સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ 23


રાજુલા થી હનુમાનગડાની યાત્રાનું વર્ણન તથા ફોટા ગઈ કાલે પોસ્ટ કર્યા હતા. આજે તેનાથી આગળની યાત્રા ….

હનુમાનગડા થી સત્તાધાર :

હનુમાનગડાથી નીકળ્યા પછી ધારી થી વીસાવદર થઈ સત્તાધાર પહોચ્યા. સત્તાધાર માં આપા ગીગાનો આશ્રમ છે. એક આશ્રમ સત્તાધારના વળાંક પર છે … થોડે આગળ જતા બીજો આશ્રમ છે. આપા ગીગાના અનુયાયીઓમાં ફાંટા પડ્યા હોવાથી આશ્રમ આ રીતે બે ભાગમાં છે, પણ મુખ્ય આશ્રમ પછી છે. અમે આગળના આશ્રમમાં રાત રોકાયા. આશ્રમ માં પહોંચીને બાપુને પગે લાગ્યા, તેમણે તેમના માણસોને કહી અમારા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાત્રીના સાડા નવ થયા હતા, અમે જમ્યા, અને પછી બાપુ પાસે આવી ડાયરામાં બેઠા. વીસાવદરના એક ભાઈ અર્જુનના પરક્રમો ત્રિભંગમાં વર્ણવતા હતા, મજા પડી, પછી ખબર પડી કે આ તેમની શીધ્ર રચનાઓ  હતી. બીજા એક ભાઈએ પણ સોરઠીયાઓની વીરતાને આલેખતા દુહા લલકાર્યા. સાડા દસે અમે સૂવા ગયા. અમને ચાર જણા વચ્ચે એક રૂમ મળ્યો હતો, પણ બધી સગવડ સાથે, ગાદલા ગોદડા ઓશીકા વગેરે બધી જ સગવડ, અને આશ્રમ અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. થાકના ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી, સવારે સાડા ચાર વાગ્યે આશ્રમના એક ભાઈએ આવી જગાડ્યા તો એમ લાગ્યું કે હજી થોડી વાર જ સૂતા છીએ.

બધા પ્રાતઃકર્મ થી પરવાર્યા, નહાઈ ધોઈને અમે નીકળ્યા મુખ્ય આશ્રમ તરફ, ત્યાં પ્રભુ દર્શન કર્યા, કેવડાની સુંદર સુવાસ વાતાવરણને અતિશય ભક્તિસભર બનાવતી હતી. પછી લક્ષમણ કુંડ જઈ થોડી વાર બેઠા. અમારા મિત્ર માયા ભાઈ એ તેમના પુત્ર માટે બંધૂક લીધી ને પુત્રી માટે પ્લાસ્ટીકનો રસોડાનો સામાન. લક્ષમણ કુંડ થી પાડા પીર ના સમાધિસ્થાન પર ગયા. કહેવાય છે કે અહીં જે પાડો હતો તેને કતલખાને લઈ ગયા ત્યારે તેને મારવાના કરેલા બધા પ્રયત્નો નકામા ગયા, કરવતો તૂટી ગઈ પણ તેને કશુંય ન થયું. તે પાડાને પછી અહીં પાછો લાવવામાં આવ્યો અને તેની લાંબા સમય પૂજા થઈ, લોકોની તેનામાં અપાર શ્રધ્ધાએ તેના મૃત્યુ પછી અહીં તેનું સમાધિસ્થાન બનાવ્યું છે. ત્યાં દર્શન કરી અમે ગીર તરફ આગળ વધ્યા.

Pada pir samadhi at sattadhar

સત્તાધાર થી કનકાઈ (ગીર નેશનલ પાર્ક) :

સત્તાધારના મુખ્ય આશ્રમથી ડાબા હાથે એક રસ્તો જાય છે, જે જુનાગઢના રામપરા ગામ તરફ લઈ જાય છે. રામપરા એક અમરેલી જીલ્લામાં છે તેને રામપરા ૨ કહે છે જ્યારે આ ફક્ત રામપરા તરીકે ઓળખાય છે. અહીંની જગ્યા રૂપલ આઈની જગ્યા તરીકે પણ પ્રસિધ્ધ છે, જેમના ચમત્કારો અને કિસ્સા અહીં બધે ખૂબ પ્રસિધ્ધ છે. રામપરા તરફ જતા બે ફાંટા પડે છે, એક ગામ તરફ અને એક જંગલ તરફ, જેવા અમે જંગલ તરફના ફાંટા પર નીકળ્યા કે કુદરતની મહેરબાની અમને દેખાવા લાગી, આંખો ના ધરાય તેવુ અપ્રતિમ સૌંદર્ય અહીં કુદરતે છુટ્ટા હાથે વિખેર્યું છે. ચારે તરફ હરીયાળી જ હરીયાળી, થોડે દૂર હરણ દેખાયા તો તરત કેમેરાની ચાંપો દબાવાનું ચાલુ થઈ ગયું. પછી આગળ વધતા રસ્તો બગડતો ગયો અને સાંકડો થતો ગયો. ત્રણેક કિલોમીટર થી જંગલ શરૂ થઈ ગયું, અને થોડે જ આગળ એક નદી પસાર કરવાની આવી, તેમાં બહુ પાણી તો હતુ નહીં પણ પાછો અમારા વાહનચાલક -સારથીનો મગજ બગડ્યો … “આ તો રસ્તો છે? ઓંય આવી ગાડી હેંડે તો કમની હેંડે?” ઓંય તો યુટીલીટી કે સૂમો જ જોઈએ”, પણ હવે જ્યારે ઈનોવા લઈને અહીં પહોંચી ગયા તો ડેલે હાથ દઈને પાછા જવું? મેં કહ્યું “પાણી બહુ ઉંડુ નથી, તમે જવા દો, વળી નીચે રેતી જ છે, જો અટકશે તો અમે ધક્કો મારીશું”, બધાએ સાથ પુરાવ્યો એટલે એણે હિંમત કરી, ગાડી સરળતાથી નીકળી ગઈ, અને જરાક આગળ વધ્યા તો હરણના ટોળે ટોળા અમારી ગાડીના અવાજથી દોડતા હતા …. અમે બધા સ્તબ્ધ થઈ ગયા. નેટ જીઓ કે ડીસ્કવરી પર જ જોયેલા આવા દ્રશ્યને જોઈ હું અવાચક થઈ ગયો.

Sattadhar Temple

Tulsi Shyam Temple

હવે વારો હતો જંગલ ખાતાની ચેક પોસ્ટનો. ગેટ ખોલાવવા અમે ત્યાંના રેન્જરને વિનંતિ કરી. તે સૂતા હતા (લગભગ આખી રાત સિંહો પાછળ દોડ્યા પછી તે વહેલી સવારે સૂતા હતા) અમે ઉઠાડીને અંદર જવાની -જવા દેવાની વિનંતિ કરી, તો કહે આ ગાડી જરાય આગળ ન જાય, અને ધક્કો મારવા અંદર જંગલમાં કોઈ મળશે નહીં, વાધ અને સિંહ ફરતા હશે એટલે તમેય ફસાઈ જશો … એના કરતા માંડી વાળો …

અમે વિનંતિ કરી કે અમને કનકાઈ બાધા પૂરી કરવા જવું છે તો જવા દો, એ કહે ભલે તો તમારી પહોંચ બનાવી આપું એ લઈ જાવ, મને એમ કે આ પૈસા ખંખેરવાના કાવત્રા હશે પણ તે પાવતી ફ્રી હતી, પછી કહે કેમેરા કયા છે? એક કેમેરાના સો રૂપીયા થાય….પૈસા આપતા હતા ત્યાં અમારી સાથેના માયા ભાઈની વાત સાંભળી તે કહે “તમે ક્યાંના છો?” અમે કહ્યું અમે વડોદરાના …માયા ભાઈ એ કહ્યું કે તે ભેરાઈ – રામપરાના છે તો પેલા ભાઈ આનંદથી ઉછળી પડ્યા, “અરે મારા સાહેબ પહેલા કહો ને … લો આ પૈસા અને કોઈ પહોંચની જરૂર નથી.” અમે કહ્યું “અરે એમ થોડુ હોય” … તેમને છેલ્લે પચાસમાં મનાવ્યા. પછી માયાભાઈ અને તે બંને વાતોએ વળગ્યા, કખગ શું કરે એ અને ફલાણા ફલાણા આ વખતે અમરનાથ જઈ આવ્યા, આમના છોકરાની આમની છોકરી સાથે વાત ચાલે છે જેવી વાતો કરતા હતા … અમે ઉભા ઉભા આ ક્લાસ પૂરો થવાની રાહ જોતા હતા, પણ વાતો પરથી પેલા ભાઈની એકલતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી, ટાઈમના ઠેકાણા વગરની નોકરી, જંગલ ફરવા સારૂ લાગે પણ નોકરી કરવા? તેમનો એક માત્ર સહારો તેમનો વાયરલેસ, જેના પર ફુલ વોલ્યુમ માં તેમના જેવાજ ફોરેસ્ટ રેજ્નર્સ વાતો કરતા હતા, જાણે અસ્સલ ડાયરો જોઈ લ્યો … તે ભાઈ અમને કહે, તમને માહિતિ આપું સાંભળો, અહીંથી ત્રણ કિલોમીટર પર સિંહનું ટોળુ છે, બે ત્રણ દિવસથી ત્યાં જ છે, આસપાસ જોતા જશો તો ક્યાંક દેખાઈ જશે. … ગીર અભયારણ્યનો દરવાજો ખુલ્યો અને અમે પ્રવેશ્યા એશિયાઈ સિંહોના રાજમાં …

Sattadhar Temple

Sattadhar Temple

હરણના ટોળા, એકલ દોકલ ચીત્ળ, સાંબર, કળા કરતા મોર અને આસપાસ ફરતી ઢેલ, કૂદાકુદ કરતા વાંદરા … આ બધુંય જાણે ટીવી માં જોતાહોય તેમ લાગે, પણ બધુંય સાક્ષાત, તમરા સિવાય કોઈનો અવાજ નહીં …અમારી ગાડીના અવાજથી હરણ ભાગી જતા એટલે અમે એક જગ્યાએ ગાડી રાખી થોડુ ચાલતા, ગાડી પછી આવે એટલે થોડેક આગળ જતા, અચાનક સિંહની ત્રાડ સંભળાઈ, નજીકમાં જ ક્યાંક મારણ કર્યું હોય એવો અવાજ આવ્યો અને પછી તરત બધુંય સ્મશાનવત શાંત, અમે ગાડીમાં જઈ બેઠા, થોડી વાર પછી આસપાસ બધેય શોધ્યું પણ ક્યાંય સિંહ દેખાયા નહીં … આગળ વધતા ગયા અને સિંહ શોધતા ગયા …..રસ્તો ખરાબ ને ખરાબ થતો ગયો … કીચડ વધતુ ગયું … ગાડી ઘણી વાર ફરી જતી પણ હવે જાણે ડ્રાઈવરને ટેવ પડી ગઈ હતી, રસ્તામાં બે મોટા વહેળા ગાડીએ પસાર કર્યા, અને છેલ્લે એક નાનકડો પુલ પસાર કર્યો અને અમે પહોંચ્યા કનકાઈ માતાના મંદિરે.

મને કાયમ પાવાગઢ પર્વત પર ચઢતી વખતે વિચાર આવે કે માતાજી આવા ઉંચા પહાડ પર જ કેમ રહેતા હશે? આ જંગલ ને જોઈ ફરી થયું કે માતાજી કાયમ અઘરી જગ્યાઓ પર જ રહેવા જાય છે. મંદિર સરસ છે, માંડ ચાર પાંચ જણ ત્યાં કાયમ રહે છે. અમે પહોંચ્યા તે પહેલા એક વાઘ મંદિરની ગાયને નહોર મારી ગયો હતો, લોકોએ હોંકારા પડકારા કર્યા એટલે ભાગી ગયો પણ બચવા માટે કૂદતી ગાય લપસી અને પગ ભાંગી બેઠી, વળી નહોરના મારથી તે અધમૂઈ થઈ ગઈ અને તેના બંને પગ સોજી જવાથી ફસડાઈ પડી. ત્યાંના નેસ ના એક ભાઈ ગરમ પાણી થી ગાયને ઝારણ કરવા લાગ્યા. (ગીર જંગલમાં આવેલી નાની નાની માનવ વસ્તીઓ જેમાં મુખ્યત્વે માલધારી રહે છે તેને નેસ કહે છે, ગીરના આવા નેસ માં ૨૦૦૦ જેટલા લોકો રહે છે.)અમે મંદિર તરફ આગળ વધ્યા. કનકાઈ માતાજી ના દર્શન કર્યા. મંદિરના મહારાજ કહે, “વહેળા પાસે રસ્તો ખૂબ માટી અને કીચડ વાળો છે, તમારા ડ્રાઈવરે ખરી હિંમત કરી, નહીંતો એક ટ્રેક્ટર ત્યાં ખોળ લઈને આવતુ હતુ ત્યારે ફસાયું હતુ તો છેક ત્રણ કલાકે નીકળ્યું.”

Kankai Temple

Kankai Temple

શ્રાવણ મહીના ના પહેલા દિવસે જ કનકાઈ માતાજીના મંદિરની બાજુમાં ઝરણાની પાસે આવેલા સુંદર શિવાલયમાં મેં પૂજા કરી, શિવને જળાભિષેક કર્યો અને મન આનંદિત થઈ ગયું. મહારાજે અમને ચા પીવડાવી. અમે પાછા જવા માટે પ્રવાસ શરૂ કર્યો. માયાભાઈ કહે આપણે બાણેજ જઈએ, મહારાજ કહે વચ્ચે નદીનો પુલ તૂટેલો છે અને રસ્તો આના કરતાંય વધુ ખરાબ છે….દલીલો પછી તેમની ઈચ્છા ન હોવા છતા અમે પાછા ફર્યા. વળતો પ્રવાસ વધુ ખરાબ હતો કારણ કે જે ઢોળાવ ઉતરી અમે સરળતાથી આવી ગયા એ ઢોળાવ પર ગાડી માંડ માંડ ચઢતી. જરાક આગળ ગયા તો પેલા ચેકપોસ્ટ વાળા ભાઈ મળ્યા. “સિંહો તમારો પીછો કરતા ત્રણ કિલોમીટર આવ્યા, તમારાથી અડધા કિલોમીટર અંતરે જ હતા. હમણા જ એક પાડાનું મારણ કરી એક સિંહ અને બે ત્રણ સિંહણ નેસ માં ઉતરી ગયા, હજીય ત્યાં જ છે….પણ એ નેસ મુખ્ય રસ્તાથી ત્રણ કિલોમીટર છે…અને રસ્તો નહીં જેવો જ છે…” એવી માહિતિ આપી તે કનકાઈ તરફ ગયા. અમે પાછા જ વળવુ એમ નક્કી કર્યું કારણ કે ગાડી બે કિલોમીટરમાં ત્રણ વાર ધક્કા મરાવી ચુકી હતી, ધક્કા મારવા નીચે ઉતરીએ તો પગ લપસતા અને પગને ટેકો આપવાની જગ્યા ય ક્યાંય ન મળતી કે જેથી ધક્કો મારી શકાય, મહા મુસીબતે હરણો અને ચીતળો જોતા જોતા અમે આગળ વધ્યા, રસ્તામાં બે સાબર દેખાયા, મને સાબર ના શીંગડા વાળી વાર્તા યાદ આવી ગઈ.

Group of deer in gir national park

Group of deer in gir national park

ગેટ પસાર કરી આગળ વધ્યા અને જેવો વહેળો પસાર કર્યો કે ગાડી ગોળ ફરી ગઈ અને માટીમાં તેના ટાયરની છાપ પાડતી “હવે આગળ નહીં જઉં કે નહીં હલું” વાળી જીદ પકડી ઉભી રહી ગઈ. ધક્કા માર્યા તો ય ન હલે, પછી પાછળ ધક્કા માર્યા તો ય ન હલે….”ચ્યમના નેંકળીશું?” કહેતો ડ્રાઈવર માથુ ખાય… આ બધામાં બે જણા એ ધક્કા માર્યા અને એક પાછળ ટાયર પર પથ્થર મૂકતો ગયો, જરાક આગળ વધી કે ત્રણેય જણા ધક્કો મારવા ગયા, ડ્રાઈવરે ગાડી ફુલ રેસમાં લીધી અને જાણે માટી ગારા ની પેસ્ટનો વરસાદ થયો, ગાડી તો આગળ નીકળી ગઈ પણ અમે માટીમાં નહાઈ લીધું….એમ ને એમ જ ગાડીમાં બેસી ગયા….ક્યાંક પાછો ધક્કો મારવો પડે તો? જંગલની બહાર નીકળ્યા પછી એક ઝરણા પાસે ગાડી ઉભી રાખી કપડા બદલ્યા અને ધોયા, પછી સત્તાધાર આવી પાઉંભાજી ખાધી અને તુલસીશ્યામ જવા આગળ વધ્યા. લીલો વનરાજી થી ભરપુર રસ્તા, ડુંગરા પર ઝળુંબતા વાદળ, અને સુંદર વાતાવરણ … મૌજા હી મૌજા … જલસા પડી ગ્યા, અને તેમાંય વળી ડ્રાઈવરે મનહર ઉધાસની આગમન આલ્બમની સીડી વગાડી. તુલસીશ્યામ ક્યારે પહોંચી ગયા ખબરજ ન પડી. ત્યાં શ્યામસુંદર ભગવાનના દર્શન કર્યા. કહે છે કે તુલા નામના રાક્ષસને ભગવાને જ્યારે માર્યો ત્યારે તેણે એક માંગણી કરી કે મને હવે દરેક જન્મ તમારી ભક્તિ મળે, પ્રભુએ તેને તથાસ્તુ કહ્યું અને સાથે આશિર્વાદ આપ્યા કે તારૂ નામ અહીં મારા નામની આગળ આવશે, આ રીતે નામ પડ્યું તુલસીશ્યામ (તુલસીશ્યામની કથા કહેતી સીડી મળી છે, ક્યારેક અપલોડ કરી આપ સૌ સાથે વહેંચીશ.) દર્શન કર્યા, ગરમ પાણીના કુંડમાં પગ બોળ્યા અને રૂક્ષ્મણી મંદિર માં દર્શન કર્યા જે ત્યાં એક ટેકરી પર છે. અને ત્યાંથી પાછા રાજુલા થઈ મહુવા આવવા નીકળ્યા.

કુદરતના ખોળે જીવન મુકવાની કદાચ હવે હિંમત નથી રહી, જૂના જમાનામાં જેમ લોકો મહીનાઓ સુધી પ્રવાસ કરતા તેમ હવે થઈ શકે તેમ નથી પણ આવી એકલ દોકલ વન ભટકન ની ત્તક હું અચૂક ઝડપી લઉં છું. તારક મહેતા કહે છે તેમ મનેય સફર-જન બનવું ગમે છે. ખૂબ મજા પડી, ફરી આવવાના વિચાર સાથે આ પ્રવાસ સુંદર યાદો આપી ગયો.

આ પ્રવાસના ફોટોગ્રાફ્સ જોવા અહીં ક્લિક કરો. રેઝોલ્યુશન ઘટાડ્યું નથી એટલે ફોટો લોડ થવામાં સમય લગાડે છે પણ એક વખત લોડ થઈ જાય પછી સુંદર દ્રશ્યો જોવા મળશે.

– જીગ્નેશ અધ્યારૂ (૪-૮-૨૦૦૮)


Leave a Reply to Ram Cancel reply

23 thoughts on “સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ