વિષાદ પર વિજયની વાત – મકરન્દ દવે 3


( શ્રી જમનાલાલ બજાજ, જેઓ ભાયાના હુલામણા નામે ઓળખાતા, તેઓ દસ દિવસ માટે નંદિગ્રામ આવ્યાં હતાં. તેમની સાથેના સંસ્મરણો અને જ્ઞાનચર્ચાઓ આલેખતું પુસ્તક શ્રી મકરન્દ દવેએ લખ્યું છે, જેનું નામ છે “ગોપથના યાત્રી સાથે ગોષ્ઠિ”. તેઓ નંદિગ્રામ આવ્યાં ત્યારે તેમની ઉંમર પંચાણું વર્ષની, અને છતાંય શરીર અને મનથી બરાબર સ્વસ્થ. તા. 27 નવેમ્બર 1999 થી 6 ડિસેમ્બર સુધીની તેમની આ  ચર્ચાઓના આલેખનમાંથી તા. 30 નવેમ્બરની તેમની ચર્ચાઓનું આ સુંદર લેખ દ્વારા વર્ણન થયું છે. આ પુસ્તક પ્રાપ્તિની વિગતો છે…

નામ : ગોપથના યાત્રી સાથે ગોષ્ઠિ, લેખક : મકરન્દ દવે, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ, 400 002, પાનાં 104, કિંમત : 42 રૂપિયા. )

આજે સવારે ભાયાને મળવા ગયો ત્યારે ઇશાએ બોલાવવાથી તે દવાખાનું જોવા ગયા હતાં. મેં તેમની રાહ જોતા સમયને સાર્થક કરવાનું વિચાર્યું. કુંતીની પ્રાર્થના ‘વિપદ: સ ન્તુ ન: શસ્વત’, – અમને સદા વિપત્તિ મળો તથા ભાયાએ દુ:ખ માંગ્યું હતું તેના અનુસંધાને મેં જર્મન કવિ રિલ્કેની વાત કરી હતી તે યાદ આવી. રિલ્કેએ ‘દુઇનો એલેજીઝ’ – દુઇનો કિલ્લામાં કરુણાંતિકાઓ રચી છે. તેમાંથી દસમી એલેજિની પ્રારંભની પંક્તિઓ દુ:ખ અને વિષાદનું સાચું સ્વરૂપ દર્શાવે છે. આપણે તો વિષાદને વેડફી નાખનારા છીએ. એ પંક્તિ બહુ જ અસરકારક છે. ભાયાએ આ કાવ્યમાં રસ દાખવ્યો હતો એટલે મને થયું કે એનો અનુવાદ કરી તેમને સંભળાવું. મેં મળેલા સમયમાં આ કાવ્યનો અનુવાદ કરી નાંખ્યો એ નીચે આપું છું.

“કોઇ દિવસે, આ ભયાનક દ્રશ્યમાંથી
અંતે બહાર આવી હું
‘હકાર’નું, સ્વાગતમનું ગાન ગાતાં
દેવદૂતના ઉલ્લાસિત ગાનમાં

અભિવાદનો કરતો પ્રસ્ફુરિત થઇ ઊઠું,
મારા હ્રદયની બરાબર ઝંકૃત વીણામાંથી
એકાદ તંતુ પણ મંદપ્રાણ, સંશયગ્રસ્ત કે
છિન્ન તારો ને કારણે
પ્રતિધ્વનિત થવાનું ન ચૂકો!

મારા અશ્રુ નીંગળતા ચહેરા પર
નૂતન પ્રાપ્ત વૈભવ પ્રગટ થાઓ, !
મારું પંગુ રૂદન
ફૂલ બની પાંગરી ઉઠો !
એ વેળા પીડાસભર રાત્રીઓ
તમે મને કેટલી
પ્રિય બની જશો !

ઓ સાંત્વહીન ભગિનીઓ !
તમારું સ્વાગત કરવા માટે
હું શા માટે
નીચે નમી ન શક્યો !
તમારા છુટ્ટા કેશરાશિમાં
હું શા માટે મુક્તપણે
આશ્રય ગ્રહણ ન કરી શક્યો.

અમે તો છીએ
વિષાદને વેડફનારા
અમે શોકનિમગ્ન
સહનશીલતામાં ડૂબીને
વિષાદની પાર
કેવા તાકી રહીએ છીએ?

વિષાદનો ક્યારે છેડો આવશે
એનું જ સોણું જોતા
જ્યારે એ પ્રહરો તો છે
અમારી શિશિરનાં પર્ણો
અમારી ઝંખવાઇ ગયેલી અમૃતવેલ
અમારા આંતરિક વર્ષની
ઋતુઓમાંની એકાદ ઋતુ. ”

કુંતી, સ્વામી શરણાનંદજી, ભાયા તત્યા મારા મિત્રે દુ:ખ પ્રભાવને દુ:ખ-પ્રસાદમાં પલટી નાંખવાની ચાવી આપણને આપી છે. મને રવિન્દ્રનાથની પંક્તિઓ આદ આવી તે સંભળાવી,

“દુ:ખ પશે જબે મર્મેર માઝખાને
તોમારી લિખન સ્વાક્ષર જેનો આને”

મતલબ

“હે પ્રભુ,
જ્યારે મર્મને ભેદી નાંખતું દુ:ખ
સ્પર્શ કરે
ત્યારે
તારા હસ્તાક્ષર લેતું આવે”

આ હસ્તાક્ષર વાંચતા દુ:ખના આગમનનું રહસ્ય છતું થાય છે. ભાયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે મેં કાંઇ વાંચ્યુ કારવ્યું નથી પણ મારા અનુભવની વાત કરતા કહું છું કે ભગવાન દુ:ખ આપે છે ત્યારે એને સહન કરવાની શક્તિ પણ આપે છે, એટલું જ નહીં, પણ દુ:ખ કરતા ક્યાંય વિશેષ એ આપી જાય છે. તેમણે શાંતાબહેન રાનીવાલાનો પ્રસંગ કહ્યો, :

શાંતાબહેનના લગ્ન એક સાધન સંપન્ન મારવાડી કુટુંબમાં થયા હતાં, તેરમે વર્ષે તે વિધવા થયાં. મારવાડી સમાજ ઘણો રૂઢીચુસ્ત. શાંતાબહેનને ભાયા મળવા ગયા ત્યારે તેમની દેરાણીઓ, જેઠાણીઓએ, વસ્ત્રાલંકાર પહેર્યા હતાં. રેશમી વસ્ત્રો ને હીરામોતી ઝગારા મારતા હતા, તેમની વચ્ચે શાંતાબહેને સફેદ સાડી પહેરી હતી. એ શાંતાબહેનનું સૌભાગ્ય જુઓ કે તેમને જમનાલાલ બજાજે પોતાની સુપુત્રી કરી. વર્ધાના ‘મહિલાશ્રમ’નું નિર્માણ શાંતાબહેનના હાથે થયું. અને અનેક સ્ત્રીઓના જીવનમાં તેમણે તેજ સીંચ્યું. મહિલાશ્રમનો ઉદ્દેશ વિધવા બહેનોને શિક્ષણ આપી પોતાના પગભર કરવી. મહિલાશ્રમ દ્વારા નિશાળો ચાલે છે તેમાં અત્યારે બેંતાળીસ હજાર વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ શિક્ષણ લે છે.શાંતાબહેનના ભાઇની પત્નિ રમાબેન અત્યારે સંચાલન કરે છે. સાંસારીક સુખ વૈભવને સ્થાને તેમને ઇશ્વરે આંતરીક શાંતી અને શક્તિ આપ્યાં. શાંતાબહેનનું અવસાન પણ પ્રશાંતિમાં એ પોઢી ગયા હોય એવી રીતે થયું.

વૈધવ્ય દિક્ષામાંથી વિશુધ્ધ ભગવદ પ્રેમના કિરણો વરસાવ્યાં હોય તો એ મીરાંએ. ભાયાએ મીરાના ભજનની પંક્તિઓ સંભળાવી.

રાણા ભૈજ્યો ઝેર પીયાલો
મીરા અમૃત કર લીન્હો…

ભાયાએ મીરાંનો એક પ્રસંગ કહ્યો.. મીરાં તો ‘પ્રીત-પૂરવલી’, પૂર્વજન્મની પ્રીતિથી કૃષ્ણને વરી હતી. રાણાએ એક વાર પૂછેલું, “મીરાં, તું ગિરધરને પતિ કહે છે ત્યારે હું કોણ છું?” મીરાંએ જવાબ આપ્યો : “તમે આ શરીરના પતિ છો, ગિરધર મારા પ્રાણનો પતિ છે.” મને મીરાંની નિર્ભય વાણી યાદ આવી.

રાણાજી રૂઢ્યો મ્હારો કાંઇ કરવેલી
મ્હેં તો ગુણ ગોવિંદ કા ગાસ્યાં રી માઇ
લોકલાજ કી કાણ ન માન્યો
ઘૂઘરીયાં ઘમકાસ્યાં રી બાઇ

કોઉ નીંદો, કોઉ બંદો, મ્હેં તો
ગુણ ગોવિંદકા ગાસ્યાં રી બાઇ
જિણ મારગ મ્હારાં સાધ પધાર્યાં
ઉણ મારગ મેં જાસ્યાં રી માઇ.

આ વાતો ચાલતી હતી ત્યાં ભોજનનું ટાણું થઇ ગયું. વિષાદ પર વિજય મેળવવાની વાતોના ફલસ્વરૂપે પ્રસાદ મળે એમાં શી નવાઇ? ગીતામાં ભગવદ વચન છે,

“પ્રસાદે સર્વ દુ:ખાનાં
હાનિરસ્યોડપિ જાયતે”


Leave a Reply to Sw.DhayanmokshaCancel reply

3 thoughts on “વિષાદ પર વિજયની વાત – મકરન્દ દવે

  • Sw.Dhayanmoksha

    નમસ્તે,શ્રી નિસર્ગ મહારાજ પ્રેરિત અંગ્રેજી પુસ્તક “I AM THAT”નું ગુજરાતી અનુવાદ શ્રી માવજીભાઇ સાવલા એ કરેલ છે,જેના અમુક ભાગ ઉપલબ્ધ નથી,આ અંગે પીડીએફ ફોરમેટમાં કોઇ પુસ્તક મળી શકે? અથવા તો અન્ય કોઇ વેબસાઇટ પર મુકવામાં આવેલ હોય તો તે અંગે નું માર્ગદર્શન આપવા વિનંતી.
    -શ્રી એચ.વી.મહેશ્વરી

  • માર્કંડ દવે.

    આદરણીય શ્રી અધ્યારુ સાહેબ,

    આટલી સુંદર સાહિત્યસરવાણીમાં સહુને તરબોળ કરાવવા બદલ અભિનંદન.
    ઘણા બધાં દુઃખ છેવટે દવાની ગરજ સારે છે.
    અને આ જન્મે દુઃખ ભોગવી લેવું એતો મોક્ષના માર્ગે પ્રયાણની શરુઆત માત્ર છે.
    માર્કંડ દવે.