મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5


હમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો.  બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો?” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી.

અચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે? ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ પર ઉતરવા લાગ્યા હતાં.

બસમાં જાહેરાત થઈ પણ બધાંય, બસ છેલ્લા સ્ટેન્ડ પર પહોંચે એટલે સીટ નીચે તપાસ કરવાનું કહીને એક પછી એક ઉતરતા રહ્યા. હું હજીય “શોકગ્રસ્ત” ( shock ) ઉભો હતો. છેલ્લા સ્ટેન્ડ પર મેં આખી બસ ફંફોળી, પણ કાંઈ હોય તો મળે ને? મિત્રનો મોબાઈલ લઈને હું મારો નંબર ડાયલ કર્યા કરતો હતો, તે તો ક્યારનોય મોબાઈલ સ્વિચઓફ બતાવવા લાગ્યો હતો. હું ચિંતાગ્રસ્ત ઉભો હતો. પણ મેં મોબાઈલ થી હાથ ધોઈ નાખ્યા હતાં, કે કોઈએ ધોવડાવ્યા હતા એ તો નક્કી. મોબાઈલ ખોવાયાનો આ સતત બીજો પ્રસંગ મારી સાથે બન્યો હતો એટલે ત્રીજો નવો મોબાઈલ ખરીદતા પહેલા મેં ગાઢ મનોમંથન કર્યું, અને તેના પરીપાક રૂપે જે બ્રહ્મજ્ઞાન મને લાધ્યું તે અહીં આપને સહુને ઉપયોગી થાય તેવા વિશાળ હ્રદયના વિચારથી અત્રે લખી રહ્યો છું.

મોબાઈલ ખોવો એ કોઈ જેવા તેવાનું કામ નથી. મોહ માયા જેણે છોડી દીધા છે (ભૂલથી કે ભૂલી જવાથી), અને જેને સંસારના ક્ષણિક સુખોથી હવે પોતાની જાતને અલગ કરી લીધી છે તેવા વીરલાઓ જ આ સિધ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મોબાઈલ ખોવાયા પછી લોકો આપણી યાદશક્તિ અને આદતો વિષે જે કાંઈ પણ વાતો કરશે તે બધી એક નિસ્પૃહી સદગૃહસ્થની જેમ સાંભળવા માનસિક રીતે તૈયાર આવા મહાત્મા, મોબાઈલ ખોવાઈ જશે તો આ દુન્યવી સંબંધો તૂટતા જશે અને (સંપર્કો છૂટી જવાથી) વૈરાગ્ય આવી જશે એવી સદભાવનાથી પ્રેરાઈને મોબાઈલ થી પોતાનો સંબંધ પૂરો કરે છે. સંસાર છોડી વૈરાગ્ય થતા કોઈ ગુણીજનની જેમ તથા

“મોહ માયા વ્યાપે નહીં જેને,

દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે”

વાળી પંક્તિને અનુસરતા આવા મહાનુભાવો પોતાને થનારા આર્થિક નુકસાનની ચિંતા કર્યા વગર તદ્દન સહજ્તાથી મોબાઈલ ભૂલી જાય છે. આપણે બધાએ એક દિવસ તો સંસાર છોડીને જવાનું જ છે એ જ સિધ્ધાંત અનુસાર સંસાર ત્યાગવાના મહાન કાર્યની શરૂઆત તરીકે તે મોબાઈલનો ત્યાગ કરે છે. પ્રભુ શ્રીરામે માતા સીતાનો ત્યાગ કર્યો ત્યારે તેમને જેટલું દુઃખ થયું હશે તેટલું તેને મોબાઈલ છોડતા થાય છે, પણ મન કઠણ કરીને તે મોબાઈલનો ત્યાગ કરે છે. પરસુખ માટે (જેને મોબાઈલ મળશે તેને આર્થિક અને તે મોબાઈલના ઉપયોગથી સંપર્ક વધવાથી સામાજીક ફાયદો થશે) તે પોતે પીડા સહન કરે છે.

મોબાઈલ આમ તો ચંચળ પ્રકૃતિની લક્ષ્મીનું પ્રતીક છે અને જેમ કહે છે કે પૈસો હાથનો મેલ છે તેમ મોબાઈલ ખીસ્સાનો મેલ છે. સીધા સાદા અને ભલા ભોળા સંસારી સાધુ આ લક્ષ્મીને ( મોબાઈલને  ) સાચવી શક્તા નથી, કારણકે તેઓ તેની એક હાથમાંથી બીજા હાથમાં જવાની તેની કાબેલીયતથી અજાણ હોય છે. અને એક મોબાઈલ ખોવાઈ જાય પછી પાછા સંસારમાં રહીને યોગીની જેમ જીવવા માટે, એક નવો ઓછી કિંમતનો મોબાઈલ લેવા તે મન કઠણ કરી, હૈયે પથ્થર મૂકી તૈયાર થઈ જાય છે. અને પાછુ જાણે આત્મા નવો જન્મ લઈ નવા શરીરે એક નવું જીવન જીવવા તૈયાર થાય તેમ તે મોબાઈલને નાના બાળકથી મોટાની જેમ ઉછેરે છે. તેની ફોનબુકને નવા સાંસારીક સંપર્કો રૂપી જ્ઞાન આપે છે, તેનાં ફોલ્ડર્સ પાછાં રીંગટોન અને વોલપેપર્સથી સમૃધ્ધ કરવાનું શરૂ કરે છે. જેમ આપણને ખબર છે કે એક દિવસ મૃત્યુ નક્કી છે તેમ તેને ખબર છે કે એક દિવસ મોબાઈલ ખોવાનું નક્કી છે, પણ તોય તે પરોપકાર અને લોકસેવાના પરમ ઉપયોગી કર્તવ્યનો નિર્વાહ કરે છે.

અને આથી પણ વધુ વંદનીય એ વીરલાઓ છે જે બબ્બે વખત મોબાઈલ ખોઈ ચૂક્યા છે. એક વખત ત્યાગ સહેલો છે પણ બીજી વખતનો ત્યાગ તો ખરેખર હ્રદય હલબલાવી નાખનારો હોય છે, એ કાચા પોચાનું કામ નથી. “જેની મા એ સવાશેર સુંઠ ખાધી હોય” એવા “નાગા બાવાઓ” જ આ કરી શકે. એક વખત તો સંસાર ત્યાગી શકાય, પણ એક વખત યોગી અને પાછા ભોગી બન્યા બાદ ફરીથી (અલબત્ત મજબૂરીથી) યોગી બનવું પડે એ હકીકત પચાવવી સહેલી નથી. હું આ બંને પ્રસંગો ભોગવી ચૂકયો છું. અને એટલે જ કદાચ હવે મારા “બ્લેક એન્ડ વ્હાઈટ અને સસ્તા માં સસ્તા ઉપલબ્ધ મોબાઈલ” સાથે ફરીથી સંસારમાં ઝંપલાવવા તૈયાર છું. જો કે રોજ સાંજે ઘરે પહોંચીને મોબાઈલ મૂકું છું ત્યારે “જંગ જીત્યો રે મારો કાણીયો” વાળી જ્યોતિન્દ્ર સાહેબની પંક્તિ યાદ કરી આત્મ સંતોષનો અનુભવ અચૂક કરી લઉં છું.

“ધ અલ્કેમિસ્ટ” માં પૌલો કોએલો કહે છે તેમ “જે વસ્તુ એક વાર થાય તે બીજી વખત કદાચ ન બને, પણ જો બીજી વખત બને તો ત્રીજી વખત તો ચોક્કસ થાય જ” એ વિધાનને પૂરું સમ્માન આપીને મારો નવો પૂરા એક હજાર અને બસ્સો રૂપીયાનો બ્લેક એન્ડ વ્હાઈટ (ટોર્ચ સાથેનો અને બસ્સો સંપર્કો સંગ્રહ ક્ષમતા વાળો) મોબાઈલ ત્યાગવા તૈયાર થયો છું. ઈચ્છુક મૂરતીયાઓ સંપર્ક કરે.

 – જીગ્નેશ લલિતભાઈ અધ્યારૂ (તા. ૧૨-૦૧-૨૦૦૯)


5 thoughts on “મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ

  • mdgandhi21,U.S.A.

    મારો મોબાઈલ ભુલથી સોફા નીચે રહી ગયો, યાદ નરહ્યું અને અને બહુ ગોતવા છતાં પણ ન મલ્યો અને બેટરી પુરી થઈ ગઈ હતી એટલે રીંગ પણ નહોતી વાગતી. પછી બીજો લીધો અને થોડા દિવસ પછી સોફો ખસેડ્યો તો નીચેથી નીકળ્યો………

  • પી. યુ. ઠક્કર

    જીજ્ઞેશભાઇ,

    મેં પણ એક મોબાઇલ બે-એક વર્ષ પહેલાં ખોયો છે. પછી રાખતો ન્હોતો. હમણાં પાછી ફરજ પડી છે, એટલે રાખુ છુ. આ એક વધારાનું organ.

    મોબાઇલ ખોવાવાની તમારી ઘટના પ્રત્‍યે તમારી ખેલદીલી અને સ્વીકાર્યતા દાદ માંગી લે તેવી છે.

    ઓરકુટમાં મારી પ્રોફાઇલમાં મારા વિષે એક વાક્ય લખેલુ છે. It is emerging just now. અત્‍યારે પ્રસ્તુત હોવા છતાં કહેતો નથી. કારણ કે, તમારી જેમ જ ખેલદીલીપૂર્વક તે શબ્‍દો મેં મારા પોતાના માટે વાપરેલા છે. જ્યારે અહીંયા તે મારે તમારા માટે વાપરવા પડે… નથી કહેતો…

  • Shah Pravinchandra Kasturchand

    હાસ્ય-વૃક્ષ કારુણ્યના મૂળ ઉપર સારી રીતે નભે છે એવી એક સમજણ પ્રવર્તે છે.અહીં મોબાઈલ ક્યાંક ફાઈલ થઈ ગયો પણ મ્યુઝીક સિવાય બીજું કાંઈ ખાસ નીકળ્યું નહીં.મિત્રો,રડવું સહેલું છે;હસવું એટલુંજ સખત છે.જોઈએ હાસ્ય સપ્તાહ કેટલું હસાવે છે કે પછી?