એક દિકરીની લાગણી – વિકાસ બેલાણી 23


“હેલ ભરીને હું તો હાલું ઉતાવળી,

                       નક્કી આંગણીયે કોક મે’માન આવે”

સૌરાષ્ટ્રના એક પ્રસિધ્ધ લોકગીતની આ પંક્તિઓ છે. ગુરૂવાર તારીખ ૨૮/૦૮/૨૦૦૮ ના રોજ બપોરે ત્રણ ને વીસે એક મોંઘેરા મહેમાને મારા ઘરમાં, હ્રદયમાં પા પા પગલી પાડી, તીણા મધુર રૂદનથી મારા જીવનમાં સંગીતના સુરો રેલાવ્યા, અને એક પુત્ર, ભાઈ અને પતિ પછી પિતાનું બિરૂદ અપાવ્યું. હા….મારે ત્યાં એક વ્હાલસોઈ દિકરીનો જન્મ થયો.

જરા વિસ્તારથી કહું તો ગંભીર થઈ ગયેલી શારીરિક પરીસ્થીતિઓ વચ્ચે જ્યારે મારી પત્નીએ ઓપરેશન દ્વારા તેને જન્મ આપ્યો, ત્યાં સુધી મારા શ્વાસો મારા કાબૂમાં નહોતા….પણ જ્યારે ઓપરેશન સફળતા પૂર્વક પૂરૂં થયુ અને મારી દિકરી મારા હાથમાં આવી ત્યારે આંખમાંથી દડ દડ આંસુ નીકળી ગયા….એ હતા ખુશીના, સંતોષના.

Vikas Belani's daughter

Vikas Belani

મારી હંમેશાની ઈચ્છા કે મારે એક દિકરી હોય અને દેખાવમાં તેની મમ્મી જેવી હોય, તેને ઈશ્વરે પૂરેપૂરૂં માન આપ્યું. મને એક સુંદર દીકરીની ભેટ આપી, એક દિકરીનો બાપ બનવાની ખુશી જેને મળી, તે મહાભાગ્યશાળી. મેં મારી આ ખુશીને ખૂબ માણી….મારી ગોદમાં જ્યારે મારી દિકરીને પહેલીવાર મારા ખોળામાં લીધી તો લાગ્યું કે જગતની તમામ સંપત્તિ, સમૃધ્ધિ અને ખુશી મને મળી છે. કહે છે કે બાપને પોતાની દિકરી અને માંને તેનો દિકરો વહાલો હોય છે. આજે જ્યારે લોકો બેટી બચાવો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે અને હજીય જે લોકો દિકરીને ગર્ભમાં જ મારી નાખવા માંગે છે તેમને મારે એટલું જ કહેવાનું કે એકવાર તમારી એ માસૂમ દિકરીને ગોદમાં લો, તેની આંખોમાં જુઓ, તેના માથા પર હાથ ફેરવો, અને જો તોય તમને એવી જ ક્રૂર ઈચ્છા થાય તો તમને ગમે તેમ કરો. પણ એવું બનવુ શક્ય જ નથી, તેનો સ્પર્શ તમને પથ્થર માંથી ફૂલ બનાવી દેશે…એની આંખોમાં વહાલનો દરીયો ઘૂઘવશે અને એ તમારી આંગળી પકડશે તો છોડવાનું મન નહીં થાય. તમેય મારી જેમ દિકરીમય બની જશો…

લોકોને પુત્રજન્મ થાય છે ત્યારે કહેતા હોય છે કે મારે તો સાત ખોટનો દિકરો છે….અને પુત્રી થાય તો ખોટ? એક વડીલે મને અભિનંદન આપતા કહ્યું કે ક્યારેક દુઃખી થઈશ તો માથે હાથ ફેરવવાવાળી બીજી માં મળી ગઈ….દિકરી બાપને દુઃખી જોઈ શક્તી નથી અને સમય આવે માંની હુંફ પણ આપતી હોય છે.

દિકરો આવે તો પેંડા અને દિકરી આવે તો જલેબી? કેમ ભાઈ આવી અલગ પ્રથા? કાલે કદાચ તમારો દિકરો યુવાન થઈ પગભર થશે પછી તમે તેના જન્મ વખતે વહેંચેલા પેંડાની બદલે તમને પુરેપૂરો ખોરાક આપશે જ? કે પછી કદાચ એક ટંકના રોટલા માટેય ટટળાવશે? દિકરી જો કદાચ તમને નહીં ખવડાવી શક્તી હોય તો પોતેય ભૂખી રહેશે, પણ તમારી આંતરડી કકળાવીને પોતાનું પેટ નહીં ભરે.

દિકરી વિષે આમ તો ઘણુંય લખવાનું છે. પણ અત્યારે તો એટલું જ કહું કે કાંઈ કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા હોય અને પ્રભુના દરબારમાં એક દિકરીના પિતા હોવાની લાયકાત તમે બતાવી હોય તો જ આ “સ્પેશીયલ ફેવર” તમને મળે…અને મિત્રો જો તમારામાંથી કોઈને દિકરી ન હોય તો માફ કરશો….એ તમારા માટે ઈર્ષ્યા નો વિષય છે….

મિચ્છામી દુક્કડમ

વિકાસ બેલાણી


Leave a Reply to Aruna Cancel reply

23 thoughts on “એક દિકરીની લાગણી – વિકાસ બેલાણી