જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 6


જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે આપણા ખમીસને ખીસું નથી હોતું,
તે પેલીનો હોય છે,
પેલી તેની હોય છે.
કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં
જેવો સુંદર દેખાય
તેવા આપણે સુંદર હોઇએ છીએ.

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારે આપણે આપણે નથી હોતાં :
આપણે હોઇએ છીએ કોઇક અનોખા જાદુગર :
કંડમ પાંસળીમાં
ગંધે ઉભરાઇ જતા ફૂલબાગ ખીલવનાર,
ક્યારેક પણ કદીક પણ કોઇએ એક કાળે
પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ
તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.

તેને હોય પંચોત્તેરનો બેઝિક તો પણ
તેણે તેને સાદ કરવો રાજા કહીને.
તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને
પાણી છાંટેલો જૂઇનો ગજરો છ પૈસાનો.
(અચ્છી વસ્તીમાં તે રાતના સસ્તો મળે છે.)
છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,
લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને
તે બન્ને એ કહેવાનો ‘શયનમહાલ’
આ બધું સોગંદ ખાઇને કહું છું કે, સાચું હોય છે.

કારણ જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારેજ આપણે સાચા હોઇએ છીએ ચૂકીને એકાદ વાર
જ્યારે પેલી પ્રેમ કરે છે
ત્યારે તે તેને ગાઇને બતાવે છે
કંપતા બેસૂર અવાજમાં :
તેને પણ તે સૂર દેખાય છે પોપટી પાંદડી જેવાં.
કારણ ત્યારે પેલી પોતે જ એક ગીત હોય છે,
કારણ ત્યારે પેલો પોતે જ એક ગીત હોય છે.

પછીથી જીભ દાઝે છે, હોઠ બળી જાય છે.
વાસી ભજીયાનાં બળેલા ઓડકારા આવે છે જિંદગીને.
મોંમાં ભરાઇ જાય છે કડવા દ્વેષનું થૂંક.
પણ તે થૂંકતો નથી જગત પર :
કમમાં કમ એક વાર ગળી જાય છે તે સમજણથી :
કારણ પેલીએ સીવેલા હોય છે તેના – તેના રાજાનાં –
બે જ ફાટેલા પુરાણાં શર્ટ ફરી ફરીને
અને પેલાએ થીંગડા મારેલા પાલવથી
તેણે સાંધેલું હોય છે એક આકાશ.

– મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ

(રચના તારીખ : 21-11-64 )

( 10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.)


Leave a Reply to priyankCancel reply

6 thoughts on “જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ