ગાંધીકથામાંથી ત્રણ પ્રસંગો – ઉમાશંકર જોશી 8


( શ્રી ઉમાશંકર જોશીએ એમના સંસ્કૃતિ માસીકમાં 1969ના ગાંધી શતાબ્દી વર્ષના જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના વિવિધ અંકોમાં રજુ કરેલા 125 પ્રસંગો ‘ગાંધીકથા’ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થયા છે. એક પ્રતાપી યુગપુરૂષ અને એક મોટા કવિના જીવન અને કલમનો સુભગ સમંવય તેમાં થયેલો જોવા મળે છે. આજે એ ગાંધીકથાઓના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. આશા છે આજના રાજકારણીઓ તેમાંથી થોડુંક ગ્રહી શકે અને પ્રજાના પરસેવાના પૈસે પોતાની પ્રતિમાઓ અને સ્મારકો નહીં, તેમની સુવિધાઓ અને જન સામાન્યની સવલતો વધારવાની, સુશાસનની ચિંતા કરે.)

નદી મારા એકલાની છે?

ગાંધીજી સવારે વહેલા ઉઠે. ઉઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું . તે માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં હોય તે વડે ત્યાં જ પતાવે.

મોહનલાલ પંડ્યા કહે, “બાપુ, પાણીનો તોટો છે? આ સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો?”

ગાંધીજીએ એમને સામેથી પૂછ્યું : મારુ મોં તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહીં?

પંડ્યાજી કહે : એ તો છે જ ને !

ગાંધીજી : તો પછી વાંધો ક્યાં છે? તમે લોટેલોટા પાણી વાપરો છો, પણ પલળેલા હાથ વડે મોં પર પાણી ચોપડો છો. હું પાણી વડે મોં બરાબર સાફ કરું છું. આટલું પાણી પૂરતું છે.

પંડ્યાજી : પણ નદીમાં આટાઅટલું પાણી છે ને…..

ગાંધીજી : નદીનું પાણી કોને માટે છે? મારા એકલા માટે છે?

પંડ્યાજી : સૌને માટે છે, આપણા માટે પણ છે.

ગાંધીજી : બરોબર, નદીનું પાણી સૌ – પશુ, પંખી, માણસ, જીવજંતુ સૌ ને માટે છે. મારા એકલા માટે નથી. મારા ખપ પૂરતું જરૂર હું લઉં. પણ વધારે લેવાનો મને હક નથી. સહીયારી મિલકતમાંથી ખપ કરતાં વધારે આપણાથી લેવાય?

પહેરણ કેમ પહેરતા નથી?

બાપુના ડિલ ઉપર પહેરણ પણ નથી એ જોઇ એક નાનકડા વિદ્યાર્થીએ એમને પૂછ્યું, “બાપુ, તમે શરીર પર પહેરણ કેમ પહેરતા નથી?”

બાપુ કહે : મારી પાસે પૈસા ક્યાં છે?

વિદ્યાર્થી : હું મારી માં ને કહું છું. તે આપને પહેરણ સીવી આપશે. પછી પહેરશોને?

બાપુ : કેટલાં સીવી આપશે?

વિદ્યાર્થી : તમારે કેટલાં જોઇએ છે? એક…. બે…. ત્રણ ?

બાપુ : હું કાંઇ એકલો છું? મારા એકલાથી પહેરાય?

વિદ્યાર્થી : ના એકલાથી તો ન પહેરાય. તમારે કેટલાને માટે જોઇએ?

બાપુ : મારે તો ચાલીસ કરોડ ભાઇભાંડુ છે. તારી માતા એ બધાને માટે સીવી આપશે? એમની પછી મારો વારો આવે.

વિદ્યાર્થી વિમાસણમાં પડી ગયો. નિર્દોષ બાળક પ્રેમથી બાપુને પહેરણ આપવા ગયો. એના કુમળા હ્રદયને બાપુએ વિશ્વકુટુંબભાવની દીક્ષા આપી.

વિરોધીને જાત સોંપી :

બિહારમાં ચંપારણમાં ગળીના ઉત્પાદક ગોરાઓના અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરી. શાળાઓ સ્થાપી લોકોમાં જાગૃતિ ફેલાવી. ગોરાઓ ગભરાયા.

કોઇએ આવીને ગાંધીજીને બાતમી આપી કે અમુક ગોરો માલિક વધુ પડતો દુષ્ટ છે અને આપનું ખૂન કરાવવા ચાહે છે. તેણે મારાઓ પણ રોક્યા છે.

એક રાત્રે ગાંધીજી એકલા પેલા ગોરાને બંગલે પહોંચી ગયા અને કહેવા લાગ્યા : મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા તમે મારાઓ રોક્યા છે. એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.

સાંભળીને ગોરો તો સ્તબ્ધ બની ગયો.


Leave a Reply to DhruviCancel reply

8 thoughts on “ગાંધીકથામાંથી ત્રણ પ્રસંગો – ઉમાશંકર જોશી