માણસ ખરાબ અંકાય છે એટલો જ હું પણ નકારાત્મક કે ઝઘડાળુ અંકાઊં.

૨. હું એ પ્રતિભાવોને સમૂગળા અવગણું – કે જે એક સ્વીકાર્ય બાબત હોઈ શકે પરંતુ સામે વાળાના પ્રશ્નો અને તેની ફરીયાદો અનુત્તર જ રહી જવાના. અને જ્યારે બીજાઓને આપણી સત્યાર્થતા વિશે ખ્યાલ ન હોય ત્યારે આ વિકલ્પ ક્યારેક હાનિકારક પણ હોઈ શકે છે, ન કરી હોય તેવી ભૂલોને પણ આપણે સ્વીકારી લીધી છે એમ માનવાને આ અવગણના બળ આપી શકે.

૩. હું પૂરી સ્વસ્થતાથી, હકારાત્મકતાથી તેને ઉત્તર આપું – આ વિકલ્પ સ્વીકારતા મને કોઈ વાંધો ન હોવો જોઈએ. જો સામે વાળો મને મૂર્ખ ગણતો હોય તો મારી દલીલોથી તેની માન્યતા કેટલી બદલશે એ કોણ ચોક્કસપણે કહી શકે? કદાચ હું ગમે તેટલું કહું તો પણ તેની માન્યતા તસુંભાર પણ ન હલે, પરંતુ એ સિવાય અહિં એક વાત છે, જો સામે વાળાનો કોઈક દ્રષ્ટિકોણ ભૂલભર્યો હોય તો મારે તેને મારી પૂરેપૂરી સમજશક્તિ પ્રમાણે, મારી તર્કસંગત દલીલોથી તેને મારી વાત ગળે ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આનાથી શું ફાયદા થશે?

ક. તમે એક ભૂલભર્યા તર્કને વિશે સ્પષ્ટતા કરો છો
ખ. આસપાસના લોકોમાં તમે સમજણાં અને વધુ અગત્યનું, હકારાત્મક વ્યક્તિ તરીકે દેખાવ છો.
ગ. નકારાત્મક વિચારો તમારા માનસનો કબજો લઈ શક્તા નથી અને,
ઘ. ઘણી વખત તમે હકારાત્મક હોવ તો સામેવાળાને તેમની ભૂલ દર્શાવીને પરંતુ થોડાક પણ નકારાત્મક બન્યા વગર, તમારી વાત તર્કબધ્ધ સમજાવીને જીતી શકો છો. ઘણી વખત આવી વ્યક્તિ સાથે ભવિષ્યમાં એક સારા સંબંધ પણ કેળવી શકાય છે.

જીવનમાં ફક્ત હકારાત્મક રહીને ઘણી મુસીબતો ઓછી કરી શકાય છે, લોકોને અને તેમના મનને જીતી શકાય છે અને એ સાબિત થયેલું સત્ય છે, ઘણી વખત આપણી વાત તર્કબદ્ધ રીતે સમજાવવાને દલીલમાં ખપાવી દેવામાં આવે છે કારણકે સામે વાળા પાસે એ તર્કનો જવાબ નથી હોતો, ત્યારે એ તમને સાંભળવા પણ તૈયાર નથી હોતો, એવા સંજોગોમાં એ તકલીફ તેની છે, તમારી નહીં. ત્યાંથી જ પૂરું કરો. આવા સમયે ઉપેક્ષાનો ભાવ જાગૃત કરો.

આ કઈ રીતે કરી શકાય ??

૧. ધ્યાન કે ચિંતન કરો, ભલે થોડુંક –

આપણને ધ્યાન અને ચિંતન શબ્દ કરતા મેડીટેશન કરવું વધુ માફક આવે છે. જો કે ધ્યાન અને ચિંતન એ ખૂબ ઉંડા વિષયો છે, અહીં તેની વિગતે વાત આપણે કરતા નથી, પરંતુ ખૂબ થોડુંક પણ ધ્યાન મનના વિચારોના વંટોળને વરસાદ પછીના વાતાવરણની જેમ શાંત અને સ્વચ્છ કરવામાં ખૂબ મદદ કરે છે.

૨. તમારી જાતને અલગ કરી એક પ્રેક્ષક બનતા શીખો –

એક વખત આ કરવાનો પ્રયત્ન કરો – તમારા શરીરને તમે છોડી રહ્યાં છો, તમે ઉંચે જઈ રહ્યાં છો, એટલે ઉંચે જ્યાંથી તમને તમે પોતે, આસપાસના લોકો વગેરે સ્પષ્ટ દેખાઈ શકે, એક પ્રેક્ષક બની જાઓ, અને પછી આખીય પરિસ્થિતિ વિશે ફરીથી વિચારવાનો પ્રયત્ન કરી જુઓ. એક પ્રેક્ષક પોતાની જાતને ખેલમાં પાડતો નથી, એ ફક્ત જોયા કરે છે, અનુભવે છે પણ જ્યાં સુધી ખેલ પૂરો ન થાય ત્યાં સુધી તે પોતાની જાતને એ વિશેના પ્રતિભાવોમાં પાડતો નથી.

૩. ઊંડા શ્વાસ લો –

તમે તમારી જાતને કોઈ બાબતે વધુ પડતી લાગણીશીલ અથવા ઉગ્ર થયેલી અનુભવો, તો થોભો, ઉંડા શ્વાસ લો અને દલીલોમાંથી એક પગલું પાછળ હટી જાવ, લાગણીશીલ હોઈએ કે ખૂબ ગુસ્સે હોઈએ ત્યારે કોઈને પ્રતિભાવ આપવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ – રખેને આપણને એ જવાબ આપવા બદલ પછીથી અફસોસ થાય. એવી વાતોને જવાબ આપ્યા વગર રહેવા દો, અને પછી મન શાંત થાય ત્યારે ફરીથી એ વાત વિશે વિચારો. દલીલમાં ઉગ્રતા આવી જાય ત્યારે એકાદ મિનિટનો વિરામ લો, અને ખુલ્લી હવામાં જાઓ, એમાદ બે ઉંડા શ્વાસ લો અને એમ કરતા આખીય વાત પર ત્રીજી વ્યક્તિ તરીકે વિચારો, ક્યારેક આ પ્રક્રિયા આખી વાતને એક નવો આયામ કે વિચાર આપી શકે એમ પણ બને.

૪. મજબૂત – જડ બનો –

કેમિકલ એન્જીનીયરીંગમાં એક પદાર્થની વાત આવે છે, પોલી ટેટ્રા ફ્લોરો ઈથીલીન, જેને આપણે ઘણી વખત ટેફલોન નામે ઓળખીએ છીએ, તેનો મુખ્ય ગુણધર્મ છે પાણી કે અન્ય પાણી ધરાવતા પદાર્થો અથવા તેલ અથવા તૈલીય પદાર્થોમાં રહીને પણ તેમની કોઈ પણ અસર પોતાના પર નહીં થવા દેવાનું, તેનો ઘર્ષણાંક લગભગ શૂન્ય છે (Coefficient of friction), આ પદાર્થને અપ્રત્યાઘાતી પદાર્થ કહેવાય છે, ટેફલોનના ગુણધર્મો ક્યારેક લાગણીશીલતાના આવેશમાં હોઈએ કે ઉગ્ર દલીલોના ઘેરા સકંજામાં હોઈએ ત્યારે અપનાવવા જેવા ખરાં. આવી વસ્તુઓને તમારા પરથી પસાર થઈ જવા દો, એને કોઈ જ ઘર્ષણ ન આપો. એક હિન્દી ફિલ્મ “મુન્નાભાઈ એમ બી બી એસ” માં એક ચોરને પકડીને મારવા તૈયાર લોકોનું એક દ્રશ્ય છે, જેમાં લોકોને પોતપોતાનો અંગત ગુસ્સો એ ચોર પર ઉતારવા દેખાડાયા છે. એ હકીકત સ્વીકારો કે આપણી આસપાસ એવા અનેકો લોકો મળશે જેમનો દિવસ કે સમય ખરાબ ચાલી રહ્યાં છે, જેઓ ગુસ્સામાં છે અથવા નાની નાની વાતોમાં તેઓ ઉગ્ર થઈ જાય છે, એમના ગુસ્સાને તમારા મન પર ન લાવશો, ઘણાં લોકો સ્વભાવે દુર્ગુણી હોય છે, ઝઘડાળુ હોય છે, તમારે તેમની સામે તેમના જેવાં જ બનવાની જરૂર નથી. ઉલટું તેમના દુર્ગુણો તમને સ્પર્શી ન જાય એનું ધ્યાન રાખો. તમે દલીલોમાં ઉતરીને તેમને પ્રોત્સાહન આપો છો અને ગુસ્સા તથા વ્યગ્રતાને તમારા શરીરમાં ઉછેરો છો. એને અવગણો, કોઈ પ્રતિભાવ આપ્યા વગર તેમને પસાર થઈ જવા દો અને સ્મિત કરતાં રહો, ક્યારેક એક સ્મિત મોટી વાતોને ગૌણ બનાવી દેતું હોય છે.

૫. સમજણ કેળવો –

કોઈક તમને કાંઈક નીચા સ્તરનું કે હલકું કહે ત્યારે એ વાતને અંગત રીતે પોતાના મન પર લેવાને બદલે વિચારો કે એ માણસના જીવનનું કેન્દ્રબિંદુ તમે નથી, એનો પ્રતિભાવ કાંઈ કાયમનો આ જ નથી અને કાયમ આ રહેવાનો પણ નથી, ક્યારેક તો લોકો વાતને પૂરી સમજ્ય સિવાય પોતાનો મત સજ્જડ બાંધી લે છે અથવા સવારે થયેલા કોઈ ખરાબ અનુભવને લોકો આખો દિવસ પાળી પોષીને મોટો કરે છે, અને એના સકંજામાં તમે સપડાઈ જાવ છો, એટલે તેની વાતને અંગત અપમાન તરીકે ન જુઓ. દરેકના ગુસ્સા અને દલીલોની પાછળ કોઈ ને કોઈક કારણ હોય છે, જો આ વાત અને એ વિશેની સમજણ કેળવો તો લોકોની સાથે તમે વધુ સારી રીતે સંબંધ કેળવી શક્શો.

કોઈ પણ પરિસ્થિતિને સાચવવાની અને એમાંથી પોતે તથા સાથેના લોકોને બહાર કાઢવાની તમારી આવડત પર જ તમારી માનસિક શાંતિનો બધો આધાર છે, મનની શાંતિ પર કાચબાની જેમ એવું મજબૂત પડ રાખો કે ગમે તેવી દુન્યવી વાતો તમને અંદર સુધી ન ખેરવી શકે, સાચી શાંતિ પ્રાપ્ત કરવાનો આનાથી સારો બીજો કોઈ ઉપાય નથી.

ભાવાનુવાદ – જીજ્ઞેશ અધ્યારૂ, આભાર – મૂળ કૃતિ લિઓ બબૌતા (ઝેનહેબિટ્સ)

બિલિપત્ર

Inspiration is just about everywhere you can see, if you’re looking for it.


Leave a Reply to JayshreeCancel reply

8 thoughts on “કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ