‘માં’ વિશે કાગવાણી…. – દુલા ભાયા કાગ 11


ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?

પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?

જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?

આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !

મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !

ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !

જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !

જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા !

દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે. માં વિશેની તેમની કેટલીક રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. કાગવાણી ના 1 થી 7 ભાગોમાં સંગ્રહાયેલું સાહિત્ય, તેની વાણી આપણી ભાષાની અમૂલ્ય મીરાત છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે.

Dula Bhaya Kaag

આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “‘માં’ વિશે કાગવાણી…. – દુલા ભાયા કાગ

 • Kedarsinhji M Jadeja

  માં
  સાખી-ઉદરમાં ભાર વેઠીને, સહી પીડા પ્રસવ કેરી. કરાવ્યું પાન અમ્રુતનું, બનીને પંડની વેરી.

  જેનો જગમાં જડે નહિ જોટો..
  ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી….

  નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
  લીધો ઉર ક્ષુધાતુર જાણ્યો….કેવી…

  મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
  જીવનની રાહ બતાવી….કેવી..

  જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો
  ત્યાં તો આવે દેતી દોટો..કેવી…

  જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
  પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવી…

  ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
  તો એ માને મન ઘાણી ખોટો…કેવી..

  પ્રભુ ” કેદાર ” કરુણા તારી, બસ એક જ અરજી મારી
  ભવે ભવ હું બનું એનો બેટો…કેવી..

 • પુજારી વાસુદેવ

  મોંઢે બોલુ માં
  મને સાચે જ નાનપણ સાંભરે……
  ગુજરાતી સાહિત્યનું અનમોલ ઘરેણુ
  એટલે કવિ શ્રી કાગ બાપુ

 • ઝાલાભાઇ ગમારા, ભરવાડ મોરબી

  એક ગામડામાં ઉછરેલો, અને ઢોર ચરાવતો માણસ જો પોતાની આવી ઉચ્ચ કોટી ની લાગણીઓ ધરાવતો હોય, અને જગત ને કાયમ માટે કંઇક શીખામણ નો વારસો આપી જતો હોય, તેથી તો તેવા મહાપુરુષ ને એટલે કે કાગબાપુ ને કોટી કોટી વંદન કરૂં છું. ………. જય હો ભગતબાપુ.

 • pragnaji

  કવિ કાગ તો ગુજરાતના પ્રાણ ….. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ……. એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે………..નોખા તારિ આવે એવા સાહિત્યકાર.વિષે વધુ વિગત
  http://wp.me/PGcya-3p

 • jaysukh talavia

  મોઢે બોલુ મા સાચેય નાનપ સામ્ભરે
  મોટ્યપની મજા મને કદવી લાગે કાગડા.
  કાગ સાહેબનુ આ કથન મોટી ઉમરનાનેય બાળક બનાવી દે છે.