જિંદગીની દડમજલ – વેણીભાઈ પુરોહિત 5


જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,

ચાલવું, સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન!

થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

જોઈ લેવું આપણે જોનારને પણ છૂટ છે,

આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

ભાનભૂલી વેદનાઓને વલૂરી નાંખવી

જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,

ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,

થોડુંક રહેવું ઘેનમાં થોડીક ઘૂરી રાખવી.

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,

જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી,

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,

ફૂંક સુરીલી અને બંસી બેસૂરી રાખવી.

બાજ થઈને ઘૂમવું અંદાજની ઉંચાઈ પર,

ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

– વેણીભાઈ પુરોહિત઼ (આચમન પુસ્તક)


Leave a Reply to gopalCancel reply

5 thoughts on “જિંદગીની દડમજલ – વેણીભાઈ પુરોહિત