અક્ષરનાદ પર પંચતંત્રની વાર્તાઓ… 5


ભારતીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે.

દક્ષિણના કોઇ દેશમાં અમરશક્તિ નામે રાજા રાજ્ય કરતો હતો. અમરશક્તિને ત્રણ પુત્રો હતા. ત્રણેય પુત્રો દેખાવમાં તો રૂપાળા હતા, પણ ભણવામાં મૂર્ખ હતા, વ્યવહારબુધ્ધિની રીતે  અભણ હતા. અમરશક્તિ એ ત્રણમાંથી એકને રાજા બનાવવા માંગતો હતો, પણ કુમારોની મૂર્ખતાથી એથી ચિંતાનો પાર ન હતો. એને થતું હતું કે તેના પછી આવડું મોટું રાજ્ય કોણ ચલાવશે? વ્યવહારકુશળ અને ચતુર એવા રાજાના જયેષ્ઠ મંત્રી એ સલાહ આપતાં કહ્યું, “ રાજકુમારોને પંડિત વિષ્ણુશર્મા પાસેથી શિક્ષણ મળે તો તેઓ અવશ્ય બુદ્ઘિમાન અને વ્યવહારદક્ષ બને.”

રાજાએ પંડિત વિષ્ણુશર્મા ને રાજદરબારમાં બોલાવ્યા અને ત્રણેય રાજપુત્રો તેમને વિદ્યાભ્યાસ અર્થે સોંપ્યા. રાજકુમારોને ભણાવવાનું કામ કપરું હતું, કેમ કે તેમને ભણવામાં રસ ન હતો. આથી વિષ્ણુશર્માએ એ માટે જુદી જ રીત અપનાવી. તેમણે પાંચ તંત્રોની રચના કરી અને તેમાં બહુઘા પશુ પક્ષીઓની અત્યંત રસદાયક અને બોઘદાયક પરંતુ ખૂબ સરળ અને વ્યવહારૂ વાર્તાઓનો સમાવેશ કર્યો. રોજ નવી નવી વાર્તાઓ સાંભળતાં રાજકુમારો મૂર્ખ મટી વિવિઘ શાસ્ત્રોમાં પ્રવીણ અને બુદ્ઘિમાન બની ગયા.

પંડિત વિષ્ણુશર્માએ રચેલ પાંચ તંત્રની વાર્તાઓનો સમૂહ તે ‘પંચતંત્ર’. આ ‘પંચતંત્ર’ નું સ્થાન જગતના સર્વ વાર્તા ગ્રંથોમાં અદ્રિતીય છે. આ વાર્તાઓનો જગતની અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે અને બાળકોમાં તથા મોટેરાઓ માટે પણ આ વર્તાઓ વિશ્વભરમાં લોકપ્રિય બની છે.

અક્ષરનાદ પ્રસ્તુત કરે છે આપ સૌ માટે ભારતની આ મહાનતમ અને અદ્વિતિય કથાઓ એક પછી એક …. આજે માણો પ્રથમ કથા …

લડતાં ઘેટાં અને લાલચુ શિયાળ

ગામથી થોડે દૂર એક જંગલ હતું. એમાં એક શિયાળ રહેતું હતું.

એક દિવસ એ ખોરાકની શોઘમાં રખડતું હતું. એવાંમાં એણે બે ઘેટાં ને જોરજોરથી લડતાં જોયા. બન્ને એક બીજાની સામે ખૂબ ઝનૂને ચડ્યાં હતાં. એ હડી કાઢીને એકબીજાની સામે ઘસીને રોષપૂર્વક માથાં ભટકાવતાં હતાં, આથી બંન્નેના માથાંમાંથી લોહી નીકળતું હતું.

શિયાળ આ બે ઘેટાંને લડતાં જોઇ ખુશ થયું. તેને થયું કે આ બન્ને હમણાં મરશે એટલે તાજો મજાનો ખોરાક મળશે.

શિયાળ લડતાં ઘેટાંની છેક નજીક જઇને ઊભું રહ્યું. તે બન્ને ઘેટાં સામ સામે અથડાય ત્યારે તેમના માથામાંથી લોહી દદડે તેનો સ્વાદ લેવા લાગ્યું.

ઝાડ પર બેઠેલા કાગડાએ તેને ચેતવ્યું, પરંતુ શિયાળે કહ્યું, “ કાગડાભાઇ, અત્યારે તો તાજા લોહીનો સ્વાદ જ લઉં છું; પરંતુ થોડીવાર પછી તો આ બન્ને મરશે એટલે એમના શરીરનું તાજું માંસ પણ ખાવા મળશે.”

કાગડાએ ફરીથી ચેતવતાં કહ્યું, “ અલ્યા, એ પહેલાં તો તું જ વચમાં ચગદાઈને મરી જઈશ.”

પણ તાજા લોહીનો સ્વાદ લેવાની લાલચમાં શિયાળે કાગડાનું ન માન્યું. એ વચમાં ઊભું હતું ત્યારે પેલાં બે ઘેટાં ઝનૂનપૂર્વક ઘસી આવ્યાં અને સામસામે જોરથી ભટકાયાં. એ વખતે શિયાળ એમની વચમાં આવી ગયું અને ચગદાઇને મરી ગયું.

કાગડાએ ‘કા….કા…’ કરી પોતાના નાતભાઇઓને બોલાવ્યા. બઘાએ ભેગા મળીને શિયાળના મૃતદેહની ઉજાણી કરી.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “અક્ષરનાદ પર પંચતંત્રની વાર્તાઓ…