ચાલો ગઝલ શીખીએ… ભાગ ૪ – જીજ્ઞેશ અધ્યારૂ (આઠ સંપૂર્ણ બહેરોની છંદસમજ..) 9


ચાલો ગઝલ શીખીએ શૃંખલા અંતર્ગત આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ અને છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી. હવે ગઝલના છંદો વિશે જાણીએ. આ વિષય લાંબો અને વિશદ છણાવટવાળો હોઈ વિભાગોમાં વહેંચેલો છે, અને તેથી ક્રમશઃ તેના ખંડો પ્રસ્તુત થશે. આજે રૂકન, અરકાન, અને તેનાથી બનતી બહેરો વિશે માહિતિ મેળવવાની શરૂઆત કરીએ તથા સાલિમ બહેરોની વિશે જાણીએ. આ પહેલાના આ શ્રેણીના લેખો અહીં ( ચાલો ગઝલ શીખીએ) ક્લિક કરીને વાંચી શકાય છે.

રૂકન અને અરકાન – (પિંગળ) છંદશાસ્ત્રમાં અમુક માત્રાનો ત્રણ ત્રણ અક્ષરનો ખંડ; કવિતામાં ત્રણ ત્રણ અક્ષરનો સમૂહ વૃતનું બંધારણ ગણ ઉપર છે. ત્રણ ત્રણ અક્ષરના સમૂહને અથવા જથ્થાને ગણ કહે છે. અરબીમાં ગણને રૂકન કહે છે, આ રૂકનનું બહુવચન અરકાન કહેવાય છે. અરકાનનો અરબી અર્થ થાય છે થાંભલા અથવા ટેકા. ગઝલશાસ્ત્ર માટે અરકાનનો અર્થ ગણખંડોનો સમૂહ એમ લઈશું.

સંસ્કૃત છંદો માટે આઠ ગણ નક્કી કરવામાં આવ્યા છે જે કવિ દલપતરામ કૃત દલપતપિંગળ અને અલંકારદર્શનમાં દર્શાવાયા છે. આમાંના કેટલાક આપણે શાળા સમયમાં શીખ્યા છીએ, જેમ કે શિખરિણી, હરિગીત, મંદાક્રાંતા, શાર્દૂલવિક્રીડિત વગેરે. જો કે આપણે એ ગણની મૂળભૂત માહિતિ લઈએ.

ય, ર, ત, ભ, જ, સ, મ ન એ નામના આઠ ગણ છે. તેને અનુક્રમે યગણ, રગણ, તગણ, ભગણ, જગણ, સગણ, મગણ અને નગણ કહે છે.

(૧) આદિ લઘુ અને છેડાના બે ગુરુ તે ‘ય’ગણ
(૨) મધ્ય લઘુ અને આસઆપના બે ગુરુ તે ‘ર’ગણ
(૩) અંતે લઘુ અને આગલા બે ગુરુ તે ‘ત’ગણ
(૪) આદિ ગુરુ અને છેડાના બે લઘુ તે ‘ભ’ગણ
(૫) મધ્ય ગુરુ અને આસપાસના બે લઘુ તે ‘જ’ગણ
(૬) અંતે ગુરુ અને આગલા બે લઘુ તે ‘સ’ગણ
(૭) ગુરુ ત્રણ અથવા સર્વ ગુરુ તે ‘મ’ગણ અને
(૮) લધુ ત્રણ અથવા સર્વ લઘુ તે ‘ન’ગણ

યશોદા શબ્દ યગણ છે, રગણ રાગીણી થાય, તગણ થાય તંબોળ ને, ભાષણ ભગણ ગણાય. જયંત થાયે છે જગણ, સમતા સગણ ગણાય, માતાજી છે મગણ, ને નવલ નગણ કે’વાય. ઉપર જણાવ્યા પ્રમાણે સંસ્કૃત છંદોના ગણબિમ્બો ત્રણ અક્ષરના હોય છે, જ્યારે ગઝલના છંદશાસ્ત્રમાં ગણબિમ્બો ૩-૪-૫ અક્ષરના હોય છે. અરકાન (ગણ)ની મદદથી ગઝલની બહેર (છંદ) બને છે આ ગણ તથા તેમની મદદથી બનતા છંદોની યાદી નીચે મુજબ છે.

છંદ(બહેર) – ગણ(અરકાન) – ‘લગા’ત્મક સ્વરૂપ
૧. મુતકારિબ – ફઊલુન – લગાગા
૨. મુતદારિક – ફાઇલુન – ગાલગા
૩. હઝજ – મફાઇલુન – લગાગાગા
૪. રજઝ – મુસ્તફઇલુન – ગાગાલગા
૫. કામિલ – મુતફાઇલુન – લલગા લગા
૬. વાફિર – મુફાઅલતુન – લગાલલગા
૭. રમલ – ફા ઇલા તુન – ગાલગાગા
૮. મુક્તઝિબ – મફઊલાત – ગાગાગાલ

હવે આ (સાલિમ) બહેરો વિશે વિગતવાર માહિતિ લઈએ.

શ્રી રઈશ મનીઆર તેમના ‘ગઝલનું છંદોવિધાન’ પુસ્તકમાં આ છંદોના પંચકલ, ષટકલ, સપ્તકલ અને અષ્ટકલ એવા વિભાગો પાડે છે. આપણે આ છ્ંદોના ઉપર દર્શાવ્યા મુજબ પ્રકારો અને તેના મૂળ તથા વિકારી છંદો વિશે જોઈશું.

ગઝલનું ગણ પ્રમાણે વિભાજન કરવાની રીતને તક્તીઅ કહે છે. જો એક વખત દરેક બહેરના લયમાં મહારત આવી જાય તો પછી તક્તી માંડવાની જરૂરત નહીં રહે, પરંતુ શરૂઆતમાં તક્તી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી સારી છે એમ આશિત હૈદરાબાદી તેમના પુસ્તક ‘ગઝલ શીખવી છે?’ માં સૂચવે છે.

૧. મુતકારિબ (મૂળ ગણ – લગાગા – ફઊલુન્)

આ ગણમાં પ્રથમ લઘુ અને પછી બે ગુરુ એકમોનો સમાવેશ થાય છે. આ ક્રમમાં ફેરફાર થઈ શકે નહીં. એક પૂર્ણ છ્ંદ માટે આ ગણના આઠ વખત આવર્તન જરૂરી છે. એટલે એને અષ્ટવર્ગી કે એકાકી ગણવાળો છંદ કહે છે. હવે એક શેર લઈ તેનું તક્તીઅ (ગણવિભાજન) જોઈએ.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાગા લગાગા લગાગા લગાગા

બહેર અરકાન – ફ ઉ લુન I ફ ઉ લુન I ફ ઉ લુન I ફ ઉ લુન
કાવ્ય પંક્તિ – જુદીજિં I દગીછે I નમાજે I નમાજે
માત્રા હિસાબ – ૧ ૨ ૨ I ૧ ૨ ૨ I ૧ ૨ ૨ I ૧ ૨ ૨

આ છંદ પ્રમાણેના નમૂના માટેના અન્ય શેર પ્રસ્તુત છે –

અહીં સૌ પગોમાં છે જંજીર જેવું
અને એય કારણ વગર હોય જાણે – દીપક બારડોલીકર

વિતાવી વિચારોમાં અર્ધી સદી છે,
કદી પ્રેમની ક્યાં કરી માંગણી છે? – મુન્શી ધોરાજવી

મને જિંદગીને મરણની ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. – ડૉ. જયંત પાઠક

રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. – મનોજ ખંડેરિયા

આ છંદમાં લગાગા ના ફક્ત બે આવર્તન હોય ત્યારે પણ રચના માન્ય ગણાય છે, ઉદાહરણ માટે આ શેર જોઈએ,

છે શય્યા નર્યા કંટકોની,
કરું ઑસની કાં પ્રતીક્ષા ? – પ્રફુલ્લ દેસાઈ

તો લગાગાના આઠ આવર્તન હોય ત્યારે બેવડાયેલા છંદ સાથેની રચના કાંઈક આમ થાય,

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે. – ‘ગની’ દહીંવાળા

પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે,
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. – શૂન્ય પાલનપુરી

આ જ છંદ દોઢો કરીને વપરાય ત્યારે લગાગા ૪ ની બદલે લગાગા ૬ ના આવર્તન જોવા મળે, ઉદાહરણ માટે આ શેર જોઈએ,

હથેળીમાં મ્હેંદી ને મ્હેંદીમાં છે ચિત્ર ઊગતા સૂરજનું;
આ તારા સૂરજને ડુબાવી પ્રિયે, તું અહીંથી જવાની. – પ્રમોદ આહીરે

૨. મુતદારિક મુસમન સાલિમ (મૂળ ગણ – ગાલગા – ફા ઇ લુન)

ખલીલે રચેલ આદ્ય ગણોમાં આ છંદ નહોતો, પણ ફારસી કવિએ આ છંદ શોધ્યો. આ છંદની શરૂઆત ગુરુથી થાય છે અને ‘લ’ બે ‘ગા’ ની વચ્ચે આવતો રહે છે. ગાલગા ના ચાર આવર્તન દરેક પંક્તિમાં હોય ત્યારે તેને સંપૂર્ણ (સાલિમ) છંદ કહે છે. એ સ્વતંત્ર એકાકી ગણવાળો અષ્ટવર્ગી છંદ છે અને તેના દ્વિવર્ગી, ચતુર્વર્ગી અને ષડવર્ગી રૂપો પણ માન્ય છે.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગા ગાલગા ગાલગા ગાલગા

બહેર અરકાન – ફા ઇ લુન I ફા ઇ લુન I ફા ઇ લુન I ફા ઇ લુન
કાવ્ય પંક્તિ – શું મને I પામશે I કોઈ ટૂં I કી નજર
માત્રા હિસાબ – ૨ ૧ ૨ I ૨ ૧ ૨ I ૨ ૧ ૨ I ૨ ૧ ૨

આ છંદ પ્રમાણેના નમૂના માટેના અન્ય શેર પ્રસ્તુત છે –

શું મને પામશે કોઈ ટૂંકી નજર,
દૂર એવી નજરથી રહી જાઉં છું. – રતિલાલ ‘અનિલ’

આ ગણનું દ્વિવર્ગી (ગાલગા ૧) રૂપ,

વૃદ્ધ મન
બાંકડે – કિરણ ચૌહાણ

ગાલગાના બે આવર્તન વાળું સ્વરૂપ લઈને બનેલ શેર જોઈએ,

સત્યજે લાગતું,
શી ખબર ભ્રમ હશે? – રતિલાલ અનિલ

ગાલગા ના ત્રણ આવર્તન વાળું આ ગણનું ષડવર્ગી સ્વરૂપ,

લાગણીમાં તણાતું નથી,
દિલ કદીએ ગણાતું નથી. – રતિલાલ અનિલ

સાચું એ ક્ષેત્રફળ આપશે
વેંતથી વેંતને માપજે – રમણ વોરા

અને અંતે ગાલગા ના આઠ આવર્તન વાળું સ્વરૂપ લઈને રચાયેલ શેર,

ક્યાંય લીલાશની ગંધ આવે નહીં, એવી સજ્જડ રીતે એ રહે છે હવે,
ક્યાં છે સળીયા કે આવું શ્વસે આમ્રકુંજેથી ઉડી ગયેલો એ પોપટ હવે. – ડૉ. લલિત ત્રિવેદી

૩. હઝજ સાલિમ (મૂળ ગણ – લગાગાગા – મફાઇલુન)

મધુર, કોમળ અને સરળ ગતિવાળો હોવાથી ગઝલકારોમાં પ્રિય આ છંદ ગઝલના મિજાજને વધુ અનુકુળ ગણાય છે. આ છંદની શરૂઆત લઘુથી થાય છે અને ‘લ’ પછી ત્રણ ‘ગા’ આવે છે. લગાગાગા ના ચાર આવર્તન દરેક પંક્તિમાં હોય ત્યારે તેને સંપૂર્ણ (સાલિમ) છંદ કહે છે. એ સ્વતંત્ર એકાકી ગણવાળો અષ્ટવર્ગી છંદ છે અને તેના દ્વિવર્ગી, ચતુર્વર્ગી અને ષડવર્ગી રૂપો પણ માન્ય છે.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

બહેર અરકાન – મ ફા ઇ લુન I મ ફા ઇ લુન I મ ફા ઇ લુન I મ ફા ઇ લુન
કાવ્ય પંક્તિ – ક્ષ ણો ને તો I ડ વા બે સું I તો વર સો ના I વ રસ લા ગે
માત્રા હિસાબ – ૧ ૨ ૨ ૨ I ૧ ૨ ૨ ૨ I ૧ ૨ ૨ ૨ I ૧ ૨ ૨ ૨

ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે. – મનોજ ખંડેરિયા

આ છંદ પ્રમાણેના નમૂના માટેના અન્ય શેર પ્રસ્તુત છે –

નજીક આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી. – ‘નઝીર’ ભાતરી

તબીબ પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈને – બરકત વિરાણી ‘બેફામ’

આ ગણનું ચતુર્વર્ગી (લગાગાગા ૨) રૂપ,

ઝરૂખે કોણ બેઠું છે,
ઉછીની લઈ અદાકારી ? – દિનેશ ડોંગરે ‘નાદાન’

આ જ ગણનું ષડવર્ગી (લગાગાગા ૩) સ્વરૂપ લઈને બનેલો શેર જોઈએ,

તમારી યાદમાં ફક્ત નભ ઝૂકી આવ્યું,
અજબ કલશોર કરતાં ખગ અને બેઠાં. – શ્યામ સાધુ

૪. રજઝ સાલિમ (મૂળ ગણ – ગાગાલગા – મુસ્તફઇલુન)

મૂળ ગણ ‘ગાગાલગા’, અને પૂર્ણ છંદમાં એક પંક્તિમાં એના ચાર આવર્તનો આવવા જોઈએ. એ સ્વતંત્ર ગણવાળો અષ્ટવર્ગી છંદ છે અને તેના પણ દ્વિવર્ગી, ચતુર્વર્ગી અને ષડવર્ગી રૂપો પણ માન્ય છે.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

બહેર અરકાન – મુસ્તફ ઇ લુન I મુસ્તફ ઇ લુન I મુસ્તફ ઇ લુન I મુસ્તફ ઇ લુન
કાવ્ય પંક્તિ – આ વી ક બૂ I તર સા મ ટાં I નાં ખે નિઃ સા I સા રા ત ભર
માત્રા હિસાબ – ૨ ૨ ૧ ૨ I ૨ ૨ ૧ ૨ I ૨ ૨ ૧ ૨ I ૨ ૨ ૧ ૨

શેર ઉદાહરણ –

આવી કબૂતર સામટાં નાખે નિઃસાસા રાતભર;
આબાદ એના ગામમાં સૂની હવેલી નીકળે ! – દિનેશ દેસાઈ

હું પીઠ પર બેસીને મોજોની વિહરતો જાઉં છું
મઝધારના તોફાનમાં તોફાન કરતો જાઉં છું. – ‘બેચેન’ વાસાવડી

આ છંદનું દ્વિવર્ગી ઉદાહરણ

તિરછી નજર
આફતનું ઘર ! – શૂનય પાલનપુરી

આ છંદનું ચતુર્વર્ગી ઉદાહરણ,

તાપો તણી સત્તા ટળી,
કેવી ગઈ વર્ષા છળી ! – નિરંજન દેસાઈ ‘અમિયાન’

આ છંદનું ષડવર્ગી ઉદાહરણ

હું સ્વપ્ન બાંધી રેત પર તરતો છતાં,
આ કોણ ઊભું, ઘેનનું કારણ બની ? – મંગળ રાવળ

૫. કામિલ સાલિમ (મૂળ ગણ – લલગાલગા – મુતફાઇલુન)

મૂળ ગણ ‘લલગાલગા’, અને પૂર્ણ છંદમાં એક પંક્તિમાં એના ચાર આવર્તનો આવવા જોઈએ. કામિલ અને વાફિર છંદો બીજા છંદો કરતાં થોડી અલગ વિશિષ્ટતા ધરાવે છે. બંનેમાં નજીક આવતા બે લઘુઓને લઘુ તરીકે જ નિભાવવાના હોય છે. અહીં પ્રથમ બે લઘુ પછી ગુરુ પછી લઘુ અને અંતે ફરી ગુરુ આમ પાંચ ઘટકો છે. આ છંદ બહુજ ઓછો ખેડાયો છે.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા

બહેર અરકાન – મુ ત ફા ઇ લુન I મુ ત ફા ઇ લુન I મુ ત ફા ઇ લુન I મુ ત ફા ઇ લુન
કાવ્ય પંક્તિ – જો હ્ર દય ની આ I ગ વ ધી ગ ની I તો ખુ દઈ શ્વ રે I જ કૃ પા ક રી
માત્રા હિસાબ – ૧ ૧ ૨ ૧ ૨ I ૧ ૧ ૨ ૧ ૨ I ૧ ૧ ૨ ૧ ૨ I ૧ ૧ ૨ ૧ ૨

શેર ઉદાહરણ –

જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. – ‘ગની’ દહીંવાળા

આ જ છંદના ઉપયોગથી બનેલ બહાદુરશાહ ઝફરની પ્રખ્યાત ગઝલનો શેર,

ન કિસી કી આંખકા નૂર હું, ન કિસી કે દિલ કા કરાર હું;
જો કિસી કે કામ ન આ સકા, મેં વો એક મુશ્તે ગુબાર હું !

૬. વાફિર સાલિમ (મૂળ ગણ – લગાલલગા – મુફાઅલતુન્)

મૂળ ગણ ‘લગાલલગા’, અને પૂર્ણ છંદમાં એક પંક્તિમાં એના ચાર આવર્તનો આવવા જોઈએ. કામિલ છંદની જેમ અહીં પણ નજીક આવતા બે લઘુઓને લઘુ તરીકે જ નિભાવવાના હોય છે. અહીં પ્રથમ લઘુ પછી ગુરુ પછી બે લઘુ અને અંતે ફરી ગુરુ આમ પાંચ ઘટકો છે. આ છંદ બહુજ ઓછો ખેડાયો છે.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાલલગા લગાલલગા લગાલલગા લગાલલગા

આ ગણ ગુજરાતીમાં ભાગ્યે જ ખેડાયો હશે, તેના ઉદાહરણો પણ મળતા નથી.

૭. રમલ સાલિમ (મૂળ ગણ – ગાલગાગા – ફાઇલાતુન્)

આ છંદને કેટલાક સૌથી પહેલા રચાયેલો છંદ માને છે. રમલનો અર્થ રમવાની કૂકરી કે પાસા એવો થાય છે. આ છંદ રમતિયાળ લયવાળો છે અને સહેલાઈથી જીભે ચઢી જાય છે. નવોદિત ગઝલકારોને આ છંદ સરળ લાગ્યો છે. મૂળ ગણ ‘ગાલગાગા’, અને પૂર્ણ છંદમાં એક પંક્તિમાં એના ચાર આવર્તનો આવવા જોઈએ. અહીં પ્રથમ ગુરુ પછી લઘુ અને અંતે બે ગુરુ આમ ચાર ઘટકો છે.

પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

બહેર અરકાન – ફાઇલાતુન્ I ફાઇલાતુન્ I ફાઇલાતુન્ I ફાઇલાતુન્
કાવ્ય પંક્તિ – પાં ચ બખિ યા I સા થ ઈ ચ્છા I સી વ તા સી I વા ઈ ગઈ છે
માત્રા હિસાબ – ૨ ૧ ૨ ૨ I ૨ ૧ ૨ ૨ I ૨ ૧ ૨ ૨ I ૨ ૧ ૨ ૨

શેર ઉદાહરણ –

પાંચ બખિયા સાથ ઈચ્છા સીવતાં સીવાઈ ગઈ છે;
જાત નોખી પાડવી છે, સાંઈ ! અમને સોય આપો ! – શિવજી રુખડા

આમ તો જોકે ઘણાયે હોય છે સાથી સફરમાં,
તે છતાં પણ કોણ કોને ઓળખે છે આ નગરમાં – આશિત હૈદરાબાદી

છો હતી દુઃખના સકંજામાં અમારી જિન્દગાની
તોય કો દી હામ ખોઈ છે ન કો દી હાર માની – ‘રિન્દ’ ગુજરાતી

આ ગણનું ષડવર્ગી ઉદાહરણ,

રસનીતરતી સાંજના ઉલ્લાસ જેવું,
આપણું હોવું સભામાં ખાસ જેવું – મકરંદ મૂસળે.

પાછલા જન્મો વિષે જો કૈં કહું તો,
આંખ મીંચી ને બધું ભૂલી જવાનું ! – શ્યામ સાધુ

આ જ છંદના ઉપયોગથી બનેલ ચતુર્વર્ગી શેર,

કોણ કોને છેતરે છે !
કદ પ્રમાણે વેતરે છે. – મહેશ રાવલ

જીવ સાટે પણ નિભાવો,
કાફિયાની આ શરત છે. – અદમ ટંકારવી

૮. મુક્તઝિબ મુસમન સાલિમ (મૂળ ગણ ગાગાગાલ, મફઊલાત)

આ ગઝલ બિલકુલ ખેડાઈ નથી, માટે તેના વિશે વધુ જણાવવું ટાળ્યું છે.

પ્રસ્તુત આઠ સંપૂર્ણ (સાલિમ) બહેરોની માહિતિ પછી હવે તેમના વિવિધ મિશ્ર અને વિકારી સ્વરૂપો વિશે આવતા અંકે જોઈશું.

– જીજ્ઞેશ અધ્યારૂ

સંદર્ભ પુસ્તકો –
૧. છંદસમજ ગઝલસહજ – નઝર ગફૂરી
૨. ગઝલ શીખીએ – પ્રફુલ્લ દેસાઈ
૩. ગઝલનું છંદોવિધાન – રઈશ મનીઆર
૪. ગઝલ શીખવી છે ? – આશિત હૈદરાબાદી


Leave a Reply to Pancham ShuklaCancel reply

9 thoughts on “ચાલો ગઝલ શીખીએ… ભાગ ૪ – જીજ્ઞેશ અધ્યારૂ (આઠ સંપૂર્ણ બહેરોની છંદસમજ..)

  • ચંદ્રશેખર પંડ્યા

    ખૂબ માજા પાડી
    ખૂબ મજા પડી. પુસ્તક રૂપે આપે કોઈ પ્રકાશન બહાર પાડ્યું હોય તો ખરીદીને વસાવવાની ઇચ્છા છે.

    ચંદ્રશેખર પંડ્યા.

  • Bharat Gadhavi

    શ્રી જિગ્નેશ ભાઈ અધ્યારુ………જય સ્વામિનારાયણ… જય શ્રીક્રિશ્ના….. ખુબજ સરાહનીય કાર્ય આપ કરી રહ્યા છો. ટહુકૉ વાળી જયશ્રી એ આપનો સન્દર્ભ આપ્યૉ છે. હુ પણ ગઝલ / કવિતા / શાયરી લખુછુ. પણ અત્યાર સુધી મારી રીતેજ લખતો હતો. હવે તમારા દર્શાવેલા માર્ગદર્શન પ્રમાણે લખીશ તો કદાચ સાચા અર્થમા ગઝલ / કવિતા / શાયરી નુ ઉમદા સર્જન થશે. આપનો સંદર્ભ આપવા બદલ ટહુકો વાળી જયશ્રી ને અમિત નો માનુ એટલો આભાર ઓછો છે. જો આપ મને આ વિષય ને લગતા થોડા પુસ્તકો મેળવવા મા મદદ કરી શકો તો હુ આપનો અનન્ય રુણી રહીશ……..

    આભાર……..
    ભરત ગઢવી
    ગેબોરોન – બોત્સવાના (અફ્રિકા)
    મોબાઈલ ૦૦૨૬૭ ૭૧૫૭૮૭૦૭.
    E-mail: Bharat95Gadhavi@gmail.com

  • ડૉ. મહેશ રાવલ

    છંદ વિષે જાણવા ઉત્સુક અને એ બંધારણના નિયમોથી અવગત થવા માંગતા તમામને આ લેખમાળા એક ચોક્કસ માહિતીસભર અને નક્કર દીશા ખોલી આપશે એ નક્કી.
    સુંદર અને સરાહનીય કાર્ય બદલ અભિનંદનના અધિકારી છો.
    સાથે-સાથે, તમે છંદ વિષેના પુસ્તકોના રેફરન્સ બુક તરીકે જે નામ આપો છો એ પણ વિષય નિષ્ણાંત મહાનુભાવોના છે એટલે,કોઇ વસાવવા ધારે તો વસાવી પણ શકે.

  • Pancham Shukla

    ૮. મુક્તઝિબ મુસમન સાલિમ (મૂળ ગણ ગાગાગાલ, મફઊલાત)નો વિકારી ઉપયોગ….

    કદી એ ઝાઝું થાય ? થોડું થાય ?
    ગધેડું ગંગા ન્હાય ઘોડું થાય ?
    કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
    બને, કે – વહેલું થાય, મોડું થાય !

    છંદ-વિધાનઃ લગાગા ગાગાગાલ ગાગાગાલ

    http://spancham.wordpress.com/2010/04/15/evum-thaay/