આજની ઘડી રળિયામણી – નરસિંહ મહેતા 4


નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિથી કોણ અજાણ્યું હશે? ભણે નરસૈયો જેનું દરશન કરતા…….તો ગુજરાતના ધરેઘરમાં પ્રખ્યાત છે. આજે પ્રસ્તુત છે એવી જ એક ભક્તિસભર પ્રાર્થના મારે આજની ઘડી રે રળિયામણી….વહાલા એવા શ્રી કૃષ્ણના આવ્યાની વધામણી આપતું આ ગીત તેમની કૃષ્ણ પ્રત્યેની લાગણી ખૂબ સરસ રીતે દર્શાવી જાય છે.

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.


Leave a Reply to sureshCancel reply

4 thoughts on “આજની ઘડી રળિયામણી – નરસિંહ મહેતા