શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ? – વિશનજી નાગડા (કાવ્ય) 8


રામને માટે જીવનભર રાહ જોનારી ભીલડી એટલે ‘શબરી’. શ્રધ્ધા અને ભક્તિ બંને છેક સુધી તરસાવે અને અંતે મુક્તિના મધુર રસનું અમૃતપાન કરાવે એનું શ્રેષ્ઠ ઉદાહરણ, પરંતુ પ્રસ્તુત ભાવગીતમાં વાત કાંઈક અલગ છે. ક્રિયાત્મક તથ્યોથી અલગ કવિને ઘટનાઓમાં કાંઈક ભાવાત્મક ઊંડાણ દેખાય છે. એ બોર ચૂંટતા શબરીના હાથના ટેરવે નીકળેલા લોહીને લીધે બોરનો લાલ રંગ હોય કે રામ રામ બોલીને થાકેલી એની જીભ, કવિનું મનોવિશ્વ એની સાબિતિ પોતે જ આપે છે. ખૂબ ભાવસભર અને સુંદર રીતે ગાઈ શકાય એવા આ ગીતને અંતે એટલું તો કહેવું જ જોઈએ, ” ઘૂંટવી છે જીંદગીને એટલી, જેટલી કડવાશ પામે, એટલી મીઠાસ દે “

***

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ?
એણે જીભે તો રાખ્યા’તા રામને ! …શબરી ..

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશીયા ફૂટીને પછી
એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં ?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને ! …શબરી ..

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામ રામ રાત દિ’ કરતાં રટણ
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે !

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં ?
ઠેઠ તળીયેથી ઝંખ્યા’તા રામને ! …શબરી ..

– વિશનજી નાગડા

બિલિપત્ર

હું થંભી ગયો છું એ ખરું છે પરંતુ
નથી થાકવાથી કર્યો મેં ઉતારો
મને એ ખબર થઈ ગઈ છે હવે કે
બધા જાય છે એ નથી પંથ મારો

– રતિલાલ ‘અનિલ’


Leave a Reply to Devika DhruvaCancel reply

8 thoughts on “શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ? – વિશનજી નાગડા (કાવ્ય)

  • kedarsinhji m jadeja

    શબરી

    શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા
    ભાવ ધરી ભગવાન પધાર્યા…

    પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત શું પિછાણું
    રાખી હ્રદય રઘૂ નાથ ની મૂરત, રામ રામ બસ રામ ઉચાર્યા…

    આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નહિં મારે હવાલે
    શાથી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા…

    આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
    હરિ દર્શનની આશ અમારી, ગુરૂજન કેરાં વચન વિચાર્યા…

    સુણી અરજ અવિનાશી પધાર્યા, શબરી ના સંતાપ નિવાર્યા
    એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્યા સુધાર્યા….

    ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
    દીન “કેદાર” હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યાં…

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    http://www.kedarsinhjim.blogspot.com

  • ચાંદ સૂરજ.

    શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ?
    એણે જીભે તો રાખ્યા’તા રામને ! …શબરી ..

    કેટલું સત્ અને શ્રેયસ્કર ! શબરીબાઈને ભલા બોર ચાખવાની કોઈ મનોવાંછા જ ક્યાં હતી ? રામનામના એ મીઠાં બોરને શબરીની જીહાનો આસ્વાદ માણવાની એ એકમાત્ર વાંછના હતી. એમાં તો બન્નેની પરિપક્વતાનું પ્રમાણ પણ સમાયેલું હતું.

  • Devika Dhruva

    હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં ?
    ઠેઠ તળીયેથી ઝંખ્યા’તા રામને ! …શબરી ..
    બહોત ખુબ….

  • Ashokkumar Desai

    ખૂબજ સરસ કાવ્ય રચના, કવિએ શબરીનું મન જાણે વાચેી લેીધુ ના હોઇ!, ઘણું જ સમજાવવાનેી કોશિશ કરેલ છે.

  • Heena Parekh

    ખૂબ જ સરસ કાવ્ય. આટલી પંક્તિમાં તો શબરીનું આખું વ્યક્તિત્વ કહી દીધું.