વાહ અમેરિકા આહ અમેરિકા ! – તારક મહેતા 14


અમે ગ્રેહાઉન્ડ બસમાં ફ્લોરીડાથી ન્યૂયોર્ક અમારા યજમાનને ત્યાં પહોંચ્યા તે દિવસોમાં આપણા દેશમાંથી એક નામાંકિત સંતપુરુષ ન્યૂયોર્ક પધાર્યા હતાં અને એમનું ધર્મકથાપરાયણ ત્યાં ચાલી રહ્યું હતું. અમેરિકાના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ ગુજરાતીઓ કામધંધામાંથી રજા લઈ પારાયણ સાંભળવા ન્યૂયોર્કમાં ઉમટ્યા હતા. એમ તો શ્રીદેવી કે અમિતાભના સ્ટેજ શો જોવા યા લતા મંગેશકર કે પંકજ ઉધાસને સાંભળવા પણ ગુજ્જુઓ પડાપડી કરતા હોય છે. ગુજરાતમાંથી કોઈ કવિ કે સાહિત્યકાર પધારે ત્યારે શ્રોતાઓને સામેથી નિમંત્રવા પડે છે. અમેરિકાના ગુજરાતીને સૌથી વધારે રસ ધાર્મિક કથાકીર્તનમાં હોય છે, તે પછી મનોરંજનમાં તેમને રસ ખરો. ગુજરાતી સાહિત્યમાં એને રસ નહીં (આમ તો ગુજરાતમાં પણ સાહિત્યકારને સાંભળવા ક્યાં પડાપડી થાય છે?)

ચંપકલાલના પેટલાદના લંગોટિયા મિત્ર છબીલદાસના પુત્ર રમણભાઈને ત્યાં અમે અગાઉ ઉતરેલા ત્યારે છબીલદાસે અમને આખું ન્યૂયોર્ક દેખાડી દીધેલું પણ અમે ફ્લોરિડાથી એમને ત્યાં પાછા ગયાં ત્યારે એ પ્રસન્ન ન થયાં. કારણકે એમને કથાશ્રવણમાં રસ હતો તેમાં વળી ચંપકલાલે છબીલદાસની દુઃખતી નસ દબાવી.

“છબા, આપણે તો નાનપણમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, હત્નારણની કથાનાં ઘણાં પારાયણ હાંભળ્યાં છે. હવે એ હાંભળીને શું ઉધ્ધાર થવાનાં ! આ તારા રમુડાનાં છોકરાઓને હાંભળવા મોકલી આલ. છોકરાં માંશ મચ્છી ખાતા થઈ ગયા છે, વટલાઈ ગયા છે. વાતવાતમાં તને ડેમ ફૂલ કહેતા થઈ ગયાં છે. એમને કાને કથાના બે વેણ પડે તો એમનામાં કોઈક સંસ્કાર જાગે. બાકી કથા હાંભળીને તારો શું શક્કરવાર વળવાનો ! કથામાં વાર્તા તો એ ની એજ ને? કૈકયી એ રામને વનવાશ ધકેલ્યા, રાવણ શીતાજીને ઉપાડી ગયો. રામે રાવણનો કચરો કર્યો ને શીતાજીને પાછા લઈને પાછાં વનમાં ધકેલ્યાં. મુંબઈ થી અમે નીકળ્યા ત્યારે ટીવી પર કંઈ રામાયણ દેખાડતાં’તા. આવા તે કંઈ રામ લક્ક્ષ્મણ હોતા હશે? આપણે પેટલાદમાં રામલીલા જોવા જતાંતા એવા ખેલ કરે છે ટીવી વાળા. એનાં કરતાં તો ઘેર બેસીને મારી કથા હાંભળ”

છબીલદાસ છંછેડાયા. ગુસ્સાથી એમના કાન પતંગિયાની પાંખોની જેમ ફરફરવા લાગ્યા. નાકનું ટેરવું પણ પિસ્તોલની નળીની જેમ ચંપકલાલ ભણી તગતગ્યું.

“ચંપુ, બહુ ફિશિયારી ના કર. મારાં છોકરાની પટલાઈ કર છઅઅ. એને બદલે તારું પોતાનું હંભાળને ! ના જોયો હોય તો મોટો કથા કહેવાવારો, એલા, તારી ઉંમરે તો આપણે ત્યાં લોકો ચાર ધોમની જાતરા કરવા જાય તાણ તને વરી ઓંય અમેરીકા આવવાના હવાદ ઉપડ્યા. અમે તો વખાના માર્યા ઓંય કમાવા આયા શીએ. પણ તારું ઓંય શું દાટ્યું છે? મારા રમુના છોકરાઓને તો નેહાળમાં પરાણે મોંશમોંટી ખવડાવે છે. પણ તારો ટપુ તો ઓંય આવતાવેંત હોટ્ડોગ કૈડવા મંડ્યો તેનું શું? નકામી તારી બધી શફ્ફાઈ જવા દે. પાશલી ઉંમરમાં તને મોજમજાહ કરવાનો કીડો ઉપડ્યો છે તે લખ્ખણ હારા નહીં આ અમે તો પાપ ધોવા હારૂ કથા હોંભરવા જઈએ છીએ પણ તું તો પાપનાં પોટલાં બોંધવા અઓંય દટાયો છે. મારાં મોંમાં ઓંગરા નાખીને વધારે બોલાયેશ નઈ, નઈ તો કોંક મારાથી ના બોલવાનું બોલાઈ જાશે

બે ખડૂસો વચ્ચે ખટકી ગઈ અને તે પણ ધર્મની બાબતમાં.

“બોલી નાખ, બોલી નાખ, છબા ઓકી નાખ, કથા હાંભળીને જે કંઈ શીખ્યો હોય તે હંભળાય એટલે તારે કાળજે ટાઢક થાય.”

બંને વચ્ચે જુગલબંધી જામી. સાંભળવાની તો મજા આવી સાથે સાથે એ પણ સમજાઈ ગયું કે હવે એમને ત્યાં પડ્યા રહેવાનો કશો અર્થ ન હતો. આમે અમારે ઘણું જોવાનું બાકી તો હતું જ. રાત્રે એમના સ્ટોર પરથી આવેલા રમણભાઈએ પણ એ જ કહ્યું.

“રમણભાઈ, યોર પંકજ મેડ વેરી ગડબડ” અમેરીકાના રંગે રંગાયેલા જેથાલાલે અંગ્રેજીમાં અખતરા કરવા માંડ્યા. “અમારે વોશિંગ્ટન જોવું તું પણ યોર પંકજ અમને પરાણે ટુક અસ ઈન વન મેરેજ. એટલે અમે ફસાઈ ગયા, એન્ડ વેન્ટ ટુ ફ્લોરીડા. ધેન પોલીસનું લફરું હેપન્ડ સો અમે ગભરાયાં એન્ડ કેમ બેક.”

“યૂ આર મોસ્ટ વેલકમ જેઠાભાઈ !”

“યા….યા” જેઠાલાલે દીધે રાખ્યું.

“બાપુજી, બોમ્બે જઈને તમે યા…યા… ન બોલતા” અમારી વાતો સાંભળતો ટપુ બોલ્યો.

“વ્હાય, વ્હાય?”

“મરાઠીમાં યા યા એટલે આવો આવો એવું બધા સમજે, તમે ત્યાં યા – યા બોલ્યા કરશો તો બધા મરાઠી આપણા ઘરમાં ઘૂસી જશે” પિતાને ઉલ્લુ બનાવી રાજી થયેલો ટપુ નફ્ફટાઈથી હસ્યો. જેઠાલાલ તપ્યા.

“શટ અપ શેતાન, ડોન્ટ બી વેરી ચાંપલા, ગેટ આઉટ, મોટા મોટા ટોક કરતા હોય ત્યારે ડોન્ટ ટોક ઈન ધ મીડલ, ગો…ગો….નહીં તો આઈ ગીવ યુ વન ડાબા હાથના લાફા”

“આવું અંગ્રેજી બોલશો તો કોઈ ધોળિયા વીલ ગીવ યુ બંને હાથના લાફા” કહી ટપુ ભાગી ગયો. હું અને રમણભાઈ ખૂબ હસ્યા. ટપુ પાછળ દોડવાની તીવ્ર ઈચ્છા પર માંડ માંડ કાબૂ મેળવી જેઠાલાલ ક્ષોભથી આંખો મટમટાવતા બેસી રહ્યા.

 – વાહ અમેરિકા આહ અમેરિકા ! – તારક મહેતા

તારક મહેતાનું વાહ અમેરિકા આહ અમેરિકા ! – હાસ્ય સફરકથાઓમાં આનો જોટો જડે તેમ નથી. વાંચીને પેટ ન દુઃખે તો જ સારું. ટપુ, જેઠાલાલ, ચંપકલાલ અને વાર્તામાં સતત ગૂંથાતા નવા પાત્રો, ઘટનાઓ અને આવું બધું મળીને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.


Leave a Reply to gopal parekhCancel reply

14 thoughts on “વાહ અમેરિકા આહ અમેરિકા ! – તારક મહેતા