કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૦ 13


ઈન્ટરનેટ વિશાળ દરીયો છે અને રોજેરોજ એટલી નવી વેબસાઈટસ ખૂલી રહી છે કે ખરેખર તેમાં કઈ વેબસાઈટ ઉપયોગી છે અને કઈ નકામી તે અખતરા કરવાનો સમય મેળવવો પણ મુશ્કેલ છે. અક્ષરનાદ પર ઈન્ટરનેટ વિશે તથા વિવિધ વેબસાઈટસ વિશે જણાવવા એક વિભાગ, “Know More Internet” છે. આ પહેલા આ શૃંખલામાં ગૃહ નિર્માણ અને આયોજન, ડીજીટલ કેમેરા અને ફોટોગ્રાફી, ત્રિપરીમાણીય ઈન્ટરએક્ટિવ વેબસાઈટસ વગેરે વિશે માહિતિ આપી છે, આજે આ જ શૃંખલાની વિવિધતાભરી એક વધુ કડી. એક વખત ક્લિક કરી જુઓ, મજા પડે અને ઉપયોગી પણ થઈ રહે તેવી વેબસાઈટસ છે. તેમની ઉપયોગીતા અને જરૂરત વિશે આપનો પ્રતિભાવ પણ જરૂરી છે.

૧. http://sitehoover.com

ઈન્ટરનેટ એક્સ્પ્લોરરમાં ફેવરીટ કરી કરીને થાકી ગયા હોવ અને એ ફોલ્ડર ખૂબ મોટું થઈ ગયું હોય કે ફાયરફોક્સમાં બુકમાર્કોની સાધનપટ્ટી ખૂબ લાંબીલચક થઈ ગઈ હોય તો હવે એક સરસ ઓનલાઈન વિકલ્પ અજમાવી જુઓ. આ વિકલ્પથી એક કોમ્પ્યુટર પર ફેવરીટ કરેલી વેબસાઈટ ઈન્ટરનેટ કનેક્શન ધરાવતાં બીજા બધાં કોમ્પ્યુટર પર જોઈ શકાય છે. સાઈટહૂવર પર તદન મફત સાઈન અપ કરવાથી તે બધી ફેવરીટ કે બુકમાર્ક કરવા લાયક વેબસાઈટસની યાદી બનાવે છે જેને વિભાગવાર વહેંચી પણ શકાય છે.

૨. http://allmyapps.com

કોમ્પ્યુટર ફોર્મેટ કર્યા પછી કઈ કઈ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવી કે મૂળભૂત સુવિધાઓને પુનઃ સ્થાપિત કરવી એ જો માથાનો દુખાવો થઈ ગયો હોય તો આ વેબસાઈટ અજમાવી જુઓ. અહીંથી વેબને લગતી મૂળભૂત સુવિધા જેવી કે ફાયરફોક્સ, ઓપેરા, ક્રોમ કે એક્સ્પ્લોરર, કોમ્યુનિકેશનને લગતી સુવિધાઓ જેવી કે વિવિધ મેસેન્જર, સુરક્ષા માટેની સગવડો જેવી કે વિવિધ એન્ટી વાઈરસ, તથા ઢગલો અન્ય ઉપયોગી સુવિધાઓ ઈન્સ્ટોલ કરી શકાય છે. આ ઉપરાંત વિવિધ ઓફિસ તથા અડૉબના વિકલ્પો જેવા કે સુમાત્રા પીડીએફ, ઓપન ઓફીસ, ફોક્સીટ રીડર વગેરે, ઓડીયો, વિડીયો તથા ચિત્રો માટેના વિવિધ ઉપયોગી પ્રોગ્રામ અહીંથી મેળવી શકાય છે. મોટા ભાગની બધી ઉપયોગી વસ્તુઓ આ એક જ જગ્યાએથી મળી રહેશે.

૩. http://1daylater.com/

રોજેરોજના ખર્ચનો હિસાબ રાખવા, કયા કામમાં કેટલો સમય લાગશે એનું પૂર્વનિર્ધારણ કરી યોગ્ય આયોજન કરવા, આવક જાવકના ખર્ચના આધારે વિવિધ પ્રૃથક્કરણ કરવા, તથા આવી બધી ક્રિયાઓનું યોગ્ય આયોજન કરવા આ વેબસાઈટ ખૂબ ઉપયોગી છે. ફક્ત એક વખત રજીસ્ટર કરવાથી અહિં કાયમી ખાતું બનાવી શકાય છે અને રોજની આવી વિગતોને આધારે ટ્રેન્ડલાઈન ઉદભવે છે જેની મદદથી આયોજન કરી શકાય અને વિશ્લેષણ પણ મેળવી શકાય છે.

૪. http://phpanywhere.net/

ઘણી વખત પ્રોગ્રામિંગ કરવાની જરૂરત એવા કોમ્પ્યુટર પર પણ ઉભી થાય છે જ્યાં ડ્રીમવીવર કે અન્ય એવા સોફ્ટવેર ઉપલબ્ધ હોતા નથી. જો કે નોટપેડમાં આ કરી શકાય છે, પરંતુ એ ઘણું અગવડતાભર્યું છે, આ સમસ્યાનો ઓનલાઈન ઉકેલ એટલે પીએચપી એનીવ્હેર. આ વેબસાઈટની મદદથી કોઈ પણ સોફ્ટવેર વગર કોડ એડીટ થઈ શકે છે. એફ ટી પી ક્લાયન્ટ સાથે પૂર્ણ સુસંગત આ સુવિધા ખૂબ ઉપયોગી અને સુંદર છે. અહીં ફોન્ટ કલર દ્વારા હાઈલાઈટીંગ, ઈન્ડેન્ટિંગ, ફાઈન્ડ અને રિપ્લેસ, લાઈન નંબર વગેરે સુવિધાઓ ઉપરાંત પ્રોજેક્ટની બધી ફાઈલ્સને ગૃપ કરવાની સુવિધા, ફાઈલ પરમિશન વગેરે જેવી અનેકો સુવિધાઓ ઉપલબ્ધ છે. ટૂંકમાં એક ખૂબ ઉપયોગી અને સુવિધાઓ સાથેની વેબસાઈટ.

૫. http://www.epicbrowser.com/

બેંગ્લોરની એક કંપની, હિડન રિફ્લેક્સ દ્વારા બનાવવામાં આવેલુ ભારતીય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટેનું વેબ બ્રાઉઝર એપિક મૂળે મોઝિલા એન્જીન દ્વારા કાર્યરત છે. મૂળભૂત સુવિધાઓમાં તેની એન્ટીવાયરસ સાથેની સુવિધા સ્પામ વેબસાઈટ કે સ્પાયવેરથી કોમ્પ્યુટરને બચાવે છે. ભારતીય ભાષાઓમાં ટાઈપ કરવાની સુવિધા સાથે અહીં નાનકડા સાઈડબારમાં અનેક એડ ઓન છે, જેમાં ઉમેરા પણ કરી શકાય છે. ૧૫૦૦થી વધુ ભારતીય થીમ ધરાવતા આ બ્રાઉઝરમાં ગુજરાત માટે મોઢેરા મંદિર, સોમનાથ, નહેરૂ બ્રિજ, આઈ આઈ એમ અમદાવાદ કે ગાંધી આશ્રમથી લઈને નરેન્દ્ર મોદી, હિમેશ રેશમીયા કે મોરારજી દેસાઈ સુધીની વિવિધતા ધરાવતી થીમ છે, જે ખૂબ સુંદર લાગે છે. ઝડપી બ્રાઉઝિંગ અને સરળતા સાથેની સગવડો ધરાવતું આ બ્રાઉઝર એક વખત અખતરો કરવા જેવું તો ખરું.

૬. http://zenhabits.net/

રોજીંદા જીવનમાં સાદગી, જીવન જીવવાની સરળ પધ્ધતિ, નકામી વસ્તુઓથી મનને મુક્ત રાખવાની અને કાંઈક નવીન કરવાની – સર્જનનો આનંદ મેળવવાની પધ્ધતિ વિશેની વાતો એટલે ઝેનહેબિટ્સની વેબસાઈટનો ધ્યેય. જીવનમાં સાદગી, તંદુરસ્તિ અને શરીરને રોગમુક્ત રાખવા વિશેની સમજણ, પ્રેરણા અને પ્રોત્સાહન, પરિવાર અને સહજીવન, આનંદ અને જીવનની દરેક ક્ષણને જીવવા માટેની પધ્ધતિઓ વિશેની સમજણ ખૂબ સુંદર રીતે આપતી આ વેબસાઈટ દર અઠવાડીયે ત્રણ લેખો મૂકે છે. ઈન્ટરનેટની પ્રમુખ ૧૦૦ વેબસાઈટમાંની એક છે અને તેના ૧૮૫૦૦૦થી વધુ વાંચકો છે, (ક્લિક્સ નહીં). આટલી વિશાળ વેબસાઈટ અને આટલી મોટી સંખ્યામાં વંચાતી હોવા છતાં કોપીરાઈટથી મુક્ત છે, તમે અહીંથી મનફાવે તે કોપી કરી શકો છો. ઈન્ટરનેટ પર સદવાંચનનો રસથાળ આપતી કેટલીક અંગ્રેજી વેબસાઈટસમાં આ મારી મનપસંદ છે. એક વખત મુલાકાત કરી જુઓ. આ જ વેબસાઈટના લેખક લીઓ બબોતાની બીજી એક વેબસાઈટ http://writetodone.com/ પણ ખૂબ સરસ છે અને ઈન્ટરનેટ પર લેખન અને બ્લોગિંગ વિશે ઘણું લખાયું છે.

૭. http://www.publisha.com/

આજકાલ વર્ડપ્રેસ અને બ્લોગરની બોલબાલા છે. બ્લોગર મોટેભાગે આ બે સુવિધાઓનો ઉપયોગ કરે છે તો માઈક્રો બ્લોગિંગ માટે ટમ્બલર અને ટ્વિટર ખૂબ ધૂમ મચાવી રહ્યાં છે, એવામાં આ ક્ષેત્રમાં સ્પર્ધા વધારવા નવી ઉમેરાયેલી સુવિધા એટલે પબ્લિશા. આ પણ એક બ્લોગિંગ પ્લેટફોર્મ જ છે, પબ્લિશિંગની મૂળભૂત સુવિધાઓ સાથે તથા સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સોશ્યલ નેટવર્કિંગની લિંક સાથે અહીં તમારા બ્લોગની આઈફોન અને આઈપેડની અપ્લિકેશન પણ બનાવી શકાય એ સુવિધા પણ છે. આ પ્લેટફોર્મ પણ એક વખત અખતરો કરવા જેવું તો ખરું જ.


Leave a Reply to Jayvant ShahCancel reply

13 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૦