યાદ તારી માં – દેવાંગ જોષી 30


અશ્રુ ભીની આંખ મારી, તરસ્યા કરે બસ તુજને જ માં,
શા માટે છે તું રીસાણી, વિચાર્યા કરું બસ એ જ મનમાં.

નથી રહી શક્તો તુજ વીણ, ક્ષણ ભર પણ એક દિવસમાં,
ન કરીશ અબોલા મુજસંગ, ખોવાયેલ હું બાળ તુજ મમત્વમાં.

નથી જોઇતી દુનિયા કેરી, સુખ સાહેબી આ જગતમાં,
મારું મન ઝંખે છે તુજને, ચાતક સમ બની, કણકણમાં.

લાવણ્ય કેરી તુજ છોળ કાજે, ભટકું ભ્રમર બની હું મલકમાં,
મળશે કદાચ મુજ શકને તું, આશ એક તે તનમનમાં.

સઘળું મેળવું શ્રમથી પણ, સાથ તારો ક્યાં મુજ નસીબમાં,
સાદ પાડું તુજ નામનો હું આજ, ગમગીન બની નીલ ગગનમાં,

દુનિયા કેરી અનંત યાતનાઓ, વેઠી ઉછેર્યો મુજને તે બાળપણમાં,
અફસોસ એ ઋણ ચૂકવવાનો, મોકો ન મળ્યો મુજને જીવનમાં.

વાદળ બની વરસી ગઇ તું પણ, ભીંજાઇ શક્યો ન અંગેઅંગમાં,
આંગળી પકડી ચાલતા શીખ્યો, ન બન્યો તુજ સહારો ઘડપણમાં.

યાદો છે સાથે ફક્ત આજ તારી, બાકી બધું વીત્યું અણસમજણમાં,
અમાસ કેરા ચાંદમાં નીરખું તુજને, મંત્રમુગ્ધ થઇ નીલ ગગનમાં.

કંઇપણ નથી વિશેષ ‘દેવ’, માં કરતા આ જટીલ જગતમાં,
ઇશ્વર પણ અવતર્યા તે તત્વ પામવા, રામકૃષ્ણ બની રધુકૂળ યાદવમાં.

– દેવાંગ જોષી

( માતાની ગેરહાજરીમાં તેની યાદ સંતાનોને ખૂબ સતાવે છે, કહે છે કે માં જ્યારે ન હોય ત્યારે જ તેની સાચી મહત્તા સમજાય છે. પ્રસ્તુત કાવ્યમાં કવિ પોતાની માતાને યાદ કરે છે, માતાના વહાલ માટે તેમનો તલસાટ અદમ્ય રીતે વ્યક્ત થાય છે. માતાના વહાલ માટે તેમનો તલસાટ અદમ્ય રીતે વ્યક્ત થાય છે. ચાતકની જેમ તે પણ માતા માટે તરસે છે. તેમના પ્રેમનું ઋણ ચૂકવવા માંગે છે, પરંતુ હવે માં તેમની સાથે નથી એ વેદના અહીં ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે. અક્ષરનાદના વાચકમિત્ર શ્રી દેવાંગભાઇ જોશીનો આ સુંદર કાવ્યરચના અક્ષરનાદને મોકલવા બદલ અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.)


Leave a Reply to Chirag JainCancel reply

30 thoughts on “યાદ તારી માં – દેવાંગ જોષી