હાલરડું અને મમત્વ 9


” આભમાં ઊગેલ ચાંદલો,

ને જીજાબાઇને આવ્યાં બાળ –

બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.

શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે. “

આ કે આવા અન્ય કેટલાંય હાલરડાં એ દરેક નાનકડા ભૂલકાંનો હક છે અને દરેક માતા પિતા કે દાદી કે દાદાની ફરજ….આપણી સંસ્કૃતિનું એક મોટામાં મોટું જમાપાસુ છે કે બાળક હજીતો તમારી ભાષાય નથી જાણતું કે સમજતું તે જ વખતે સંસ્કૃતિ અને સમાજજીવનની વાતો તેના લોહીમાં દૂધ સાથે ઉતારવાની આ એક સર્વોત્તમ ગોઠવણ છે. બાળક ભલે ગમે તેટલું રડતું હોય કે તોફાન કરતું હોય, પણ માતાના મોંઢે જેવુ હાલરડું સાંભળે છે ત્યારે તદ્દન નિર્ભેળ આનંદ તેના ચહેરા પર છલકાય છે, જાણે ભોળા શંકર આ વિશ્વની તમામ ખરાબીઓ, તમામ અનાચારને હણીને શાંત થઈ સૂતા હોય તેમ તેના ચહેરા પર તદ્દન સામાન્ય પણ ખૂબ ઉંડી શાંતિ છલકાય છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,

વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.

જેવા હાલર્રડાઓ ખબરનહીં કઈ રીતે એ નાનકડા બાળ મન પર એવી અસર નાખે છે કે બાળક પોતાની માતાના ખોળામાં પરમાનંદની જાણે કે સમાધિની અવસ્થામાં સૂઈ જાય છે … હું જ્યારે જોઉં છું કે મારી પુત્રી તેની મમ્મી કે ફઈના ખોળામાં હાલરડુ સાંભળતાવેંત જ સૂઈ જાય છે ત્યારે થાય કે આ થી વધારે સંતોષની ઉંધ કઈ હોઈ શકે. મારા મમ્મી મને કહેતા કે નાનપણમાં તને ખોળામાં લઈ આંખ મારી ઉઘડે ત્યાં તો…..કે મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારો….વાળી પ્રાર્થના ગાતા કે હું તરત સૂઈ જતો…..તો મારી દીકરી “પરી રાણી…તમે આવો..ઉડતા ઉડતા દેશ તમારે, હાર્દીને લઈ જાઓ….”વાળુ હાલરડુ સાંભળી સૂઈ જાય છે…

અજબની દુનિયા છે હાલરડાની … આજના આધુનિક સમયમાં જ્યારે દૂધ બોટલોમાં ભરીને અપાય છે, ઈલેક્ટ્રોનીક ઘોડીયા ચોક્કસ ફ્રીક્વન્સીથી હીંચકે છે અને ડાઈપર ક્યાંય ભીનાશ નથી રહેવા દેતું ત્યારે માતાના હાલરડામાં રહેલી મીઠાશને કોઈ પણ ગાયક, કોઈ પણ સંગીત, તે માતાથી વિશેષ મમતામય નહીં બનાવી શકે.

તમે કયું હાલરડું સાંભળી સૂઈ જતા હતા?…ખબર છે?

 

 


Leave a Reply to hemant doshi Cancel reply

9 thoughts on “હાલરડું અને મમત્વ