મંદિરનો બંદી – પ્રભાબહેન પંજવાણી 1


મંદિરમાં તને બંદી બનાવ્યો કોણે ?
કહેને ઓ સર્જનહારા !

હાથકડી તને કોણે લગાવી ?
ઓ દુનિયાના ઘડનારા !

માનવજાત કૃતઘ્નિ બહુ આ
ઉપકારોને ભૂલી જાતાં,

હિત કરનારનું બુરૂ તાકીને
અરે બધાં સહુ રાજી થતાં

તું પોષક આ જગ આખાનો
એ ઉપકાર ન યાદ રહે

તુજ આજ્ઞાને ભૂલી જગતમાં
મારા તારાના વાદ રહે

આ જગતમાં શું ફરજ અમારી ?
એ અમને સમજાતું ના

પુણ્ય માર્ગ આ પ્રભુ પદ કેરો
પગલું તુજ પરખાતું ના …

તહારી સૃષ્ટિને બની બેવફા
(તુજ) સર્જનમાં નફરત કરી

એ પાપ થકી મને કોણ બચાવે ?
તુજ વિના ભગવન્ન હરી ! …. મંદિરમાં …

– પ્રભાબહેન પંજવાણી

પ્રભાબહેન પંજવાણીનો જન્મ ૧૯૧૨માં થયેલો. આઝાદી પછીના સમયમાં તેમના અનેક કાવ્યસંગ્રહો આવ્યાં હતાં. “અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓના કાવ્યો” એ પુસ્તકના સંપાદક શ્રી ઉષાબહેન ઉપાધ્યાય તેમના ૨૩ કાવ્યસંગ્રહો નોંધે છે, જે ૧૯૫૧ થી ૧૯૬૬ વચ્ચેના સમયગાળા દરમ્યાન મુખ્યત્વે લખાયેલા છે. શ્રધ્ધાંજલી, પ્રાર્થનાપરાગ, ક્રાતિને પગલે, રણકારો, ગીત-ગુર્જરી, ફૂલ પાંદડી, શીળો સ્પર્શ, કેવડો, ગાંધીરાસ, ઉરસૌરભ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત ભક્તિરચનામાં કવયિત્રી પ્રભુને ફરીયાદ કરે છે. પ્રભુ હવે ફક્ત મંદિરમાં બંદી બનીને રહી ગયા છે અને માનવજાત પોતાના અનેક દુર્ગુણોની સાથે સ્વાર્થવશ થઈને પ્રભુની સૃષ્ટિમાં નફરત ભરી રહ્યાં છે, એક બીજાનું ખરાબ કરી રહ્યાં છે અને પોતાની ફરજો ભૂલી ગયાં છે. આ બધાં પાપમાંથી પોતાને બચાવવાની પ્રાર્થના તેઓ ભગવાનને કરે છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મંદિરનો બંદી – પ્રભાબહેન પંજવાણી