ગાંધી ટોપી છે ને, એટલે ! 3


સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસની સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યા. બાજુવાળા એક ભાઇના હાથમાં મૂક્યાં, પોતાનું નામ સરનામું આપ્યું અને કહ્યું ;

“આટલા ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું!”

પેલા ભાઈએ સવાલ કર્યો, “બહેન, આપણે તો કોઇ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘરે પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?”

“તમારા શરીર પર ખાદી ને માથે ગાંઘી ટોપી છે ને, એટલે!

***********

પંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રુર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુક્તિનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું. સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. દરિદ્ર્નારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, અ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. “સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે,”એવા ઉદગાર ખુદ ગાંધીજીએ કાઢયા હતાં. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું, એમ સ્વરાજનાં અજવાળાંની રાહ જોઇને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું.

સ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું મહાલતું. અંબાડી પર બઠેલા રાજેન્દ્ર્બાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત એક બાપુ અમારી સાથે ધૂળમાં ચાલી રહ્યા હતા.

અંગ્રેજોના અપમાનિત રાજમાં અડઘી જિંદગી વિતાવી ચૂકેલા માણસ તરીકે મને એ વાતનો આનંદ છે કે હવે આપણે સ્વતંત્ર છીએ. પણ આજે જે છોકરાંઓ વીસ-પચ્ચીસીમાં છે, તેમને શું જોવા મળ્યું? રોજનાં છાપાંમાં તેમણે શું વાંચ્યું? ગાંધી-નહેરુનાં નામનો જાદુ એમના પર કઈ રીતે ભૂરકી નાખશે? ખાદીની ટોપી ચઢાવનાર જિલ્લા પંચાયતના પ્રમુખને દારૂ પીને ગાળાગાળી કરતો એમણે જોયો છે. પોલીસના ફોજદારને ગુંડાઓ સાથે હાથ મિલાવતો એ જોઈ રહ્યા છે. પોતાના છોકરાના માર્ક વધારવા માટ શાળાના માસ્તર પર ઘાકધમકી અજમાવતા અભણ સરપંચ એમણે જોયો છે. પોતાના માટે જીવ બાળનારું અહીં કોઈ નથી , એવું એને લાગે છે. “અમે છીએ ને તારે પડખે!” એવું કહેનારું કોઈ દેખાતું નથી.

યુવાનોનો આક્રોશ ઉછાળા મારે છે. આજની પેઢીને મૂલ્યોની કદર નથી, એવી બૂમાબૂમ થાય છે. પણ મૂલ્યોને કાજે બલિદાન આપનારા માણસો એમણે તો વરસોથી જોયાજ નથી. આજની પેઢીમાં આદરભાવના નથી, એવું કહેતી વખતે એમને આદર થાય એવા કેટલા માણસો આખા દેશમાંથી ચીંધી શકીશું?

-પુ.લ. દેશપાંડે (અનુ. અરુણા જાડેજા)

  [‘અખંડ  આનંદ માસિક’; ૨૦૦૪]


Leave a Reply to ઊર્મિCancel reply

3 thoughts on “ગાંધી ટોપી છે ને, એટલે !

  • ઊર્મિ

    ………

    ગાંધીજી વિશેનું કોઈ પણ લખાણ વાંચતા મસ્તક અચૂક ઝૂકી જાય છે…! આભાર જીજ્ઞેશ..!!

  • Hameed

    A trust, a faith still does exists.
    The respect and honor which you have tried to generate
    in the new generation is an excellent attempt.
    I congratulate you for that.
    Wish you best in the years to come.
    Regards.
    Hameed.