મારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ 6


આજે મારી બે ગઝલ રચનાઓ મૂકી રહ્યો છું, પ્રથમ રચના પોતાના વિશે છે. માણસ પોતાના વિશે, ‘સ્વ’ વિશે બધુંય ક્યારે જાણી શક્યો છે? કહે છે કે જ્યારે આત્મતત્વ વિશે જ્ઞાન થાય, જ્યારે સ્વની ઓળખાણ થાય ત્યારે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તી થઇ કહેવાય છે. આ બ્રહ્મજ્ઞાન એ ખરેખર શું હશે? મારા મતે એ માનવની પોતાની “સ્વ” સાથે, સુષ્ટીના એક તત્વ તરીકેની ઓળખ હશે. હું દિવસનો અડધો ભાગ દરીયાની જ નજીક હો ઉં છું એટલે મારી રચનાઓમાં એ ‘અફાટ’ નિરાકાર સ્વરૂપ ઘણી વાર ઝળકે છે, પરંતુ તેને મુખ્ય સાર અથવા ઉદાહરણ તરીકે પ્રથમ વખત લીધું છે. દરીયાને જેમ તેના કિનારાઓ અને તેમના સ્પંદનોની ખબર નથી હોતી, જેમ કાયમ એ કિનારે અથડાઇને પાછો ફર્યા કરે છે એમ માનવ પણ દુન્યવી બાબતોથી ઘેરાયેલો રહી દર વખતે આ સંસાર રૂપી દરીયાની ઉંડી મોહમાયામાંથી મુક્ત થઇ શક્તો નથી.

હું એટલે :

દરીયો શું જાણે કિનારા વિશે,

પ્રભુ, મુજને સમજાવ થોડું મારા વિશે.

દાઝ એવા અંતરની, એને દઝાડતી,

ઝરણાનાં પાણીથીય ખોટું લગાડતી,

એને પૂછવું શું મારે અંગારા વિશે,

આ દરીયો શું જાણે કિનારા વિશે.

Who માંથી હું માં હું ક્યારે જવાનો

ઉગમણી વેળાએ હું આથમવાનો,

મને પૂછશોના કોઇ જન્મારા વિશે,

આ દરીયો શું જાણે કિનારા વિશે.

સાચી ઓળખ મારી મુજને છે જાણવી,

તારા ભરોસે જીવન નૈયા પલાણવી,

પ્રભુ મુજને સમજવુ થોડું મારા વિશે,

’અફાટ’ દરીયો શું જાણે કિનારા વિશે

સ્મરણોનાં વૃંદાવનમાં ફરવાની એક અલગ મજા છે, ક્ષણિક સમાધી જેવો એ અત્યંત પવિત્ર અને અંગત એવો મનનો ભૂતકાળ હોય છે. સ્મરણો ઘણી પ્રકારના હોઇ શકે, ઘણાં સુંદર તો ઘણાં દુ:ખદ, પરંતુ બધાં સ્મરણો ક્યારેકને ક્યારેક વિચારોના એક એવા વિસ્તારમાં લઇ જાય છે જ્યાંથી પાછા વળવાનું ક્યારેક અકારુ થઇ પડે છે. પ્રીતની કેટલીક આવીજ યાદોનો એક અલાયદો વિસ્તાર અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જીવનના અંતિમ દિવસોમાં, યુવાનીનો પ્રેમ અને તેની સાથેના સંસ્મરણો ક્યારેક સ્મિત તો ક્યારેક આંસુ આપી જાય છે. અને ગમે તેવા દર્દના કે ગમે તેવી ખુશીના આ સ્મરણો રૂપી ગંગા કાયમ બેય કાંઠે વસે છે. બસ આ છે ‘એનું સ્મરણ’ રચનાનો મુખ્ય આધાર.

એનું સ્મરણ :

જીવનની સંધ્યાએ યુવાનીના ગૌચરથી,

સ્મરણોની ગાયો  હવે પાછી વળે છે

મન વૃંદાવનમાં, પ્રીતુના પવનમાં,

સ્મિત અને આંસુઓનો ચારો ચરે છે.

તારી યાદોની સાથે, ક્ષણોની સંગાથે,

હાથોમાં હાથે ચુંબન સાંભરે છે,

અણઘડ હાલાતો, ટૂંકી પડતી રાતો,

ને મહેંદીની ભાતો, હજીયે સ્મરે છે.

ક્ષણોમાં જીવન, ને જીવનની એક ક્ષણ,

આ ઝખ્મો છે જૂના હજીય ભાંભરે છે,

ગૌમુખ સમી બસ એક પળની જિંદગી,

’અફાટ’ યાદોની ગંગા બેય કાંઠે વહે છે.

– જીગ્નેશ અધ્યારૂ ‘અફાટ’


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ

  • sapana

    ક્ષણોમાં જીવન, ને જીવનની એક ક્ષણ,

    આ ઝખ્મો છે જૂના હજીય ભાંભરે છે,

    સરસ ભાવના!! ઝખ્મો જૂના વધારે ખતરનાક હોય છે.

    સપના

  • શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

    Who માંથી હું માં હું ક્યારે જવાનો
    શ્લેષ અલંકારનો સુંદર ઉપયોગ.
    બાકી તો વિવેકભાઈએ કહ્યું છે.

  • પંચમ શુક્લ

    ભાવભરી રચનાઓ ગમી. કાવ્યતતવ બહુ ઉમદા છે.
    જો કે મને આ ગઝલોના નવીન બાહ્ય આકાર / બંધારણ અને છંદની બહુ ખબર ના પડી.

  • neetakotecha

    દરીયો શું જાણે કિનારા વિશે,

    પ્રભુ, મુજને સમજાવ થોડું મારા વિશે.

    ક્ષણોમાં જીવન, ને જીવનની એક ક્ષણ,

    આ ઝખ્મો છે જૂના હજીય ભાંભરે છે,

    ખુબ સરસ ..હ્રદય સ્પર્શી ..