વાત એક દરજી દાક્તરની – બી. એન. દ્સ્તુર


જેણે શ્રી દસ્તૂર સાહેબજીના લેખો નહીં વાંચ્યા હોય તેણે ઘણુંય ચાર્મ ગુમાવીયું છે. એવનની લખવાની ઈસ્ટાઈલ અને લેખનપધ્ધતિ તમને હસતા હસતા બેવડ ન વાળીદે તો જ નવાઈ. આ લેખ તેમની આ હાસ્ય નિષ્પન્ન કરવાની હથોટીનો પુરાવો છે. હું એવનનો ઘણોજ સોજ્જો રેગ્યુલર રીડર છું…..અને તેમના લેખો ખૂબ માણ્યા છે. અને તેમના દરેક લેખને અંતે આવતા…..થોરામાં ઘનું સમજ્જો……વિષે તો શું કહેવુ?

________________________________

મંચેરજી બાવા અમારા પારસીઓમાં કે’ય તેમ ‘ફીટ કૉલર’. અંગ્રેજી હિંદુસ્તાન છોરી ગયેલા તા’રે એવને વારસો આપી ગએલા. સોજ્જું લડનથી ઇમ્પોર્ટ કરેલું શર્ટ અને ટાઇ વગર બહાર નીકળે જ નહીં. પછી પિકચર જોવા જવાનું હોય, બાજુની રોમાન્ટિક રતીને તાં ખોટ્ટાં બહાનાં કાઢી ખાંડ ને ચાય ઉધાર લેવા જવાનું હોય, કે ફિશ માર્કેટમાં મચ્છી ખરીદવા જવાનું હોય.

તબિયત સારી પન એક જ વારસો જૂની ફરિયાદ. કાનમાં કન્ટીન્યુઅસ ગુનગુન થયા કરે અને આંખના દોળા બહાર નીકળી પડવાના હોય એવી ફિલિંગ થયા કરે.આખ્ખરે એવન દાક્તર પાસે ગીયા. દાક્તરને કંઇ સમજ પરી નહીં એટ્લે ઈન્વેસ્ટીગેશન્સ શરૂ થયાં.

– લોહી,પેશાબ, ઝારો, થૂંક, વગેરે તપાસાઇ ગયાં.

– લીવર,કીડ્ની,પેનક્રિઆસ,થાઇરોડ ફેક્શન ટેસ્ટ થઇ ગઇ.

– એક્સરે,અલ્ટ્રાસાઉન્ડ અને કૅટ સ્કેન બી કરવામાં આવ્યાં.

– હાર્ટ સ્પેશિયાલીસ્ટે ઇ.સી.જી અને ઇકોગ્રાફી કીધાં.

– યૂરોલોજિસ્ટે સિસ્ટોગ્રાફી પાયલોગ્રાફી અને પ્રોસ્ટેટોગ્રાફી. કીધી

– ન્યુરોલોજિસ્ટ ઇલેક્ટ્રોએનસિફેલોગ્રાફી અને ઇલેક્ટ્રોન્યુરોગ્રામ કરાવીયા.

– ગૅસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટોએ ઇલેક્ટ્રો સેલાઇવોગ્રાફી અને ઇલેક્ટ્રોગૅસ્ટ્રોગ્રાફી કીધી.

– દાંતના દાક્તરે સાત દાંતની રૂટ કૅનાલ કીધી.

– આંખના દાક્તરે ઇલેક્ટ્રોનિસ્ટેગમોગ્રાફી કીધી.

– કાનના દાક્તરે એન્ડોસ્કોપી કીધી અને એક જનરલ સર્જને ટૉન્સિલ, એપન્ડીક્સ કાઢી નાખ્યાં.

મંચરજી બાવાને બે કુંવારાં ફૂઇ, એક કુંવારાં માસી, એક કુંવારા કાકા અને એક કુંવારી બેન ના વારસાઓ મલેલા એટ્લે એવને પૈસા તો ખર્ચી નાખીયા પન કાનમાંનું ન ગુનગુન ગીઉ કે નહીં આંખના દોળા બહાર; એવનની તબિયત બગરી આવી. સું હોશે? શં હોશે? ના વિચારે એવનનો લાઇફમાંનો ચાર્મ મરી ગીઓ. બે ચાર જનાએ એવનને ટાઇ વગર બી જોયા. મેં તીસ વરસ મેડિકલ કંપનીઓમાં નોકરી કીધેલી અને મારા દોસ્તોને મારાં નૉલેજ પર ધનો ભરોસો. ‘નીમ હકીમ, ખતરે જાન’ વાલી કહેવત પર એ લોકોને ઓછો ભરોસો. હારેલા, થકેલા મંચેરજી બાવા મારી પાસે આયા.

મેં બધા જ રિપોર્ટો જોયા.પેલા મહમ્મદ રફી સાહેબના મશહૂર ગાયનની માફક ‘ઉપર સે દેખા, નીચે સે દેખા, આગે સે દેખા, પીછે સે દેખા,’જેવું કીધું પન જેમાં પેલા ધુંરધર સ્પેશીઆલિસ્ટોને કંઇ સમજાયલુ નહી તેમાં મને શું સમજાય? દાક્તરો પાસે એક ટર્મ છે- P.U.O. પાઇરેક્સા ઑફ અનનોન ઓરિજિન, તાપ કાંય આવી તેની ખબર નહિ પરે તો કહેવાય P.U.O.મને એ યાદ આવતાં મેં ક’યું મંચેરજી , તમુને થયોચ ‘D.U.O.’

  ‘D.U.O.’એટલે શું ?

  ‘P.U.O.નો મોટો ભઇ’.

       ‘P.U.O.એટલે શું ?’

  ‘P.U.O એટલે પાઇરેક્સીયા ઑફ અનનોન ઓરિજીન અને D.U.O. એટલે ડિઝિઝ ઑફ અનનોન ઑરિજીન.’

‘હવે શું થશે?’

‘કોઇ બી ધરીએ કંઇ બી થઇ જાય તો કહેવાય નહિ.

‘સું કરું?

‘તમારી આગળ પાછળ કોઇ છે નહિ.’ મેં સલાહ આપી.’ એક કામ કરો. જે થોરા ઘના દિવસો તમારી પાસે છે તેમાં લાઇફ ઍન્જોય કરી લેવ. ફાઇવ સ્ટારમાં જમો. લંડનનાં રેડીમેડ શર્ટને બદલે કોઇ રેપ્યુટેડ દરજી પાસે જાપાનમાં ઇમપોર્ટેડ કપડાનાં શર્ટ સીવડાવો. સ્કૉચ પીઓ. તમારીલાઇફ અને પૈસા એકસાથે પૂરા થાય એવું પ્લાનિંગ કરો. પૈસા વધે તો મારા નામ પર કરજો.’

મંચેરજી બાવા એમ બી શોખીન જીવ તો ઉતા જ, તેમાં મારી સલાહ. જાને કે વાંદરાને નિસરની મલી ગઇ. એવને તનસો રૂપિયે મિટરના ભાવનું શર્ટનું ઇમ્પોર્ટેડ કાપડ ખરીદી લીધું અને ગીઆ સૌથી મોંઘા ને જાણીતા દરજી વાસવાની ટેલર્સમાં.

ખાનચંદ વાસવાનીએ માપ લેવા માંડ્યું. ખભા-૧૭; લંબાઇ-૨૨; કૉલર-૧૫ ૧/૨

મંચેરજી બાવાએ બ્રેક મારી.

‘એ સાંઈ, હું વરસોથી સાડા ચૌદ ઇંચનો કૉલર પહેરુંચ. સાડા પંદર થઇ કા’થી   ગીયા?’

વાસવાની એ કહ્યું ‘વડી સાંઈ,દરજી હૂં છું કે તમે? મને મારું કામ કરવા દેની.’

મંચેરજીનું છટક્યું, ‘એ સાંઈ, મે તને ક’યું કે હું સાડા ચૌદં ઇંચના જ કૉલર પે’રુચ?

વાસવાની એ હાથ માંથી મેઝરીંગ ટેપ નીચે નાખી દીઘી.

વડી સાંઇ, ગરમ ના થવાની. જો આતલા ફીટોફીટ કૉલર પે’રસોની તો કાનમાં મધમાખી ધૂસી ગઈ હોય તેમ ગુનગુન થશે ને આંખના ડોળા બહાર નીકળી આવશે.’

મંચેરજી બાવા આજે સ્કૉચ પીએચ, ફાઇવ સ્ટારમાં જમેચ અને વીલમાં નામ મારે બદલે વાસવાનીનું લખવાના છે એમ બધ્ધાને કે’યચ.

થોરામાં ઘનૂં સમજજો.

સાહેબજી.

– બી. એન. દ્સ્તુર

( પુસ્તક – હાસ્ય નિબંધ સંચય; સંપાદકો ભોળાભાઈ પટેલ અને રતિલાલ બોરીસાગર માંથી સાભાર;

પ્રાપ્તિસ્થાન – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. કિંમત ૧૦૦.૦૦ રૂ. )


Leave a Reply to ArchanaCancel reply

0 thoughts on “વાત એક દરજી દાક્તરની – બી. એન. દ્સ્તુર