બહાઈ ઉપાસના મંદિર (લોટસ ટેમ્પલ) 3


હવે હું મૂકી રહ્યો છું દિલ્હી દર્શન તથા મથુરા આગરા યાત્રા દરમ્યાન જોયેલા અગત્યના સ્થળો અને કેટલાક વિશિષ્ટ અનુભવોની વિશદ માહિતિ. આ અંતર્ગત આજે બહાઈ ઉપાસના મંદિર કે લોટસ ટેમ્પલ તરીકે જાણીતા થયેલા મંદિર વિશે મારા અનુભવો અને જાણકારી.

હે પ્રભુ!

એવુ વરદાન આપો કે એક્તાની

જ્યોત આખીય પૃથ્વીને આપ્લવિત

કરી લે અને “સામ્રાજ્ય પ્રભુનું છે”

એ ભાવ સમસ્ત જનમાનસ અને

રાષ્ટ્રોના લલાટ પર અંકિત થઈ જાય. – બહાઉલ્લાહ

ભારતઈય ઉપ મહાદ્વિપમાં આવેલુ આ બહાઈ ઉપાસના મંદીર વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા સાત બહાઈ ઉપાસના મંદિરોમાંનુ એક અને સૌથી નવીનતમ છે. બનાવટની દ્રષ્ટીએ સાતેય મંદિરો પોતાનામાં અનન્ય બનાવટનાં છે. પ્રત્યેક ભવન સૃષ્ટીના રચયિતા નાં સ્મરણ માટે તથા મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અનન્ય પ્રેમની અભિવ્યક્તિ માટે બધાંય ધર્મો, જાતિઓ અને રાષ્ટ્રોના લોકોને આમંત્રિત કરે છે. નવી દિલ્હીમાં આવેલુ બહાઈ ઉપાસના મંદિર કમળના ફૂલ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. કમળનું ફૂલ ઉપાસના તથા પવિત્રતાનું પ્રતીક છે અને ભારતીય ધર્મો અને જીવન સાથે અતૂટ રીતે જોડાયેલું છે. આ ઉપાસના મંદિર પાણીના નવ તળાવોથી ઘેરાયેલું છે જે મંદિરના દેખાવમાં તો વધારો કરે જ છે પણ અંદરનાં તાપમાનને પણ નીચું રાખે છે. મુખ્ય ભવન સાથે જોડાયેલ એક અન્ય ભવન પણ છે જેમાં પ્રશાસન કાર્યાલય, પુસ્તકાલય તથા દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમો માટે એક હોલ છે.

બધાંજ બહાઈ ઉપાસના મંદિરોની સામાન્ય વિશેષતા એ જ છે કે બધાંના નવ ખૂણા કે કિનારા છે. નવ એકલો સૌથી મોટો અંક છે અને તે વ્યાપકતા અને અભિન્નતા તથા એકતાનું પ્રતીક છે. બહાઈ મંદિરોમાં બહાઈ ધર્મ ગ્રંથ તથા અન્ય ધર્મોના પાવન ગ્રંથોનું પઠન અથવા ગાન થાય છે. શેષ સમયમાં શાંતિપૂર્વક પ્રાર્થના કે ધ્યાન માટે બધાંને આવકારવામાં આવે છે. પ્રાર્થનાહોલમાં કોઈ ભાષણ કે પ્રવચન કરવામાં આવતું નથી કે ન કોઈ ધાર્મિક અનુષ્ઠાન થાય છે.

The bahai Temple of worshipબહાઈ ઉપાસના મંદિરની બાંધકામ માટે જમીન ખરીદી ૧૯૫૩ માં થઈ. મંદીર ૨૬.૬ એકરમાં ફેલાયેલું છે અને મંદિર સપાટીથી મંદિરની ઉંચાઈ ૩૪.૨૭ મીટર છે. પ્રાર્થનાગૃહમાં ૧૩૦૦ લોકોને સમાવવાની ક્ષમતા છે અને મુખ્ય ભવનનો વ્યાસ ૭૦ મીટર છે. ૧૯૮૦માં બાંધકામ શરૂ થયું અને ૧૯૮૬માં પૂર્ણ થયું. મંદિરની કુલ ૨૭ પાંખડીઓ સફેદ પથ્થરની બનેલી છે જેની ઉપરની સપાટી ગ્રીક સંગેમરમરની બનેલી છે.

બહાઈ ધર્મ

બહાઈ ધર્મ એક સ્વતંત્ર વિશ્વ ધર્મ છે. ઉત્પત્તિમાં દિવ્ય, પોતાનામાં બધાને સમાવી લેવા વાળો અને દ્રષ્ટીકોણમાં વ્યાપક, વિધિમાં વૈજ્ઞાનિક, સિધ્ધાંતોમાં માનવતાવાદી, અને મનુષ્યોના મન માનસ પર પ્રભાવ ઉત્પન્ન કરવા ગતિશીલ. આ ધર્મ ઈશ્વરની એકતાનું સમર્થન કરે છે. અને સંપૂર્ણ માનવજાતિની એકતા અને અખડતાના સિધ્ધાંતને માન્યતા આપે છે.

ઈતિહાસ

૨૩મી મે ૧૮૪૪ના રોજ ફારસના એક પ્રકાશયુક્ત યુવાન કે જે બાબ (દ્વાર)ના નામે ઓળખાયા એમણે ઘોષણા કરી કે એક નવી આધ્યાત્મિક વિભૂતિના આગમનની તથા તેમના માર્ગને પ્રશસ્ત કરવા વાળા દૂત છે. તેમની શિક્ષાઓ ગૂઢ હતી અને વ્યાપક રૂપે સ્વીકૃત કરવામાં આવી. રૂઢીવાદી ધાર્મિકલોકો એ આ નવી વિચારધારાને અધર્મ માન્યો અને બાબને અનેકો  યાતનાઓ આપવામાં આવી અને અંતે ૧૮૫૦માં તેમને મૃત્યુ મળ્યું. આ પછીના બે દસકામાં બાબના ૨૦,૦૦૦થી વધુ અનુયાયીઓને મૌતને ઘાટ ઉતારી દેવાયા.

બહાઉલ્લાહ (જેનો અર્થ છે ઈશ્વરનો પ્રતાપ) નો જન્મ ૧૨ નવેમ્બર ૧૮૧૭ના રોજ એક સંભ્રાંત પરિવારમાં થયો. બાલ્યાવસ્થાથીજ તેઓ એક અત્યંત બુધ્ધીશાળી અને જ્ઞાની તરીકે ઓળખાયા. તેમણે બાબના યુગ પરિવર્તનના વિચારને સમર્થન આપ્યું હતું તેથી યાતનાઓ અને કારાવાસ મળ્યા. ૧૮૬૩માં જ્યારે તે બગદાદમાં દેશનિકાલની સજા ભોગવી રહ્યા હતા ત્યારે તેમણે ઘોષણા કરી કે તે યુગપરિવર્તન માટે પ્રતિજ્ઞાબધ્ધ છે. તેમને ખૂબ યાતનાઓ અને કષ્ટ આપવામાં આવ્યા જેથી બહાઉલ્લાહ કુસ્તુન્તુનિયા (Constantinopal), એડ્રિયનોપલ તથા ઈઝરાયેલમાં નિર્વસિત કરાયા. આ સમયગાળા દરમ્યાન તેમણે હજારો લેખો લખ્યા જે અત્યારે બહાઈ ધર્મના ગ્રંથોનું પ્રતિનિધિત્વ કરે છે. આ કોઈ ધર્મના ફક્ત અને ફક્ત એવા ગ્રંથો છે જે તેના સંસ્થાપક દ્વારા અધિકૃત રીતે હસ્ત લિખિત છે અથવા જો કોઈ સચિવ દ્વારા લખાયેલા છે તો હસ્તાક્ષરીત છે. તેમના પછી તેમના પુત્ર અબ્દુલ બહાએ બહાઈ ધર્મના પ્રચાર પ્રસાર અને સંરક્ષણ માટે કાર્ય કર્યું. 

બહાઉલ્લાહ ના જીવન તથા તેમના વિષે વધુ માહિતિ આ ફોટોગ્રાફિક વેબસાઈટ માંથી મળી શક્શે.

બહાઈ સિધ્ધાંત

માનવજાતિની એક્તા, સત્યનું સ્વતંત્ર અન્વેષણ, બધા ધર્મોનો એક જ આધાર, વિજ્ઞાન અને ધર્મની આવશ્યક એકાત્મકતા, સ્ત્રિ અને પુરુષની સમાનતા, બધાંજ પૂર્વગ્રહોનો બહિષ્કાર, સાર્વભૌમિક અનિવાર્ય શિક્ષા તથા વિશ્વ શાંતિ

જે પોતાના દેશને પ્રેમ કરે છે તેના માટે એ એટલા ગૌરવની વાત નથી જેટલી ગૌરવની વાત એના માટે છે જે સંપૂર્ણ વિશ્વને પ્રેમ કરે છે. સંપૂર્ણ પૃથ્વી એક દેશ છે અને સમસ્ત માનવજાતિ તેના નાગરીક છે. – બહાઉલ્લાહ

બહાઈ ઉપાસના મંદિર વિષે અન્ય કોઈ પણ જાણકારી માટે બહાઈ ભવન, કૈનિંગ રોડ, નવી દિલ્હી ૧૧૦ ૦૦૧ ફોન ૨૩૩૮૯૩૨૬, ૨૩૩૮૭૦૦૪ પર લખી કે સંપર્ક કરી શકાય છે. તેમની વેબસાઈટ છે http://www.bahaindia.org  અને બહાઈ શ્રધ્ધાની આંતરરાષ્ટીય વેબસાઈટ છે  http://www.bahai.org

 – બહાઈ ઉપાસના મંદિર, દિલ્હીથી મળેલી માહિતિ દ્વારા સંકલિત


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “બહાઈ ઉપાસના મંદિર (લોટસ ટેમ્પલ)