શકુની ની રોજનીશી (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 7


{ શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી  મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. આ ડાયરીનાઆ પહેલા મૂકેલ પાના આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે. }

* * * * *

બહેન ગાંધારીનો વિવાહ ખૂબ આનંદપ્રમોદથી પૂરો થઈ ગયો. જો કે તેના ખર્ચનો આખોય મામલો બગડી ગયેલો જણાય છે. આખાય ગાંધારમાં આ લગ્નને ખૂબ પબ્લિસિટી આપવામાં આવેલી. આખાય ગાંધાર માટે આ લગ્ન એક યાદગાર બની રહે એ માટે ખૂબ ભપકો અને ખર્ચ કરવો જરૂરી હતો, એ માટે મેં પિતાશ્રીને આઈડીયા આપેલો કે વાઈબ્રન્ટ ગાંધાર નામે એક આખોય કાર્યક્રમ આયોજિત કરવો. સાત દિવસ સુધી વાઈબ્રન્ટ ગાંધાર અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ માટે અમારા મંત્રીઓ અને સેનાના કેટલાક ચુનિંદા અફસરોને આખાય ગાંધારમાં “સપોર્ટ ફોર ધ કોઝ” (ઉઘરાણી) માટે મોકલવામાં આવ્યા હતાં.

એક મોટી બાંધકામ કંપનીને અમે મંડપ વ્યવસ્થા તથા વીજળી અને પ્રકાશનું સંચાલન સોંપ્યું હતું. પહેલા તો એમણે આનાકાની કરી, પરંતુ પછી “ગાંધારી જલસાગર પરિયોજના” નો છેલ્લા પચીસ વર્ષથી ચાલતો આખોય કોન્ટ્રાક્ટ તેમની શરતોથી તેમને આપવાની વાત મેં તેમને એસ એમ એસ કરી એટલે તરત માની ગયા. તો ડામરના એક મહાસપ્લાયરને અમે ભોજનવ્યવસ્થાની જવાબદારી સોંપી દીધેલી, બદલામાં તેને વરસાદ પહેલા આખાય ગાંધારના રસ્તા બનાવવાની જવાબદારી લીધી અને એ વરસાદ પછી નહીં રહે એની પણ ખાત્રી આપી. મહેમાનોને નોતરા મોકલવાનું કામ પણ એક જાણીતી કૂરિયર કપનીને આપેલું જે મારા સાળાની જ છે, એ માટે તેના બધાંય પ્રતિસ્પર્ધિઓને ગાંધારમાંથી કાઢી મૂકી ફક્ત તેને જ રાષ્ટ્રીય કુરીયર બનાવી દીધું. આમ મોટા ભાગની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ, પણ છેલ્લે એક પ્રજાજને રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ આ પૈસા ક્યાંથી આવ્યા તેની વિગતો માંગી એટલે થોડીક તકલીફ થઈ, પણ હવે તેની પત્નિએ આ જ કાયદાનો ઉપયોગ કરી જાણકારી માંગી છે કે તેમના પતિ ક્યાં ગયા??

વાઈબ્રન્ટ ગાંધારમાં અમે આસપાસના અનેક રાજ્યોના પ્રધાનોને બોલાવ્યા હતાં જેથી એમની સાથે અમારી મિત્રતા વધે (અમારો ભપકો જોઈ ભલે બળ્યા કરે !) ગાંધારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમે ગોલીવુડ (ગાંધાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી) ના જાણીતા નટ એવા શ્રી બમિતાભ અચ્ચનને ફ્રી ઓફ કોસ્ટ બોલાવ્યા હતાં. તેમને આ મહેનતના બદલે એક એમ્બેસેડર આપી. તેઓ બધાને બતાવશે કે ગાંધારમાં જરાય ક્રાઈમ નથી (બીજા રાજ્યોથી ઓછો છે), કારણકે અમે કરીએ એને ક્રાઈમ ન કહેવાય, એ તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણીના પગલં કહેવાય. અને ગાંધારથી સારું બીજુ કોઈ રાજ્ય નથી. આ બહાને અમારા રાજ્યમાં ધંધા રોજગાર અને પ્રોજેક્ટ વધશે. તો અમનેય ખીસ્સાખર્ચી મળી રહેશે.

હાથી પર બેઠેલી બહેન કુમારી ગાંધારીની અઢારસો મૂર્તિઓ આખાય ગાંધારમાં વિવિધ જગ્યાઓએ લગાડવામાં આવી છે, એ માટે ખાસ્સાં દસેક હજાર વૃક્ષોનું નિકંદન નીકળી ગયું એટલે પર્યાવરણ પ્રેમીઓએ પિતાશ્રીની અદાલતમાં કેસ કર્યો, !!! પણ આ તો પેલું થયું, “પિતાશ્રી ઝાડવા કાપું બે ચાર? …. અરે બેટા, કાપને દસ હજાર….” અને સ્વર્ણમુદ્રાઓનો એક હાર બનાવીને એક જાહેર અભિવાદન કાર્યક્રમમાં બહેન ગાંધારીને પહેરાવવામાં આવ્યો. ગાંધારનરેશના ઘરે જન્મવા બદલ તેમનો અહોભાવ અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જો કે મિડિયામાં આ મામલો ખૂબ ઊછળ્યો હતો અને આસપાસના રાજાઓએ પણ “મુદ્રાનું અવમૂલ્યન” કહીને આ પ્રસંગનો લાભ લેવાનો પ્રયત્ન કરેલો પણ એ સ્વર્ણમુદ્રાઓ ગાંધારના ભિક્ષુકોએ ભેગા થઈ ગાંધારી પ્રત્યેના અહોભાવથી હાર બનાવી તેમને ચડાવી હતી એમ અમે વક્તવ્ય આપ્યું એટલે વાત અટકી ગઈ.

ગાંધારીના લગ્નને બહાને અમે વિશ્વ સંચય કોશ (વલ્ડબેંક) પાસેથી સાડા ત્રણસો અબજની લોન પણ લીધી છે. જેનો ઉપયોગ પ્રજાજનોને સુવિધાઓ પૂરી પાડવા અને “ગૌરવાન્વિત ગાંધાર” ના પોસ્ટરો, એડવર્ટાઈઝ, મીડીયા કેમ્પેઈન, મારી સ્વિત્ઝર્લેન્ડની ટૂર માટે હેલીકોપ્ટર, ગાંધાર હસ્તિનાપુર લિંક બ્રિજ અને મારા “કયામત” બંગલાના નિર્માણ માટે અને આવનારી ચૂંટણી માટે કરવામાં આવશે. આમ ગાંધારીના લગ્ન ગાંધાર માટે એક અનેરો અવસર બની રહેશે.

“અમે બે અમારા બે” એવું સૂત્ર પિતાજીએ જો ન સાંભળ્યું હોત તો આવા અનેક અવસર અમને મળ્યા હોત અને આવા અવસરો પર થતી આવક ખૂબ ઉપયોગી થઈ પડે છે, આખરે તો આ પ્રજાને પૈસે, પ્રજાને ભોગે પ્રજાની ઉપર કરાતું રાજ્ય જ છે ને !! તો પ્રજા ભોગ નહીં આપે તો કોણ આપશે?

લગ્ન તો પતી ગયા હવે રિસેપ્શનોનો દોર ચાલશે, કાલે સિંધુ નરેશે એક રિસેપ્શન યોજ્યું છે અને તે પછી મદ્ર નરેશ પણ આવો જ કાર્યક્રમ કરવાના છે, એટલે હમણાં ઘણું ફરવાનું થશે, આ માટે મેં એર ગાંધારની બે ફ્લાઈટ કાયમ બુક કરી રાખી છે. રખેને કોઈ અચાનક રિસેપ્શન આયોજિત કરે તો જવું તો પડે જ ને. જો કે શ્રી વિદુરજીએ મને કહેલું કે રિસેપ્શન ધૃતરાષ્ટ્ર જમાઈ અને બહેન ગાંધારીના લગ્નનું છે એટલે મારી જરૂરત નથી, પણ ….. તો પછી મારે બીજા દેશો ફરવા કયા બહાને જવું?

ચાલો મારા નવા લેપટોપ પર ડાઈસ ગેમ રમવા જાઊં છું. ઈ-બે ઉપરથી ઓર્ડર કરીને જીજા કુરુરાજ ધૃતરાષ્ટ્રના ભાઈ શ્રી પાંડુએ આ લેપટૉપ મને ભેટ કર્યું છે, પણ તેમને ખબર નથી હું તો આવી ભેટો લેતો જ રહેવાનો છું. કાલે હું હસ્તિનાપુર રવાના થવાનો છું એટલે ભાગ્યે જ આ ડાયરી લખવાનો સમય મળે…. ત્યાં સુધી, “જય જય ગરવી ગાંધાર.”


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “શકુની ની રોજનીશી (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ