અક્ષરના નાદનો ચોથા વર્ષમાં પ્રવેશ…. 6


આદરણીય વાચકમિત્રો,

શિવજી રુખડા નો એક સરસ શે’ર છે,

“પાંચ બખિયા સાથ ઈચ્છા, સીવતાં સીવાઈ ગઈ છે;
જાત નોખી પાડવી છે, સાંઈ! અમને સોય આપો !”

ઉપરોક્ત શે’રની ઈચ્છાની જેમ જીવન સાથે આ અક્ષરનાદની ગૂંજ સીવાઈ ગઈ છે, અને એવી સોય શોધવી ખૂબ અઘરી છે જે આ બખિયા ઉખેડી શકે, કેવો યોગાનુયોગ ?? જે સોય બખિયાનું અસ્તિત્વ આપે તે જ તેને નોખા પણ કરવામાં માધ્યમ બને !

ગુજરાતી ભાષા સાથે સંબંધ તો જન્મથી, કે કદાચ એથીય પહેલાથી હશે, પણ ગુજરાતી બ્લોગિંગ સાથે સંબંધ, ઝંખના કે આ સફર ૨૭ મે ૨૦૦૭થી લગભગ રોજ અને આમ જ, ખૂબ જ સહજતાથી ચાલ્યાં કરે છે. ઘણી વખત મને પણ આશ્ચર્ય થાય છે કે આખોય દિવસ નોકરીમાં વીતાવ્યા પછી એવું કયું તત્વ છે જે આ પ્રવૃત્તિને આમ જ વહેતી રાખવાની શક્તિ અને પ્રેરણા પૂરી પાડે છે? હમણાં એક સાક્ષરશ્રીએ પૂછેલું, કે તમારે આ વેબસાઈટ ચાલુ રાખવાની જરૂરત શું છે? મેં કહ્યું, પેટ ની ભૂખ માટે જો રોજ દસ બાર કલાક નોકરી કરી શક્તા હોઈએ, તો મનની ક્ષુધા તૃપ્ત કરવા શું એકાદ કલાક પણ ન ફાળવી શકીએ ? પુસ્તક પ્રકાશકો કે વર્તમાનપત્રના પ્રકાશકો / સંપાદકો એમાંથી કાંઈક આર્થિક ઉપાર્જન કરવા જ આ પ્રવૃત્તિ કરે છે, પણ ગુજરાતી બ્લોગિંગના ક્ષેત્રમાં આવું નથી, એ શું સૂચવે છે? સાડા ત્રણસો બ્લોગ્સની આ લાંબી યાદીમાંથી આર્થિક ઉપાર્જનનો સ્તોત્ર મેળવનારા કોઈ હશે ખરાં ? એ જ બતાવે છે કે આપણા હૈયાની તૃષ્ણા પૂરી કરવાનો આ માર્ગ રાજમાર્ગ છે.

“અધ્યારૂ નું જગત” થી “અક્ષરનાદ” ….. સફર શરૂ થયે આજે ત્રણ વર્ષ પૂરા થયાં, જો કે પૂરા થયાં એથી વધુ મહત્વનું છે કે એ સફરની ક્ષણેક્ષણ સુગંધી અને આનંદસભર કરતા ગયાં. વેબસાઈટ ડિઝાઈનને આ પહેલા પૂરા ત્રણ મહીના આપ્યા હતાં, થીમ પર આધારીત ન રહેતા મનના કોડે, ઘણું બધું ‘કોડ’ કર્યું, અને છતાંય વેબસાઈટમાં ઘણી તકલીફો હતી, મુખ્ય એ કે ઈન્ટરનેટ એક્સ્પ્લોરરમાં સાઈડબાર નીચે સરકી જતો, જો કે હું ઘરે ગૂગલ ક્રોમ અને ઓફીસમાં ફાયરફોક્સ વાપરું છું એટલે આ ખબર થોડીક મોડી પડેલી, વળી એ આઈ.ઈ ના અમુક વર્ઝનમાં જ થતું. આ ઉપરાંત થોડીક નવી સુવિધાઓ ઉમેરવાની ઈચ્છા અહીં પૂરી થઈ શક્તી નહોતી તેનો અફસોસ પણ હતો, એટલે નવી થીમ સાથે થોડીક જ અદલાબદલી કરી અને અક્ષરનાદને એક નવા સ્વરૂપે મૂકવાની ઈચ્છા પૂરી કરી રહ્યો છું.

મૂળે ફોન્ટ સાઈઝ અને લે આઉટમાં થોડા ફેરફારો કર્યાં છે તો જે તે કૃતિના અંતે પ્રિન્ટ કાઢી શકાય તેવો એક અલગ વિકલ્પ પણ છે. સાથે કૃતિની લિન્ક સીધી ત્યાંથી જ ઈ-મેલ કરી શકાય તેવી વ્યવસ્થા થઈ છે, સોશીયલ બુકમાર્કિંગ માટેના થોડા વિકલ્પો વધ્યાં છે અને જૂના લે આઊટની સરખામણીએ ફૂટરમાંય થોડાક ફેરફારો કર્યાં છે. સરવાળે વેબસાઈટને વાંચન દરમ્યાન થોડુંક નયનસુખ આપે તેવી બનાવવાનો પ્રયાસ કર્યો છે. અક્ષય ટ્રસ્ટ માટેની ડોનેશનની લિંક હવે ત્યાંથી હટાવી લીધી છે, કારણકે એ કામ હવે સી.એન.એન સુપેરે કરી રહ્યું છે.

સાથે સાથે આજે જૂના સ્થળે પણ નવસર્જનની શરૂઆત કરી છે, ‘અધ્યારૂ નું જગત’ એ મારા આ વાંચન લેખન યાત્રાનો પ્રથમ પડાવ હતો અને એની સાથે લાગણીનો સંબંધ છે. ભાડાનું ઘર ખાલી કરીને જતા જેવી લાગણી થાય તેવી એ બંધ કરતી વખતે થયેલી, જો કે ત્યાં સાહિત્ય સંસારથી અલગ જે જોયું, જાણ્યું કે પ્રતિભાવયુક્ત લાગ્યું તેને સમાવવાનો પ્રયત્ન છે, ભાષા અને પસંદગી બંને તદ્દન અસાહિત્યિક પણ હોઈ શકે છે, એટલી છૂટ સાથે ત્યાં પણ હવે છાસવારે મૂકીશું.

અક્ષરનાદ સાથેના પાછલા ત્રણ વર્ષો અનેક અવનવા અનુભવોથી, શીખવા અને જીવનમાં ઉતારવા જેવી અનેક વાતોથી અને લોહીના નહીં છતાંય ખૂબ લાગણીભીના એવા અનેક સંબંધોથી મળેલી અ-ક્ષર સોગાત છે. પ્રથમ વર્ષ તો ખૂબ અણઘડ હતું, આયોજન વગરનું પણ પાર વગરના ઉત્સાહ સાથેનું હતું. બીજુ વર્ષ ખૂબ મિત્રો આપનારું બની રહ્યું, મહદંશે બીજા સહદયી બ્લોગ મિત્રો સાથે ઓળખાણ ત્યારે જ થઈ, અને ત્રીજુ વર્ષ તળેટીમાંથી પર્વતના આરોહણની શરૂઆત જેવું રહ્યું. શરૂઆતમાં કૃતિઓની પસંદગી પણ ખૂબ અણઘડ હતી, જે બીજે અને ત્રીજે વર્ષે મહદંશે સુધારવાનો અને વિવિધ વિભાગોમાં સમાન રીતે વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજે વર્ષે અક્ષરનાદની શરૂઆત થઈ. પૂજ્ય શ્રી મોરારીબાપુએ આશિર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી એ ખૂબ સુંદર પ્રસંગ બની રહ્યો તો, તો અક્ષરનાદનું ઉદઘાટન જંગવડમાં (મધ્યગીર, રાવલ ડેમ) જંગવડબાપુને હસ્તે કરાવેલું, એ પ્રસંગો આજે પણ મનને આનંદ અને સંતોષ આપે છે. આ જ પ્રોત્સાહનને લીધે અનેક નવા વિચારો અને આયોજનોથી હૈયું છલકાય છે, પણ એ બધાં માટે સમય ઓછો પડે છે. ક્યારેક એક મિત્ર સાથે વાતવાતમાં ચર્ચાયેલું, કે કાશ, પ્રભુ ચોવીસ કલાક કમાવા માટે અને ચોવીસ કલાક ફક્ત “સ્વ” માટે આપે, તો હું ગીરમાં જ પડ્યો પાથર્યો રહું, કે દરીયા કિનારે અમારી સાઈટ પર હવાની ભરતીઓમાં બેઠો રહું. પણ એવું તેણે કર્યું નથી, તો આ જ ચોવીસ કલાકમાં બધુંય ‘મેનેજ’ કરવાનું છે.

મને લાગે છે કે વાંચવુ અને વિચારવું એ બે પ્રવૃત્તિઓને અલગ કરીને જોઈ ન શકાય. કારણકે એ બંનેમાં ક્યાંક અભિન્નતા છે, જીવવું અને શ્વાસ લેવો જેવી જ સહજ જોડાણની અભિન્નતા, કાંઈક સારુ વાંચીએ તો સદવિચાર તરફ વળીએ અને કાંઈક સારું વિચારીએ તો જ સારા વાંચનની ભૂખ જાગે, એ બંને પરસ્પર અવલંબન ધરાવતી પ્રવૃત્તિઓ છે. મારા મતે વાંચનમાં વિવેક જળવાવો જોઈએ, કૃતિઓની પસંદગીમાં, પુસ્તકોની પસંદગીમાં અને વીણામણ કાઢવામાં સ્વ-વિવેક જરૂરી છે. આપણી આસપાસ એટલું બધું વાંચન ઉપલબ્ધ છે કે જાણે આપણે કાંકરામાંથી ઘઉં વીણવાના છે. અને એજ પ્રવૃત્તિ બ્લોગરોની પણ જવાબદારી છે. જો કે મહદંશે અક્ષરનાદ પર આવતી કૃતિઓ, ખાસ કરીને કાવ્ય રચનાઓ, ગઝલો, સ્તરની નથી હોતી એવી વાતો, કે છંદમાં નથી હોતી અને કવિતાતત્વ નથી એવી વાતો ખૂબ સામાન્યપણે ચર્ચાતી હોય છે. એક સંપાદક તરીકે એ મારી ફરજનો એક ભાગ છે કે મારે કૃતિઓની પસંદગીમાં ચુસ્ત રહેવું, અસ્મિતાપર્વ ૧૩ માં એક વાક્ય સાંભળ્યું હતું કે “સ્ટેજ પરથી ઉતરી જવું પણ સ્તર પરથી ન ઉતરવું.”, અને એ વાત સાથે હું સો એ સો ટકા સંમત, પરંતુ એ એક માણસ સુધી સીમીત હોય ત્યાં સુધી તદ્દન સ્વીકાર્ય બાબત છે, પરંતુ જ્યારે બ્લોગ કે સામયિક જેવા ક્ષેત્રમાં તમે એ વાત મૂકો ત્યારે? તો પછી તમે ફક્ત એવા લોકોની કૃતિઓ જ વાંચી શકો જે અહીં પ્રસ્થાપિત નામ છે. પ્રથમ પ્રયત્ને સફળતાના શિખરો સર કરી શકે એવી રચનાત્મક વિભૂતિઓને ખૂબ વંદન, પરંતુ મારા જેવા અને અક્ષરનાદ પર પોતાની કૃતિઓ, “અહીં આ કૃતિ મૂકશો..” એવી આશા સાથે મોકલતા મિત્રોને, તેમના લખવાના ઉત્સાહને એક ધક્કો આપવા પણ મારે એ લેવી જ રહી. જો બધાં જ શ્રેષ્ઠ લેખકો કે પદ્યકારોને જ ઈચ્છશે તો નવા ઉત્સાહી લેખકો, કવિઓ વગેરેને અવસર કોણ આપશે? પહેલી કે બીજી કે દસમી કૃતિમાં છંદ નથી જળવાયો કે પ્રાસ નથી એ વાત લઈને શું એ સતંદર કાઢી નાંખવી?

પ્રતિભાવો આપનારા મિત્રો ખરેખર એક ખૂબ રચનાત્મક કાર્ય કરી રહ્યાં છે, કોઈ પણ કૃતિમાં આપને ક્યારેય પણ કાંઈ ખટકતું જણાય તો આપ અંગુલિનિર્દેશ કરો છો એ ખૂબ પ્રશંશનીય વાત છે, પરંતુ જે તે ક્ષેત્રના નિષ્ણાંત જ્ઞાની બ્લોગર મિત્રોને વિનંતિ કે ફક્ત ભૂલ છે એમ ન કહેતા, અહીં અને આ ભૂલ છે એમ અંગુલિનિર્દેશ કરશો તો ખૂબ ઉત્તમ રહેશે, અને એ રીતે નવા મિત્રોને તેમની ભૂલો સુધારવાનો અવસર અને એ વિશેનું જ્ઞાન આપની પાસેથી મળી રહેશે. આ એક સવિનય વિનંતિ અને આગ્રહ છે. પરંપરાગત ગઝલપધ્ધતિમાં પણ ઉસ્તાદ અને ઈસ્લાહની વ્યવસ્થા ક્યાં નથી? તો બ્લોગિંગ ક્ષેત્રમાં એક નહીં, અનેક જ્ઞાની મિત્રો આ જવાબદારી નિભાવી જ શકે. આશા છે આ વાત વિચારયોગ્ય તો હશે જ ! આનાથી સર્જનની એક નવી પરંપરાના મંડાણ થવાં જોઈએ એમ મને લાગે છે. ગઝલસર્જન કે પદ્યસર્જનની પ્રક્રિયા સમજાવતા અનેક પુસ્તકો અને માહિતિપત્રો ઉપલબ્ધ છે જ, પરંતુ દાખલો ગણેલો હોય એ આપણે જોઈએ અને આપણા ગણેલા દાખલામાં કોઈ ભૂલ બતાવે એ બે વાતોમાં ખૂબ અંતર છે. સ્નેહરશ્મિના આવા જ પ્રયોગનું ઉદાહરણ આ વાત સમજાવવા બે દિવસ પહેલાં મૂકેલું (કવિતાની ઓળખ ભાગ ૧ અને કવિતાની ઓળખ ભાગ ૨), અને મારા મૂળભૂત ઉદ્દેશનો પડઘો મુ. જુગલકાકાએ પાડ્યો જ છે. મારા મતે કાવ્યસર્જન કે કોઈ પણ રચનાત્મક લખાણ શુષ્ક અને નિરસ પ્રક્રિયા ન હોવી જોઈએ. આપણે સ્નેહરશ્મિએ દર્શાવેલી રીતે કોઈક પણ પ્રકારે બ્લોગક્ષેત્રમાં અમલમાં મૂકી શકીએ તો અનેરો અવસર સર્જાશે એ વાતમાં બે મત નથી.

ભટકવું એ મારો એવો જ એક અનન્ય શોખ છે, અને એમાંય ગીરના જંગલો, કનકાઈ, બાણેજ, સત્તાધાર, ડેડાણ, તુલસીશ્યામ, ચોકનો વડલો, જંગવડ, રાવલડેમ, દોઢી નેસ, આસનઢાળી નેસ…. કઈ કઈ જગ્યાની વાત કરવી ? હમણાં પંદર દિવસ મુબઈ રહેવાનું થયેલું, જાણે ઓક્સિજન વગર કોઈક દર્દી તરફડીયા મારતો હોય તેવી હાલત થઈ ગઈ હતી, આ લોકો જીવન જીવવા, સામાન્ય જરૂરતો પૂરી કરવા કેવી હાડ ગાળી નાખે તેવી મહેનત કરે છે? જીવનમાં કોઈ આનંદ, મોજમજા કે વીકએન્ડ નહીં. એ બધાં તો પૈસાદાર, ખાધે પીધે સુખી લોકોના શબ્દો છે જાણે. ક્યારેક જો મારે મુબઈ રહેવા જવાનું થયું (ન કરે નારાયણ !) તો ગૂંગળામણ તો અવશ્ય થવાની. એ રીતે પિપાવાવ શિપયાર્ડની આ નોકરી અને મહુવામાં રહેવા મળે છે તે સગવડ આશિર્વાદરૂપ જ છે. આખુંય ગુજરાત જ્યારે ભઠ્ઠીમાં શેકાતું હતું ત્યારેય મહુવામાં મહદંશે ઠંડક જ રહી છે, આમ પણ ગુજરાતનું કાશ્મીર થોડું ખોટું નામ છે? આ ભૂમીમાં જ કાંઈક અનોખું છે જે પ્રેરણાનાં પિયુષ પાય છે.

ચોથા વર્ષમાં મંગળ પ્રવેશની આ ઘડીએ પ્રભુને એ જ પ્રાર્થના કે તેઓ આપણી વાંચનની વૃત્તિને, જીવનમાં એ સદવાંચન ઉતારવાની પ્રવૃત્તિને આમ જ આગળ ધપાવ્યા કરે અને પ્રેરણા આપ્યા કરે.

અસ્તુ

જીજ્ઞેશ અધ્યારૂ.


Leave a Reply to Heena ParekhCancel reply

6 thoughts on “અક્ષરના નાદનો ચોથા વર્ષમાં પ્રવેશ….

  • Pancham Shukla

    અક્ષરનાદને જન્મદિનની વધાઈ. બ્લોગજગતમાં કોઈનેય વિચાર ન આવે એવી અમુક દુર્લભ પોસ્ટ તમારા બ્લોગ પર વાંચવા મળે છે. આ પ્રકીર્ણરસ તમારા બ્લોગને નોખો પાડે છે. આ રસ ઘનીભૂત થઈ વહેતો રહે …..

  • ચાંદ સૂરજ.

    અક્ષરનાદની ચોથી વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન. એનો પદછંડો માનવના મનગુંબજમાં ઘોષ બનીને પડઘાય.

  • Raj Parikh

    aksharnaad na chotha varsh ma pravesh vakhate khub khub abhinanadan and sathe khub shubhkamana.
    aksharnaad family no vyap vadhe tevi khub shubhechha.

  • Heena Parekh

    અક્ષરનાદની ચોથી વર્ષગાંઠ પ્રસંગે આપને તથા પ્રતિભાબેનને ખૂબ ખૂબ અભિનંદન. રોજ એક પોસ્ટ મૂકવી એ ખરેખર ઘણું કપરું કામ છે. તેમ છતાં આપે એ સુપેરે પાર પાડ્યું છે. પોસ્ટ મૂકવા માટેની પૂર્વતૈયારી (જે જાતે મહેનત કરીને પોસ્ટ મૂકે છે તેમને જ આ લાગુ પડે છે.) રૂપે યોગ્ય પુસ્તકની પસંદગી કરીને થતું વાંચન અને ત્યારબાદ તેમાંથી યોગ્ય કૃતિની પસંદગી કરીને તેને ડિજીટલાઈઝ કરવું…એ તમામ પ્રક્રિયા સાચા સાહિત્યપ્રેમી માટે સ્વ-સાથેની ગોષ્ઠી સમાન બની રહે છે. અને આ ક્ષણો દિવસભરના થાકને ઉતારી નાખનારી હોય છે. હમેશા સિદ્ધહસ્ત રચનાકારોની કૃતિને બદલે ઘણીવાર આપે નવોદિતોની કૃતિઓ પોસ્ટ કરી છે. જે મને ગમ્યું. ખ્યાતનામ પ્રકાશનોમાંથી સાભાર પરત આવેલી કૃતિઓને ક્યાંક તો સ્થાન મળવું જોઈએ.