વિવિધ પ્રકારનાં સૂપ બનાવો – પ્રતિભા અધ્યારૂ 2


હોટ એન્ડ સોઅર સૂપ

સામગ્રીઃ

૧/૨ કપ કોબી, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ ફેંચ બીન્સ, ૧/૨ કપ ઘોલર મરચાં, ૧/૨ કપ સોયા બીન્સ અથવા ૧ કપ પલાળેલા વટાણા, ૪ થી ૬ કપ પાણી, ૧/૪ કપ વિનેગાર, ૨ ચમચી તેલ ,૧ ચમચી કાળા મરી, ૧ ચમચી સોયાસોસ, ૪ ચમચી કોર્ન સ્ટાર્ચ, પ્રમાણસર મીઠું.

રીતઃ

શાકને બારીક સમારી લેવું , ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકવું અને પછી ગરમ થાય એટલે સમારેલું શાક નાખી જલદી જલદી સાંતળવું. સાંતળાઇ જાય એટલે તેમાં પાણી અને પ્રમાણસર મીઠું નાખવુ એક ઉભરો આવે ત્યારબાદ ઘીમાતાપે બે મિનિટ ચડવા દેવું. કોર્ન સ્ટાર્ચ ઠંડા પાણીમાં હલાવી સૂપની અંદર નાખવું. કોર્ન સ્ટાર્ચ નાખ્યા બાદ સૂપને હજી એક વાર ઉકળવા દેવું. ગરમ ગરમ સૂપને પીરસવું.

સ્પિનેચ  સૂપ

 

સામગ્રીઃ

૨૦૦ ગ્રામ પાલખની ભાજી, ૧૦૦ ગ્રામ બટેટા, ૧ ચમચો માખણ, ૧ ચમચી મેંદો, ૧ કપ દૂઘ, પ્રમાણસર મીઠું, મરીનો ભૂકો, જીરૂનો પાવડર.

રીતઃ

પાલખની ભાજીને ઝીણી સમારી ઘોઈ એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં નાખવી. બટેટાને છોલી, કટકા કરી બફાય એટલે ઉતારી ચમચાથી ઘૂંટી એકરસ કરવું. પછી ગરણીથી ગાળી લેવું. એક તપેલીમાં માખણ ગરમ કરી, મેંદો નાખી , બરાબર શેકાય એટલે દૂઘ નાખવું. થોડી વાર હલાવી તેમાં સૂપનું પાણી, મીઠું, જીરૂનો પાવડર, મરીનો ભૂકો નાખવો. સર્વ કરતી વખતે થોડું ખમણેલું ચીઝ ભભરાવવું. 

રશિયન સૂપ

સામગ્રીઃ

૧ ખમણેલું બીટ, ૫૦૦ ગ્રામ વટાણા, ૧૨ નંગ ફણસી, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨ બટેટા, ૨ ટમેટા, ૨ ચમચી માખણ, ૧ ચમચી લીંબુનો રસ, ૨ કાંદા, કોબીનો ટુકડો, પ્રમાણસર મીઠું, મરી.

રીતઃ

ફણસી, વટાણા, બટાટા,ટમેટા,કાંદા,કોબીને સમારી પાણીમાં બાફી નીતારી એકરસ બનાવી ગાળી લેવા. બાફેલા શાકનું પાણી જુદુ રાખવું. આ પાણી એક તપેલીમાં ઉકળવા મૂકવું. તેમાં બાફેલા શાકનો માવો મેળવવો, પછી ખમણેલું બીટ નાખી ઉકળવા દેવું. એકરસ થવા આવે એટલે તેમાં મીઠું, મરી, લીંબુ અને માખણ નાખવા, પીરસતી વખતે ક્રીમ નાખવું.

સ્વીટ કૉર્ન સૂપ

સામગ્રીઃ

૭૫ ગ્રામ સોયાબીન્સ, ૨ કુણી મકાઈ, ૨ કપ પાણી, ૧ ચમચી કૉર્ન સ્ટાર્ચ, ૧/૨ ચમચી તેલ, ૧/૨ વ્હાઈટ વાઈન, સ્વાદ અનુસાર મીઠું, મરીનો ભૂકો,સ્વાદ અનુસાર આદુ અને લસણ.

રીતઃ

સોયાબીન્સ ૭ થી ૮ કલાક પાણીમાં પલાળવા. પ્રેશર કુકરમાં થોડુંક પાણી નાંખી બાફી લેવા. અદરક, લસણ બારીક સમારી પાણીમાં નાખવા. પાણીને ઉકાળવા મુકવું. મકાઈને ખમણીને ઉકળતા પાણીમાં નાખી ધીમા તાપે ચડવા દેવું. ૧/૪ કપ પાણીમાં કૉર્ન સ્ટાર્ચ નાખી મકાઈનું જે પાણી ઉકળે છે તેમાં નાખી એક સરખું હલાવવું. જેથી ગોટી નહિ થાય. ત્યાર બાદ તેમાં બાફેલાં સોયાબીન્સ, મીઠું, મરીનો ભૂકો, તેલ નાખી એકવાર બરોબર હલાવી ઉતારી લેવું.

આ સૂપ ગરમાગરમ પીરસવું, સૂપની સાથે ચીલી ઈન વીનેગાર ( મરચાં નું અથાણું ) અને સોયાસોસ આપવાં.


Leave a Reply to NeelaCancel reply

2 thoughts on “વિવિધ પ્રકારનાં સૂપ બનાવો – પ્રતિભા અધ્યારૂ