એક ક્ષણને જીવવાને … – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 11


હમણાં થોડાક વખત ઉપર એક વડીલના સંપર્કમાં આવેલો, વાત પરથી તેઓ દુઃખી જણાતા હતાં, કહે, “ભગવાને કાયમ અન્યાય જ કર્યે રાખ્યો, તેનામાં આસ્થા રાખનાર પર કાયમ તે કસોટીઓ અને પરીક્ષાઓના ડુંગર ખડક્યા જ કરે છે. તેના પરની શ્રદ્ધા કદી ડગી નથી, પરંતુ એનો પ્રત્યુત્તર તેણે કદી સાનુકૂળ આપ્યો નથી.” જો કે તેમના દુઃખો વ્યાજબી હતા, એમના પુત્રો તેમને મૂકવા કોઈ “વ્યવસ્થિત” વૃદ્ધાશ્રમ શોધતા હતાં. જો કે તેમની પાસે એટલી મિલ્કત છે કે તે પોતે એક આખોય વૃદ્ધાશ્રમ ખોલી અને પાલવી શકે, પણ એ મિલ્કત માટેના કારસાઓ પણ ચાલ્યા જ કરે છે. એમની વેદનાઓ અને શ્રધ્ધા વચ્ચે અથડાતી લાગણીઓને સ્વરૂપ આપવાનો આ ગઝલ એક નાનકડો પ્રયત્ન છે. પ્રભુને ફરીયાદ કરતા કાંઈક આવું જ તેમના હ્રદયમાં થતું હશે.

( છંદવિધાન – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

એમને કાયમ અમારી બંદગી ઓછી પડી,
એક ક્ષણને જીવવાને જીંદગી ઓછી પડી.

શક નથી તેની ખુદાઈ પર કદી અમને થયો,
એમને ઈશ્વર થવાને જીંદગી ઓછી પડી.

બંધ આંખે જેમનાં દીદાર મેં હરદમ કર્યા,
એ જ છે તું, માનવાને જીંદગી ઓછી પડી.

પાગલોની નાતમાં છે આ શિરસ્તો કાયમી,
આપને સમજુ થવાને જીંદગી ઓછી પડી.

આ સફર તારા ભણીની છેક ક્યાંથી આદરી,
મમત ખુદની છોડવાને જીંદગી ઓછી પડી.

રાહ તારી, તું જ મંઝિલ, તોય શેની રાહમાં,
પાંપણો ભીની થવાને જીંદગી ઓછી પડી.

– જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

હવે આ મનનું ઉડવું ગુલાલની માફક
અને આ દેહનું નડવું દિવાલની માફક
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


Leave a Reply to Jaykant JaniCancel reply

11 thoughts on “એક ક્ષણને જીવવાને … – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ)

  • nishi

    ખુબ જ સુન્દર રચના ………….આ ગઝલ હદયને સ્પર્શ કરિ ગૈ ……….સત્ય ઘતનાઓ બને છે તેનુ દર્શન કરાવે છે

  • brilliant

    સર, તમારી આ ગઝલ પછી મારી ઈશવર પ્રત્યેની ષ્રદ્ધા ઓછી પડી. પણ્ આજ જીન્દગી છે.

  • Pancham Shukla

    મૂળ પ્રેરણાને વ્યક્ત કરતી છંદોબદ્ધ અભિવ્યક્તિ તંતોતંત નીખરે છે. બાની પણ બરાબર ગઝલની છે. રદીફ (ઓછી પડી) ખૂબ સુંદર છે. ગઝલનો પહેલો જ પ્રયત્ન હોય તો અઢળક શાબાશી. કાફિયાનું વૈવિધ્ય બતાવવાને બદલે બે જ કાફિયા(બંદગી અને જિંદગી)થી નમૂનેદાર નકશીકામ કર્યું છે. હવે પછીની ગઝલોમાં કાફિયા અને છંદ વૈવિધ્ય પણ અનુભવવા મળશેજ એવી શ્રદ્ધા છે.

  • ડૉ. મહેશ રાવલ

    વાહ મિત્ર..!
    બરોબર પૂર્વભૂમિકાને વળગીને વહ્યાં છે ભાવ અને અભિવ્યક્તિ બન્ને.
    સરસ ગઝલ.
    તમને મળેલાં એ વડીલ પ્રત્યે પણ આ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરૂં છું.
    ઈશ્વર એમને સંજોગને સહન કરવાની શક્તિ અને એમના સંતાનોને સદબુદ્ધિ આપે…!!!

  • Heena Parekh

    એમને કાયમ અમારી બંદગી ઓછી પડી,
    એક ક્ષણને જીવવાને જીંદગી ઓછી પડી.
    અને

    બંધ આંખે જેમનાં દીદાર મેં હરદમ કર્યા,
    એ જ છે તું, માનવાને જીંદગી ઓછી પડી.
    આ બન્ને શેર ખૂબ ગમ્યા. અભિનંદન.

  • Jaykant Jani

    જીગ્નેશ ભા ઇ
    સરસ અભિવ્યક્તિ ….અભિન્ંદન
    બંધ આંખે જેમનાં દીદાર મેં હરદમ કર્યા,
    એ જ છે તું, માનવાને જીંદગી ઓછી પડી.