લોકસાહિત્યના કોપીરાઇટ – ઝવેરચંદ મેઘાણી 1


[ લોકસાહિત્યના કોપીરાઈટ પ્રશ્ને આજથી અડધી સદીથીય વધારે સમય પહેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગ્રામોફોન કંપનીઓ સામે કરેલી લડતની વાત અહીં તેમણે આલેખી છે. જન્મભૂમીમાં તેમણે ૨૯ જુલાઈ ૧૯૩૭, આજથી બરાબર ૭૩ વર્ષ પહેલા આ લેખ લખેલો. જો કે સાહિત્યના અનેક પ્રકારો વચ્ચે આ પ્રસંગ એક અલગ વાત લઈને આજે પ્રસ્તુત કર્યો છે છતાં એક અનોખો પ્રસંગ છે, લોકસાહિત્યની તેમની રચનાઓ વિશે શ્રી મેઘાણી લખે છે, ‘જોગીદાસ ખુમાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ કોઈએ ઉતરાવી આપી હશે. એ કથાને નાટક લેખે વાપરનારાઓ, વૃતાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર મૂકનારાઓ, સહુ એવો સંતોષ અને દાવો ધરાવતાં કે આ તો પ્રચલિત સાહિત્ય છે, એ સર્વકોઈના અધિકારની સામગ્રી છે. તમને ભાગ્યે જ એ સત્ય સમજાશે કે એ સમગ્ર કથા વણવા મારે વાણાતાણા કરવા પડ્યાં છે, ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈ, ગઢવી દાદાભાઈ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના સંધી પસાયતાએ – નામો જેનાં નથી એવા બીજા કેટકેટલાએ અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું, અને તેના ઉપર ઉર્મિની અંજલી છાંટીને પ્રાણ જગાડ્યો છે.” ]

છેલ્લાં ત્રણ વર્ષોથી લટકી રહેલા અમારા કોપીરાઈટના દાવામાં ગયા અઠવાડિયે જે સમાધાન થયું તેને હું સાહિત્ય-કલાની દુનિયામાં એક મહત્વની સિદ્ધિ માનું છું. કલા- સાહિત્યના સર્જકોનો રોટીનો પ્રશ્ન એ સમાધાનને લીધે એક મક્કમ પગલું આગળ માંડે છે આવી મારી માન્યતા હોઈ હું આ દાવાની સવિસ્તર માહિતી આપવા માગું છું.

મુંબઈ ખાતેની બે જુદી જુદી (બેશક એક જ માલિકીની) ગોરી ગ્રામોફોન કંપનીઓ સામેના આ કૉપીરાઇટના ભંગ ના દાવા હતા.

કુલ સાત ગીતો, જેમાંના બે મારાં પોતાનાં રચેલાં, અને પાંચ મારાં સંશોધિત તેમજ સંપાદિત લોકગીતો હતાં, તે મળી સાત ગીતોનું રેકૉડીંગ કરાવી તેની રેકૉર્ડો વેચવાના ગુના સામે મેં અદાલતની દાદ માગી હતી.

ગઈ તા. ૧૭ અને ૧૮ ના દિવસો કટાકટીના હતા. મારા જીવનનો સૌ પહેલો અનુભવ હતો. જસ્ટીસ કણિયાની અદાલત હતી. મંગળવારનો દિવસ તો લોકસાહિત્યના વિષય પરની માર્મિક ઊંડી ચર્ચાનો જ દિન જાણે કે અદાલતમાં બની ગયો.

રેકૉર્ડમાં ઊતરેલાં એ પાંચ લોકગીતો મારા સંગ્રહો ‘રઢિયાળી રાત’ તેમજ ‘સોરઠી સંતો’ માં ના; પરંતુ આ મારા સંગ્રહમાંનાં છતાં લોકગીતો તો ખરાં ને? ને લોકગીતો એટલે તો પરાપૂર્વ થી શેરીઓમાં ગવાતાં નધણિયાતાં જ ગીતો ને ? એ ગીતો પર મારી માલિકી શી રીતે હોઈ શકે ? – એ હતો બચાવનો મુદ્દો.

દાવો હાઈકોર્ટમાં માંડવો પડ્યો હતો. સમર્થ સોલીસીટર હસ્તક દાવાની તૈયારી અને વિધિઓ કરાવવી પડી હતી. મોટા ધારાશાસ્ત્રીઓના અભિપ્રાયો મેળવવા પડ્યા હતાં. બચાવ પક્ષ પરની નોટીસોથી માંડીને મુકદમો ચાલ્યો ત્યારથી ધારાશાસ્ત્રીઓના રોકાણ પર્યંતની એ ક્રિયાઓ એટલી તો ખરચાળ તેમજ પુરાવા – સાબિતિઓની તૈયારી માગી લેનારી હતી કે ભાગ્યે જ કોઈ પીઠબળ વિનાનો કલાકાર – સાહિત્યકાર આ જહેમત ઉઠાવવાની હિંમત કરે.

મારી પાસે પીઠબળ હતું, એક તો મારા શક્તિવાન સોલીસીટર મિત્ર શ્રી શાંતિલાલ શાહનું, બીજું કાઠિયાવાડ લિમિટેડનું અને ત્રીજુ, સદભાગ્યે મેં પંદર વર્ષો સુધી સાચવી રાખેલી મારી લોકસાહિત્ય સંગ્રહની હસ્તપ્રત – પોથીઓનું.

ઉપરાંત, હું છેલ્લા ત્રણ વર્ષ મુંબઈમાં રહેતો હતો; ધારાશાસ્ત્રીઓના સત્તત સંપર્કમાં હતો; સોલીસીટર મારી પાસે લેણી પડતી રકમનો તગાદો કરતા નહોતા, છતાં એટલી વાત તો નક્કી જ હતી કે જો હું દાવો હારી જાઉં, તો મારે ચારેક હજાર રૂપિયાનું તો કેવળ અદાલતી ખર્ચ અને અવળું પડે તો સામા પક્ષનું પણ ખર્ચ ભરપાઈ કરી દેવાની તૈયારી રાખવાની હતી. એ તૈયારી એટલે આવતાં કોણ જાણે કેટલાંય વર્ષો સુધીની કલમ મજૂરી.

છાતી બેસી જાય તેટલું જોખમ મેં શ્રી શાંતિલાલ શાહની હિંમત પર માથે લીધું. એ બાહોશ ધારાશાસ્ત્રીને તો પ્રથમથી જ દીવા જેવું દેખાયું હતું કે મારો દાવો સ્વચ્છ છે. કાયદાની દુનિયામાં કોપીરાઈટના ભંગના બની ગયેલા અનેક લાક્ષણિક કિસ્સાઓની તેમને માહિતી હતી. કોપીરાઈટના કાયદાનું એમનું અવગાહન તલસ્પર્શી હતું.

મારા પક્ષેથી દલીલ આ હતી – કે મારા સંગ્રહોમાં પડેલા લોકગીતો શેરીઓમાંથી અથ-ઈતિ તૈયાર અકબંધ સ્થિતિમાં નથી મળી આવ્યાં. એ ગીતોનો જે વેળા લગભગ નાશ થઈ ચૂક્યો હતો તે વેળા હું એની શોધમાં નીકળ્યો. મેં ગામડાં ખૂંદ્યા, કુટુંબોમાં પ્રવેશ મેળવ્યો, અહીંતહીંથી મને છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં. ટુકડો અહીંથી તો કટકો તહીંથી, સ્વરૂપે વિકૃત; રચનાઓ કલાહીન; અર્થે અસંબદ્ધ અને કઢંગા; એવા વેરણછેરણ ટુકડાઓ – અક્કેક ગીતના એક કરતાં વધુ જુદા જુદા પાઠો; તેને પ્રથમ મેં સંઘરી લીધાં, પછી તેના સાંધા જોડવા પ્રયાસ કર્યો, તેના વિકૃત સ્વરૂપની પાછળ શુદ્ધ સ્વરૂપ કેવું હોઈ શકે તે અનુમાન પર હું આવવા મથ્યો. તેનું શુદ્ધ ગેય સ્વરૂપ મેં ચોક્કસપણે મેળવ્યું, તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા મેં મારી કવિતાની સમજ, તર્કશક્તિ કલ્પના અને છેલ્લે મારી ચાતુરી પણ વાપરી, એમ અદાલતમાં કહેવાની અણગમતી ફરજ બજાવવી પડેલી.

એ બધું કર્યાં પછી બંધાએલું જે અખંડિત સ્વરૂપ મને લાદ્યું તેને મેં મારા સંગ્રહોમાં મૂક્યું. ખંડિત ટુકડાઓ અને માટી બનેલા અવશેષોમાંથી તારવીને ઉભા કરેલા આ સ્વરૂપો પર મેં પાછા યુરોપી લોકગીતોના અભ્યાસગ્રંથોના મારા સેવનમાંથી તારવેલી કસોટીઓ લાગુ પાડી. કયા કયા નિયમોની કસોટી પછી એક ગીત બનાવટી કે સાચું પુરવાર થઈ શકે છે તેનું મેં દોહન કર્યું.

આટલો ઉદ્યમ ખરચ્યા પછી જે ચોક્કસ સ્વરૂપે મેં લોકગીતોને સંઘર્યાં તે સ્વરૂપો શેરીઓમાં રઝળતાં નથી, બજારોમાં મળતાં નથી. અમુક સ્ત્રીના કે તમુક ગોવાળિયાના કંઠમાંથી પડેલી એ નધણિયાતી મિલ્કત નથી. એ સ્વરૂપો તો મારાં પોતાના પ્રતિપાદિત છે ને તેથી કરીને મારી માલિકીના સ્વરૂપોનો આ ગેરલાભ લેવાયો છે એ હતી મારી જુબાનીની સ્પષ્ટ સરણી.

અદાલતના કાગળ ઉપર આ મારી મીમાંસાનો પ્રત્યેક શબ્દ નોંધાયો, અને જે જે સ્થાનોમાં ભમી મેં આ ખંડિત અંકોડાની શોધ કરી તે તે સ્થાનોની પણ અદાલતે સવિસ્તર નોંધ લીધી.

બચાવના ધારાશાસ્ત્રીએ મને એક માર્મિક પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રાપ્ત થયેલી લોકસાહિત્યની સામગ્રીને સંશોધકે લેશ સ્પર્શ પણ ન કરવો, હેરફેર ન કરવી એ શું લોકગીતના સંશોધનનો તાત્વિક સિદ્ધાંત (કાર્ડિનલ પ્રિન્સિપલ) નથી ? મારો જવાબ હતો કે એ જ સિદ્ધાંત નથી, પણ બીજોય છે. કોઈ પણ માણસના મોંમાથી મળી જતી પંક્તિઓ લોકગીત અથવા લોકસાહિત્યની નથી ઠરતી. લોકગીતનો ચોક્કસ વિશ્વસનીય પાઠ મુકર્રર કરવા માટે તો મેં ઉપર કહ્યું તે રીતની ચકાસણીઓ લાગુ કરવી પડે છે, કેમકે લોકસાહિત્યનું સંશોધન એ એક વિદ્યા છે. અને લોકગીતો માત્ર શુષ્ક કઢંગા ગ્રામીણ જોડકણાં નથી પણ લોકઆત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. એના હરકોઈ વિકૃત અવશેષને ‘લોકગીત’ ન કહી શકાય.

બચાવ પક્ષની લોકગીતો વિશેની સમજ કેટલી બધી કરુણ ! ‘વેલા બાવા, તું હળવો હાલ જો’ એ ગીતને મથાળે તેમણે એક ‘કોમિક સૉંગ – હાસ્યરસનું ગીત’ એમ છાપેલું; મને પૂછવામાં આવ્યું. આ સાચું છે ? મારો જવાબ અદાલતે નોંધ્યો છે.

‘ઈટ ઈઝ એન આઉટરેજ ઓન ધ સૉંગ’ એ તો આખા ગીત પર અત્યાચાર છે. એક સંત પુરુષના મહિમાસ્તોત્રને ‘કૉમિક’માં – રમૂજી ટુચકામાં ખપાવવું તે ચોખ્ખો ‘અત્યાચાર’ છે કે નહીં ? આમ છતાં બચાવપક્ષના એક બિન-ગુજરાતી જવાબદાર સાહેદે આવીને સોગંદ પર એવું કહેવાની હામ ભીડી કે પોતે કાઠિયાવાડને ગામડે ગામડે ઘૂમી આ લોકગીતનો પત્તો મેળવ્યો હતો. આ સાહેદનું ગુજરાતી જ્ઞાન અદાલતમાં રમૂજનો વિષય બન્યું હતું. એક પણ લોકગીત મોંયેથી બોલી જવાની એ સાહેદે આખરે અશક્તિ બતાવી હતી. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય ઝરણાં છે એવું માનનારા મારા જેવાને માટે તો આ એક ઉંડા ખેદનો વિષય હતો.

તે પછી મારું ‘શિવાજીનું હાલરડું’ આવ્યું, એની રેકોર્ડ પર પણ ‘કૉમિક સૉંગ’ નું લેબલ; મેં કહ્યું કે એ તો શૌર્યગીત છે, એ ગીત હું જ્યારે જેલમાં હતો ત્યારે ઉતારવામાં આવેલું. બચાવના જવાબદાર સાહેદે સોગંદ પર જણાવ્યું કે કંપનીના પગારદાર ગાયકે એમને કહ્યું, “મેઘાણી જેલમાં છે, એ મને ઓળખે છે, ના નહીં જ પાડે, માટે ઉતારો’, ગીત રેકોર્ડ કરવાની આ રીત પર ન્યાયમૂર્તિએ વિસ્મય પ્રદર્શિત કર્યું હતું.

સાતમું ગીત મારું ‘કોઈનો લાડકવાયો’ – બચાવની દલીલ એવી હતી કે આ તો મીસીસ લેકોસ્ટેના અંગ્રેજી ગીતનું ‘સર્વાઈલ ટ્રાન્સલેશન’ – શબ્દશઃ કંગાલ તરજુમો છે; એ કંગાલ છે કે નહીં, તરજુમો છે કે નહીં, તેની દલિલ તો ન ઉઠી પણ ન્યાયમૂર્તિના કહેવા મુજબ પ્રત્યેક તરજુમો પણ કોપીરાઈટનો હકદાર છે. એ વાત આપણે સૌ એ યાદ રાખવા જેવી છે. પ્રત્યેક તરજુમાને તો શું, ન્યૂઝપેપરના રીપોર્ટીંગને પણ કોપીરાઈટના કાયદાનું રક્ષણ છે.

‘કોઈનો લાડકવાયો’ રેકોર્ડમાં ગાવાની મેં એક ગાયકને પરવાનગી આપી હતી તેવા આધારવાળો મારો એક ગાયક પરનો કાગળ બચાવ પક્ષ તરફથી અદાલતમાં રજૂ થયો. આ કાગળમાંથી નીચેના મુદ્દાઓ ઉઠ્યા – એક, ગાયકને મેં આપેલી પરવાનગીની મર્યાદા હતી કે એણે મારા નક્કી કરેલા રાગમાં જ ગાવું. બીજુ, એ પરવાનગી હતી તો પણ એકલા ગાયકને ગાવા પૂરતી હતી. ગ્રામોફોન કંપનીને રેકોર્ડીંગ કરી આર્થિક કમાણી અર્થે વેચવા માટેની નહોતી. આ બે વચ્ચેનો ભેદ કાયદામાં તાત્વિક ભેદ લેખાય છે.

મુકદમો આટલી ભૂમિકા સુધી ચાલી ગયા પછી બચાવપક્ષે સમાધાનના સંદેશા ચલાવ્યા. એ સંદેશાને મેં સત્કારી લીધાં. એ સમાધાનની રૂઈએ આ તમામ ગીતો પરનો કાયમી પ્રતિબંધ બચાવ પક્ષે સ્વીકારી લીધો, ને ખર્ચ તેમજ વળતર આપ્યું. કંપનીનો હું આભારી બનું છું. આ કાંઈ વેર વાળવાનો પ્રશ્ન નહોતો. સમાધાનને જ શ્રેષ્ઠ વસ્તુ તરીકે જીવનના વ્યવહારમાં આપણે સત્કારીએ છીએ.

લોકસાહિત્યને વિશે જે કેટલીક ભ્રમણાઓ સેવાઈ રહેલ છે તેના ઉપર આ મારા લેખથી અજવાળુ પાડવા માંગું છું. લોકસાહિત્યની કૃતિઓ નધણિયાતી વસ્તુઓ નથી. લોકસાહિત્યને લગતી મારી ‘સોરઠી બહારવટિયા’ ની બે કથાઓ ‘કાદુ મકરાણી’ અને ‘રામ વાળો’ પરથી શ્રી રણજિત નાટક સમાજ નામની એક નાટક કંપનીએ વગર પરવાનગીએ નાટકો રચી ભજવેલાં. તેમની પાસે પણ મેં લેખિતવાર મારા કૉપીરાઈટનો સ્વીકાર કરાવેલો અને તેમની આર્થિક અશક્તિને કારણે ફક્ત એક રૂપિનાની નામની પણ નુકસાની બે-એક વર્ષ પર લીધી હતી.

(શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તક – લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય – વ્યાખ્યાનો અને લેખો’ માંથી સાભાર.)

બિલિપત્ર

I think copyright is moral, proper. I think a creator has the right to control the disposition of his or her works – I actually believe that the financial issue is less important than the integrity of the work, the attribution, that kind of stuff.
– Esther Dyson


Leave a Reply to MARKAND DAVECancel reply

One thought on “લોકસાહિત્યના કોપીરાઇટ – ઝવેરચંદ મેઘાણી

  • MARKAND DAVE

    આદરણીય શ્રીજીજ્ઞેષભાઈ,

    આ લેખ મૂકવા બદલ અભિનંદન,

    આ લેખ માણીને, અમારા સંગીત જગતમાં, `પ્રેરણા`ના નામે થતી પાયરસીની યાદ આવી ગઈ. ]

    ઉપરાંત `ટી` સિરીઝના કર્તાધર્તાઓએ, `રી ઍરેન્જ`, અને `રી મૅકીંગ` ના નામે, અસલ કલાકારોના પેટ પર મારેલી લાત, યાદ આવી ગઈ.

    અત્યારેતો `આભ ફાટ્યું છે, અને કદાચ થીંગડું પણ દેવાય તેવું નથી રહ્યું.

    આભાર.

    માર્કંડ દવે.