ત્રણ કાવ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 1


અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત ત્રણ કાવ્ય રચનાઓ વિવિધ વિષયોને આવરી લઈને તેમણે કરેલા સુંદર સર્જનનું પ્રતીક છે. પ્રથમ કાવ્યમાં તેઓ પૃથ્વીની, ધરતીની કેટલીક વિશિષ્ટતાઓ વર્ણવી છે, બીજી કાવ્ય રચનામાં તેમણે હરીયાળી વિશે મનોહર વર્ણન કર્યું છે અને ત્રીજા કાવ્યમાં જીઁદગીની વિવિધ પરિસ્થિતિઓને આલેખવાનો સુંદર પ્રયાસ એમણે કર્યો છે. ત્રણેય કાવ્યરચનાઓ સુંદર થઈ છે એ બદલ શ્રી જનકભાઈને અભિનંદન અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

૧)

વાદળને વાદળ મહીં ઓગાળતી,
આકાશને પોંખવા મથતી ધરતી.

અંદર અગન અગન સહેતી,
છાતીએ લઇ વ્હાલ ખળખળ વહેતી.

કાળા કાળા વાદળમાં ઓળઘોળ ધરતી,
પહેલા વરસાદની પ્રીત થઇ મ્હેંકતી .

મૌનમાં થતું અનોખું મિલન ,
વાયરો થઇ વાત, આ વનમાં ફરતી.

અક્ષરમાં અક્ષર, શબ્દમાં શબ્દ સમાય
એમ આકાશમાં સમાય ધરતી.

૨)

લીલુડી ધરતીને લીલા છે પાન,
ચારેકોર તરબતર સૌ સમાન.

તૃપ્ત,સંતૃપ્ત અને પાછુ મૌન,
આકાશે સંભાળાય આહલાદ્ક ગાન.

લીલાશમાં પણ વર્તાય છે કુમાશ,
મલકાય વસુધા-નોખું આ સમ્માન.

ખેતરના ચાસમાં ફૂટ્યા છે ધાન,
મહેનત વાવી અહી-મુખ મલકાય.

ઓળખ કરજો હરિની મનવા,
દેશે અચૂક દર્શન-ધરજો ધ્યાન.

3)

સમયના ભારથી જિંદગી અહી જોને વળી ગઈ,
સક્ષમ હોવાનો કેવો દાવો, જિંદગી ખખડી ગઈ.

સવારથી લઇ સાંજ સુધી કેટ -કેટલા પ્રહારો,
કોણ કોનો હાથ ઝાલે, જિંદગી ફફડી ગઈ.

પગલે પગલે પરેશાની-હવા થઇ છે ફાની,
શ્વાસમાં પણ છે વેદના, જિંદગી કળી ગઈ.

ફરિયાદના અહી ઘેર ઘેર છે બાચકા ,
આંસુઓ આંખમાંથી વહેતા, જિંદગી પલળી ગઈ.

બધી વિપદાઓ ની વચ્ચે છે એક દિલાસો,
હરિનામનો છે એક સહારો, જિંદગી ઝળહળી ગઈ.

– જનક ઝીંઝુવાડિયા


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ત્રણ કાવ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા