ચાલો ગઝલ શીખીએ… (ભાગ 3) આશિત હૈદરાબાદી (છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો) 10


આપણા અભ્યાસનો મૂળ વિષય ગઝલ છે, અને તેનો વિગતે પરિચય આપણે આગળના ભાગોમાં મેળવવાના જ છીએ, પરંતુ આજે ગઝલ સિવાય છંદશાસ્ત્રના ઉપયોગથી સર્જાતી અન્ય પ્રકારની રચનાઓ વિશે માહિતિ લઈએ. જો કે ગઝલના છંદશાસ્ત્રનો પરિચય આ બધાજ પ્રકારોની મૂળભૂત સમજ માટે જરૂરી છે, પરંતુ તેમના બાહ્ય માળખામાં આવતા ભેદનો પ્રથમ પરિચય કરીએ. એ પ્રકારો છે,

– મુસલ્સલ ગઝલ
– મુખમ્મસ (પંચપદી)
– મુસદ્સ (ષટપદી)
– નઝમ
– રૂબાઈ
– કસીદા
– તરહી ગઝલ
– મુક્તક
– તઝમીન
– હઝલ
– પ્રતિ-ગઝલ

ઉપર જણાવ્યા સિવાય અન્ય પણ ઘણાં પ્રકારો છે, ઉપર જણાવેલા પ્રકારોમાંથી પણ બહુ ઓછાં શાયરો નઝમ, મુખમ્મસ, મુસદ્સ, રૂબાઈ કે મુસલ્સલ ગઝલ લખે છે. અત્યારે વિપુલ પ્રમાણમાં ખેડાતા પ્રકારો છે, ગઝલ, મુક્ત શેર, મુક્તક અને તઝમીન ! એટલા માટે નવોદિતોને નજર સમક્ષ રાખી એમને જરૂરી છે એવા જ માત્ર પ્રચલિત પ્રકારો વિષે વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

૧. મુસલ્સલ ગઝલ

ગઝલના દરેક શેરના ભાવ અલગ અલગ હોય છે છતાં દરેક શેર એની રીતે સંપૂર્ણ હોય છે અને કાફિયા – રદીફના સંયોજનથી તેની માળા ગૂંથાય છે. ભાવ સાતત્ય કે વિચાર સાતત્ય વાળી ગઝલને મુસલ્સલ ગઝલ કહે છે. સ્વ. શ્રી શૂન્ય પાલનપુરીના મતે “ભાવ સાતત્યવાળી ગઝલો પ્રશંસનીય છે છતાં તેને મુસલ્સલ ગઝલ કહેવાનો રિવાજ ખોટો છે. વિચાર ભાવ સાતત્ય નઝમના પ્રકારોમાં ફરજિયાત છે. આવી ગઝલ કતઆ અથવા કતઆ-બંદના વિભાગમાં આવી જાય છે.”

૨. મુખમ્મસ – (ખમ્સા અથવા પંચપદી)

હિન્દી ઉર્દૂ શબ્દકોશમાં આપેલા અર્થ મુજબ આ નઝમનો એક પ્રકાર છે જેમાં હર બંદમાં પાંચ મિસ્ત્રા (પંક્તિઓ) હોય છે. ગઝલના બે મિસ્ત્રા ઉપર ત્રણ મિસ્ત્રા ઉમેરીને એને પણ પંચપદી બનાવી શકાય છે. આ રચનામાં ભાવ સાતત્ય જાળવવું અનિવાર્ય છે. એટલા માટે આ પ્રકાર ગઝલથી જરા જુદો પડે છે. ઉદાહરણ જોઈને આ વાત વધુ સ્પષ્ટ થશે,

અનાદિ મય થકી પીધું હતું મેં આચમન તારૂં,
અને એ જામમાં દીઠું હતું પહેલું વદન તારૂં,
અને સુરલોકથી જોયું હતું મેં આમ્રવન તારૂં,
કર્યું મારૂં વતન આવી અહીં, જ્યાં છે વતન તારૂં,
અને શોધી રહ્યો છું હું ઘૂમી રહીને સદન તારૂં !

પરિમલ કેશ ગુચ્છોનો હવા પર તું ઉડાવે છે,
અને પયગામ ઘેરા ઈશ્કનો મુજને કહાવે છે,
વળી સ્વપ્નો મહીં આવી મને શબભર સતાવે છે.
રહીને દૂર તું ઈસરાજ કંકણનો સુણાવે છે,
હ્રદય માની રહ્યું નક્કી થવાનું આગમન તારૂં !
– સ્વ. અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

૩. મુસદ્સ (અથવા ષટપદી)

આમાં દરેક બંધમાં છ પંક્તિઓ હોય છે. અહીં ઉદાહરણ માટે ષટપદીનો બંધ આપ્યો છે, જેથી પ્રાસાનુપ્રાસની રચના કઈ રીતે થાય છે તે સમજી શકાય.

ભૂલી જા તું ભૂલી જા એ રૂપેરી ચાંદની રાતો,
ભૂલી જા એ ઉભય કરતાં હતાં જે પ્રેમની વાતો,
ભૂલી જા એ કદી દીધી હતી જે દિલની સોગાતો,
ભૂલી જા એ પરસ્પરની પ્રણય ઝરતી મુલાકાતો,

હવે એ પ્રેમની વાતો મુલાકાતો ભૂલાવી દે,
મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે !

કદી હું આવતો તુજ પાસ, તું હરખાઈ જાતી’ તી,
ને દોડી આવતી સામે ગળે વિંટળાઈ જાતી’ તી,
કરીને પ્રેમગોષ્ઠી તું પછી શરમાઈ જાતી’ તી,
અને ધીરે રહી મુજ ગોદમાં છુપાઈ જાતી’ તી

હવે એ સ્વપ્ન-સમ દુનિયાને તું દિલથી ભૂલાવી દે,
મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે !
– સ્વ. સાલિક પોપટીઆ

૪. નઝમ

નઝમને સમજવા માટે શ્રી મસ્તહબીબ સરોદીના આ શબ્દો જ પર્યાપ્ત છે, – “નઝમનું ક્ષેત્ર વિશાળ ખરું પણ એના કડક બંધનો જેવાં કે વિચાર સાતત્ય, પ્લોટની સંપૂર્ણતા અને રજૂઆતની વિશિષ્ટતાને કારણે આ પ્રકાર પણ શ્રમદાયક થઈ પડ્યો, એના પ્રતિ દુર્લક્ષ થતું રહ્યું અને તેની પ્રગતિ રૂંધાઈ ગઈ.

૫. રૂબાઈ

રૂબાઈ ચાર મિસ્ત્રાની (પંક્તિઓની) હોય છે જેમાં ગઝલની જેમ જ કાફિયા-રદીફનું આયોજન કરવાનું હોય છે પરંતુ કાફિયા માત્ર પહેલી, બીજી અને ચોથી પંક્તિમાંજ યોજવામાં આવે છે. ત્રીજી પંક્તિમાં કાફિયા આવે નહીં. રૂબાઈ ગઝલ માટે યોજવામાં આવેલા છંદો મુજબ રચી શકાતી નથી. એ માટે ચોક્કસ અરકાન (ગણબિમ્બો) નક્કી કરવામાં આવ્યા છે. અને એ અરકાનની મદદથી રચવામાં આવેલ માત્ર ચોવીસ છંદોમાંજ રૂબાઈ રચવામાં આવે છે. રૂબાઈનો વિચાર એક જ હોય છે, એટલે કે એક વિચાર અથવા વિષયને ચાર પંક્તિઓમાં સમાવી લેવામાં આવે છે. પ્રથમ ત્રણ પંક્તિઓ સચોટ હોવી જોઈએ અને ચોથી પંક્તિ ચોટદાર હોવી જોઈએ. ચોથી પંક્તિ ઉપરની ત્રણેય પંક્તિઓનો આધારસ્તંભ ગણવામાં આવે છે.

સ્વ. શ્રી સાલિક પોપટીઆ અને સ્વ. શ્રી કિસ્મત કુરૈશીએ સુંદર રૂબાઈયાત લખી છે. આ માટે તેમના સંગ્રહો નયનધારા, સુરાહી તથા સંયુક્ત સંગ્રહ સંગમમાં સુંદર રૂબાઈ વાંચવા મળે છે.

૬. કસીદા

કસીદા એ નઝમનો જ એક પ્રકાર છે, પરંતુ કસીદા એને જ કહેવામાં આવે છે જેમા કોઈની નિંદા કે પ્રશંસા કરવામાં આવી હોય. આમાં ઓછામાં ઓછા ૨૦ શેર હોવા જોઈએ. આનાથી વધારે શેર માટે કોઈ મર્યાદા નથી. ગમે તેટલી દીર્ઘ રચના કરી શકાય છે. આમાં કાફિયા-રદીફની વિશિષ્ટ રચના કરવામાં આવે છે. જો કે આ પ્રકાર હવે ખૂબ ઓછો ખેડાય છે.

૭. તરહી ગઝલ

ગઝલ રચવા માટે કોઈ એક કાફિયા રદીફ યુક્ત પંક્તિ આપવામાં આવે તેને આધારસ્તંભ માની ગઝલની રચના કરવામાં આવે અને આપેલી પંક્તિ કોઈ એક શે’રમાં વણી લેવામાં આવે એવી ગઝલને તરહી ગઝલ કહે છે. અગાઊ એવા ઘણાં મુશાયરા થતાં જેમાં ભાગ લેનાર શાયરોને અગાઊથી એક પંક્તિ આપવામાં આવતી અને એ પંક્તિ પરથી શાયરો ગઝલ લખી મુશાયરામાં રજૂ કરતાં. હવે આવા તરહી મુશાયરા યોજાતા નથી.

૧૯૫૯-૧૯૬૦ની આસપાસ રાજકોટમાં યોજાયેલા એક તરહી મુશાયરામાં નીચે મુજબ પંક્તિ આપવામાં આવેલી –
‘ફરિશ્તાઓ મહીં આદમનું પણ હોવું જરૂરી છે’

અહીં ‘આદમનું’ કાફિયા છે અને ‘પણ હોવું જરૂરી છે’ રદીફ છે. આ પંક્તિ પર શ્રી નાઝિર દેખૈયાએ રજૂ કરેલ એક ગઝલના કેટલાક શેર ઉદાહરણ સ્વરૂપે પ્રસ્તુત છે –

રૂપાળા દેહમાં આતમનું પણ હોવું જરૂરી છે,
મનોહર ફૂલ છે, ફોરમનું પણ હોવું જરૂરી છે !
ભલેને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું,
અરે ઝંપલાવ દીલ ! જોખમનું પણ હોવું જરૂરી છે !
જરૂરી છે અગર પુષ્પો મહીં હોવું પરિમલનું,
ફરિશ્તાઓ મહીં આદમનું પણ હોવું જરૂરી છે !
નિહાળો ના આ ફાટી આંખથી સૌંદર્યને ‘નાઝિર’
પરમદર્શન સમે સંયમનું પણ હોવું જરૂરી છે !
– નાઝિર દેખૈયા

હવે કેટલાક ખેડાઈ રહેલા પ્રકારો વિશે માહિતિ લઈએ જે શીખવા સમજવા માટે ઘણાં નવોદિતો ઉત્સુક છે.

૧. મુક્ત શેર

કેટલીક વાર એવ્ં બને કે કોઈ શાયરને સરસ વિચાર સૂઝે તો એ એને એક સરસ શેરમાં વણી લે. આ શેર લખાયા પછી પૂરી ગઝલ પણ લખી શકાય છે, છતાં શાયર પૂરી ગઝલ લખવાનું યોગ્ય નહીં માનતા તેને એક શેર સ્વરૂપે જ રહેવા દે છે અને મુશાયરાઓમાં એવા મુક્ત શેર ગઝલ રજૂ કરતા પહેલાં મુક્તકની જેમ રજૂ કરી શકાય છે, ઉદાહરણ સ્વરૂપે –

જ્ઞાની શરમાઈ ગયા પાગલની વાતો સાંભળી,
બાગ કરમાઈ ગયા જંગલની વાતો સાંભળી
– શેખાદમ આબુવાલા

ઓજસ ઘણો ભરોસો પ્રયત્ન ઉપર હતો,
ચાલ્યું ન કિન્તુ હાય મુકદ્દર કહ્યા વિના !
– ઓજસ પાલનપુરી

૨. મુક્તક

અરબી ભાષાનો એક શબ્દ છે, કત્આ, જેનો અર્થ થાય છે ઉર્દુ અથવા ફારસી નઝમનો એક પ્રકાર જેમાં ગઝલની જેમ કાફિયા હોવા અનિવાર્ય છે અને જે દ્વારા કોઈ એક વાતની સંપૂર્ણ રજુઆત કરવામાં આવે છે. કત્આને આપણે ગુજરાતીમાં મુક્તક કહી શકીએ. મુક્તકમાં બે શેર મળી ચાર મિસ્ત્રા (પંક્તિ) હોય છે. પ્રથમ બે પંક્તિ કાફિયા રદીફના સંયોજનવાળી ન હોય તો ચાલે પરંતુ બીજી અને ચોથી પંક્તિમાં કાફિયા અને રદીફ હોવા જરૂરી છે. મુક્તક ગઝલના કોઈ પણ છંદમાં રચી શકાય છે. મુક્તકમાં એક જ ભાવ – વિચારને સમાવી લેવામાં આવે છે. ચોથા મિસ્ત્રામાં પ્રથમ ત્રણ મિસ્ત્રાના સારરૂપ વાત ચોટદાર રીતે પરિણામ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે –

પુષ્પ ચીમળાએ તો ખરી જાએ,
ક્ષીણ દીપક ભલે ખરી જાએ
શૂન્ય ! છે આ સશક્તની દુનિયા,
જે ન જીવી શકે, મરી જાએ !
– શૂન્ય પાલનપુરી

૩. તઝમીન

આ પણ અરબી ભાષાનો શબ્દ છે, તઝમીનનો અર્થ થાય છે – ‘કોઈને પોતાની શરણમાં લેવું / કોઈના શેરનો પોતાના શેરોમાં ઉપયોગ કરવો / બે મિસ્ત્રાની ઉપર બીજા ત્રણ મિસ્ત્રા ઉમેરવા.

કોઈ પણ ગઝલકારની એક ગઝલના ઓછામાં ઓછા પાંચ શેર પસંદ કરી દરેક શેર પર બીજો શાયર પોતાના ત્રણ મિસ્ત્રા ઉમેરીને મૂળ ભાવ કે વિચારોનો વિસ્તાર કરી તેને દ્રઢ કરે છે, આમ આખીય રચના બે વતા ત્રણ એમ પંચપદી બની જાય છે. જો કે તઝમીન લખવી ખૂબ મુશ્કેલ કાર્ય છે, જાણે પરકાયા પ્રવેશ જેવું અઘરું કામ. મૂળ શાયરના વિચારોમાં ઓતપ્રોત થઈ, મૂળ ગઝલના ભાવને અનુરૂપ ત્રણ મિસ્ત્રા એવા ઉમેરાય કે એકરસ થઈ જાય. વ્યંજ્ઞ તઝમીન માટે કોઈ શાયરની ગઝલનો માર એક શેર પસંદ કરી તેના પર ત્રણ પંક્તિનો ઉમેરો કરી વ્યંજ્ઞ તઝમીન લખાય છે. સ્વ. ડૉ. બટુકરાય પંડ્યાની એક ગઝલ પર રચાયેલ તઝમીન ઉદાહરણ સ્વરૂપે પ્રસ્તુત કર્યું છે.

મૂળ ગઝલ

ઘસાતું જાય છે નિત્યે

ગહન ઘટમાળનું ગાણું ગવાતું જાય છે નિત્યે,
ન જાણું કોણ પ્રેરે છે, લખાતું જાય છે નિત્યે!

ન જાણું ઝેર કે અમૃત પીવાતું જાય છે નિત્યે,
વ્યથાના બાગનું સિંચન કરાતું જાય છે નિત્યે !

મને એક ખ્યાલ થઈ બેઠો હસીને હું હસાવું છું,
ખબર એ ના રહી છાનું રડાતું જાય છે નિત્યે !

મને પરવશ કરી દીધો વ્યથા પણ ક્યાં જઈ કહેવી ?
અજાણી ભોમમાં ડગલું ભરાતું જાય છે નિત્યે !

કહીં મંઝિલ ? કહીં હું પંથ ભૂલેલો વટેમાર્ગુ ?
કહીં જઈને સમજવું ક્યાં જવાતું જાય છે નિત્યે !

પ્રભુ જાણે સફરમાં શું થશે? પૂરી થશે ક્યારે ?
જીવન તો કાળા રંગે ઘસાતું જાય છે નિત્યે !
– સ્વ. ડૉ. બટુકરાય પંડ્યા

તઝમીન

હ્રદય ઉર્મિના બોજાથી દબાતું જાય છે નિત્યે,
જિગર પણ કારી ઝખ્મોથી ઘવાતુ જાય છે નિત્યે,
નવું કો ગીત પણ જાણે રચાતું જાય છે નિત્યે,
ગહન ઘટમાળનું ગાણું ગવાતું જાય છે નિત્યે,
ન જાણું કોણ પ્રેરે છે, લખાતું જાય છે નિત્યે!

તિમિર મુજ નૈન પડળોમાં છવાતું જાય છે નિત્યે,
કથાનક દર્દનું દિલમાં રચાતું જાય છે નિત્યે,
પ્રવાહી કૈંક પ્યાલામાં ઘુંટાતું જાય છે નિત્યે,
ન જાણું ઝેર કે અમૃત પીવાતું જાય છે નિત્યે,
વ્યથાના બાગનું સિંચન કરાતું જાય છે નિત્યે !

કોઈ મુર્શદ ફકિરોને ચરણ મસ્તક નમાવું છું,
કદી રંગાઈ જઈને હું નવી રંગત જમાવું છું,
અનોખા સ્વપ્નની એવી અલગ દુનિયા વસાવું છું,
મને એક ખ્યાલ થઈ બેઠો હસીને હું હસાવું છું,
ખબર એ ના રહી છાનું રડાતું જાય છે નિત્યે !

તમારા શબ્દમાં ભ્રમણા છુપાવી’તી ભલા કેવી ?
તમારી બેવફાઈ પણ મને લાગે વફા જેવી,
હવે લાચાર હાલત કેમ જગને જાણવા દેવી?
મને પરવશ કરી દીધો વ્યથા પણ ક્યાં જઈ કહેવી ?
અજાણી ભોમમાં ડગલું ભરાતું જાય છે નિત્યે !

ક્યંહી સ્વપ્નોની દુનિયા, ક્યાં લુંટાયેલો વટેમાર્ગુ,
સફર વ્યવહારથી અણજાણ આ ઘેલો વટેમાર્ગુ,
છે આખી વાટ કંટાળીને થાકેલો વટેમાર્ગુ,
કહીં મંઝિલ ? કહીં હું પંથ ભૂલેલો વટેમાર્ગુ ?
કહીં જઈને સમજવું ક્યાં જવાતું જાય છે નિત્યે !

અભાગીને નસીબે ક્યાં લખ્યો છે જંપ પળવારે,
સરી લ્યો અશ્રુઓ સરવું ઘટે તો ખૂબ અત્યારે,
વમળમાં નાવડી ઝોલે ચડી છે આજ મઝધારે,
પ્રભુ જાણે સફરમાં શું થશે? પૂરી થશે ક્યારે ?
જીવન તો કાળા રંગે ઘસાતું જાય છે નિત્યે !

– આશિત હૈદરાબાદી

૪. હઝલ

ગઝલ એ ગંભીર કાવ્યપ્રકાર છે તો હઝલ એ હળવો, હાસ્ય કટાક્ષનો કાવ્યપ્રકાર છે. હઝલનું બંધારણ પણ ગઝલપ્રકાર જેવું જ હોય છે. ગઝલના જ છંદોમાં કાફિયા – રદીફના નિયમોને અનુસરીને હઝલની રચના કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય છે ફારસી છંદોમાં રચાતી હાસ્ય રસની કટાક્ષયુક્ત હાસ્યપ્રેરતી રચનાઓ એટલે હઝલ ફારસી ભાષામાં હઝલનો શબ્દાર્થ આપવામાં આવ્યો છે – મશ્કરાપણું. હઝલ જેવા કાવ્યપ્રકારમાં પ્રસ્તુત હાસ્યની અંદર પ્રેમ, ધર્મ, રાજનીતી, શિક્ષણ વગેરેને આવરીને ચોટદાર રજૂઆતથી સમાજ સુધારણા કરી શકાય છે. હઝલમાં હાસ્ય સ્થૂલ રૂપે તથા / અથવા સૂક્ષ્મ રૂપે નિહિત હોય છે. હઝલ ભલે હળવો હાસ્યપ્રકાર છે પરંતુ એમાં બિભત્સતા, અસંસ્કારિતા ક્યારેય ન ચલાવી શકાય. એક સારી ગઝલ લખવા જેટલું જ અઘરું કામ છે એક હઝલ રચવી. પ્રસ્તુત છે એક ઉદાહરણ –

ચીનાઓ જેમ છો ને થયા ભાઈ ભાઈ છે,
આદત સ્વભાવે આમ સદાના કસાઈ છે !
જીતો જો ચૂંટણી તો મલાઈ મલાઈ છે,
બેસી જશો ને તો ય કમાઈ કમાઈ છે !
તલવારની લડાઈ તો ઈતિહાસ થઈ ગઈ !
આજે હવે ચુનાવની ચાલુ ભવાઈ છે !
લાણી વચનની થાય છે માગ્યા વગર જુઓ,
ખુરશી જ આબરુ થકી આજે સવાઈ છે.
‘આશિત’ ની હાક ચોતરફ વાગે છે ગામમાં,
સૌએ કરે સલામ બધાંના જ ‘ભાઈ’ છે !
– આશિત હૈદરાબાદી (‘પરણવાની સજા દીધી’ માંથી)

૬. પ્રતિ ગઝલ

વ્યંજ્ઞ તઝમીન માટે કોઈ શાયરની ગઝલનો માર એક શેર પસંદ કરી તેના પર ત્રણ પંક્તિનો ઉમેરો કરી વ્યંજ્ઞ તઝમીન લખાય છે. પણ પ્રતિગઝલમાં કોઈ શાયરની મૂળ ગઝલના પ્રત્યેક શેરનો માત્ર એક મિસ્ત્રો બદલી એક નવો મિસ્ત્રો ઉમેરી હાસ્યરસ ઉત્પન્ન કરી શકાય છે. પ્રસ્તુત ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ રીતે સમજી શકાશે.

ગઝલ

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

પ્રતિગઝલ

પ્રતિષ્ઠા સ્થાપવા બેસું તો વરસોના વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

છે સહેલું કામ ને તો પણ કહે છે જોઈ લો કેવું ?
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

તેં ચશ્માને ફગાવીને કર્યા છે કાચના કટકા,
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

બરફ તો પીગળે પણ મૂરખ તું ખોડવા કે’ છે?
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

એ મારા ભાગ્ય કે ‘સૂમો’ મળી તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– આશિત હૈદરાબાદી (‘પરણવાની સજા દીધી’ માંથી)

આજે છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના આ પ્રકારો વિશેની માહિતિ પછી આવતા અંકથી હવે ગઝલના છંદશાસ્ત્ર અને વિવિધ બહેરોનો વિગતવાર અભ્યાસ શરૂ કરીશું.

(શ્રી આશિત હૈદરાબાદીના પુસ્તક “ગઝલ શીખવી છે ?” માંથી સાભાર, પ્રકાશક – આવાઝ પ્રકાશન, મૂલ્ય ૭૦ રૂપિયા, પ્રાપ્તિસ્થાન – આવાઝ પ્રકાશન, શ્રી મસ્ત મંગેશ – કાંગવાઈ, વાયા રાનકુવા, તા. ચીખલી, જી. નવસારી.)


10 thoughts on “ચાલો ગઝલ શીખીએ… (ભાગ 3) આશિત હૈદરાબાદી (છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો)

  • UMANG PARAJIYA અનહદ

    ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે, ખૂબ શીખવા મળ્યું, ખૂબ ખૂબ આભાર…

  • Jay Naik

    Sorry for the wrongly mentioned the book name. The our published book is Gazal Shikhavi Che?
    Not the name Chalo Gazal Shikhiye.
    Please correct it.
    I am also one of the publisher of Aaawaz Publication with Shri Mast Mangera. His name is also mentioned wrong here.

    • Jignesh Adhyaru Post author

      પ્રિય જયભાઈ,

      અહીં પુસ્તકની વાત નથી, આ અમારી “ચાલો ગઝલ શીખીએ” અંતર્ગતની ગઝલરચના વિષયક શ્રેણી છે, જ્યારે ‘ગઝલ શીખવી છે’ એ આપનું પુસ્તક છે અને બંને અલગ વસ્તુ છે.

  • Jay Naik

    ચાલો ગઝલ શિખિયે પુશ્તક્ના બે પ્રકાશકોમાનો હુ પન એક પ્રકાશ ચુ પરન્તુ મારુ નામ અહિ સામેલ કરાયુ નથિ.
    I am also one of publisher from out of two publisher for Chalo Gazal Shikhiye book but my name is not mentioned here.

  • Mukund Joshi

    થોડા દિવસો પહેલા મુંબઇ ખાતે ‘ ધબકાર’ દ્વારા એક વર્કશોપ “ગઝલ શીખવી છે ” નુ આષિતભાઇએ સંચાલન કર્યુ હતુ જેમા હાજર રહેવાનો મને મોકો મળ્યો હતો, આજે આ લેખ વાંચતા એ થોડુ તાજુ થયું.
    જીગ્નેશભાઇ તથા આષિતભઆઈ, ગઝલ વિષયની જ્ઞાન- જાગૃતિ ગઝલચાહકોમાં ફેલાવવાના આપના પ્રયાસ ખરેખર પ્રશંશનિય છે.
    શુભચ્છાઓ સાથે,
    મુકુંદ જોશી