આથમતી સાંજે ઉમાશંકર – મકરન્દ દવે


ઉમાશંકરભાઈના અવસાન પછી તેમના વિશે લખવાનું ઘણાં મિત્રો તરફથી આમંત્રણ મળ્યું. પણ અવસાનને કારણે લખવા બેસી જવું મારાથી બની શક્યું નહીં. એક તો એમાં રૂઢિગત પ્રથામાં સરી પડવાં જેવું લાગતું હતું. બીજું સબંધની બિસતંતુ જેવો એક સૂક્ષ્મ અને અવિચ્છિન્ન તંતુ ચાલ્યો આવે છે એને જાણે છેહ દેતો હોઊં એવી મનમાં બીક રહ્યા કરતી હતી. અને આ તંત્રી તો મેઘની ઘનઘોર ઘટા વચ્ચે વીજળી ઝબૂકી જતી વિદ્યુત સમી છે. ક્ષણિકની સાથે એ શાશ્વતનો નાતો બાંધી આપે છે.

જે મિત્રે કાલિદાસને આકંઠ પીધો છે ને જીવનની સદાય ઉપાસના કરી છે તેને માટે ‘વીજળીનો ઝબકારો ને અચાનક અંધારું’ જેવા શબ્દો વાપરતાં જીવ ચાલતો નથી. એ તો માનવનેત્રોથી અદ્રશ્ય અલકામાં ‘વિદ્યુતગર્ભ મેઘ’ની જેમ આપણી સુષુપ્ત ચેતનાને અનંત પ્રેમનો સંદેશો આપતા જ રહે છે. સાંભળીએ તો ને?

ઉમાશંકરભાઈને પહેલું મળવાનું થયું ત્યારે અમે ગોંડલની પાસે ઘોઘાવદર ગામમાં દાસી જીવણની વાણી સાંભળી હતી, અને આ કહેવત છેલ્લા મીલન વખતે પણ નંદિગ્રામમાં અમે સાથે બેસી ‘જીવણ’ ની જ વાણી સાંભળી.

ઉમાશંકરભાઈ તિથલ આવેલા ત્યારે એક સાંજ અમે નંદિગ્રામમાં ગાળેલી. (૩/૫/૧૯૮૮) જોગાનુજોગ ત્યારે ઘોઘાવદરના દાસી જીવણને રંગે રંગાયેલા નિરંજન રાજ્યગુરુ પણ હાજર હતા. નિરંજન તો મારી માનો સૌથી નાનેરો ને લાડકો બાળક. ઉમાશંકરભાઈના પ્રથમ મિલન વખતે તે ધણો નાનો હતો (સપ્ટે.૧૯૬૬), છતાં તેના પિતાજી સાથે દાસી જીવણનાં ભજનોમાં સૂર લહેરાવતો હતો. અમારી બેઠક જામી. નિરંજને ભજન ઉપાડ્યું;

‘ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે
દેખંદા રે કોઈ, નીરખંદા રે કોઈ, પરંખદા રે કોઈ, આ દિલમાંય-ઝણણણ ઝણણણ.’

આકાશના ખુલ્લા ઘુમ્મટ તળે નંદિગ્રામ એક વિશાળ મંદિર બની ગયું. કોને ખબર ત્યારે? મિત્રના અતંર મને ગુંજતું કરી જતી આ સંધ્યા- આરતીની ઝાલરી બજી ઊઠી હતી. ઉમાશંકર તો મર્મજ્ઞ, ‘મનેર માનુષ’, આંખોમાં સહજ ચમક સાથે કહેઃ

“સાંભળ્યું ને ! જોયું ને ? જીવણે ત્રણ વાર કહ્યું તે! દેખંદા, માત્ર ઉપર ઉપરથી જોનારા. ત્યાં ‘ઓન્લી ટુ લુક’ નો ભાવ છે. પણ તેથી ઊંડા ઊતરીએ તો? ‘નિરખંદા’ એ ‘ટુ સી’, ‘સીઅર્સ’ અને પછી ‘પરખંદા’ – જેમણે સ્વાનુભવથી પરખ કરી છે પરમતત્વની તેઓ. ‘હું હેવ રિયલાઈઝડ ધ ટૂથ.’ આમ ‘સીકર, સીઅર, રિયલાઇઝર’ નાં દર્શન જીવણે કરાવ્યાં.

મારા મનમાં ગીતાનાં વચનોઃ ‘જ્ઞાતું દ્રષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું’ રમતાં હતાં ત્યાં ઉમાશંકરભાઈએ હળવો ટહુકો કર્યો. ગંભીર વાતને પણ હવાની ફૂલ-લહરી ન ‘દેખંદા રે કોઈ, નીરખંદા રે કોઈ, પરખંદા રે કોઈ-‘

પછી ઉમેર્યું; ‘મકરન્દા રે કોઈ આ દિલમાંય…’

ઉમાશંકરભાઈની શબ્દલીલા કરવાની શક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એક જૂના પત્રમાં (તા.૨૩/૬/૧૯૬૬) લખે છે.

‘ઘણી વાર યાદ કરું છું. પરમ દિવસે જ સૌરાષ્ટ્રના ભાઈશ્રી યશવંતભાઈ પાસે ભજનો સાંભળ્યાં. ‘મીટયું મંડાયું રે બાયું ! મારી મહેરમસે.’ દાસીજીવણના શિષ્ય પ્રેમસાહેબનું, ઘણું હદયમાં રમી ગયું. સારો વખત તમને સાંભાર્યા. આ વર્ષાઋતુમાં ગમે ત્યાં મળીશું એમ તો છે જ.’

મારાં સ્થૂળ નેત્રોથી અદ્રશ્ય આ પ્રિય મિત્રને, કવિ ઉચ્ચ સ્વરે કહેવાનું મન થઈ જાય છે કે બધું, મળીશું જ. કેમ નહીં મળીએ? જ્યાં ચિરંતર સ્નેહની વર્ષા જામી હશે એવા મનગમતા રમણીય પ્રદેશમાં આપણે જરૂર મળીશું. તમને પ્રિય કાલિદાસના શબ્દોમાં કહું ? ‘ઈષ્ટાન દેશાન વિચર જલદ ! પ્રાવૃષા સંભૂતશ્રી – માં ભૂદેવં ક્ષણમાપિ ચ તે વિદ્યુતા વિપ્રયોગ !’

‘વર્ષાઋતુ’ની શોભા સભર ભરીને હે મેઘ, મનમાં ગમે તે સ્થળે વિચરજે અને જલધર, તારા અંતરમાં વિલસતી વિદ્યુત – ચેતનાથી તારો ક્ષણ માટે પણ વિયોગ ન હો.

(મરમી કવિ શ્રી મકરન્દભાઈ દવે સાથે થયેલા પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું સંપાદન અને સંકલન શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી આ લેખ સાભાર શ્રી લેવામાં આવ્યો છે. શ્રી ઉમાશંકરભાઈ જોશીના અવસાન પછી, તેમના વિશેના સ્મરણો અને તેમની સર્જનકલા વિશેની વાતો સૂચવતો આ સુંદર લેખ તે સમયે ઉદ્દેશ સામયિકમાં પણ પ્રકાશિત થયો હતો.)

આપનો પ્રતિભાવ આપો....