સુખ કે સબ સાથી દુ:ખ કે ન કોઇ – પ્રફુલ ઠાર 8


આપણે બધાં જ આ ગીતથી જાણ્યે કે અજાણ્યે વાકેફ છીએ. ‘સગા-સંબંધીઓની અને મિત્રોની કસોટીઓની હદ, આપણાં તન, મન અને ધન સુધી.’ જે રીતે મ્રત્યુ પામેલી વ્યકતિના કુટુંબીજનો,સગાસંબંધીઓ અને મિત્રોનો સાથ અને શોક સ્મશાનની ભૂમિ સુધી… આપણે આ બધું કોઇકની ને કોઇકની પ્રાર્થના સભામાં પણ સાંભળતા જ આવ્યા છીએ.

આપણાં બધામાંથી ઘણાં બધાં એવા હોય છે કે તે અનેકો સાથે પરિચયો અને સંબંધો બાંધે કે મિત્રો બનાવે છે એ વિચારીને કે કદી આપણને સુખે દુ:ખે કે કોઇ વિટંબણાંઓમાં એકાબીજાને આપણે પણ કામમાં આવી શકીએ અને આપત્તિનો સમય હળવાશથી પસાર કરી શકાય. પરંતુ આપણને ખરી વાસ્તવિકતાની ખબર સુધ્ધા પડતી નથી અને જયારે અનુભવ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને જે રીતે રસ્તામાં જો કોઇ વાહન લઇને નીકળ્યા હોય અને ટ્રાફિકમાં જો આપણે જાણ્યે અજાણ્યે ફસાઈ જઇએ અને ન આગળ જવાનો કે ન પાછળ જવાનો માર્ગ મળે ત્યારે જે પરીસ્થિતિ ઉભી થાય છે, તેવું જીવનમાં થઇ જાય છે.

જ્યારે માણસ પાસે તન, મન અને ધનનો પૂરવઠો હોય છે ત્યારે તે સુખમાં ભાગ પડાવવા, મહેફીલો કે મોજમજા માણવા કોઇને શોધવા પડતા નથી. એ તો આપો આપ જ, જેમ મધ અને સાકર ઉપર કીડીઓ ઉમટે છે, તેમ માણસો પણ તેમની વગર રહેતા નથી.

આ બધો અનુભવ માણસ કોઇ ચારેકોરથી આફતોથી ઘેરાય જાય અને આવા વખતે કોણ હાથ પકડે છે ત્યારે બધાની સાથે રાખેલા સંબંધોનો પરિચય થાય છે.

મોટા ભાગે આપણને બધાંને જાણ્યે અજાણ્યે આવા અનુભવો થતાં જ રહે છે કે ખરાબ સમયે બધાંના સંબંધો સળગતી મીણની જેમ ઓગળતા જોવા મળે છે જે રોજ હળતાં, મળતાં અને વાર તહેવારે સાથે ખાતા પીતા હોય. અરે ! આખા દિવસમાં ફોન ઉપર લાંબી વાતો ન કરે તો ચાલે જ નહિ તેવા લોકોને આપણે સાપની જેમ સરકતા જોઇએ છીએ. ઘણીવાર તો આંખથી આંખ પણ મેળવતા હોતા નથી અને જ્યારે આવું બને છે ત્યારે બાંધેલા સંબંધોની અસલિયત જાણીને પોતાની જાતને માણસ એકલો અટૂલો મહેસુસ કરે છે.

કહે છે કે નળ દમયંતિના જીવનની કઠણાઇને વર્ણવતા પ્રેમાનંદે કહ્યું છે કે; ‘વાકી રે વેળા રે વહાલું કો’ નથી, સૌ સુખ સામે સાથી થાય.’

આજે બધાં જ સંબંધોમાં નારાજગી જોવા મળે છે અને ક્યાંય આનંદ ઉલ્લાસ કે હ્યદયની કોમળતા કે બીજા માટે ઉપયોગીતા જોવા મળતી નથી કારણકે ચારેય તરફ મનમાં એક જાતની ઉદાસીનતા અને સંકુચીતતા પ્રસરી ગઇ છે.

આપણાં બધાંની અંદર કોઇ આશા કે પ્રસન્નતા રહી નથી કે આપણે એકબીજા માટે કોઇની જિંદગીમાં ચિનગારી પણ પ્રગટાવી શકીએ. જો કોઇ માણસ આ પ્રસન્નતાની ચિનગારી એકબીજામાં પ્રગટાવે તો તે જાણે કોઇની જિંદગીનાં યંત્રમાં તેલ પૂરાવતો હોય અને તેના જિંદગી રૂપી યંત્રને વેગ આપતો હોય તેમ જણાય છે. જેવી રીતે કોઇ શાંત જળાશયમાં તમે એકાદો પથ્થર નાખો તો જેમ આખા જળમાં ગોળ તરંગો થઇ જાય છે તેમ માનવીના હ્યદયમાં પણ એવા આનંદના કુંડાળાના તરંગો ફરી જાય છે.

મેં શેખાદમે લખેલી ગઝલ વાચી હતી જે ખરેખર દિલમાં રાખવા જેવી છે….

‘જા ભલે અંધારા ઘેરા આભમાં,

તેજ કે જ્યોતિ વિના આવીશમાં;

ડુબવું જ જો હોય તો દિલમાં ડૂબજે,

પછી મોતી વિના આવીશમા.’

લોખંડનો રંગ ભલે આમ તો કાળો હોય છે પણ જેમ જેમ ઘસાતો જાય છે તેમ તેમ તે ચળકતી ચાંદી જેવો થઇ જાય છે અને એટલે જ જો માણસે પણ ચાંદી જેવું ચળકતું થવું હોય તો એક બીજા માટે ઘસાવું જોઇએ પછી ભલે તે તન, મન કે ધનથી કેમ ન ઘસાવું પડે ! હા, આ વાતની દલીલ જરૂર થઇ શકે કે માણસે કોના કોના માટે ધસાવું જોઇએ ? જવાબ એટલો જ છે કે જેને જરૂરિયાત હોય તેના માટે. તેથી જ એક કવિએ કહ્યું છે કે…

‘કોઇની ખુશીને માટે અસ્તિત્વ પહેરે છે,

એ માનવી સમયના મનસુર થઇ ફરે છે.’

માણસમાં કોઇના માટે ‘કરી છુટવાની’ ભાવના નહિ પણ ‘કરતાં રહેવાની’ ભાવના હોવી જોઇએ અને જરૂરિયાતવાળી વ્યક્તિની સહાયે દોડવું જોઇએ કે જે પગ પર ઉભી રહેતી થઇ જાય અને પછી તે બીજાને પણ પગ પર ઉભી રહેતી કરે. કોઇ પણ સમાજની ધનાઢ્ય વ્યકતિ પોતાનું નામ છાપાઓમાં પોતે વિશ્ર્વમાં ધનાઢ્યમાં કેટલામાં નંબરના સ્થાને ગણાયો તે મહત્વનું નથી પણ પોતે જરૂરિયાતવાળાને કે પોતાનાં સમાજને માટે પોતાનાં જ સંબંધીઓ માટે કેટલો મદદરૂપ થઇ શક્યો તે મહ્ત્વનું છે.

પહેલાંની વ્યકતિઓ જેવી કે દેના બેંકના સ્વ.પ્રાણલાલ દેવકરણ નાનજી, શ્રી પ્રવિણચંઢ્ર ગાંધી, સ્વ. ધરમદાસ શામળદાસ પ્રભુદાસ કોઠારી, ડી.એસ.પી મેરિન્લિંચના એક વખતના ચેરમેન શ્રી હેમેન્દ્રભાઇ કોઠારી, રિલાયન્સના સ્વ.ધીરૂભાઇ અંબાણી, સ્વ.નવલ ટાટા ગૃપ કે મુકુંદ કંપનીના શ્રી વિરેન્ઢ્રભાઇ શાહ જેવા અનેકોએ પોતાના સમાજ, સંબંધીઓ કે લાગતા વળગતાઓ માટે આંખ બંધ કરીને આંગળી પકડીને પગ ઉપર ઉભા કર્યા છે. જે આજે ક્યાં ગઇ તે ભાવના ?

જો કે એક વાત સાચી ઠરાવી શકાય કે જેઓ તે લોકોની મહેરબાનીથી ચાલતાં શીખી ગયા તેઓ તે જ પવિત્ર  ઉપકારોને ભૂલી ગયા અને તેથી જ તેની શિક્ષા આજે સમાજની વ્યકતિઓને કે પછી સગા-સંબંધીઓને ભોગવવી પડે છે. અને તેથી જ તેઓની આ અભિવૃતિને કારણે જરૂરિયાતવાળાઓનો હાથ ઝાલવામાં આવતો નથી.

ખરું પુછો તો સમાજની કોઇ બીજી પ્રતિષ્ઠિત વ્યકતિઓએ આનો સુમેળ સાધી ન્યાય અપાવવો જોઇએ. પછી ભલેને તેઓના વ્યવસાયની કારોબારીની સત્તા બીજાને સોંપાઇ કેમ ન હોય ? અને ખરેખર એકબીજાની, ખાસ કરીને સમાજ અને સંબંધીઓની વહારે દોડીને ઇશ્ર્વરે આપેલા મનુષ્ય જન્મનું ત્રશ્ર્ણ ચૂકવવું જોઇએ.

ઘણીવાર તો આપણે જેને આપણી ખાસ વ્યકતિ માની હોય અને વિશ્ર્વાસ હોય કે આપણું માન રાખીને કામ કરશે અને તે વિચારીને આપણે જો કોઇ લાગતી વળગતી જરૂરીયાતવાળી વ્યકતિને આપણી ઓળખાણ લઇને ક્યાક નોકરી માટે મોકલ્યા હોય તો પહેલાં કેબિનની બહાર રાહ જોવડાવશે. પછી કહેવડાવશે “પાછો ફોન કરીને આવજે એટલે જોઇ લઇશ.” અથવા કોઇ ભણતર કે અનુભવ ન હોવાનું બહાનું કાઢશે. અને છેવટે કહેશે કે ‘જો ભાઇ આ બધું કંપનીના ધારા ધોરણ ઠરવ્યા છે એટલે આનો ચાર્જ અમારા પર્સનલ મેનેજર સંભાળે છે એટલે હું તેને કહી દઇશ માટે તું પહેલાં તો ફલાણી વ્યકતિ પાસે જા અને તેને મળીને તારી વિગત આપી દઇશ એટલે તે તને જણાવશે પછી તારા નસીબ.”…

માણસ આજે શું વિચારે છે અને કાલે શું થવાનું છે એ સમજવું દરેકની શક્તિની બહાર છે. પછી ભલેને તે ગમ્મે તેટલો શકિતશાળી કેમ ન હોય પણ અચાનક જ એવું બની જાય છે કે તેમનામાં જોમ અને હિંમત તુટી જાય છે. આ બધું જ બધાં સમજે છે છતાં ત્યાં ને ત્યાં અને વિચારતા થઇ જાય છે કે મારા વડવાઓએ અને મેં કેટલો પસીનો પાડયો છે ત્યારે જ આજે આ સ્થાને પહોંચી શક્યા છે. તો બીજા માટે અમારે શું કામ મરવાનું ? આવું હલકું વિચારીને માણસ પોતાની નિતીમાંથી છટકતો રહે છે!

જિંદગીની સફર કેટલી લાંબી કે ટુંકી છે તે તો કોઇ જ જાણતું નથી છતાં માનવી અભિમાનમાં રાચતો રહે છે. માણસે એટલું તો જરૂર સમજવું જોઇએ કે, કાચના વાસણની જેમ ન રહેતાં એક ફૂલની જેમ રહેવું જોઇએ કારણકે કાચનું વાસણ તુટી ગયા પછી તે ફૂલ જેમ કરમાય ગયા પછી પણ તે પોતાની સુવાસ મહેકતી રાખીને જાય છે તેમ તે કાચનું વાસણ કોઇ સુવાસ મુકીને જતું નથી અને એટલે જ માનવીએ પણ એવું કરવું જોઇએ કે લોકો તેને પેઢીઓ સુધી ફૂલની સુવાસની જેમ યાદ કરે…

છેલ્લે…આ બધામાં ક્યાક અપવાદ હોઇ શકે પણ છેવટે સંજોગોને આપણે જવાબદાર ઠરાવતા રહીએ છીએ. જો કે સામાન્ય પરિચિતોની વાત એક વાર ભૂલી પણ શકાય પણ જેની સાથે હ્દયના એવા નિખાલસ સંબંધો બાધાયા હોય તેવા નિકટના સગા, સંબંધી અને મિત્રોનું શું ? અને તેથી જ માણસ માટે સરળ અને નિખાલસ બનવું સહુથી અઘરું છે કારણકે તેના માટે તો પવિત્રતા અને નિર્મળતા કેળવવી પડે…..


Leave a Reply to VISHWAMITRACancel reply

8 thoughts on “સુખ કે સબ સાથી દુ:ખ કે ન કોઇ – પ્રફુલ ઠાર