બે દેડકાઓ – અનુ. જીગ્નેશ અધ્યારૂ 2


દેડકાઓનું એક ટોળું જંગલોમાં જઈ રહ્યું હતું, કૂદકા મારીને ખૂબ ઝડપથી આગળ વધી રહેલા આ ટોળામાંના બે દેડકાઓ અચાનક એક ઉંડા ખાડામાં પડી ગયા. જ્યારે અન્ય દેડકાઓએ જોયું કે પેલો ખાડો ખૂબ ઉંડો છે તો તેમણે પેલા બે દેડકાઓ, જે ખાડામાં પડી ગયા હતાં, તેમને કહ્યું, કે તેઓ હવે એ ખાડામાં જ પોતાનું જીવન પુરૂં થાય તેની રાહ જુએ, કારણકે તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. પેલા બે દેડકાઓએ તેમની વાતોને અવગણીને ખાડામાંથી બહાર આવવા કૂદવાનું શરૂ કર્યું. તેઓએ પોતાની બધી તાકાત લગાડીને કૂદવાનું શરૂ કર્યું. ખાડાની બહાર રહેલા દેડકાઓ તેમને આમ ન કરવા સમજાવતા રહ્યાં, એમ કહેતા રહ્યાં કે એ ખાડામાં જ હવે તે મૃત્યુને પામશે. આખરે તેમાંથી એક દેડકાએ પેલા બહારના દેડકાઓની વાત પર ધ્યાન આપી ખાડાની બહાર નીકળી શકાશે કે નહીં તે વિચારવાનું શરૂ કર્યું, તેને એ વાત સાચી લાગી, તે કૂદવામાં બેધ્યાન બની ગયો અને આખરે પથ્થર પર પટકાઈને મૃત્યુ પામ્યો.

બીજો દેડકો પોતાની બધી શક્તિથી કૂદતો રહ્યો, બહાર નીકળવાનો પ્રયત્ન કરતો રહ્યો. ફરીથી પેલા દેડકાઓએ તેને આમ ન કરવા સમજાવવાનું શરૂ કર્યું, તેઓ ખૂબ જોરથી બૂમો પાડવા લાગ્યાં, પેલો દેડકો બમણી શક્તિથી કૂદતો રહ્યો અને અચાનક એક વખત તે પેલા ખાડાની બહાર નીકળી આવ્યો. બીજા દેડકાઓએ તેને પૂછ્યું, “તેં અમારી વાત સાંભળી કેમ નહીં?” પેલા દેડકાએ સમજાવ્યું કે તે બહેરો છે, તેને લાગ્યું કે બીજા બધાં દેડકાઓ તેને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં, તેનો આત્મવિશ્વાસ આમ ખૂબ વધ્યો અને આખરે અનેક પ્રયત્નોમાંથી એક પ્રયત્ને તેને સફળતા અપાવી.

આ નાનકડી વાર્તા બે મહત્વની વાતો કહી જાય છે,

૧. આપણી જીભમાં, આપણા શબ્દોમાં, જીવન અને મૃત્યુની શક્તિઓ રહેલી છે. કોઈકને, એવા હતોત્સાહી, દુઃખી માણસને પ્રોત્સાહનના બે શબ્દો તેમનો દિવસ, તેમની જીંદગી સુધારી આપવા આપણા બે શબ્દો પૂરતા છે.

૨. કોઈક હતોત્સાહી, દુઃખી માણસને આપણો કહેલો એક હતાશાનો શબ્દ નિષ્ફળતા સુધી, પ્રયત્નો કરવાની તેની ફરજને ચૂકાવી દેવા સુધીની હદે લઈ જઈ શકે છે.

જે પણ બોલીએ ખૂબ ધ્યાનથી બોલીએ, જે પણ આપણને મળે, આપણી આસપાસ, નજીક કે આપણા રસ્તે મળે તેમને જીવન ભરેલા શબ્દો, હકારાત્મક ઉર્જા આપતા શબ્દો કહીએ. ઘણી વાર આપણે સમજી શક્તા નથી કે આપણો કોઈકને કહેલો એક શબ્દ આટલું બધું વજન ધરાવી શકે, આટલી ઊંડી અસર કરી શકે. એવા શબ્દો કોઈ પણ બોલી શકે કે જે કોઈકની હિંમતને, ધગશને અને ઉર્જાને તોડી ફોડીને તેને હતાશ કરી નાખે, પરંતુ ખાસ એવા લોકો છે જેઓ પોતાના શબ્દોને, પોતાની ભાવનાને એવી કેળવી શકે જે બીજાને પ્રોત્સાહિત કરે, જીવનના ખરાબ સંજોગોમાં લડવાની નવી ઉર્જા આપે.

(ઇન્ટરનેટ પરની વાર્તા પરથી અનુવાદ)

– જીગ્નેશ અધ્યારૂ


Leave a Reply to prajesh vegadCancel reply

2 thoughts on “બે દેડકાઓ – અનુ. જીગ્નેશ અધ્યારૂ