સમય, જરૂરત અને યોગ્યતા – જીગ્નેશ ચાવડા 10


કળીયુગ જ્યારે કિશોર અવસ્થામાંથી યુવાનીમાં ધીરે ધીરે પગ માંડી રહ્યો છે ત્યારે માનવતા, પ્રમાણિકતા અને પરોપકારનું હજી પણ અસ્તિત્વ સૂચવતા અસંખ્ય પ્રસંગો આજે પણ થતા રહે છે.

એવી જ એક લોકલ બસની મુસાફરી દરમ્યાન બનેલા એક પ્રસંગની વાત અહીં કહી છે. વાત થોડા મહીના પહેલાની મુસાફરી દરમ્યાનની છે. બસ મુસાફરોથી છલોછલ ભરાયેલી હતી અને લોકો જગ્યા માટે બધા પ્રયત્નો કરી રહ્યા હતાં ત્યારે બારીમાંથી અચાનક એક થેલાનો ઘા થયો, જો કે એ જગ્યા પર પહેલેથી એક ગમછો પડેલો હતો. કાળો થેલો જેણે ફેંક્યો હતો એ માણસ ત્યાં આવીને બેસી ગયો. એણે ગમછો ખૂણામાં નાખી દીધો. એટલીજ વારમાં ત્યાં મોં પર કરચલીઓ, આંખે ચશ્મા અને કડથી વળી ગયેલા શરીરને લઈને, લાકડીના ટેકે આગળ વધતા એક વયોવૃધ્ધ સજ્જન ભીડને શબ્દવેધી બાણની જેમા વીઁધતા આવ્યા અને પોતાના મૂકેલા ગમછાને હટાવી એ જગ્યા પર બીજા કોઇને બેઠેલ જોયો. તેમના ગુસ્સાનો પાર ના રહ્યો, વૃધ્ધતામાં પણ જોમના દર્શન કરાવતા તેમણે પેલાની સાથે ખૂબ માથાકુટ કરી અને પેલાને એ જગ્યા છોડવા વિવશા કર્યો. એક વિજેતા સેનાપતિની અદાથી તેમણે એ જગ્યા પર જમાવ્યું. બસમાં બેસવાની જગ્યા ન મળતા હું તથા અન્ય ઘણાં મુસાફરો આગળ જગ્યા મળશે તેવી આશાથી ઉભા રહ્યા. “હાથ ઉંચો કરો અને બસમાં બેસો” વાળા નારા સાથે ચાલતી ગુજરાત એસ ટી ની બસ ખીચોખીચ ભરાયેલી હતી. એક સ્ટેશને તે ઉભી રહી. ઉતરવાની વાત તો દૂર રહી પણ થોડાક મુસાફરો બસમાં ચઢ્યા અને દૂધમાં સાકર ભળે તેમ અન્ય મુસાફરો સાથે ઉભા રહી ગયા. આ જ ભીડમાં કરચલી વાળો સાડલો, વિખરાયેલા વાળ અને મુખ પર ગભરાટના ચિન્હો સાથે કાંખમાં એકાદ વર્ષના બાળકને સંભાળતા એક બહેન પણ ચઢ્યા. બસની ઘરઘરાટીનો કર્કશ અવાજ, ખખડતી બારીઓ, ગરમી વડે થતી અકળામણ અને એમાં ઉભા રહેવાની મજબૂરી મુસાફરોની આકરી પરીક્ષા લઈ રહી હતી. પેલા બહેનનુ બાળક પણ આવા વાતાવરણથી ત્રાહીત થઈ ગયું હશે કે તેણે ચીસો પાડી રડવાનું શરૂ કર્યું.

બાળકને શાંત કરવાના પેલા બહેનના બધાંજ પ્રયત્નો નિષ્ફળ જવા લાગ્યા, બધા મુસાફરોના મનમાં હશે કે આ બાળક શાંત થાય અને તેની માતાને થોડી રાહત મળે પણ તે માટે કોઇ પણ સમ્રાટ પોતાની રાજગાદીનો ત્યાગ કરવા તૈયાર ન હતાં. બાળક કદાચ ભૂખથી ચીસો પાડતું હતું, પણ બસમાં જ્યાં ઉભા રહેવાની પણ પૂરતી જગ્યા ન હતી ત્યાં પેલા બહેન શું કરી શકે, તે બેબાકળા થઈ ગયા હતાં, તેમની આ સ્થિતિનું વર્ણન કરવા શબ્દો મળતા નથી.

એટલામાં ક્યાંકથી એક અવાજ આવ્યો, “દિકરી, અહીં આવીને બેસી જા…” અને નવાઈની વાત એ હતી કે આ અવાજ બીજા કોઇનો નહીં પણ પેલા વૃધ્ધનો હતો, જે લોકોએ થોડીક જ વાર પહેલા તેમને જગ્યા માટે ઉગ્ર થતાં જોયા હતાં એ બધા આ જોઇને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

૮૦ થી ૯૦ મુસાફરોથી ઉભરાતી આ બસમાં એક જ મર્દ હતો કે જેણે લાકડીના ટેકે ઉભા રહેવાનું પસંદ કરી પેલા બહેનને જગ્યા આપી દીધી. બસના યુવાનો કે અન્ય લોકોને આ વાત જરા પણ સ્પર્શી નહીં. પેલા બાળકની ભૂખ તૃપ્ત થઈ અને તે પોતાની માતાના ખોળામાં કલબલાટ કરવા લાગ્યું. પેલા બહેને એ વૃધ્ધને જગ્યા પાછી આપવાની વાત કહી, પણ બીજા એક યુવાને એ દાદાને જગ્યા આપી અને પોતે ઉભો રહ્યો, જો કે સ્ટેશન નજીક આવી ગયું અને બસમાં ઘણી જગ્યા થઈ ગઈ હતી.

હું પેલા દાદાની નજીક ગોઠવાયો હતો. “જે જગ્યા માટે તમે પેલા વ્યક્તિની સાથે લડવા તૈયાર થઈ ગયા હતા તે જ જગ્યા આટલી સહજતાથી તમે એ બહેનને આપી દીધી, કેમ?” મેં તેમને પૂછ્હ્યું. તે કહે, “બેટા, કોને ક્યારે કઈ વસ્તુની જરૂર છે તે આપણને સમજાય એ બહુ જરૂરી છે. આ સમજ જીવનમાં આપોઆપ આવી જાય છે. પેલા યુવાન કરતા મારે જગ્યાની વધારે જરૂર હતી, કારણકે મારા પગમાં વા છે, હું ઉભો રહી શક્તો નથી અને મેં જગ્યા એની પહેલાથી રોકી હતી. એટલે તેની સાથે ગમે તે ભોગે, બોલાચાલી કરીને પણ મેં જગ્યા મેળવી, પણ આ દીકરીને મારાથી પણ વધારે આ જગ્યાની જરૂરત હતી. એટલે મેં એ જગ્યા તેને આપી દીધી. બીજુ કોઇ તેના માટે ઉભું થાય અને તેને જગ્યા આપે એવી આશા રાખવી વ્યર્થ છે, કારણકે બધા જો આમ વિચાર્યા કરે તો પેલી દિકરીને જગ્યા મળે જ નહીં, આપણે તો આપણી ફરજ નિભાવવી જ રહી.

પોતાના જીવનમાં પરિવર્તન લાવવું અને કાંઇ પણ બોલ્યા વગર પોતાના કર્મથી બીજાના જીવનમાં પરિવર્તન લાવવું એ બે ખૂબ અલગ બાબતો છે. કાંઇક ખોટું થતું હોય તો તેનો સામનો કરવો જ જોઇએ, પણ કોઇક જરૂરતમંદ માટે જ્યારે કાંઇક કરવાનો અવસર મળે ત્યારે એ કરવામાં સહેજ પણ ખચકાટ ન આવવો જોઇએ એ આ વૃધ્ધ સદગૃહસ્થે સાબિત કરી બતાવ્યું છે. કદાચ આજના યુવાનોએ આ હજી શીખવાનું બાકી છે.

– જીગ્નેશ ચાવડા

( શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી તેમના બસ મુસાફરીના એક સુંદર અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો આ પ્રયત્ન આપને ગમશે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા મળે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.)


Leave a Reply to parin patelCancel reply

10 thoughts on “સમય, જરૂરત અને યોગ્યતા – જીગ્નેશ ચાવડા