મુશાયરો – વિષય છે મૃત્યુ 5


મૃત્યુ એટલે જીવન નો આખરી મુકામ, સફર નો અંત અને અંત પછીનો આરંભ. કોઈ ની ઈચ્છા પૂછી ને નથી આવતુ આ મોત, એ તો ક્યારેક ખૂબ ભયંકર તો ક્યારેક તદન શાંત, ક્યારેક વિકરાળ તો ક્યારેક દયાજનક. આજે આ મૃત્યુ ના થોડા રૂપો ને કવિઓ એ કેવી રીતે આલેખ્યા છે એ જોવાની ઈચ્છા થઈ.

મનોજ ખંડેરીયા કહે છે કે મૃત્યુ એટલે શરીર માં થી સૂક્ષ્મ તત્વ ના ગમન ની ક્રિયા. કાયા માં થી વિખૂટી પડતી ચેતના ને જ એ મૃત્યુ માને છે.

એ ઘટના ને કોઈ કહી દેશે મૃત્યુ
અલગ થઈ જતી મારી કાયા ને હું

મોત પછી મુક્તિ છે એ વાત ને જો માની લે તો એ કવિ શાના ? ઘાયલ તો કહે છે કે મોત પછી કોઈ ફરક નથી પડતો..

તને કોણે કહી દીધું મરણ ની બાદ મુક્તિ છે?
રહે છે કેદ એ ની એ ફક્ત દિવાલ બદલે છે.

હરિન્દ્ર દવે મૃત્યુ ને સૂક્ષ્મ રીતે જુએ છે, સ્થૂળ રીતે નહીં, તેઓ કહે છે

મ્હેક માં મ્હેક મળી જાય તો મૃત્યુ ના કહો
તેજ માં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો
રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો

હેમેન શાહ તો વેદ ના પંચ તત્વ વાળા શરીર નું અનુમોદન અનોખી રીતે કરતા તેને વહેંચણી ની એક ક્રિયા કહે છે….

મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા

ચંદ્રેશ શાહ તો કાળ ની મેલી મુરાદો જન્મ સાથે જ છતી થઈ જાય છે એમ કહેતા લખે છે કે

જન્મની સાથે જ મૃત્યુ નો ચુકાદો હોય છે
કાળ ની પણ કેટલી નિર્મમ મુરાદો હોય છે

તો આ મૃત્યુ ની અનિવાર્યતા ને રમેશ પારેખ આમ કાવ્ય બધ્ધ કરે છે

માર્ગ માં આવે છે મૃત્યુ ની પરબ
જ્યાં થઈ હર એક રસ્તા નીકળે

ભગવતિકુમાર શર્મા તો મોતને ભેટવાની તેમની તૈયારી આમ છતી કરે છે

મોત જો મોડુ કરે તો હું શું કરૂં,
મારી તો હંમેશ તૈયારી હતી.

કોઈક વ્યક્તિ વિશેષની હાજરી ય મોત સુધારે છે, ઘાયલ આ જ મતલબ જો શેર કહે છે

‘ઘાયલ’ જીવન શું મારૂ મરણ સુધરી ગયું
કે અંત વેળા એની સતત હાજરી તો છે…

મરીઝ તેમની અનોખી અદામાં મોત વેળા પણ ઐયાશી માં નથી માનતા, કહે છે

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’
કે હું પથારી માં રહું ને આખુ ધર જાગ્યા કરે…

અને બેફામ નો અંદાઝ – એ – બયાં તો જુઓ, મૃત્યુ ને પણ અવસર માને તે વીરલા જ આ કહી શકે…..તદન સ્વાભાવિક પ્રસંગ જેટલુ જ મહત્વ તેઓ મૃત્યુ ને પણ આપે છે અને કહે છે

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણ થી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી !

તમારૂ શું કહેવુ છે?

 – Compiled by Jignesh Adhyaru


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મુશાયરો – વિષય છે મૃત્યુ

  • Ch@ndr@

    મુશાયરો ====મ્રુત્યુ,,,,,વાહ કેટ્લિ સુન્દર રિતે પેશ કરિ છે
    ફરિ ફરિ વાચતો જ રહયો……

    ચન્દ્રા

  • Vijay Shah

    wonderful!

    saras sangrah Che

    hu maaru ek muktak (kachu) umeru?

    મૃત્યુ પછી પાછુ કોઇ આવતુ નથી કંઇ કહેવા
    ત્યાં સુખ છે કે દુઃખ તેનો અહેવાલ આપવા
    નક્કી ત્યાં છે ખુબ સુખ ભર્યુ તેથી તો જનાર
    આવતો નથી પાછો છોડી તે સુખોને કહેવા
    વિજય શાહ