મહામૃત્યુની સંજીવની વિદ્યા – મીરાબેન ભટ્ટ 5


( ૧૯૮૨માં પ્રકાશિત શ્રીમતી મીરાબેન ભટ્ટનું અદભુત પુસ્તક એટલે “જીવન સંધ્યાનું સ્વાગત.” આ પુસ્તિકામાં તેમણે વૃધ્ધત્વને સાચા અર્થમાં જાજરમાન બનાવી શકાય તે માટેનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. સામે આવેલી ક્ષણોને પૂરેપૂરી, સમગ્રતાપૂર્વક જીવવી, તેમાં યથાશક્ય પાવિત્ર્ય તથા સૌંદર્ય ભરવું એ છે જીવનસાધના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૮૪નું ભગિનિ નિવેદિતા પારિતોષિક આ પુસ્તકને પ્રાપ્ત થયું છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે, “જીવનસંધ્યા એટલે ઈન્દ્રિયોના વ્યાપારને સંકેલવાનું ટાણું. ઈન્દ્રિયોનો ભોગવટો નહીં, તેના પર વિજય. સાંજ પડ્યા પછીનું જે કાંઈ જીવન વહે, તેની દિશા નિશ્ચિત હોય, પ્રભુ ! જો કે પ્રીત પરાણે ન થાય. આપણી તેને પામવાની ઝંખનાનો સૂરજ દિવસભર પ્રજ્વળ્યો હશે તો જ તે એક સરસ જીવન સંધ્યા આપણને આપશે તે વાત મનમાં રાખીએ. મૃત્યુને પણ સંજીવની વિદ્યા કહેવાની હિંમત દાખવનાર મીરાબેન જેવા માર્ગદર્શકોજ આવો એક ઉત્તમ વિચાર વિકસાવી શકે.)

પહેરી પીળાશ આવ્યા ખરવાના દિન
હવે ક્યાં સુધી ઝૂલું હું શાખમાં ?
ઝંઝા શું પહોળાતું પંખી આવીને મને
લઈ જશે ક્યાંક એની પાંખમાં.

કોઈ સ્વીકારે, ન સ્વીકારે પરંતુ અંતિમ અવસ્થામાં ચિત્તના કોઈક અગમ્ય ખૂણે સતત એક આહટ – એક પગરવ માણસને સંભળાયા કરે છે. શેનો છે આ પગરવ ?

મૃત્યુની સતત આહટ

કહેવાની જરૂર નથી. સૌ કોઈ જાણે છે કે વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુ શ્વાસ અને ઉચ્છવાસ બનીને સાથોસાથ જીવે છે. માણસને ધબકારે ધબકારે મોતના ભણકારા સંભળાય છે. જાણી – સમજી લીધું કે મૃત્યુ એ અટળ ચીજ છે, છતાંય અપરિચિત ઘટના હોવાને લીધે માણસ એના નામ માત્રથી જ થરથર કાંપી ઊઠે છે. હકીકતમાં તો, જીવનમાં સમજણ પાંગરે ત્યાંરથી જ મૃત્યુ નામની આવી મહત્વની ઘટનાને સાંગોપાંગ સમજી લઈ એના અંગેની ભીતિને જોજનો દૂર ધકેલી દેવી જોઈએ.

મૃત્યુને બિહામણું કેમ ચીતરી મૂક્યું છે ?

મૃત્યુ અપરિચિત છે કેવળ એટલા કારણસર એનો ડર લાગે છે તેવું નથી; એમ તો જીવનમાં આપણે કેટલાય અજાણ્યા ક્ષેત્રમાં દાખલ થતા જ હોઈએ છીએને ? અરે, જે વ્યક્તિની સાથે જન્મભરની લગ્નગાંઠે જોડાઈએ છીએ, તેને પણ આપણે ક્યાં જાણતા હતા ? છતાંય, મૃત્યુની અ પરિચિતતાનો જે બિહામણો ડર છેતે સાવ જુદો જ છે.

આવો ડર લાગવાનું કારણ આપણા કાને સતત પડનારી લોકોકિતઓ છે. મૃત્યુને ‘જમડો’ કહી એવું ભયંકર દ્રશ્ય ખડું કરી દેવામાં આવે છે. જાણે કોઈ રાક્ષસ પોતાના નખાળા પંજા પહોળા કરીને આપણને ભરખી ખાવા તત્પર ઊભો હોય. મૃત્યુને જીવનનો દુશ્મન માની લેવામાં આવ્યું છે, એને પરિણામે એ ‘અશુભ’ શબ્દની યાદીમાં દાખલ થઈ ગયું છે.

‘અશુભ’ લખવાનું બંધ કરો.

માનવચિત્તમાં ઘર ઘાલી ગયેલા આ ડરને દૂર કરવો હોય તો સૌથી પહેલું કામ આપણે આ કરવું પડશે કે મૃત્યુના સમાચાર આપતા પત્રોમાંથી ‘અશુભ’ શબ્દને વિદાય આપવી પડશે. આપણે તો મૃત્યુના શબ્દમાત્રથી એવા ડરીએ છીએ કે કોઈ મૃત્યુનું નામ બોલે તોપણ તે ગાળ, અપશુકનિયાળ ઉદગાર અથવા તો શાપ મનાય. થોડા વખત અગાઉ, એક સ્નેહીજનના અવસાનના સમાચાર આપતો પત્ર ડાયરીમાં પડી રહેલો. તે જોઈ એક સ્વજન કહે, ‘મૃત્યુનો પત્ર રાખી ન મૂકાય. એને તરત ફાડી નાખવો જોઈએ.’ – કારણ કે એ અશુભ છે.

અશુભ શા માટે?

મૃત્યુને આવું અશુભ માનવા પાછળનાં કારણો પણ આપણે તપાસી લઈએ. મૃત્યુની ઘટનાનો બેઉ પક્ષે વિચાર કરી લેવો ઘટે. એક તો મરનાર પક્ષે અને બીજો મરનારના સ્વજનો પક્ષે. બંને માટે મૃત્યુ એ હદય- વિદારક ઘટના છે. શા માટે?

સૌથી પહેલું કારણ તો એ કે મૃત્યુ, આ બંનેને છૂટા પાડી દે છે. મૃત્યુને લીધે તેમની વચ્ચે વિયોગની એક દુર્લઘ્ય ખીણ ખડી થાય છે. જેને પાર કરીને પૂનર્મિલનની કોઈ આશા જડતી નથી. સ્વજનોનો આવો ચિરવિરહ એ સાચે જ દુઃખનો વિષય હોઈ શકે. મૃત્યુના વિચાર સાથે પ્રતિક્ષણ સળગાવનારી આ અસહ્ય પીડા છે. આ પીડા માંથી કેમ છૂટવું ?

મૃત્યુ નામની ઘટનાનો સ્વીકાર

જીવનમાં કેટલાંક સત્યોને સ્વીકારવાં જ પડે છે. પછી એ સત્યોને આપણે કડવાં માનીએ કે મીઠાં. સૃષ્ટિના ચક્રમાં જેમ રાત અને દિવસ અભિન્નપણે જોડાયેલ છે, એ જ રીતે સુખ અને દુઃખ, વિરહ અને મિલન, અભિન્નપણે જોડાયેલાં છે. ભગવાને ગીતામાં આવાં દ્ધ્ંદ્ગ ગણાવ્યાં છે, જે એક જ સિક્કાની બે બાજુની જેમ હારોહાર ચાલે છે. કોઈ વ્યક્તિ સાથેના સંયોગનું સુખ ભોગવવાની ઈચ્છા જાગે તો એની હારોહાર જ એના વિરહની પીડા વેઠવાની તૈયારી મને કરવી જ રહી. મન જ્યાં સુખ વાંછે, ત્યાં એને દુઃખ વેઠવું જ રહ્યું.એટલે તો બધાં દ્ધ્ંદ્ધોને પાર કરી જવાનું દિવ્ય ઔષધ ભગવાને બતાવ્યું કે મન આ બધી ઈચ્છાઓને જ પાર કરી જાય.

એટલે જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે જ.વિરહ વગરનું મિલન સંભવતું જ નથી. આ તથ્યને માથે ચડાવવું જ રહ્યું અને વિયોગ માટે મનને તૈયાર કરવું રહ્યું.

પૂનઃ સંયોગની શક્યતા

પરંતુ એક સંભાવનાનો આપણા મહાપુરુષોએ નિર્દેશ કર્યો છે. વિનોબાજીએ એક વાર પૂછ્યું કે, ‘મૃત્યુ પછી પ્રિયજનને ફરી મળવાની કોઈ તક ખરી?’ ત્યારે તેમણે કહેલું કે ‘જો નિસ્વાર્થ પ્રેમ અને કેવળ સેવાની ભાવના હોય તો જરૂર મળી શકાય.’ આ એક ભારે મોટું આશ્વાસન છે. જેમણે આપણે અપાર પ્રેમપૂર્વક ચાહતા હોઈએ, તેમની સેવા અને હિત તો આપણે હૈયે જ હોય જ ને? આસક્તિ જુદી ચીજ છે અને પ્રેમ જુદી ચીજ છે. આપણા પોતાના સ્વાર્થ ખાતર કોઈ વ્યક્તિ સાથેનું વળગણ એ આસક્તિ છે અને સામેની વ્યક્તિના હિત અને સુખ ખાતર એના સાનિધ્યની ખેવના કરવી એ પ્રેમ છે. પ્રેમ એટલે આપવું. પ્રમ એટલે સામેની વ્યક્તિને સમૃદ્ધ કરવી. જો મરનાર વ્યક્તિ માટે આપણા અંતરમાં આવો નિર્વ્યાજ, નિર્મળ અને નિરપેક્ષ પ્રેમ હશે તો તેની સાથે પૂનર્મિલન શક્ય છે. આવો સઘિયારો સંત પુરુષો આપે છે.

દુઃખ ઘટાડવાનો એક બીજો ઉપાય પણ છે. મનને એક અભ્યાસ કરાવવો કે મિલન કેવળ સ્થૂળ સાથમાં જ હોય છે તેવું નથી. માણસ દૂર હોઈને પણ નિરંતર સાથે હોઈ શકે છે. સદેહે સાથે હોઈએ ત્યારે તો થોડુંઘણું પણ જુદા પડવાનું હોઈ શકે પણ સૂક્ષ્મ અને પરોક્ષ સંયોગમાં તો નિરંતર મિલન જ હોય છે. એટલે આંતરિક મિલનનો, એટલે કે અંતરના તારેતાર સત્તત મળેલા રહે તે માટેની સાધના કરી હોય તો બાહ્ય સ્થૂળ જોગ-વિજોગ એટલા મહત્વના રહેતા નથી. પછી મૃત્યુને પેલે પાર પણ અખંદ મિલન છે વેવી શ્રદ્ધા મૃત્યુની પીડાને સહ્ય બનાવી શકે.

જન્મોજન્મની વાત

ભારતની વિચારધારામાં પુનર્જન્મની વિચારણાને માન્યતા મળેલી છે. આપણ મોટું આશ્વાસન છે. જો તમે પુનર્જન્મમાં ન માનો તો જીવનમાંથી ઘણી પ્રેરણાઓની ધારા સુકાઈ જાય. જેમ કે, જો પુનર્જન્મ જેવું ના હોય તો આપણને પાછલી વયે જ્ઞાન મેળવવાની પ્રેરણા જ મોળી પડી જાય. એમ થાય કે હવે જ્ઞાન મેળવીને શું કરવું છે? હવે કેટલા દિવસ એ ખપ આવશે ? પરંતુ જો આપણને પુનર્જન્મમાં શ્રદ્ધા હોય તો આપણને વિશ્વાસ બેસે છે કે આ જન્મમાં પાકટ થયેલી સમજ બીજા જન્મમાં કામ આવે છે. જીવનમાં આત્મસાત થઈ ગયેલું જ્ઞાન કદી ફોગટ જતું નથી. એ જ આપણી બીજા જન્મની સાચી મૂડી છે. મર્યા પછી સાથે આવનારી ચીજોમાં એક તો, આપણાં કર્મો અને બીજું, આ સમજણ છે. આવી શ્રદ્ધા તો જ બેસે, જો આપણે પુનર્જન્મની વિચારધારાને સ્વીકારીએ તો.

આ તબક્કે ઋણાનુબંધ આવે છે. જે તે વ્યક્તિ સાથે આપણા ઋણાનુબંધ હશે તો આપણે ફરી અવશ્ય મળવાના. પ્રેમનું ઋણ એ મોટામાં મોટું ઋણ છે. એ ઋણના તંતુએ આપણા પ્રિયજનને આપણે જરૂર મળી શકીશું, આવું આશ્વાસન આપણા મૃત્યુશોકને પાતળો કરી શકે છે.

– મીરાબેન ભટ્ટ

બિલિપત્ર

મને આપો એક સાંજ
મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાત સાત જન્મોના
તાણીને બાંધેલા કેશ,
મારાથી સાવ મને અળગી કરીને નાથ !
કાયમની કેદ મને આપો
રે મને મનગમતી સાંજ એક આપો
કે ઝૂરે મૃગજળમાં ક્યારનો તરાપો.

– જગદીશ જોષી


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મહામૃત્યુની સંજીવની વિદ્યા – મીરાબેન ભટ્ટ

  • PUSHPA

    સાધના એજ જિવન અને મુત્યુ વિશે જિવતા જિવ મરતા શિખવે અને મુત્યુનો ડર દુર કરે.

  • bhavin

    હુ મેલિ વિધા થિ ખુબ હેરાન થયેલ વ્યક્તિ ચ્હુ મેલિ વિધ્યા દુર કરવા માતે ના શ્લોક જનવ્સો

  • jjugalkishor

    કાકાસાહેબનું “પરમ સખા મૃત્યુ” અને રા.વિ. પાઠકને સંબોધીને એમના મૃત્યુ લખાયેલું “પરલોકે પત્ર” યાદ આવી ગયાં. જગદીશ જોી રચનાય ગમી.

    ધન્યવાદ.

  • jjugalkishor

    જીગ્નેશભાઈ,

    કાકાસાહેબનું “પરમ સખા મૃત્યુ”,
    શ્રી રા.વિ.પાઠકસાહેબને સંબોધીને એમના મૃત્યુ બાદ લખાયેલું “પરલોકે પત્ર” આજે યાદ આવી ગયાં.

    મૃત્યુનું રહસ્ય હંમેશાં રહસ્ય જ રહ્યું હોઈ એનો ડર સહજ છે. પણ સૌથી મોટું કારણ તો માયા/મોહને લીધે અહીંનું બધું છોડવું પડશે એની વેદનાને ગણવી જોઈએ…

    સરસ સંગ્રહ તમે આપ્યો છે – અવનવીન સાહિત્યનો.