આજથી અક્ષરનાદ ગૂંજે છે… 8


પ્રિય મિત્રો,

કરસનદાસ માણેકના બે શે’ર છે…

ચહું નવ મુક્તિ, ઓ માલિક, મને તો તારી સંગ,
ગમે છે જન્મ ને જીવન અને મૃત્યુ ગમે છે!
હું જેવું માંગુ છું તેવુ કશુંયે છે, નહીં ત્યાં,
પરંતુ તેથી તો જીવવું જ ઉલ્ટાનું ગમે છે!

“અધ્યારૂ નું જગત” બ્લોગ વડે શરૂ થયેલી અભિવ્યક્તિની એક અનોખી સૃષ્ટી, પોતાની જાતને, વિચારોને, લાગણીઓને અને સાહિત્યની ચાહતને એક તદ્દન નોખા રૂપે એ માધ્યમ વડે પ્રસ્તુત કરવાની મજા, એ બધુંય લગભગ ત્રણેક મહીનાના વિરામ પછી આજે ફરી શરૂ થઇ રહ્યું છે. બ્લોગ પર અંતિમ કૃતિમાં લખ્યું હતું એ બધુંય આજે ફરી આંખો સમક્ષ છે. વેબસાઇટ બનાવવા, તેની નાનામાં નાની ગોઠવણ અને પ્રોગ્રામીંગમાં મિત્રોએ કોઇ પણ સ્વાર્થ વગર દાખવેલ ચીવટ, ખંત અને ઉત્સાહ

આભારના કયા શબ્દો વડે વ્યક્ત કરી શકાય? ખાસ કરીને શ્રી ગોપાલભાઇ પારેખ, શ્રી મૃગેશભાઇ શાહ, શ્રી તરુણભાઇ મહેતા, શ્રી માયાભાઇ વાઘ, મારા શાળાના અને કોલેજકાળના મિત્રો તથા ઓફીસના સહકર્મીઓ, આ બધાએ ક્યારેક ને ક્યારેક આપેલ મદદ, પ્રોત્સાહન અને હકથી માંગેલી અક્ષરનાદની ઝડપી શરૂઆત એ બધુંય સ્વપ્નવત છે, અવર્ણનીય છે, તો એ જ રીતે બ્લોગ બંધ કરતી વખતે મળેલા પ્રતિભાવોએ પણ અક્ષરનાદને આટલી જલ્દી શરૂ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

જે કારણસર બ્લોગ બંધ કર્યો હતો એ બધાં કારણો, એ બધી જરૂરતોને મન ભરીને, મન મૂકીને માણી છે. ઓફીસની રજામાં ગીરના જંગલોમાં ખૂબ ભટક્યો છું, નેસમાં, જંગલમાં અને બાપુના આશ્રમો પર, મારા મિત્ર માયાભાઇ કહે તેમ “મૌજા હી મૌજા” કરી છે. અને એ જરૂરતોને કદી પણ સંતોષી શકાય નહીં. જેમ માણસને પૈસાથી, સમૃધ્ધિથી સંતોષ થતો નથી એમ મને પણ ગીરની અને સૌરાષ્ટ્રની આ ભૂમીથી કદી ધરવ થાય એવો કોઇ રસ્તો દેખાતો નથી. હવે ગીરના “હાવજ” જોવા કરતાં ત્યાંની નેસના મિત્રો સાથે નદીના પટમાં બેસીને ડાયરા માણવાનું, તેમના ગાયો, ભેંસો અને ઘોડાઓને જોવાનું ગોઠી ગયું છે. ગીરના અનુભવો વિશે લખ્યા કરું તો પુસ્તક થાય પણ તોય એની અભિવ્યક્તિ અધૂરી જ રહી જાય. આ સંદર્ભે મને શ્રી ધ્રુવભાઈ ભટ્ટ સાહેબની ખૂબ ઇર્ષ્યા થાય છે, અને તેમની નવલકથા “અકૂપાર” ના પ્રસંગો વાંચીને તેમની અભિવ્યક્તિની હથોટી પર માન ઉપજે છે, જાણે મારા જ અનુભવો હોય એમ આનંદ થાય છે. તો બ્લોગ બંધ કરવાના એક કારણ એવી અંગત જવાબદારીઓને પણ સફળતાથી નિભાવી શક્યો છું એનો આનંદ છે.

આ ત્રણ મહીના મારા જીવનના કેટલાક યાદગાર સારા નરસા બધાં અનુભવો અને પ્રસંગોનું ભાથું છે. મેં મારી જાતને નોકરી કર્યા પછીના સમયમાં આ ત્રણ મહીના સંપૂર્ણપણે કુદરતને અને જવાબદારીઓને એમ બે ક્ષેત્રે લગાડી. અને જ્યાં જેટલું થઇ શક્યુ એટલું મહત્તમ ક્ષમતા અને શક્તિથી કર્યું. કોઇ હદ નહીં, જે કાંઇ પણ કર્યું, આનંદથી, અનહદ કર્યું. વિઘ્નો તો બધે આવવાનાંજ, એ ગણતરીએ ઘણાં મોટા વિઘ્નો અને તકલીફોનો પણ હિંમતથી સામનો કર્યો. જીવનના કેટલાક મહત્તમ ખુશાલીના અને મહત્તમ નિરાશાના એમ બંને સંજોગોનો એકસાથે સામનો પણ કરવો પડ્યો. જેમ લોખંડ આકાર પામે તે પહેલા ભઠ્ઠીમાં તેને પીગળવુ પડે એમ હું પણ મારી મર્યાદાઓની બહાર પીગળ્યો.

કહે છે કે મુંબઇની એક વિશેષતા છે, કે ગમે તેવા આઘાતના પ્રસંગો પછી પણ એ બીજા દિવસે પાછું બેઠું થઇ જાય છે, આ તેનો સ્વભાવ છે. આ વાત એટલે યાદ આવી કે આઘાતો પછી, અને એ પણ જીવનની મોટામાં મોટી ખુશીના દિવસે મળેલા આઘાત પછી બેઠું થવું પડ્યું. અને ખબર પડી કે આ સ્વભાવ ન હોઇ શકે, કાં તો મજબૂરી હોય ને કાં તો અવગણના. છતાં પણ બધાંય સંજોગોમાં આ જગત (અધ્યારૂ નું જગત)ની ઘણી વાતો, કૃતિઓ અને કડીઓ યાદ આવ્યા કરી, જેણે સધીયારો આપ્યા કર્યો, મદદ કરી. એ સમયમાંથી બહાર કાઢ્યો. બસ એ બ્લોગ વડે મારામાં જાગેલા કેટલાક સુંદર સ્પંદનોને આપ સૌ વાંચકમિત્રો સુધી પહોંચાડવા, અને મને સ્વપ્નવત લાગતા એ જીવનને ફરીથી જીવવા આજે આપ સૌ સમક્ષ પાછો હાજર થયો છું.

પણ ‘અધ્યારૂ નું જગત’ બ્લોગની રીતથી અલગ અક્ષરનાદ પર કૃતિઓ રોજે નહીં આવે. એ નિયમિત સમયાંતરે અને મુકર્રર સમય પ્રમાણે ચાલશે. વળી અહીં “અક્ષરનાદ વિશેષ” એ વિભાગ હેઠળ વધુ કૃતિઓ મૂકવાનો પ્રયાસ થશે. બ્લોગ પર જેનું ઓછું ખેડાણ કર્યું છે એવા કેટલાક નવા ક્ષેત્રો પણ અહીં અજમાવવા છે. “Random Clicks” ના નેજા હેઠળ શરૂ કરેલ ફોટોબ્લોગ પણ એ જ રીતે સમયાંતરે નવાં દ્રશ્યો બતાવશે. અહીં ફોટોને ગુણ આપવાની (રેન્કીંગ)ની પધ્ધતી આપના પ્રતિભાવોને વધુ સ્પષ્ટ રીતે દર્શાવી શકશે. અક્ષરનાદ પર હજી ઘણી નવી શરૂઆતો કરવાની છે અને સમય સાથે એ એક પછી એક આવશે.

આ વેબસાઇટ સમર્પિત છે આ મહાન સિંધુભૂમીને. એ ભારતીય સભ્યતાને જેના માટે આપણને સૌને ગર્વ અને સમ્માન છે. આ મહાન રાષ્ટ્ર અને સંસ્કૃતિ જેના આપણે એક નાનકડા હિસ્સા છીએ, અને જેના પુણ્યપ્રતાપે જગતમાં આગવું સ્થાન ઉભું કરી શક્યા છીએ. સાથે સાથે અક્ષરનાદ સમર્પિત છે મારી પુત્રી “હાર્દી”ને જેના પ્રેમ વગર કદાચ અમારા અસ્તિત્વનો ઉત્સવ રંગ વગરનો જ રહ્યો હોત.

આશા છે આપને આ અક્ષરોનો નાદ સાંભળવાનું, આ યાત્રા અને તેના વિવિધ પડાવોમાં સાથ આપવાનું અને પ્રોત્સાહન આપવાનું ગમશે. આપના પ્રતિભાવો, સૂચનો અને માર્ગદર્શનનું સ્વાગત છે.

જીગ્નેશ અધ્યારૂ  (ગુરુ પૂર્ણિમા – ૭ જુલાઈ ૨૦૦૯)


Leave a Reply to Govind MaruCancel reply

8 thoughts on “આજથી અક્ષરનાદ ગૂંજે છે…

  • jitendra v. pandya

    તંમારો ખુબ ખુબ્આભર ….. શબ્દ નથિ મારે પાસે…….. જિતેન્દ્ર

  • Rajni Agravat

    જીગ્નેશભાઈ

    બ્લોગ કમ સાઇટ જગતમાં તમારૂ સ્વાગત કહેવા કરતા ફરી એકટીવ થવાથી આનંદ થયો.
    લુક ખરેખર સરસ છે, પહેલા તો એમ થયું કે રીડ ગુજરાતીની સાઇટ જોવ છું કે શું?
    ઑલ ધે બેસ્ટ.

  • Govind Maru

    ‘ હું જેવું માંગુ છું તેવુ કશુંયે છે, નહીં ત્યાં,
    પરંતુ તેથી તો જીવવું જ ઉલ્ટાનું ગમે છે! ‘
    આપશ્રીમાં જાગેલા કેટલાક સુંદર સ્પંદનોને અમારી સુધી પહોંચાડવા, અને આપશ્રીને સ્વપ્નવત લાગતા એ જીવનને ફરીથી જીવવા બ્લોગ જગતમાં પુન: હાજર થવા બદલ ‘અક્ષરનાદ”નું હાર્દિક સ્વાગત છે.

  • Heena Parekh

    રોજ સવારે સૌ પ્રથમ આપનો બ્લોગ વાંચવાની આદત પડી હતી તે થોડા દીવસો તો ગમ્યું જ નહીં. આજના શુભદિને આપ ફરી આપની પોતાની સાઈટ સાથે પધાર્યા છો તો આપનું હાર્દિક સ્વાગત છે. ગીરની મુસાફરી જલ્દી જ કરાવશો તેવી આશા રાખું છું.

  • Pinki

    આનંદમ્.. ! પુનઃ સ્વાગત…!!
    તમે તો પૂર્વતૈયારી માટે સમય માંગેલો ?