બાળ નાટકો એટલે ભણ્યા વગરનું ભણતર – જયંત શુક્લ 2


નાટક નામ સાંભળતાં જ આપણી નજર સમક્ષ રંગભૂમિ, પડદા, લાઈટ, માઈક, વેશભૂષા, મેઈકઅપ અને ભવ્ય સીનસીનેરી તથા જોરદાર સંવાદો ખડા થાય. પણ, બાળનાટકોની વાત તો કંઈક અનોખી જ છે.

નાટક શબ્દ આવે એટલે બીજો સંદર્ભ નાટ્યશાસ્ત્રનો જોડાઈ આવે છે. ભરતમુનિ દ્વારા રચાયેલ નાટ્યશાસ્ત્ર એ સાહિત્યમાં એક આગવું સ્થાન ધરાવે છે. એ જ રીતે ગિજુભાઈએ તૈયાર કરેલી શિક્ષણની પધ્ધતિમાં બાળનાટકોનું સ્થાન પણ આવું જ આગવું છે.

નાટ્યકલાનો આત્મા અભિનય છે. નાટકની સફળતા – નિષ્ફળતાનો મોટો આઘાર એના અભિનય ઉપર હોય છે. અભિનયની જેટલી ઉત્તમતા વઘારે એટલી નાટકની કોટી વઘારે ઉચ્ચતર ગણાય. નાનાં બાળકોમાં અનુકરણ કરવાની શક્તિ પ્રબળ હોય છે. અનુકરણ કરવું એ સ્વાભાવિક વૃત્તિ છે, અને એ જ આ શક્તિનું એક કારણ પણ છે. મમ્મીને રોટલી વણતી જોઈ બાળક રોટલી વણવા માંગે છે. પપ્પાને બૂટ પૉલિસ કરતા જોઈ બાળક પણ તેમ કરવા દોડે છે.

બાલ્ય અવસ્થામાં જે અનેકવિઘ જ્ઞાન અને શક્તિ બાળક પ્રાપ્ત કરે છે તેને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનું એક સાધન બાળકોની આ અનુકરણ કરવાની વૃત્તિ છે. આ શક્તિ એક સાધન માત્ર છે.સાધન તરીકે જ્યાં સુઘી અનુકરણશક્તિ વાપરવામાં આવે છે ત્યાં સુઘી બાળકના વિકાસને અવકાશ રહે છે; પણ જ્યારથી એ શક્તિ સાધન મટી સાઘ્ય બની જાય છે ત્યારથી બાળકનો વિકાસ અટકે છે. કેટલીકવાર અનુકરણવૃત્તિના દબાણથી સ્વયંસ્ફૂરિત ક્રિયા કરવાની શક્તિ કચડાઈ જાય છે. આથી જ અનુકરણ કરવાની વૃત્તિના અવકાશને મર્યાદાની જરૂર છે. જે બાળક બીજાને જ અનુસરે છે, તે બાળક બીજાને અનુસરવા ઉપરાંત પોતાને અનુસરતું નથી, તેનામાં વ્યક્તિત્વ નથી એમ માની શકાય.

ખરી રીતે અનુકરણ કરવાની શુધ્ધવૃતિમાં જ બાળકની નાટ્યવૃત્તિનું દર્શન થાય છે, અને આ શુઘ્ઘવૃત્તિ દ્રારા બાળકના વ્યક્તિત્વને ખીલવા દેવાનો અવકાશ આપવાનો છે.

નટકો દ્રારા બાળકનો સ્વયંવિકાસ

  • આવિર્ભાવનું તીવ્ર અવલોકન કરવાની શક્તિ ખીલે છે.
  • ક્રિયાશક્તિ વઘારવના પ્રયત્નો કરવા પ્રેરાય છે.
  • માનસિક આનંદ મેળવે છે.
  • બાળકની અહંવૃત્તિને યોગ્ય માર્ગ મળે છે
  • અભિવ્યક્તિની તક મળવાથી દબાયેલી વૃત્તિઓનું વિરેચન થાય.
  • સ્મૃતિ, તર્ક, કલ્પના અને અવલોકન, દૂરદેશીપણું વગેરે શક્તિ વિકસાવી શકે છે.
  • આરોહ – અવરોહ સાથે યોગ્ય જ્ગ્યાએ ભાર આપી શુદ્ઘ ઉચ્ચારો કરતાં આવડે, જેથી વાણી વ્યવહાર (વાત-ચીત) ક્ષમતા વઘારી શકે છે. (શબ્દ ભંડોળ વધે છે.)
  • લાગણી અને ભાવનાનો વિકાસ થાય છે.
  • સાથે મળીને કામ કરવાનું હોવાથી સહકારની ભાવના, ખેલદિલી અને સામાજિકતાની તાલીમ મેળવે છે.
  • સભા ક્ષોભ દૂર થાય, આત્મ વિશ્વાસ વધે, જેથી પોતાના વિચારો મુક્ત રીતે વ્યક્ત કરી શકે છે.
  • એકાગ્રતા અને સ્નાયુઓનું સંકલન સાઘી શકે છે.
  • નાટક દ્રારા જીવન -ઘડતરનો સંદેશ મેળવી શકે છે.
  • સાહિત્ય, સંગીત, નૃત્ય અને અભિનય જેવી અનેક કલાઓનો એક સાથે પરિચય મેળવી શકે છે.
  • બાળકની જિજ્ઞાસાવૃત્તિ પોષાય છે.
  • બાળકમાં વાકપટુતા આવી શકે છે.

શિક્ષકની પૂર્વતૈયારી અને સવધાની

  • બાળકો પાસે સંવાદો ગોખાવી નાટક તૈયાર કરાવીએ નહિ.
  • બાળકોને જોડકણાં, બાળગીતો, અભિનયગીતો અને વાર્તાઓનો આસ્વાદ વારંવાર કરાવીએ તો આવા અનુભવથી બાળકો નાટકોને સહેલાઈથી માણી શકે અને ભજવી શકે છે.
  • બાળક પાસે જે નાટક કરાવવું હોય તેની વાર્તા જરૂરી હાવભાવ, પ્રમાણસર શબ્દભાર તથા યોગ્ય આરોહ – અવરોહ સાથે કહેવી. વારંવાર સાંભળેલી કે જાણીતી વાર્તાઓનો ઉપયોગ થઈ શકે તો વધારે સરળતા રહે છે.
  • નાટકમાં કોઈપણ પાત્ર ઓછા મહત્વનું નથી તે બાબત પર ભાર મૂકી બાળકોની શક્તિ પ્રમાણે પાત્રો આપવાં. શક્ય હોય તો શિક્ષક પોતે પણ નાનકડું પાત્ર ભજવે જેથી નાટકમાં રંગ આવે.
  • બને ત્યાં સુઘી બાળકોને સ્વયંસ્ફૂર્તિથી અભિનય કરવા દઈએ. છતાં જ્યાં જરૂર જણાય ત્યાં બોલવાની, ઊભા રહેવાની, ચહેરાના હાવભાવની એવી સૂચનાઓ આપી શકાય.
  • બાળકોની થતી ભૂલોને ખૂબ જ ઘીરજ રાખીને નકારત્મક રીતે નહિ પણ હકારાત્મક રીતથી સુઘારવા પ્રયત્ન કરીએ. દા.ત. “આમ ન કરાય” ને બદલે “આમ કરીએ” તેમ પ્રત્યક્ષ કરી બતાવવું અને શિક્ષકે સ્ટેજ પર જઈને અડચણ ન કરવી. ભૂલ પણ નાટકનો એક પ્રકાર છે.
  • નાટકમાં આવતા સંવાદો બહુ લાંબા ન હોય તેવા અને બાળકો સમજી શકે તેવા રચીએ અને તેની ભાષા પાત્રને તથા નાટકના વાતાવરણને અનુરૂપ રાખવી.
  • નાટકમાં આવતાં પાત્રોના સંવાદમાં તેમની કક્ષા પ્રમાણે અવાજની (ટોનની) પણ યોગ્યતા સાચવવી. દા.ત. રાજા રૂઆબભેર જ બોલે અને સિપાહી ન્રમપણે અદબ જાણવીને જ બોલે. તેવી જ રીતે બાળકની દુનિયામાં પશુ-પંખીઓ મુખ્ય છે તેથી તેમના અવાજો પણ યોગ્ય રીતે બોલાય તેની કાળજી રાખીએ.
  • નાટ્ય કલાકાર બાળકો સંવાદ મોટેથી બોલે તથા પ્રેક્ષકો સામે રહીને સૌ જોઈ શકે તેમ અભિનય કરે, તેની ખાસ કાળજી રાખવી.
  • જો સ્ટેજ પર માઈક ગોઠવવાના હોય તો બાળકોને પહેલેથી જ માઈક પર બોલવાની ટેવ પાડવી જેથી બાળકો મૂંઝાઈને ભૂલો કરી ન બેસે.
  • ઉત્સાહમાં આવી જઈને અભિનયનો અતિરેક ન થાય તેની સમજ આપીએ.
  • બાળ નાટકોમાં ત્રાસ અને ભયના પ્રસંગો બતાવવામાં ખૂબ જ સાવઘાની રાખવી.
  • નાટકમાં આવતાં પાત્રોની વેશભૂષા સામાન્ય અને સરળ હોવી જોઈએ. નિત્યના વાસ્તવિક વાતાવરણ કરતાં નાટક એ કાંઈક ભિન્ન છે એમ બતાવવા સૂચક વેશભૂષા પુરતી ગણાય, જેથી બાળક મુક્ત રીતે સ્ટેજ પર હરીફરી શકે અને પાત્રને ન્યાય આપી શકે. દા.ત. રાજાનું પાત્ર હોય તો મુગટ એકલો પહેરાવી દેવાય.
  • પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થામાં નાનાં આગળ અને મોટાં પાછળ બેસે તેવી ગોઠવણ કરવી.
  • શિક્ષક ભાગ લે ત્યારે ખાસ કાળજી રાખે કે પોતાને નાટકના મેનેજર તરીકે નહિ, નાટકના એક પાત્ર તરીકે કામ કરવાનું છે. અને પોતાના અભિનયમાં બાળભાવ પ્રગટ થવો જોઈએ. બાળક જો સામેલ થવા કહે તો જ શિક્ષકે સામેલ થવું.

ઘરે બાળકો સાથે નાટક માણીએ અને આનંદીએ

  • બાળકો ઘરમાં ઘર-ઘર, પાણી ભરવા જવાનું, મેડમ – મેડમ વગેરે જેવા વિષયો પર આપણું કે કોઈકનું અનુકરણ કરતાં હોય છે. ત્યારે તેમ કરતાં અટકાવવાને બદલે તેમને ઘ્યાનથી જોઈએ અને ઉત્સાહ આપીએ.
  • જો બાળકને મંજૂર હોય તો તેમના નાટકમાં એકાદ પાત્ર આપણે પણ ભજવવાં તૈયાર થઈએ.
  • વાર્તાનું અભિનય સ્વરૂપ નાટક છે આથી બાળકો સમક્ષ જુદી-જુદી વાર્તા મૂકીએ.
  • બાળકો નાનાં-મોટાં જે કોઈ પાત્ર ભજવતાં હોય તેને આવકારીએ, પછી એ કામવાળી બહેનનું હોય કે રાજાનું કે સિપાહીનુ.
  • રાજા કરતાં મારી ટોપી સારી, આનંદી કાગડો, દીકરીને ઘરે જવા દે, સાંભળો છો દળભંજનજી?, રાજા સુપડકન્નો, દલાતરવાડી વગેરે જેવાં નાટકો બાળકો પાસે કરાવીએ.
  • નાટકો દ્રારા બાળકો ભાષાનાં કૌશલ્યો જેવાં કે, સાંભળવાનું અને બોલવાનું તો શીખે જ છે સાથે સાથે સાહિત્યનો પરિચય પણ મેળવતું જાય છે. અને માનવજીવન, પ્રાણીજીવન જેવી પર્યાવરણની બાબતોનો ખ્યાલ પણ મેળવે છે.

ગિજુભાઈ નાટક દ્રારા બાળકોને શું આપવા માંગતા હતા તે જોઈએ…

  • આ નાનકડી દુનિયાનાં નાનકડાં ને અજાણ્યાં એવાં બાળકોને મોટી દુનિયાનો ખજાનો બતાવ્યો છે.
  • બાળકોને સાચા દર્શક, સાચા વક્તા, શ્રોતા, સાચી સમજણવાળાં બહાદુર અને બળવાન બનાવવાં છે.
  • આપણે તેમને જીવન- નાટ્યમંચ પરના સાચા અભિનેતા બનાવવા છે.
  • આજના અને ગઈકાલના સમાજનું દર્શન કરાવવું છે.
  • સત્ય,અહિંસાના પાઠ ભણાવવા છે.
  • આપણી સંસ્કૃતિની અનુભૂતિ કરાવવી છે.
  • સુખ અને શાંતીનો સંદેશો પાઠવવો છે.
  • વિશ્વમાંની વિરાટ માનવતાનો સાક્ષાત્કાર કરાવવો છે.

– જયંત શુક્લ

આપણે એમ માનીએ કે બાળક વાંચતા લખતા શીખે તો જ તેનું ભણતર શક્ય બને. પણ લેખક કાંઈક જુદું જ કહેવા માંગે છે. પાટી-પેન, નોટ-પુસ્તક એ સિવાય પણ શિક્ષણના અનેક માધ્યમો છે, એ સિવાય પણ બાળકો ભણતાં જ હોય છે. બાળક પોતાના પર્યાવરણમાંથી ભાષા શીખે છે, સમજતા, બોલતા અને સાંભળતા શીખે છે. જીવન વિકાસ માટેનું આ ખરું ભણતર રીતસર ભણ્યા વિના પણ સહજ સાધ્ય બને છે. નૂતન બાલ વિકાસ સંઘ, લોક સેવક મંડળ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા પ્રકાશિત બાલમૂર્તિ સામયિકમાં પ્રકાશિત લેખોનો સંચય છે પુસ્તક “ભણ્યા વગરનું ભણતર”. તેમાંથી બાળ નાટકોની ક્ષમતા અને ઉપયોગીતા વિશે સમજાવતો શ્રી જયંત શુક્લનો આ લેખ ખરેખર ખૂબ સરળ અને સમજવાયોગ્ય છે. પુસ્તક ખરેખર ભણ્યા વગર બાળકની ભણવાની, શીખવાની શક્તિઓ ખીલવવાની અનેક રીતો, પધ્ધતિઓ વિશે ચર્ચા કરે છે. પુસ્તક ખરીદવા સંપર્ક કરો નૂતન બાળ શિક્ષણ સંઘ, લોક સેવક મંડળ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, વડોદરા, પૃષ્ઠ – ૫૬, કિંમત – ૨૦ રૂપિયા.


Leave a Reply to Raj AdhyaruCancel reply

2 thoughts on “બાળ નાટકો એટલે ભણ્યા વગરનું ભણતર – જયંત શુક્લ