દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ 6


શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. કુદરતના તત્વો સાથેનો માણસનો અવિનાભાવિ સંબંધ અને એ તત્વોના સૂરોને હ્રદય સાથે જોડતો, તાદમ્ય સાધતો તાર આપણને તેમની દરેક કૃતિ, દરેક રચનામાંથી અચૂક મળવાનો. તેમની પ્રથમ નવલકથા સમુદ્રાન્તિકે હોય કે તત્વમસિ, હાલમાંજ પ્રસિદ્ધ થયેલી ગીરની ગાથા – અકૂપાર હોય કે અતરાપિ. પ્રસ્તુત રચનામાં દરિયા વિશેની આવી જ લાગણી પ્રસ્તુત થઈ છે, દરિયા વિશેની વાતો કાંઈ સામાન્ય વાયકાઓ ન હોય, એ તો અનેક પેઢીઓના અનુભવોનો સાર છે, એ વાયકાઓના પગલાં ભૂતકાળની કેડીએ ઘણે દૂર સુધી લઈ જાય, દરિયા વિશે દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરિયો જ શું કામ, કુદરતના દરેક તત્વનું બધાંનું આગવું અર્થઘટન હોય છે એમ કહેતા રચનાકાર ગહનતામાં કેટલે ઉંડે સુધી પહોંચાડે છે….? કદાચ એ આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે.

દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં, દરિયે દરેક વાત સાચી,
ઘર ઘર સચવાઈ હોય નોખી નોખી ને તોય દરિયાની જાત એક પાકી.

કોઈ કહે મોજામાં આવે તે વેદના તો કોઈ ગણે ઊભરાતી મોજ,
દરિયો દિલદાર ‘તમે માનો તે સાચ’ કહી આવતો રહેશે રોજે રોજ.
પીર છે કે પથ્થર તે ભીંતરની વાત જેને આવડે તે જાણી લે આખી,
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.

આપણે જે આજ કાલ આવીને ગોત્યાં તે છીપલાંને કાંઠો કહેવાય નહીં,
ખારવાના દરિયા પર આવડા ભરોસાને વારતા ગણીને રહેવાય નહીં.
દરિયો તો જુગજુગનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી,
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં, દરિયે દરેક વાત સાચી.

– ધ્રુવ ભટ્ટ

બિલિપત્ર

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં,
જોતી રહી બજાર અમે ચાલતા થયાં.

આ હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયાં.

– ધ્રુવ ભટ્ટ


6 thoughts on “દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ