એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી) – જીગ્નેશ અધ્યારૂ 20


આપણામાં કહેવત છે, મન હોય તો માળવે જવાય, અને કદાચ એક ૧૧ વર્ષની છોકરી આ કહેવતને આપણાથી વધુ સારી રીતે ચરિતાર્થ કરી શકે છે. તમારા શોખ માટે તમે શું કરી શકો? વાત શોખને પ્રોફેશન બનાવવાની નથી, કે વાત શોખ માટે પોતાના રોજીંદા જીવનને ખલેલ પહોંચાડવાની પણ નથી. શોખ માટે માણસ શું કરી શકે તેનું જીવતું જાગતું પ્રેરણાદાયક ઉદાહરણ મહુવાની આ દીકરી સુપેરે પૂરું પાડે છે.

નામ : રિધ્ધિ અશ્વિનભાઈ જોશી, ઉં વર્ષ ૧૧, અભ્યાસ ધોરણ ૬ માં, મહુવાની રાધેશ્યામ શાળા, અંગ્રેજી માધ્યમમાં.

રિધ્ધિએ ઘોરણ ચાર સુધીનો અભ્યાસ CBSE માં કર્યો છે. સેન્ટ્રલ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ઘોરણ ચાર સુધી ભણ્યા પછી તેણે રાધેશ્યામ શાંળામાં પ્રવેશ લીધો. ગાયનમાં અને ગુજરાતી સંગીતમાં તેને અનેરો રસ છે, અને કુદરતની તેના પર જાણે મહેર હોય તેમ તેને સુંદર કંઠ મળ્યો છે. રિધ્ધિ તેના ગુરૂ પ્રકાશભાઈ સિધ્ધપુરા પાસેથી હાર્મોનિયમ અને તબલાની તાલીમ લઈ રહી છે, અને પોતાની મેળે તથા માતાપિતાની પ્રેરણા અને પ્રોત્સાહનની મદદથી તે ગુજરાતી ગીતોના ગાયન પ્રભુત્વ મેળવી રહી છે. તેની આ સુંદર ગાયન વાદન કળાનો લાભ અમને પણ થોડા દિવસ પહેલા મળ્યો. તેના પિતા શ્રી અશ્વિનભાઈ જેઓ દાતરડી ગ્રામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે, અને માતા શ્રીમતી ઈલાબેન જોશી જેઓ માનસ પ્રાથમિક શાળા, મહુવાના સંચાલક છે, તેમણે પોતાની પુત્રીને આ શોખને આગળ વધારવા બધી સગવડ કરી આપી છે. સાથે સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેનો અભ્યાસ ન બગડે કે આ શોખને પૂરો કરવા તેનું ધ્યાન તેની બાળ સહજ રમતોમાંથી હટી જાય. તે પોતાના વર્ગમાં કાયમ અગ્રસ્થાને રહે છે.

અંગ્રેજી માધ્યમમાં ભણતરને લીધે ગુજરાતી ગીતો તેને સર્વપ્રથમ સમજવા પડે છે, તે દરેક ગીતનો મતલબ સમજવાનો પ્રયત્ન કરે છે, ગીતના ભાવની સાથે તે તેના હાર્દ સુધી પહોંચવા કોશીશ કરે છે, અને ત્યારબાદ તે સતત રિયાઝ કરે છે. આજના જમાનામાં જ્યાં બાળકો આ ઉંમરે હિન્દી ફિલ્મોના ગીતો પાછળ ગાંડા હોય છે ત્યારે રિધ્ધિ ” તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું” અને “ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમના….” જેવા ગીતો પર હાથ અજમાવી રહી છે. હારમોનીયમ પર ગીત સાથે સતત રિયાઝ કર્યા પછી અને એક ગીત આખુંય પૂરું કર્યા પછીજ તે બીજું ગીત શીખે છે. તેની આ કળા જોઈ તેને શાબાશી આપવાનું મન થઈ જાય.

અધ્યારૂ નું જગત તરફથી અમને તેના ગીતો સાંભળવાનો અને તેનું વિડીયો રેકોર્ડીંગ કરવાનો લહાવો મળ્યો. તેનું એક ગીત અત્રે વિડીયોમાં મૂક્યું છે. આપ જોઈ શક્શો કે તેણે પોતાની કળાને કેવી ખૂબીથી નિભાવે છે.

આપણે જ્યારે “અંગ્રેજી માધ્યમમાં બાળક ભણશે તો આપણી ભાષા ભૂલી જશે” વાળો જરી પુરાણો રાગ આલાપ્યા કરીએ છીએ ત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણીને ભાષા સાથે સતત સંપર્ક રાખી શકાય, લોક સાહિત્ય ગમે તે માધ્યમમાં ભણતા હોવા છતાં જાણી – માણી શકાય તેનો સબળ પુરાવો રિધ્ધિ આપે છે. અંગ્રેજી એ આજના સમયની જરૂરત છે. આજે જગત એક ગ્લોબલ વિલેજ બની રહ્યું હોવાના કિનારે છે ત્યારે જો આપણે વ્યવહારની રૂઢી થઈ ગયેલી અંગ્રેજી આપણા બાળકોને નહીં શીખવીએ તો તેઓ કેમ આગળ વધશે, પણ સાથે આપણી માતૃભાષાનો આસ્વાદ તેમને જો નહીં મળે તો પણ તેમનો પોતાના અસ્તિત્વ વિશેનો, પોતાની સંસ્કૃતિ વિશેનો અને પોતાની ભાષાનાં લોક સાહિત્ય વિશેનો સવાલ અનુત્તર રહી જવાનો.

જરૂરત છે સાચા રસ્તાને ઓળખવાની, અંગ્રેજી એ જરૂરત છે સમયની અને ગુજરાતીની સમયને જરૂર છે એ નાનકડી પણ જરૂરી વાત જો સમજી શકીએ તો ઘણું છે. આવા બાળકોને પ્રોત્સાહનની, શાબાશીની અને માર્ગદર્શનની જરૂર છે, અને મને આશા છે કે સુજ્ઞ વાચકો આ પ્રયત્ન અને મહેનત બદલ રિધ્ધિને અને તેના માતાપિતાને અભિનંદન આપ્યા વગર નહીં રહી શકે.

[youtube=http://www.youtube.com/watch?v=GHrA7fhG4g4]

સંપર્ક “અશ્વિનભાઈ જોશી, ૩૪,  વૃંદાવન પાર્ક, શ્યામ દર્શન, જાદરા રોડ, મહુવા. મોબાઈલ નંબર – ૯૪૨૮૯ ૯૧૫૭૫.

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી) – જીગ્નેશ અધ્યારૂ