બાણશૈય્યા પર ભીષ્મ – યુધિષ્ઠિર સંવાદ – નાનાલાલ ભટ્ટ 3


( મહાભારતના પાત્રો શ્રી નાનાલાલ ભટ્ટનું અમર સર્જન છે. આ કૃતિના ત્રીજા ભાગમાં બાણશૈય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ અને તેમની પાસેથી ધર્મની વિવિધ વાતો વિશેનું જ્ઞાન લેવા આવેલા યુધિષ્ઠિર વચ્ચેનો સુંદર ગહન સંવાદ પ્રસ્તુત થયેલો છે. આ સંવાદનો એક નાનકડો ભાગ અહીં લેવામાં આવ્યો છે. એક રાજાના માનવ ધર્મ વિશેની વાતો, વર્ણ વ્યવસ્થા અને ધર્મ સાથે પ્રભુપ્રાપ્તિની રીતો તથા આશ્રમવ્યવસ્થા વિશે વિશદ વાતો આ સંવાદના માધ્યમથી અભિવ્યક્ત થઈ છે. જો કે સમયની સાથે તેના અર્થ તારવવામાં ભેદ હોઈ શકે, પરંતુ તેનો તાત્વિક અર્થ સમાન જ રહે છે. આજના સમયમાં પણ તેની ઉપયોગીતા પ્રસ્તુત છે. )

પ્રશ્ન

‘પિતામહ !’ આપે મને રાજ ધર્મની ઘણી અગત્યની વાતો સમજાવીને મારી આંખોને વધારે ઉઘાડી છે. આપના ઉપદેશથી વધારે સમૃદ્ધ થઈને હું હસ્તિનાપુરની ગાદી માટે યોગ્યતા મેળવું એ જ મનોરથ છે. પણ પિતામહ !’ યુધિષ્ઠિર એ એકલો રાજા જ નથી. યુધિષ્ઠિર ક્ષત્રિય છે તો, પાંડુનો પુત્ર છે, પાંચ ભાઈઓનો ભાઈ છે, એથીએ વધારે તે માણસ છે. માનવીના આખા જીવનમાં રાજ્ય એ ગમે તેટલું મોટું છતાં એક અંગ છે. આપે મને રાજ ધર્મ સમજાવ્યો, પણ હું માનવ ધર્મને ન સમજું ત્યા સુધી આ રાજધર્મમને શા ઉપયોગનો છે? માટે હવે હું આપને માનવધર્મ વિષે કેટલુંક પૂછવા માગું છું.

પિતામહ ! હું યુધિષ્ઠિર ક્ષત્રિયસમાજનો એક ભાગ છું. ક્ષત્રિયસમાજ એ આપણી ચતુર્વર્ણ્ય વ્યવસ્થાનું એક અંગ છે.તો આ ચાર વર્ણોને ચાર આશ્રમોના ભિન્ન ધર્મો કયા છે તે મને આપ સમજાવો; એટલે સમાજના એક અંગ તરીકે મારા ધર્મનું યથાર્થ ભાન થાય.’

ઉત્તરઃ

બેટા યુધિષ્ઠિર ! તારો આ પ્રશ્ન સાંભળીને મને આ બાણશય્યામાં પણ આનંદ થાય છે. આર્યોએ રાજધર્મને માનવધર્મથી છૂટો કદી ગણ્યો જ નથી, અને એ રીતે વિચાર્યો પણ નથી. વ્યવહારની અનુકૂળતા ખાતર આપણે રાજધર્મ, સેવકધર્મ, પિતા – પુત્રધર્મઃ એમ ધર્મના વિભાગો કલ્પીએ છીએ.; પણ એ બધાય વિભાગોનો સમાવેશ વિશાળ માન્વ ધર્મમાં છે જ. માનવ માત્ર એક વ્યક્તિ છે અને સાથે સાથે સમાજનું એક અંગ છે. તેથી માનવધર્મનો વિચાર કરવો હોય ત્યારે આપણે સમાજ તેમજ વ્યક્તિ બન્ને નો વિચાર કરવો જોઈએ.

આપણા આર્ય ઋષિમુનિઓએ સમાજના ચાર ભાગ કલ્પ્યા છે, અને આ ચાર ભાગોને વર્ણ કહેવામાં આવે છે.રાજધર્મમાં આપણે જોયું કે કોઈ પણ સમુદાયને ટકવું હોય તો સમુદાયે અંદરઅંદરનું ઐક્ય સાધવું જોઈએ; અને આપણે એ પણ જોયું કે આવું ઐક્ય સાધવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન પરસ્પરની સેવા છે. વીર સમુદાય માટે કહેલી આ વાત સમગ્ર માનવ સમુદાયને પણ સરખી લાગું પડે છે.

અને તેથી જ મુનિઓએ આ સેવાના ધોરણ પર આપણા સમાજના ચાર વર્ણો કલ્પ્યા છે. જે વર્ણ મુખત્વે પોતાનાં બુદ્ધિ ને જ્ઞાનથી સામાજની સેવાકરે તે બ્રાહ્મણવર્ણ; જે બળ અને તેજથી સમાજની સેવા કરે તે ક્ષત્રિય; જે પોતાની વ્યાપારી બુદ્ધિથી પ્રજાની સેવા કરે તે વૈશ્યવર્ણ; અને જે પોતાના શરીરની શક્તિથી સમાજની સેવાકરે તે શુદ્રવર્ણ.

આ ચારેય વર્ણ સમગ્ર સમુદાયમાં જોવામાં આવે છે. આપણા ઋષિમુનિઓએ તો તેમની વ્યવસ્થિત વિચારણા કરી છે, અને આવી વિચારણા પર સુસંબદ્ધ સમાજની રચના ઊભી કરી છે.

બેટા ! ક્રોધ ન કરવો, સત્ય બોલવું, આવેલ અતિથિને માન આપવું, ક્ષમા રાખવી, પોતાની જ ધર્મપત્ની પર સ્નેહ રાખવો, દ્રોહ ન કરવો, બહારની તેમજ અંતરની પવિત્રતા જાળવી રાખવી, સરલતા રાખવી અને આશ્રીતોનું પોષણ કરવું; આ નવ ધર્મો તમામ વર્ણના લોકોએ પાળવા જેવા છે. એટલે આપણે એમને સામાન્ય માનવ ધર્મો કહી શકીએ.આ સનાતન માનવ ધર્મ છે.

હવે ઉપર જણાવ્યા સનાતન માનવધર્મ ઉપરાંત જુદા જુદા વર્ણોના જે ખાસ ધર્મો છે તે હું વિસ્તારથી કહું છું તે સાંભળ. આ જુદા જુદા વર્ણના લોકો પોતે સમાજની જે સેવા કરવા માટે નિયુકત થયા છે તે સેવા યથાર્થ કરી શકે, અને એવી સેવાથી વ્યક્તિ તરીકે કે પોતે આત્મકલ્યાણમાં આગળ વધી શકે એ દ્રષ્ટિથી આ વર્ણધર્મો નક્કિ થયા છે.

ઈંન્દ્રિયોનું દમન કરવું તેમ જ નિરંતર પોતાનો સ્વાધ્યાય કરવો એ બ્રાહ્મણનો સનાતન ધર્મ છે. આવા સ્વાધ્યાયમાં જ બ્રાહ્મણનાં બધાં કર્મોનો સમાવેશ થાય છે. સ્વાધ્યાય પાછળ લાગી ગયેલો બ્રાહ્મણ પોતાનાં બીજાં ગૌણ કર્મો કરે તો પણ ભલે, ન કરે તો પણ ભલે.

નિત્ય દાન કરવું, યજ્ઞો કરવા, અધ્યયન કરવું, પ્રજાનું પાલન કરવું, ચોરનો નાશ કરવો અને રણમાં ઘૂમવું; આ ક્ષત્રિયોનો ધર્મ છે. જે ક્ષત્રિય શરીરે ઘાયલ થયા વિના જ રણમાંથી નાસી જાય છે તે ક્ષત્રિય નથી. રણમાં પરાક્રમ કરવું ને લુંટફાટ કરનારાઓનો નાશ કરવો એ બે ક્ષત્રિયના મૂળ ધર્મો છે.

રાજાએ તમામ વર્ણોને પોતપોતાના ધર્મમાં સ્થાપન કરવા જોઇએ. પ્રજાનું સર્વ પ્રકારે પરિપાલન એ રાજાનો મુખ્ય ધર્મ છે. આ ધર્મનું પાલન કરનાર રાજા કર્મો કરે તો ય ભલે; ન કરે તો ય ભલે.

હવે હું તને વૈશ્યના ધર્મો કહી સંભળાવું. દાન આપવું, અધ્યન કરવું, યજ્ઞો કરવા અને નીતિથી ધન એકઠું કરવું એ વૈશ્યોનો ધર્મ છે પ્રત્યેક વૈશ્યે પશુઓનું પિતાની માફક પાલન કરવું જોઈએ. વૈશ્યોએ પોતાના ધંધામાંથી કેટલો નફો લેવો ધર્મ્ય છે તે હું તને સંભળાવું. કોઈ વૈશ્ય જ્યારે ગાયોનું રક્ષણ કરે ત્યારે તેણે એક ગાયનું દૂધ પગાર પેઠે લેવું; સો ગાયનું રક્ષણ કરે તો વર્ષે એક ગાય અને એક બળદ પોતાનાં પગાર પેટે લેવાં. વૈશ્યે વેપાર કર્યો હોય તો મળેલા નફામાંથી સાતમો ભાગ પોતાના નિર્વાહ માટે તેણે લેવો. પરંતુ કોઈપણ વૈશ્યે ‘હુ પશુપાલન કરીશ નહિ,’ એ જાતની દુષ્ટ મનોવૃત્તિને કેળવવી નહિ.

આ ત્રણેય વર્ણોની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે.અને ત્રણ વર્ણોમાંના કોઈ પણ પુરુષની પાસે સેવા કરવાની ઈચ્છાથી કોઈ શુદ્ર આવે તો તેણે તેની આજીવિકાનો બંદોબસ્ત કરી દેવો ઘટે છે.

શુદ્રોને યજ્ઞ કરવાનો અધિકાર છે કે કેમ તે વિષે ઘણો મતભેદ જોવામાં આવે છે. કેટલાક આચાર્યો કહે એ કે ત્રણેય વર્ણના લોકોએ કરેલા યજ્ઞનો ભાગ શુદ્રને મળે છે એટલે તેને યજ્ઞ કરવાનો અધિકાર નથી;જ્યારે બીજા કેટલાક આચાર્યો કહે છે કે યજ્ઞ કરવામાં શ્રદ્ધા એ જ પ્રધાન વસ્તુ છે, એટલે જેના જેના દિલમાં શ્રદ્ધા છે તે સર્વ કોઈને યજ્ઞ કરવાનો હક્ક છે; પછી તે બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય.

યુધિષ્ઠિર ! ખરી રીતે તો જુદા જુદા ચાર વર્ણો હતા જ નહિ. કેમકે બ્રહ્માએ પ્રથમ બ્રાહ્મણોને જ ઉત્પન્ન કર્યા એટલે પૃથ્વી પર એક જ વર્ણ હતો. પરંતુ બ્રાહ્મણોએ પોતાનાં માનસિક વલણોને વશ થઈને જીવનમાં જુદાં જુદાં કર્મો સ્વીકાર્યા ત્યારે તે તે કર્મને અનુલક્ષીને વર્ણ વિભાગ બંધાયો. જે બ્રાહ્મણોએ કામભોગ પર પ્રીતિ કરી, તથા તિક્ષ્ણતા અને ક્રોધનો આશ્રય લઈ સાહસને પસંદ કર્યુ તેઓ રજોગુણી ક્ષત્રિયો ગણાયા; જે બ્રાહ્મણો એ પશુપાલનની વૃતિનો આશ્રય કરીને ખેતી વાડીથી આજીવિકા ચ્લાવવા માંડી તેઓ વૈશ્ય ગણાયા; અને જે બ્રાહ્મણોએ શૌચાચારનો ત્યાગ કરી દરેક પ્રકારનાં મહેનત મજૂરીનાં કર્મો કરી આજીવિકા ચલાવવા માંડી તેઓ શુદ્રો ગણાયા.

આ રીતે ભિન્ન ભિન્ન કર્મો કરનારા બ્રાહ્મણો જ જુદા જુદા વર્ણોમાં વહેંચાઈ ગયા છે. બ્રહ્માએ પહેલાં તો આ તમામ લોકોને વેદના અધિકારી ગણ્યા હતા, પાછળથી અજ્ઞાન ભાવને પામેલા શૂદ્રોએ પોતે પોતાની મેળે વેદ ભણવાનો અને યજ્ઞ કરવાનો અધિકાર ગુમાવ્યો.

પ્રશ્ન

‘પિતામહ ! હવે મારી સાચી મૂંઝવણ આપને જણાવ્યા વિના રહી શકું તેમ નથી. આપે મને વર્ણશ્રમના ધર્મો સમજાવ્યા; પણ તેથી તો મારી મૂંઝવણ ઊલટી વધી છે. એ બધું જાણતો ન હતો ત્યાં સુધી તો સાદી સીધી રીતે જીવન ચલવે જતો હતો, પણ હવે તો જીવતરમાં વધારે અંધકાર દેખાય છે. રાજા શા માટે રાજા છે ? બ્રાહ્મણ શા માટે બ્રાહ્મણ છે ? આખોય માનવ સમાજ કયા મધ્યબિંદુ તરફ ગતિ કરી રહ્યો છે ? માનવજીવનનું ધ્યેય શું ? આ બધા પ્રશ્ન એકીસાથે ઊભા થવા લાગ્યા છે, ને ઉકેલો માગી રહ્યા છે. આપ હવે આ બધાયનો ઉકેલ આણશો.’

ઉત્તરઃ

બેટા યુધિષ્ઠિર ! ગભરા નહિ. એ પ્રશ્નો ઊભા થવા જ જોઈતા હતા. એવા પ્રશ્નો જન્મે ત્યારે થતી આંતરપીડા વિના જીવન બેસ્વાદ રહી જાય.

યુધિષ્ઠિર ! જગત આખાનાં ધર્મશાસ્ત્રોને હું ઢુંઢી વળ્યો છું, અને તે બધાં એક જ વાત પોકારી પોકારીને કહે છે તે એ કે પરમાત્માને પામવા એ જ જીવનમાત્રનો ઉદ્દેશ છે. કેટલાં એક શાસ્ત્રો આને મોક્ષ કહે છે, કેટલાંએક રાગદ્રેશથી રહિત દશા કહે છે, કેટલાંએક સ્થિતપ્રજ્ઞાની દશા કહે છે, કેટલાંએક જ્ઞાનપ્રાપ્તિ કહે છે, પણ આ બધાં શાસ્ત્રોનો સાર એક જ છે, એમાં શક નથી. જગતનો વ્યવહાર માત્ર કોઈ પણ રીતે પરમાત્માને પામવાનો પ્રયત્ન છે; પછી માણસ તે જાણતો હોય કે ન પણ જાણતો હોય. જગતના તમામ ધર્મોનું પણ આ જ લક્ષબિંદુ છે.

યુધિષ્ઠિર ! આ સંબંધમાં ભગવાન વ્યાસે પોતાના પુત્ર શુકદેવને જે કહ્યું હતું તે જ હું તને કહી સંભળાવું. એક વાર શુકદેવેપોતાના પિતા વ્યાસને પૂછ્યું;
‘આ સર્વ ભૂતસમુદાયનો સ્ત્રષ્ટા કોણ? જેને આપણે “જીવ જીવ એમ કહીએ તે જીવ કોણ છે ?’

વ્યાસે કહ્યું; ‘પૂર્વે જગતની ઉત્પતિ પહેલાં, અનાદિ અને અનંત એવું એક જ તત્વ માત્ર સત્તારૂપે વિદ્યમાન હતું. આનું નામ બ્રહ્મ. આ બ્રહ્મ પોતાની રાત પૂરી થાય ને જાગે છે ત્યારે સૃગ્ટીની રચના કરે છે. આ રચના વખતે પહેલું જે ઉત્પન્ન થાય તેને મહત-તત્વ કહે છે. આ મહત- તત્વમાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ, અને પૃથ્વી એ મહાભૂતો થાય છે.કેટલાંક મીમાંસ્કો એમ માને છે કે માત્ર કર્મથી જ આ જગત ઉત્પન્ન થાય છે. કેટલાંક જ્યોતિષશાસ્ત્રીઓ એમ કહે છે સૂર્ય વગેરે ગ્રહનક્ષત્રો જ શુભઅશુભ ફળ આપનારા છે. કેટલાંક સ્વભાવ કે કુદરતીવાદીઓ એમ માને છે કુદરત જ આ બધું કરે છે. પણ શુકદેવ, ખરી વાત તો એ છે કે પરબ્રહ્મ જ આ સર્વ ચરાચર જગતનું મૂળ કારણ છે.

‘બ્રહ્મદેવનો દિવસ જ્યારે પૂરો થાય છે ત્યારે ઈશ્વર આખાય જગતને સૂક્ષ્મ સ્વરૂપે પોતાની અંદર સમાવી દે છે. આને પ્રલયકાળ અથવા તો પ્રલય કહેવામાં આવે છે.’

બેટા યુધિષ્ઠિર ! એક વાત તો તુ સમજે એવી સ્પષ્ટ છે.બધા વિષયો એવા છે કે એને વાણીમાં ઊતારવા જ મુશ્કેલ છે. વાણી તો આપણે મનુષ્યએ વાપરવું શરૂ કરેલું સાધન છે. આપણા મનુષ્ય તરીકેના વિચારોનું એ જ વહન કરી શકે એટલા માટે આવા ગહન વિષયને ચર્ચવામાં વાણી ઘણી વાર પાછી હઠે છે. અને બહુ બહુ તો આપણા જાણીતા વ્યવહારમાંથી વિચારોને લઈને એ ગહન વિચાર તરફ ફક્ત આંગળી ચીંધે છે. ભગવાન વ્યાસ જ્યારે ‘બ્રહ્માની રાત્રિ’ અથવા ‘બ્રહ્માનો દિવસ’ એમ કહે છે ત્યારે તે આવો પ્રયોગ કરે છે એમ તારે સમજવું. એ વિચારને દર્શાવાને માટે આપણી પાસે આપણી માનુષી ભાષા અને માનુષી જીવનના જ ખ્યાલો છે. આપણે મનુષ્યો આપણી મર્યાદાને ઓળ્ંગીને કઈ ભાષામાં આબોલી શકીએ? મૂળ તો ભાષા એ જ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ છે, એટલે તે કઈ રીતે એને તોલ કરી શકે? એટલા માટે જ શાસ્ત્રો કહે છે કે આવા તત્વ વિચારોમાં ભાષા એક ઘણું જ અપૂર્ણ સાધન છે. છતાં જ્ઞાનીઓની પાસે એ એક જ સાધન છે.

ત્યાર બાદ શુકદેવે બીજો પ્રશ્ન પૂછ્યોઃ-

‘હે પિતા ! આપે જણાવેલ બ્રહ્માને પામવા માટે પુરુષે પોતાના આશ્રમધર્મનું કેવી રીતે પાલન કરવું તે મને વિસ્તારથી કહો.’

વ્યાસજી બોલ્યાઃ ‘બેટા શુક્ર ! ચાર આશ્રમો તો પરમાત્માને પહોંચવાની નિસરણી છે. જે મનુષ્ય એનાં પગથિયાં પર પોતાના પગ બરાબર ટેકાવે છે તે નિસરણીની ટોચે પહોંચીને સુખી થાય છે.

‘શુકદેવ ! હવે હું આ અશ્રમોના ધર્મો વિગતવાર કહું છું.

‘બ્રહ્મચારીએ ગુરુની પાસે વસવું, ગુરુના સુતા પછી સૂવું, ગુરુના ઊઠ્યા પહેલા ઊઠવું અને આવા શિષ્યને શોભે એવાં તમામ સેવાનાં કાર્યો કરવા. શિષ્યે ગુરુની પાસે રહી ધ્યાન પૂર્વક અધ્યયન કરવું. તેમની આજ્ઞા માથે ચડાવવી, ગુરુ ઊભા હોય ત્યાં સુધી ઊભા રહેવું.

‘બેટા ! બ્રહ્મચારીઓ માટે ધર્મો નક્કી થયા છે, એનો અર્થ એવો નથી કે બ્રહ્મચારી એક યંત્રની જ માફક આ પ્રમાણે વર્ત્યો જાય. આ નિયમો તો બ્રહ્મચારીના મનના વલણને દેખાડે છે. શાસ્ત્રકારોની અપેક્ષા તો એવી છે કે બ્રહ્મચારી હરકોઈ ઉપાયે ગુરુને પ્રસન્ન કરીને તેમની અનન્યભાવે સેવા કરે. અને આ બ્રાહ્મ ચિન્હો તો અંદર અંદરના અનન્ય ભાવનાં સૂચકમાત્ર છે. જે બ્રહ્મચારી આવી અનન્ય ભાવની ઉપાસના કરતો નથી. તે ગુરુની સાચી વિદ્યા પામી શકતો નથી; આવી અનન્ય સેવા બ્રહ્મચારીના દેહનું અભિમાન તોડે છે અને વિદ્યાને અંદરથી ઊગવા ન દેનારા જે જે પ્રતિબંધો છે તે બધા આપોઆપ દૂર થાય છે.

‘ગૃહસ્થે નીચેની ચાર પ્રકારના આજીવિકાઓમાંથી કોઈ પણ એક જાતની આજીવિકાનો આશ્રય લેવો; કુચૂલધાન્ય, કુંભધાન્ય, અશ્વસ્તન અને કાપોલી. કુચૂલધાન્ય એટલે એક કોડી ભરાય તેટલું ધાન્ય એકઠું કરી તે વડે કુટુંબનો નિર્વાહ કરવો; કુંભધાન્ય એટલે એક ઘડો ભરાય એટલું ધાન્ય એકઠું કરીને તે વડે કુંટુંબનિ નિર્વાહ કરવો; અશ્વસ્તન એટલે માત્ર એક દિવસ ચાલે તેટલા ધાન્યનો સંગ્રહ કરીને આવતી કાલનો વિચાર ન કરવો; અને કાપોલી એટલે ખળામાંથી ખેડૂત ધાન્ય ઊપાડી જાય ત્યાર પછી ત્યાં પડી રહેલામ દાણા વીણી લાવી તેમાંથી નિર્વાહ ચલાવવો. ગૃહસ્થે અતિથિનો યોગ્ય સત્કાર કરવો. પોતાના પર આધાર રાખનાર લોકોનું બરાબર પોષણ કરવું, પોતાની સ્ત્રી પર આસક્તિ રાખવી અને ઈંન્દ્રીયોને કાબુમાં રાખી વ્યવહારમાં રહ્યાં છતાં તેમાં લેપાવું નહિ.

‘ગૃહસ્થાશ્રમનાં સુખોની અંદર પણ મનને દુઃખ જ દેખાયા કરે છે, એવા વાનપ્રસ્થો અરણ્યોના શાંત પ્રદેશમાં વાસ કરે છે. કેટલાક વરસાદમાં પણ ખુલ્લા પ્રદેશમાં પડ્યા રહે છે; શિયાળામાં જળમાં બેસી રહે છે, ઉનાળામાં પંચાગ્નિ તપે છે, કેટલાક માત્ર પૃથ્વી પર જ સૂઈ રહે છે, કેટલાક પગના ફણા પર ઊભા રહે છે, કેટલાક કાચું અનાજ ખાય છે,કેટલાક માત્ર એક જ વખત રાબડી પીએ છે, અને કેટલાંક આકાશવૂતિ રાખીને જે મળી આવે તેથી નિર્વાહ ચલાવે છે. મતલબ કે, આ વાનપ્રસ્થો દેહનું દમન કરીને તપશ્વર્યામાં જ વખત ગાળે છે, અને એ રીતે જીવન સાર્થક કરવા મહેનત કરે છે.

‘વાનપ્રાસ્થ મુનિએ આ આશ્રમનાં કર્મોથી પવિત્ર થઈને નખ, કેસ, રૂંવાડાં વગેરેનું વપન કરાવવું અને સંન્યાસ ગ્રહણ કરનારા પુરુષે યમનિયમોનું પાલન કરવામાં કદી પ્રસાદ ન કરવો. સર્વ વસ્તુનો પરિત્યાગ કરવામાં લેશ પણ ગાફેલ ન થવું અને બધી ઈંન્દ્રીયોનો જપ કરવો.

જે પુરુષે બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય અને વાનપ્રસ્થાશ્રમનું યથાયોગ્ય સેવન કરીને પોતાના અંતરના મેલોને ધોયા છે, તેમણે સંન્યાસ આશ્રમમાં પગ મૂકવો. સંન્યાસીએ એકલા રહીને યોગધર્મનું આચરણ કરવું. અને એ રીતે સર્વાત્મભાવ સાધવો.

સંન્યાસી અગ્નિ રાખવો નહિ, ઘર બાંઘીને રહેવું નહિ, એક જ દિવસ ચાલે તેટલી ભિક્ષા લેવી, મુનિવ્રત ધારણ કરવું, કાચલીનું પાત્ર માત્ર રાખવું, વૃક્ષોના મૂળ પાસે શયન કરવું, ભગવા પહેરવાં, એકલાં વિહાર કરવો અને કોઈ પણ પ્રાણી ઉપર રાગદ્રેષ ન રાખવો. સંન્યાસીએ આ સઘળો બાહ્યાચાર તેના અંતરની દશાનો સૂચક હોવો જોઈએ. સંન્યાસીએ પરિગ્રહમાત્રનો ત્યાગ કર્યો હોય છે, કારણકે આવો પરિગ્રહ જ આત્માને મોક્ષમાં અંતરાયરૂપ છે; અને આવી પરિગ્રહની ત્યાગબુદ્ધિ એ જ સંન્યાસની મોટી ચાવી છે. બેટા શુક્ર, એટલું તો ચોક્કસ જ છે કે આશ્રમનાં બાહ્ય ચિન્હો માણસને યથાર્થ આશ્રમની ભાવના અને બુદ્ધિ પોતાનામાં જાગ્રત કરવાની જરૂર છે અને પછી આવી આશ્રમ બુદ્ધિને આ બાહ્ય આચરણો મદદ કરે છે એ સહજ છે. બાકી તો જે પુરુષ કોઈ પણ આશ્રમનાં બાહ્ય ચિન્હો ધારણ કરે છે પણ એ આશ્રમની બુદ્ધિ જેનામાં નથી તેને મોટો ઢોંગી ધુતારો જાણવો.

‘આવો સંન્યાસી મરણને અભિનંદન આપતો નથી તેમ જીવતરને પણ અભિનંદન આપતો નથી. પરંતુ કોઈ એક સાચો સેવક જેમ સ્વામીની આજ્ઞાની રાહ જોતો બેસે છે, તેમ આવો સંન્યાસી પરમાત્માના સાદની રાહ જોતો બેસે છે.

‘અહિંસા એ સંન્યાસી પરમ ધર્મ છે. જેમ હાથીના પગલામાં બીજાં સર્વ ધર્મો સમાઈ જાય છે. તેમ જ આ અહિંસામાં બીજા સર્વ ધર્મો સમાઈ જાય છે,વાસ્ત્વિક રીતે તો અહિંસા એ જ સંન્યાસી પરમ ધર્મ છે.

આ પ્રમાણે વ્યાસ ભગવાને શુકદેવને કહ્યું એટલે શુકદેવ પ્રસન્ન થયા, અને પાછા પોતાની તપશ્વર્યામાં લાગી ગયાં.

બેટા યુધિષ્ઠિર ! ભગવાન વ્યાસનું જે મંતવ્ય છે તે જ મારું પણ મંતવ્ય છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “બાણશૈય્યા પર ભીષ્મ – યુધિષ્ઠિર સંવાદ – નાનાલાલ ભટ્ટ