એક અગત્યની વાત – જીગ્નેશ અધ્યારૂ 4


પ્રિય મિત્રો,

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જીનીયરીંગના મારા સંસ્મરણો આજે આઠ વર્ષોના વહાણા છતાંય તાજા ઘા જેવા લીલા છે. તાજા ઘા જેવા એટલા માટે કે એ સુખના, અપાર સુખના દિવસો હજી પણ યાદ આવે તો મન એ દિવસોમાં પાછા જવા તલપાપડ થઈ ઉઠે છે. મુખ્યત્વે આખાંય વર્ષમાં, બંને સેમેસ્ટરમાં થઈને ફેબ્રુઆરી મહીનો અમારા બધાંયનો ખૂબ પ્રિય. કારણકે આ મહીનાનાં બે અઠવાડીયા અમે ઉજવીએ ટેકો-વીક. ટેકનોલોજી ફેકલ્ટીની ફિઝાઓમાં આ બે દિવસ મોજ મજાના વિવિધ રંગ અને  મસ્તી, તો ક્યાંક પ્રેમના ઉગતા છોડવા પણ જોવા મળે. અને આ વાતાવરણમાં તમે તેમાંથી બાકાત રહી શકો તો જ નવાઈ.

બધાં જ ડીપાર્ટમેન્ટમાં માસબંક ડીકલેર થયા હોય. કોઈક દિવસ ચોકલેટ ડે હોય, જેમાં ડેરીમિલ્ક પ્રેમનો, તો ચ્યુંઈગમ ચીપકુનો, અને મેલોડી ચોકલેટી પ્રેમ પ્રપોઝલનાં સવિનય નકારનો, પર્ક સારી ફીગરનો તો કીટકેટ દોસ્તીનો સંદેશો આપે. કોઈક દિવસ વેજીટેબલ ડે હોય, જેમાં ભીંડા પ્રેમ પ્રપોઝલનો, કારેલા નકારનો, ગાજર સારી ફીગરનો, કાશ્મીરી મરચા “ગેટ ઈન શેપ”નો તો બટાકા સારા દોસ્તનો સંદેશો આપે. કોઈક દિવસ આઉટ્રેજીયસ દિવસ હોય ત્યારે બધાંય ભાવિ એન્જીનીયરો કોઈક સાધુના વેશમાં, કોઈક ગબ્બર બનીને, તો કોઈક ચિત્રવિચિત્ર પોશાકો પહેરીને, કોઈક ધોતીયું અને શર્ટ ટાઈ પહેરીને, કોઈક એક પગે ચપ્પલ અને એક પગે બૂટ પહેરીને તો કોઈક વળી એક પગ પેન્ટનો અને એક પગ ચડ્ડીનો એવા વિવિધ દેખાવો કરે. અમેય મજૂરો અને કડીયાઓ જેવા દેખાવો કર્યા હતાં, પછી આ આખી સવારી બળદગાડામાં ડિપાર્ટેમેન્ટ પ્રમાણે નગારા ત્રાંસા સાથે ફરે.

વેલેન્ટાઈન ડે ના દિવસે ઠેર ઠેર હિંમત અને મિત્રોની જરૂરત પડે. કોઈક પોતાના મનના ખૂણે સંઘરાયેલી વાત બહાર કાઢવા, પ્રેમનો ઈઝહાર કરવા પ્રયત્ન કરે તો કોઈ પોતાના સાથીને મનાવવાનો. વિવિધ પ્રકારના ગુલાબો સાથે મઘમઘતું આખુંય કેમ્પસ તે દિવસે રોઝ ડે ઉજવે. કોઈક દિવસ એક્ઝેક્યુટીવ ડે હોય તો કોઈક બ્લેક એન્ડ વ્હાઈટ ડે. કોઈક ગ્રૃપ ડે હોય તો કોઈક બોલીવુડ ડે. આ બે અઠવાડીયા અમે બધાં આખાય વર્ષની મોજમજા કરવા આતુર રહેતાં. સવારે મ્યુઝિકલ મોર્નિંગ હોય, ડીજે ના તાલે ખૂબ નાચીએ઼ (ભલે આવડે કે ન આવડે) અને આંનંદ આનંદ થઈ જાય.

ત્યારથી લાગેલુ ફેબ્રુઆરી મહીનાનું ઉજવણીનું વણગણ આજ સુધી એમ નું એમ જ છે. હવે તો થોડાક મેચ્યોર (!) થઈ ગયા કહેવાઈએ. પણ એ દિવસોની યાદ હજીય તાજા ઘા જેટલી જ લીલી છે. આ ફેબ્રુઆરીએ મારા શોખના કેન્દ્ર સ્વરૂપ આ બ્લોગ “અધ્યારૂ નું જગત” પર ઉજવણી કરવી એમ વિચાર્યું. 

આ અંતર્ગત ફેબ્રુઆરી મહીનાનાં પહેલા બે અઠવાડીયા બ્લોગ પર આનંદ અઠવાડીયા છે. પહેલા અઠવાડીયે (૨ થી ૮ ફેબ્રુ.) હાસ્ય અઠવાડીયું, અને બીજું (૯ થી ૧૫ ફેબ્રુ.) સ્નેહ અઠવાડીયું છે. આ અંતર્ગત હાસ્ય, સ્નેહ અને પ્રેમ ને કેન્દ્રમાં રાખીને લેખ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. કોઈ પણ ઉજવણી મિત્રો વગર અધૂરી ગણાય એટલે ઘણાં  મિત્રોને લેખ આપવા વિનંતી કરી છે. પ્રતિભાવો અને લેખો મળી પણ રહ્યા છે. આપની પાસે પણ જો આ વિષયોની સીમારેખામાં આવતો કોઈ પણ સ્વરચિત અને પબ્લિશ થયા વગરનો લેખ, કવિતા, ગઝલ, વાર્તા / નવલિકા, કટાક્ષ વ્યંગ્ય કે હાસ્યને લગતા કોઈ પણ આર્ટીકલ હોય તો મારા ઈ- મેલ એડ્રેસ adhyaru19@gmail.com પર આપના ટૂંકા પરિચય સાથે  મોકલી આપશો. આ પોસ્ટને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી ઉજવણીમાં સાથે રહેવા, મજા માણવા અને પ્રતિભાવ આપવા આપ સર્વે વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

રોજીંદી ઘટમાળ માંથી જીવનમાં કાઈક અલગ અને અલગારી કરવા મળે તો એ “ચાન્સ” જતો ન કરાય એમ મારું મન કહે છે અને એટલે જ આ આયોજન કર્યું છે. બાકી જેવી મરજી અલખધણીની…..

ધન્યવાદ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “એક અગત્યની વાત – જીગ્નેશ અધ્યારૂ