પંચતત્વ ચિંતન (ભાગ 1) – હરસુખરાય જોશી


[ શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના સેવાનિવૃત્ત ઉચ્ચ અધિકારી છે, અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. પ્રસ્તુત ચિંતનલેખમાં તેઓ પંચતત્વ વિશેના તેમના વિચાર પ્રગટ કરે છે, માનવશરીર પાંચ તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું સંયોજીત સ્વરૂપ છે એમ માનવામાં આવે છે, આ પાંચેય તત્વો વિશે, તેમના માનવશરીરમાં કાર્ય અને મહત્વ વિશે અહીં વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત લેખમાં પ્રથમ ત્રણ તત્વો, પૃથ્વી – અગ્નિ અને જળ તત્વ વિશે વિચારો વ્યક્ત થયાં છે. આ લેખ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી હરસુખરાય જોશીનો ખૂબ ખૂબ આભાર. તેમનો સંપર્ક +૯૧ ૯૪૨૬૨ ૭૦૨૮૬ પર કરી શકાય છે. ]

આપણા સનાતન ધર્મ ચિંતન પ્રમાણે આ બ્રહ્માંડ સૃષ્ટિ સમૃદ્ધિ વિશ્વ જગત મૂળભૂત રીતે પાંચ તત્વોનું બનેલું છે. પૃથ્વી – જળ – અગ્નિ – વાયુ અને આકાશ. ગણપતિ અથર્વશિર્ષમાં પ્રાર્થના – સંબોધન છે કે હે ગણેશ આપ પંચતત્વ રૂપ છો,

त्वम भूमिरापो नलोनिलो नभ: ।

પૃથ્વી તત્વ –

પૃથ્વી એટલે ધરતી, ક્ષમા – જીવિત સૃષ્ટિની ઉત્પતિ – સ્થિતિ અને લયનો આધાર અને આશ્રય – જન્મ – વૃદ્ધિ – વિકાસ અને વિસર્જન સાથે સંકલન ધરાવતુ તત્વ તે પૃથ્વી તત્વ છે. તેનો મુખ્ય ભાગ જળ તત્વ દ્રારા આવરિત છે.પૂથ્વી એ જાણે કે સમૃદ્રના વસ્ત્રો ધારણ કર્યા છે.

समुद्रवसने देवि पर्वतस्तन मंडले

विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पशं क्षमस्व में ।

આપણે જ્યારે સવારે શૈયાત્યાગ કરીએ છીએ ત્યારે અવશ્ય પૃથ્વીને પ્રણામ કરી – હસ્ત સ્પર્શ માથે રજ ચડાવી આભાર અભિવ્યક્તિ કરવી જોઈએ, पादस्पशं क्षमस्व में, કારણકે આપણા અસ્તિત્વનો સમગ્ર જીવનકાળ – જીવનથી મૃત્યુ આ પૃથ્વી પર જ વીતવાનું છે.

આ પૃથ્વી પરનો જમીન યુક્ત ભાગ ફક્ત ૧/૩ છે અને જળ- તત્વ આવરિત ભાગ ૨/૩ છે. આ જમીન યુકત ૧/૩ ભાગ ઉપર ૬ અબજથી વધારે મનુષ્ય સૃષ્ટિ, તેટલી જ માત્રામાં પશુ – સૃષ્ટિ, પ્રાણી – સૃષ્ટિ, પક્ષી – સૃષ્ટિ, વનસ્પતિ – સૃષ્ટિ, સ્થળચર અને નભચર સૃષ્ટિ વસવાટ કરે છે. પૃથ્વીથી બમણો ભાગ જળસૃષ્ટિ(જળ આવરિત) છે. ૨/૩ તેમાં જળચર પ્રાણી વિવિધ અને વિધ વિધ પ્રકારના વિપુલ પ્રમાણમાં છે. આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે હજી મનુષ્ય જળ સૃષ્ટિનો પૂરો ભાગ નથી કાઢી શક્યો.

પૃથ્વી તત્વનો પરિચય તેની ઠોસ ધનતા છે.

यथा ब्रह्मांडे तथा पिंडे, यथा पिंडे तथा ब्रह्मांडे

આ સમય જીવિત અસ્તિત્વ સૃષ્ટિ પણ પાંચ તત્વની બનેલી છે. મનુષ્ય દેહ હાડપિંજર અસ્થિ ખોપરી તેની ઉપર માંસ, નસ, અને સમગ્ર પર ઢાંકેલી ત્વચા આ પૃથ્વી તત્વનો ભાગ છે. મળદ્વાર જે જગ્યાએ છે ત્યાંથી થોડેક અંતરે મૂલાધાર ચક્ર છે. એ કાચબાની પીઠ જેવું છે, આપણા પ્રાચીન ઋષિ મુનિ અને મહર્ષિઓના દર્શન પ્રમાણે માનવશરીર સપ્તચક્ર અને નવદ્વારનું બનેલું છે. મૂલાધાર ચક્રમાં પૃથ્વી તત્વનો વાસ છે. ત્યાંજ એક સર્પ ગૂંચળુવળીને પડ્યો હોય તેમ કુંડલીની શક્તિ સુષુપ્તાવસ્થામાં છે. તેની જાગૃતિ થવી ઈશ્વરકૃપા અને સદગુરૂના આશિર્વાદથી શક્ય છે, અને તે થયા બાદ ઉર્ધ્વજાગૃતિ થાય છે. આવા ભાવકને દ્રશ્યમાન જગત ફીકું લાગવા માંડે છે. તે જ જગ્યાએથી સુષુમણા નાડીની સહસ્ત્રાર ચક્ર તરફ ઉર્ધ્વગતિ થાય છે. તે નાડીની ડાબી અને જમણી બાજુએ અનુક્રમે ઈડા અને પીંગલા નાડી છે. મૂલાધાર ચક્રમાં ગણપતિનો વાસ હોવાનું મનાય છે. ગણપતિ અથર્વશીર્ષ મુજબ

त्वम मूलाधार स्थितोसी नित्यम्

જળ તત્વ –

મૂલાધાર ચક્રથી ચાર પાંચ આંગળ દૂર જ્યાં આપણું જળ ઉત્સર્જન તંત્ર છે ત્યાં સ્વાધિષ્ઠાન તંત્ર આવેલું છે. ત્યાં જળ તત્વનો વાસ છે. જેમ પૃથ્વી મુખ્યત્વે ૬૭% જળતત્વની બનેલી છે તેમ દેહપિંડ પણ જળ તત્વ પ્રચૂરમાત્રામાં ધરાવે છે. આપણાં શરીરમાં ફરતું નસ નાડીઓ ધમની શિરામાં ભ્રમણ કરતું રક્ત જળતત્વનો અંશ છે. જીવીત સૃષ્ટિમાં નિયમિતરીતે ચાલતી રુધિરાભીષણની ક્રિયા પ્રકૃતિની ભેટ છે. રક્ત શરીરમાં ફરતું રહી શરીરને ધબકતું રાખે છે. તેમાં વાયુ વિનિમયથી રક્ત શુધ્ધિકરણની ક્રિયા પણ નિયમિત રીતે ચાલ્યા કરે છે. આખા શરીરના પ્રત્યેક ભાગમાં અવિરત અને નિયમિત રીતે ફરતું રક્ત, શરીરમાં ફેલાયેલી રક્તવાહિનીઓની જાળ – રક્તનું ઉત્પાદન – રક્ત કોષોનું વિસર્જન – ગર્ભસ્થ સ્થિતિથી મૃત્યુ સુધી સત્તત ચાલતી ક્રિયાઓ છે. ભાવક શાંત ચિત્તે વિચાર કરશે તો તેને ઈશ્વરીય અદ્રશ્ય સૃષ્ટિની અનુભૂતિ થશે. પ્રવાહીપણું – દ્રવ્યતા એ જળ તત્વનું લક્ષણ છે.

હાડકાના પોલાણમાં રહેલ પોચો પદાર્થ પણ જળતત્વને આભારી છે. આ ઉપરાંત ખોપરી, મસ્તકના પોલાણ, કરોડરજ્જુ વગેરે વિભાગોમાં પણ અર્ધઘન પ્રવાહી તત્વ આવેલું છે. તે પણ જળ તત્વનું જ આદાન પ્રદાન છે. આપણા દેહ પર આવેલી ત્વચામાં કરોડો છિદ્રો છે, જળ – અશુધ્ધિ તેમાંથી પ્રસ્વેદ રૂપે નીકળે છે. આંખના આંસુ, શરદીમાં નાકમાંથી વહેતું પ્રવાહી, જીભમાં લાળપીંડ, અને અશુધ્ધ કચરાનો મૂત્રરૂપે થતો નિકાલ એ જળૌત્સર્જનની ક્રિયાઓ છે. જીવો સત્તત પોતાના વંશપરંપરાગત લક્ષણોને – તેમના અસ્તિત્વના અંશને એક પછી એક એમ પેઢીઓમાં પ્રજનનતંત્ર સ્વરૂપે જાળવે છે, તેમાં પણ જળતત્વનો જ મુખ્ય ફાળો છે. મનુષ્ય ઉપરાંત પશુ, પક્ષી, વનસ્પતિ સૃષ્ટિ, જળચર, સ્થળચર અને નભચર સૃષ્ટિના વ્યાપમાં જળતત્વને લીધે સાતત્ય અને સત્તત વૃધ્ધિ થતી રહે છે.

દરેક સસ્તન પ્રાણી તેમના નવજાત બચ્ચાને જે દૂધ પીવડાવે છે તે પણ આ જળતત્વનો એક અમૂલ્ય ભાગ છે. નવજાતનું પોષણ પૂર્ણ થાય ત્યારે દૂધ ઉત્પાદનની ક્રિયા આપોઆપ બંધ થાય છે. પીપળ, વડ, આંકડો વગેરેની ડાળી તોડતા તેમાંથી પણ આવું પોષક દ્રવ્ય ઝરતું દેખાશે.

પૃથ્વીના વિશાળ પટ પર આવેલા સાગરો, સરિતાઓ, સરોવરો વગેરે વિપુલ જળભંડારો છે, સૂર્યના તાપથી આ પાણી ગરમ થઈ બાષ્પ બની ઉપર ચડે છે, વાદળ બંધાય છે અને આ વાદળો પણ એક અખૂટ જળ ભંડાર છે, તે જ્યારે મન મૂકીને વરસે છે ત્યારે વરૂણ દેવતાની પૂર્ણ કૃપાની અનુભૂતી અવશ્ય થાય, જળતત્વના પ્રભાવથી, સમતોલનથી પૃથ્વી પરના જીવજગતનું અસ્તિત્વ છે.

અગ્નિ તત્વ –

પરમતત્વ પરમાત્માના પ્રભાવની માફક જળ સ્થળ અને આકાશ – દરેકમાં અગ્નિનું અસ્તિત્વ છે. જ્વલનશીલતા, દાહકતા તેનો ગુણ છે. આપ હિમાલયના ગંગોત્રી ધામની યાત્રા કરો ત્યાં સ્થિત ગંગોત્રીમાં એક મિનિટ પણ આપણો હાથ પાણીની અંદર રાખી શક્તા નથી તેવી અતિશીતલતા હોય છે, પરંતુ તેમાંથી બે પથ્થર કાઢી ઘર્ષણ કરો તો તણખા નીકળશે. મતલબ કે તેમાં પણ અગ્નિ વિદ્યમાન છે.

આપણે ઘણાં દેવ દેવીઓ ભગવાન કે પરમાત્માની વાતો સાંભળી છે, અનુભૂતી અવશ્ય અનુભવીએ પરંતુ ચર્મચક્ષુ તેમને જોવા અસમર્થ છે. શ્રીકૃષ્ણે અર્જુનને જ્ઞાનચક્ષુ આપી પોતાના વિરાટ સ્વરૂપ – વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે તે અર્જુન માટે જોવું અસહ્ય થઈ પડ્યું, અગ્નિતત્વના પ્રતીક સ્વરૂપે સૂર્યનારાયણ આકાશમાં સદાય વિદ્યમાન છે. દિવસ પ્રારંભના સૂર્યદર્શન તાજગી આપે છે, તે સાક્ષાત કે પ્રત્યક્ષ દેવ છે, તે ઉષ્મા આપે છે, ઉર્જા આપે છે, પ્રકાશ આપે છે અને અંધકારને દૂર કરી જીવનને ધબકતું રાખે છે. વેદો કહે છે કે સવારમાં સ્નાન કર્યા બાદ પૂર્વદિશા તરફ ઉગતા સૂર્યને નમન કરતાં દ્વાદશ નામ સાથે સૂર્યદર્શન કરવાથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે, શરીરને તાજગીથી ભરી દે છે અને દર્શનથી તૃપ્તિ થાય છે. એ મંત્રો છે,

ॐ મિત્રાય નમઃ

ॐ રવયે નમઃ

ॐ સૂર્યાય નમઃ

ॐ ભાનવો નમઃ

ॐ ખગાય નમઃ

ॐ પૃષ્ણૈ નમઃ

ॐ હિરણ્યગર્ભાય નમઃ

ॐ મરિચયૈ નમઃ

ॐ આદિત્યાય નમઃ

ॐ સવિત્રે નમઃ

ॐ અર્કાય નમઃ

ॐ ભાસ્કરાય નમઃ

પૂર્વદિશામાં જળ રેડી જળાભિષેક – સૂર્યદર્શન કરો અને નામ રટણ કરો તો સર્વોત્તમ અને ફક્ત નામ રટણ કરો તો પણ ઉત્તમ. રોજ સવારે એક પ્રકાશિત દિવસની ભેટ સૂર્ય આપે છે. આપણે તેનો કેવો ઉપયોગ કર્યો, સારો – નરસો તે રાત્રે મનોમન હિસાબ કરો અને બીજા દિવસે આજે થયેલી ભૂલો સુધારવાની તક જુઓ.

આપણાં શરીરમાં નાભી પાસે નાભિચક્ર અથવા મણિપુરચક્ર આવેલું છે. આપણાં દેહપીંડમાં તે સ્થળે અગ્નિતત્વનો વાસ છે. ઉર્જાનો ઉદભવ ત્યાં થાય છે. આ જ કારણને લીધે શરીરમાંથી નિષ્કાસન પામતું દ્રવ્ય, જેમ કે ઉચ્છવાસ, મૂત્ર વિગેરે ગરમ લાગે છે. ચયાપચયની ખૂબ અગત્યની પ્રક્રિયા,આન્નનું પાચન અને તેમાંથી રક્ત નિર્માણ, માંસ સ્નાયુ વિગેરેની વૃધ્ધિ આ બધામાં અગ્નિતત્વનું પ્રદાન અગત્યનું છે. ન પચેલા ભાગોનું મળોત્સર્ગ દ્વારા નિકાલ થાય છે આમ એક રીતે તે પૃથ્વીતત્વની અશુધ્ધિનું વિસર્જન કરે છે. તો મૂત્રત્યાગ દ્વારા નિકાલ જળતત્વની અશુધ્ધિઓનું વિસર્જન છે. ઉચ્છવાસ વાયુ તત્વની અશુધ્ધિઓનું વિસર્જન છે, આમ શરીરના અન્ય તત્વોના શુધ્ધિકરણમાં અગ્નિતત્વ અગત્યનો ફાળો આપે છે.

વાયુ તત્વ અને આકાશ વિશે આ ચિંતનના ભાગ ૨ માં વાંચી શકાશે.

બિલિપત્ર

ॐ भास्कराय विद्‍महे महातेजाय धीमहि तन्‍नो सूर्यः प्रचोदयात्‌ ॥

આ શ્રી સૂર્ય મંત્ર છે, શારીરીક રોગ અને વિકાર દૂર કરવા રોજ સવારે સૂર્ય સન્મુખ આ મંત્રનો જાપ કરવો જોઈએ.

આપનો પ્રતિભાવ આપો....