અમો એવા રે એવા, ગુજરાતીઓ – રતિલાલ બોરીસાગર 4


{ શ્રી રતિલાલ બોરીસાગરનો પ્રસ્તુત હાસ્યલેખ નવનીત સમર્પણના દીપોત્સવી વિશેષાંકની એક જ વિષય “અમો એવા રે એવા ગુજરાતીઓ” વિશે વિવિધ હાસ્યલેખકોના લેખો માંથી લેવામાં આવ્યો છે. લેખકે નરસિંહ મહેતાના કાવ્ય “અમો એવા રે એવા” નું સરસ પ્રતિકાવ્ય પણ સાથે આપ્યું છે. હાસ્યરસનો ખજાનો એવો આ લેખ પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર.}

નવનીત સમર્પણ ના દિવાળી અંક માટે હાસ્યલેખકોને અપાતા ઉત્તરોત્તર અઘરા થતા જાય છે. આ વખતનો વિષય તો વળી એકદમ અઘરો છે. આજના બઘા ગુજરાતીઓ વિષે એક સરખો અભિપ્રાય ઉચ્ચારવા માટે પ્રો. ગણેશ દેવી જેવી હિમંત અને બહાદુરી જોઈએ તે હું ક્યાંથી લાવું?

આ વખતના કઠિનતમ વિષયને કારણે હું લેખનપરીક્ષામાં ડ્રૉપ લેવાનું વિચારતો હતો, ડ્રૉપ લેવો એ મારી હોબી હતી. કેટલીક પરીક્ષાના આગલા દહાડા સુઘી વાંચ્યા પછી પછી ડ્રૉપ લીઘેલો. ઈન્ટર આર્ટસની પરીક્ષા વખતે છેક પરીક્ષાખંડના બારણા સુઘી જઈ પાછો વળી ગયેલો! આ કારણે એસ. એસ. સી.ઈ. પછી એમ. એ. છ વર્ષે થવાતું હતું – અમારા વખતમાં – હું અગિયાર વર્ષે થયો હતો! એસ. એસ. સી. ઈ પછી પી. એચ. ડી. થયો! ( આ હું એમ.એ., પી. એચ. ડી. છું એની જાહેરાત માટે નથી લખ્યું, પણ પરીક્ષામાં ડ્રૉપ લેવાની મારી શક્તિ અને વૃતિનો વાચકોને ખ્યાલ આવે તે માટે લખ્યું છે.) એટલે ‘નવનિત સમર્પણ’ ના દિવાળી – અંકમાં ડ્રોપ લેવાનું વિચાર્યું હતું. (આ વિચારને અમલમાં મૂક્યો હોત તો કેટલું સારું થાત એવી લાગણી કેટલાક વાચકોને થવા સંભવ છે. આવા વાચકોની ક્ષમા માંગું છું. સુજ્ઞ લેખકો લખવાની તક મળે ત્યારે લખવાનું ચૂકતા નથી!) પરંતુ ડ્રૉપ લેવાના વિચારની સાથે જ મને મારા એક મિત્ર યાદ આવ્યા. એસ. એસ. સી. ઈ. પછી સડસડાટ છ વર્ષમાં એમ.એ. થઈ ગયેલા – એ બહુ વાંચતા હતા કે બહુ હોશિયાર હતા એવું નહોતું. પરંતુ એમણે એવી અફવા સાંભળેલી કે પરીક્ષકો પેપર જુએ છે ખરા, પણ ખાસ વાંચતા નથી. આ કારણે તેઓ દરેક પેપરમાં લખવાના હોય એટલા જ પાંચ – છ જવાબો તૈયાર કરે અને અને પરીક્ષામાં સવાલો ગમે તે પુછાયા હોય એ જવાબો તો એમને આવડતા હોય એ જ લખતા – પરીક્ષકો પર શ્રધ્ધા રાખીને. ‘નવનીત સમર્પણ’ ના સંપાદકો એમના આવેલા લેખો વાંચે છે એ હું જાણું છું, તેમ છતાં એમણે આપેલા વિષય પર મને આવડે એવું લખું છું – વિષયથી બને એટલા દૂર રહેવાની શિખામણ આપણા ધર્મગુરુઓ આપે છે – અહીં પણ વિષયથી બને એટલા દૂર રહીને લખવાનો પ્રયત્ન કર્યો છે. સાહિત્યમાં કંઈ નવું થાય તો એ મોં – માથા વગરનું હોય તોયે પ્રયોગ ગણાય છે. અહીં મોં – માથું તો કદાચ છે, પણ એ મોં- માથું આપેલા વિષયનું નથી એટલે એને પ્રયોગ ગણવો હોય તો ગણી શકાશે.

‘આજના ગુજરાતીઓ’ વિશે લખવાનું ‘નવનીત સમર્પણ ના સંપાદકશ્રીને અભિપ્રેત છે. (‘અભિપ્રેત’ જેવા અઘરા શબ્દો ‘નવનીત સમર્પણ’માં નથી આવતા તે હું જાણું છું, પરંતુ પ્રયોગશીલ રચનામાં અઘરા શબ્દો આવવા જ જોઈએ એવો નિયમ છે. મને બહુ ઝાઝા અઘરા શબ્દો આવડતા નથી એટલે વાચકોને બહુ તકલીફ નહિ પડે.) હા તો ‘આજના ગુજરાતીઓ’ વિશે લખવું એ સંપાદકશ્રીનું સૂચન છે (જો કે ‘સૂચના છે’ એમ કહેવું જોઈએ). હું આજનો ગુજરાતી છું. તેથી મારા વિશે લખું એ સર્વ ગુજરાતીઓને કેવી રીતે લાગુ પડી શકે?- આવો તર્ક નહિ કરવાનો. પ્રો. ગણેશ દેવીની થિયરી મુજબ એક ગુજરાતી માટે જે સાચું છે તે સર્વ ગુજરાતીઓ માટે સાચું છે. એમ તો તમે એમ પણ કહી શકો કે હું આજનો ગુજરાતી નથી, ગઈકાલનો ગુજરાતી છું. પરંતુ હું વિદ્યમાન છું એટલે ભદ્રંભદ્રની પેઠે શાસ્ત્રાઘારે મને ‘આજનો ગુજરાતી’ માનું છું.

આ વખતનો મારો લેખ એક પ્રયોગશીલ રચના હોવાને કારણે મારી જાત વિષે પદ્યમાં લખ્યું છે. (કાવ્યરૂપે લખ્યું છે એમ કહીશ તો વિવેચકો મારા પર તુટી પડશે એટલે ‘પદ્યમાં’ એવું લખ્યું છે.)

આ પદ્યરચના નરસિંહ મહેતાના પ્રસિદ્ધ પદ ‘એવા રે અમે એવા’ ની પેરોડી છે. નરસિંહ મહેતાએ પોતાને માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે એટલે મેં પણ મારા માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે. ‘અમો’ સર્વનામનો પ્રયોગ કરવા છતાં એમાં નરસિંહ મહેતાની ખુમારી અને બેફિકરાઈ પ્રગટ થતાં ન લાગે તો ચલાવી લેવા વાચકોને વિનંતી છે. મૂળમાં જ ખુમારી ન હોય તો ‘અમો’ સર્વનામ વાપરવાથી થોડી આવી જવાની? હા ‘અમો’ માનાર્થે બહુવચનનો પ્રયોગ છે એમ સમજવું. માનની બાબતમાં માણસે સ્વાવલંબી રહેવું જોઈએ એવો મારો નમ્ર મત છે. ચેરિટીની જેમ માનાનો પ્રારંભ પણ માણસે પોતાની જાતથી જ કરવો જોઈએ. બીજા માન આપશે એ આશા એ હાથ જોડીને બેસી ન રહેવું જોઈએ. આ રીતે કાવ્યની પ્રથમ પંક્તિમાં માનવ જીવન માટે ગહન ઉપદેશ રહેલો છે તે જોઈ શકાશે.

– તો હવે મારો, સૉરી, અમારો પરિચય આપતી પદ્યરચના નીચે મુજબ છેઃ

એવા રે અમો એવા રે એવા, વળી તમો કહો છો તેવા રે;
સાઠ થયાં પૂરાં તોયે અમો રહ્યા એવા ને એવા રે.

સાઠે બુદ્ધિ નાઠે એની ચિંતા અમોને નાહીં રે;
આવ્યું હોય ઈ જ જાયે, એવો નીમે જગતની માંહીં રે.

મન જેનું મરકટના જેવું રાત દી’ કરે ઉધામાં રે;
રોગ ઘણેરા એની માંહી પડ્યા છે નાખી ધામા રે.

કામકાજ કશું ના કરીએ… કશું અમોને ના ફાવે રે;
વાંચ્યા કરીએ લખ્યા કરીએ, એની તોલે કશું ના આવે રે.

સમારંભમાં પ્રમુખ થાતા, નામ ભલે અજાણ્યું રે;
છેલ્લી ઘડીએ કોઈ ના પાડે, અમને ટીલું તાણ્યું રે.

હળવા સાહિત્યનો હું લેખૈયો, મુજને વાચક વાહલા રે;
હસવાથી જે દૂર રહેશે તેના ફોગટ ફેરા ઠાલા રે.

નોંધઃ કાવ્ય સહેલાઈથી સમજાય તેવું છે એટલે એનું રસદર્શન કરાવી વાચકોને વઘુ બોર નહિ કરું. પણ એક બે સ્પષ્ટતા જરૂરી લાગે છેઃ

(૧) પહેલી અને બીજી કડીમાં ‘મને સાઠ વર્ષ થયાં’ એવો ઉલ્લેખ છે. અત્યારે મને અડસઠ વર્ષ થયાં છે. આ કાવ્ય લખયું ત્યારે સાઠ થયાં હતાં. એટલે આ કાવ્યમાં ‘સાઠ’ નો ઉલ્લેખ છે. સાઠ ની જગ્યાએ અડસઠ કરીએ તો છંદ અને લય બંને નો ભંગ થાય ને નબળું કાવ્ય વઘું નબળું પડી જાય. પણ તાત્વિક રીતે તો સાઠ અને અડસઠમાં કશો ફેર નથી. કાવ્યમાં જે ગુણો (કે અવગુણો) વર્ણવ્યા છે તે ચાલીસ વર્ષેય હતા અને સાઠ વર્ષેય હતા. અડસઠ વર્ષેય છે ને એંશી વર્ષેય હશે – નેવું વર્ષે હશે ને શતાયુપ્રવેશ સમયે પણ હશે. એટલે મારો પરિચય આપવા માટે આ કાવ્ય આજીવન પ્રસ્તુત રહેશે.

(૨) પાંચમી કડીમાં સમારંભોના પ્રમુખ થવાની વાત છે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. લેખક તરીકે મારું નામ જાણીતું ન હોવા છતાં મેં આજ સુઘીમાં અનેક સમારંભોનાં પ્રમુખસ્થાન શોભાવ્યાં છે. અનેક હર્ષસભાઓ અને અનેક શોકસભાઓમાં હું પ્રમુખપદે રહી ચૂક્યો છું. આનું કારણ સાવ સાદું છે. જેમને માટે પ્રમુખસ્થાન નક્કી થયું હોય તે મહાશયને છેલ્લી ઘડીએ કંઈક મુશ્કેલી આવી પડે અને એ ના પાડે એવે વખતે આયોજકોને હું યાદ આવું છું. અને મેં એ લોકોને ક્યારેય નિરાશ કર્યા નથી. આમાંના ઘણા લોકોએ મને વચન આપ્યું છે કે હવે પછીના સમારંભમાં પહેલેથી જ તમને પ્રમુખ બનાવીશું, પરંતુ એવો પ્રસંગ હજુ સુધી આવ્યો નથી.

– બાકીની કડીઓ તો સરળ અને સ્વયંસ્પષ્ટ છે.

અસ્તુ!

– રતિલાલ બોરીસાગર

(પ્રસ્તુત લેખ નવનીત સમર્પણ સામયિકના નવેમ્બર ૨૦૦૬ ના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. )

બિલિપત્ર

My wife thinks “freedom of the press” means no-iron clothes.
– DR.PRADIP B.JOSHI


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “અમો એવા રે એવા, ગુજરાતીઓ – રતિલાલ બોરીસાગર