શ્રધ્ધા – મહેન્દ્ર જોશી 2


મા,
મારા જીવતદાન માટે
ઠાકોરજીને ક્યાં સુધી ધર્યા કરીશ
આંસુઓના થાળ ?

તને ખબર તો છે જ કે
બહેરી થઇ ગયેલી મારી કરોડરજ્જુમાં
ક્યારેય લીમડાની કૂંપળો ફૂટી શકી નથી
છતાંય તું બ્રાહ્મણોને મૃત્યુંજયના જપ
કરવાનું શા માટે કહે છે ?

હવે તો ટેબ્લેટ્સ ગળવાથી પણ
જ્ઞાનતંતુમાં થીજેલા પતંગિયાનો
ઊડી શકે તેમ નથી.
ને ઉલટાના આવે છે મૃત્યુના વિચારો

એટલે તો કહું છું કે
શીશીમાં રહી સહી દવા ઢોળી નાખ
મને મારા લોહીના બળવાની વાસ આવે છે.
હવે બની શકે તો-

આ પલંગ પર ખેતરની માટી પાથરી દે
માથા પરથી છત ઉડાડી દે,
આકાશને કહે અહીં આવે
આ દિવાલોને ખસેડીને લઇ જા,
વૃક્ષોના હસતાં ચહેરાઓને બોલાવી લાવ
(પ્લીઝ ડોક્ટરને નહીં)

મારી પીઠ પર લગાડેલી
આ સ્ટ્રીપ્સ ઉખેડી લે
પંખીઓને કહે અહીં આવીને બેસે
કપાળ પરથી હટાવીલે મીઠાંના ભીના પોતાં
શિશુઓ જેવાં વાદળોને બોલાવી લાવ
મારા વાળમાં ભીની હથેળીઓ ફેરવે

અને ફરીવાર કહું છું
આ ટેબલ પરની શીશીઓમાંથી
દવા ઢોળી નાખ
ને તારા સ્તનોનું
પહેલાનું તાજું દૂધ પા

કદાચ હું જીવી જઇશ !

– મહેન્દ્રકુમાર જોશી

{ ‘શ્રધ્ધા’ એક સુંદર અભિવ્યક્તિ ધરાવતું પદ્ય છે. કવિની કરોડરજ્જુ અશક્ત થઇ ગઇ છે, તેમાં ચેતનાનો સંચાર નથી અને તેમની માતા અનેકો ઇલાજ અજમાવે છે, પોતાના પુત્રને ફરીથી સ્વસ્થ કરવા તેઓ આશાનો સંચાર કરવા માંગે છે, કવિને આ દવા, આ ઇલાજોમાં શ્રધ્ધા નથી, તેમને ફક્ત તેમની માતા પર શ્રધ્ધા છે. કવિ અંતે માંને વિનંતિ કરે છે કે પોતાને ફરીથી નાનો બનાવી દે, પયપાન કરાવે, બીજા બધાં ઇલાજો કરતા તેમને આ ઇલાજ જીવી જવા માટેની આશારૂપ લાગે છે. }


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “શ્રધ્ધા – મહેન્દ્ર જોશી