જીવનનું સાફલ્યટાણું – સ્નેહરશ્મિ 1


અસહકારે દેશમાં જે હવા નવી ઉભી કરી એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક નવજીવનનો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડીયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતાં, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દ્રષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. એ અરસામાં નવજીવનમાં આવેલા સહી વિનાના એક લેખનું શિર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ’. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. બહાર કામગીરી બજાવી ઘણે દિવસે પાછાં વળતાં લેખકે આશ્રમમાં જાણે કે કોઈક નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી, એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યુ તે, નાખી નજર ન પહોચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં લહેરાતી અમે જોતાં. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક યુવતિઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દિપ્તી નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી કોઈ પણ વ્યક્તિને – કિશોરોથી માંડીને વૃધ્ધો સુધી – મળવાનું થતું, તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓનાં બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી, પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા, એ જીવનનો અણમોલ લહાવો હતો.

૧૯૨૦-૨૧ના અરસાના એ બધાં દિવસો નવી નવી વ્યક્તિઓના પરિચયના, નવા ઉન્મેષોના અને નવી જ્ઞાન ક્ષિતિજોના ઉઘાડના ને અદમ્ય ઉત્સાહનાં હતાં. અનાવિલ આશ્રમમાં ભાગ્યેજ કોઈ એવો દિવસ જતો જ્યારે કો નવી વ્યક્તિનું દર્શન થતું નહીં. એ વ્યક્તિઓ અસહકારની મોહિનીથી દૂર દૂરથી આકર્ષાતી અહીં એકઠી થતી. એ સૌ પોતપોતાની સાથે પોતાની દુનિયાનું આગવું વાતાવરણ લઈને આવતા ને એ વાતાવરણમાં ડોકીયું કરવાનો ને એમાં ગરક થઈ જવાનો લહાવો આપતાં.

અસહકારના પાયામાં પ્રેમ અને અહિંસા રહેલાં છે, એ વાત શરૂશરૂમાં એટલી સ્પષ્ટ ન હતી. ત્યારે તો સરકારને સાથ આપવો બંધ કરી તેનું કામ થંભાવી દઈ તંગ કરી, સ્વરાજ આપવાની તેને ફરજ પાડવા પૂરતીજ સામાન્ય સમજ હતી પરંતુ મને ખબર નથી કેવી રીતે, પહેલેથી જ લાગેલું કે આ લડત અનોખી છે, એની પાછળ પ્રેમનું બળ છે. અસહકારના રંગે રંગાયા પછી એ ભાવના મારા મનમાં વધુ સુરેખ રીતે આકાર લેતી બની, તે સરકારને સાથ આપતા હિંદીઓ માટે જે રોષની લાગણી થતી તેનો સામનો કરી એ સૌના હ્રદયપલટા માટે આપણે મોટાં બલિદાન આપવાં જોઈએ એવું હું માનતો થયો. આથી લડતનો રંગ જ્યારે પૂરેપૂરો જામ્યો ને સરકારી નોકરોના ઘૃણાજનક બહિષ્કારની હિલચાલ ઉપડી ત્યારે હું ઘણો વ્યથિત રહેતો. મારી એ વ્યથાને ૧૯૩૨ની સાલમાં સાબરમતી જેલમાં લખાયેલી મારી નવલિકા ‘બાબાજાન’ માં અસંદિગ્ધ રીતે, તે વખતે એમ કરવામાં રહેલા જોખમનો ખ્યાલ હોવા છતાં, મેં વ્યક્ત કરેલી છે.

અસહકારની લડત જેમ જેમ વેગ પકડતી ગઈ તેમ તેમ એના વિરોધીઓ પ્રત્યેની અસહિષ્ણુતાનો પારો પણ ઉંચે ઉંચે ચડતો ગયો. નેતાઓનાં ભાષણોમાં પણ ઘણું ઝનૂન પ્રવેશતું ચાલ્યું. લાલા લજપતરાયે તો ‘જે અમારી સાથે નથી તે અમારી સામે છે’ એવું સૂત્ર આપ્યું, ને અમે અમારાં વ્યાખ્યાનોમાં એને વેદવાક્યની જેમ ટાંકી એના પરના ભાષ્યમાં વાણીને અંકુશવિહોણી બનાવી દેતાં. આપણાં દેશમાં અનેક વાર સામાજિક અત્યાચારોમાં પરિણમેલું ન્યાતબહાર મૂકવાનું શસ્ત્ર પણ અવારનવાર અપનાવાતું ને કેટલીક વાર તે ઘોર હિંસામાં પણ સરી પડતું. ચૌરાચૌરીમાં એણે એનું અતિ વરવું સ્વરૂપ દાખવ્યું, આમ દ્વૈષ પર વિજય મેળવી માનવતાનો, પ્રેમનો ને અહિંસાનો મહિમા માનવહ્રદયમાં વધારવાનો હતો. અને એ કાર્ય ગાંધીજીએ અમારા જેવા અસંખ્ય અપૂર્ણ કે પાંગળા સાધનો દ્વારા સાધવાનું હતું !

હું તો એ વખતે વિદ્યાર્થી હતો એટલે કાચી ઉંમરનો લેખાઉં; પણ આ ઘટનાઓએ મારા મનને ખળભળાવી મૂક્યું. હિંસક સંગ્રામમાં સિપાઈઓએ ચર્ચા કરવાપણું નથી હોતું. તેમ અહિંસક લડતમાં પણ એની કોઈક શિસ્ત હોવી જોઈએ એવું અમને જણાવાતું, ને સાધનો અંગેની વ્યર્થ ચિંતામાં ન પડવાની શિખામણ અપાતી. અસહકારના કાર્યક્રમને જે અસાધારણ સફળતા મળી હતી, જે પ્રચંડ લોક જાગૃતિ થઈ હતી, તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમારે તો અમારી ફરજ બજાવ્યે જવી, ને લડતમાં જે કાંઈ આડુઅવળું નજરે પડે તે સુધારી લેવા જેવી શક્તિવાળા નેતાઓ આપણી પાસે છે તેથી નિશ્ચિત રહી વ્યર્થ ચર્ચામાં સમય બરબાદ ન કરવાનો અમને જાણે કે આદેશ અપાતો. 


Leave a Reply to siddharth desaiCancel reply

One thought on “જીવનનું સાફલ્યટાણું – સ્નેહરશ્મિ

  • siddharth desai

    i have published shorened book of snehrashmi’s autobiography four books in one book as snehshrushti(published by Navbharat Sahitya Mandir)by profPrasad Brahmbhatt,blessed by his holiness pujya shree pramukh Swami maharaj and prefaced by late shree K.K.shashtri.I plan to convert it in ebook and translate it in english by pro.Neelam Ratanjee shortly