વેદ કાળની સપ્તપદી – મકરન્દ દવે 1


લગ્નની વિધિમાં સપ્તપદી એ અતિ મહત્વનું અંગ છે. વેદકાળની સપ્તપદીમાં સાત શ્લોકો છે, જેમાં વર કન્યાને ઉદ્દેશીને બોલે છે કે વિષ્ણુ તને દોરે અને તારા થકી આપણને ઐશ્વર્ય પુત્ર આદિની સંપ્રાપ્તિ થાય. દરેક શ્લોકમા6 અંતે વર વધૂને પોતાની અનુગામિની થવાનું કહે છે. આમાં કન્યાએ કશું કહેવાનું હોતું નથી. તેણે મૂક અનુગામિની જેવું પદ સ્વીકારવાનું હોય છે.

આદેશ આપનારા અધિપતિ તરીકે પુરુષને સ્થાપતા હજારો વર્ષો પૂર્વેના આ વચનો આજના યુગમાં અસ્વિકાર્ય તો છે જ, અનુપયોગી પણ છે. એને બદલે વરવધૂ બંનેની પરસ્પર પ્રત્યેની, કુટુંબ પ્રત્યેની, અને સમાજ પ્રત્યેની ઉદાત્ત ભાવનાઓને ગૂંથતા અને સ્ત્રી પુરુષની અનુગામિની ન બને પણ જીવનપથ પર બને જોડાજોડ ચાલનારા સહયોગી બની રહે એવાં આશિર્વચન ઉચ્ચારતા શ્લોકોની નવી સપ્તપદી રચાવી જોઇએ, અથવા તો વેદકાળની સપ્તપદીનું નવા સંદર્ભમાં નવેસરથી અર્થઘટન કરાવું જોઇએ. આવું એક અર્થઘટન અહીં આપ્યું છે, જે સ્વીકાર્ય બની શકે તેમ છે.

ॐ एकमिषे विष्णुस्त्वा नयतु

સ્વપ્ન, જાગૃત, સુષુપ્તિ અને એ ત્રણેથી પર, વિલક્ષણ એવા ચેતન તત્વ ૐના શાશ્વત જીવનનું સ્મરણ કરીને હું પ્રથમ પગલે તારામાં એ શ્રધ્ધા રાખીને પ્રાર્થું છું કે અન્ન વસ્ત્ર અને આવાસની સર્વ ઇષ્ટ પ્રાપ્તિ વિષ્ણુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ થવાથી કરાવો. (તને આ જે મળશે તેમાં તું મને પૂર્ણ સહભાગી બનાવશે.)

ॐ द्वेडरुळे विष्णुस्त्वा नयतु

ૐ બીજે પગતે રારામાં એ શ્રધ્ધા રાખીને હું પ્રાર્થું છું કે બલ તથા ઓજસની પ્રાપ્તિ માટે વિષ્ળુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ કરાવો. ( આપણા શારીરીક માનસિક અને આત્મતત્વ વિષયક બળ તથા ક્રાંતિ પરસ્પરના સહકારથી વધો અને સુરક્ષિત રહોત એવી તારામાં શ્રધ્ધા છે. )

ॐ त्रिणिरायस्पोषाय विष्णुस्त्वा नयतु

ૐ ત્રીજે પગલે તારામાં એ શ્રધ્ધા રાખીને હું પ્રાર્થું છું કે ધન સંપત્તિની અભિવૃધ્ધિ તથા તેની સંરક્ષા માટે વિષ્ણુ ભગવાન મને તારી પ્રાપ્તિ કરાવો. એની પ્રાપ્તિ અને સંરક્ષામાં આપણે સમાનપણે વર્તશું.

ॐ चत्वारी मायोभवाय विष्णुस्त्वा नयतु

ૐ ચોથે પગલે તારામાં એ શ્રધ્ધાથી હું પ્રાર્થું છું કે સર્વ પ્રકારના શારીરિક, માનસિક, ધાર્મિક, સામાજિક વગેરે સુખની પ્રાપ્તિ તથા સંરક્ષાઓ વિષ્ણુ ભગવાન મને તારી પ્રાપ્તિ વડે કરાવો. (આ બધાં સુખો આપણને મળે તે રીતે તમે મથશો એવી મને શ્રધ્ધા છે.)

ॐ पण्च पशुभ्या विष्णुस्त्वा नयतु

ૐ પાંચમે પગલે તારામાં એ શ્રધ્ધાથી હું પ્રાર્થું છું કે ગાય, ઘોડા વગેરેની પ્રાપ્તિ, તેના સુખ એટલે ઘી, દૂધ, માખણ વગેરેનું સુખ, બળદ દ્વારા ખેતીની પેદાશરૂપ ફળ ફૂલ, ધનધાન્ય વગેરેનું સુખ અને બળદ, ઘોડા, હાથી વગેરેથી વાહનનું ઉત્તમ સુખ મેળવવા તથા રક્ષા કરવા વિષ્ણુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ કરાવો.

ॐ षडऋतुभ्यो विष्णुस्त्वा नयतु

ૐ છઠ્ઠે પગલે તારામાં એ શ્રધ્ધાથી હું પ્રાર્થું છું કે છએ ઋતુઓના આહાર વિહારના ઇષ્ટ સુખોની પ્રાપ્તિ તથા સંરક્ષા માટે વિષ્ણુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ કરાવો.

ॐ सखे सप्तपदा भव सा मामनुव्रता भव विष्णुस्त्वा नयतु

ૐ સાતમે પગલે તારામાં એ શ્રધ્ધા રાખીને પ્રાર્થું છું કે ભૂર્લોક, ભૂવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક, સત્વલોક વગેરે રૂપવાળા વિષ્ણુ તે તે લોકોના ઇષ્ટ સુખોની પ્રાપ્તિ માટે મને તારો (તારી) સહભાગી (સહભાગીની) બનાવો. મારું અનુવ્રત મારા જીવનને અનુસરનાર બનાવો.

(પુસ્તક : દામ્પત્ય યોગ, લેખક : મકરન્દ દવે, પ્રકાશક : ધારા પ્રકાશન, નીલકમલ અપાર્ટમેન્ટ, તીથલ રોડ, વલસાડ, પૃષ્ઠ સંખ્યા 80, મૂલ્ય 100 રૂપિયા.)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેદ કાળની સપ્તપદી – મકરન્દ દવે